રા' ગંગાજળિયો/છેલ્લું ગાન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← રતન મામી રા' ગંગાજળિયો
છેલ્લું ગાન
ઝવેરચંદ મેઘાણી
સુલતાનનો મનસુબો →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ છવીસમું
છેલ્લું ગાન

દૂ દૂર હાથક્ડીઓ અને પગ-બેડીઓના ઝંકાર સંભળાયા.

'એલા નરસૈયાને લાવે છે લાવે છે.' બેડીઓના રણઝણાટ નજીક આવ્યા.

ખુલ્લાં ખડગોવાળા પ્રહરીઓથી વીંટળાએલો ભક્ત નરસૈયો રાજસભામાં આવ્યો ત્યારે કીકીઆટા ઊઠ્યા. 'એલા એના કપાળમાં ટીલું નથી.'

'ટીલું તો હવે એને કપાળે ઘગાવીને ચોડી દેવું જોઇએ.'

'એનો વીઠલો હજી વારે ધાયો કેમ નહિ ? મારે બેટે આટલાં વરસ સુધી ધતીંગ હાંકે રાખ્યું, શ્રીહરિને દામોદરરાયજીને નામે.'

'એલા, તારા શ્રીહરિને તેડાવ ઝટ તેડાવ.' એને કોઇ આંગળી ચીંચી કહેતો હતો.

'આજ હવે રતનબાઇ પાણી નહિ પાય તે તરસે મરી જાજે.'

ભરસભામાં રા'માંડળિકે પ્રવેશ કર્યો. 'જય તિરથપતિ ! જય શંભુના ગણ : જય ગંગાજળિયા !' એવી રાડો પડી. એ બિરદોને ઝીલતો રા' પૂરેપૂરો લહેરમાં હતો. એના મોં ઉપર ગાંભીર્યની રેખા જ રહી નહોતી. પ્રજાવત્સલ અને લોકપ્રિય બનવાનો કોઇ અજબ મોકો એને જાણે આજ મળી ગયો.

નરસૈયાને ન્યાયકર્તાઓએ પૂછપરછ માંડી :-

'તું કોનો ઉપાસક છો ?'

'શ્રીહરિનો શ્રી કૃષ્ણનો.'

'એટલે શિવનો વિરોધી ખરો ને.'

'ના બાપ, મારો વાલોજી બીજા દેવથી જૂદા નથી. મારા શામળાજીમાં સૌ સમાઇ જાય છે.'

'જુવો મહારજ !' પુરોહિતો બોલ્યા : 'અન્ય દેવો એના દેવની અંદર સમાઇ ગયાનું કહે છે. પોતાના દેવની બડાઇ મારે છે.'

'તારો વાલોજી તારા ઘરનાં કામકાજ ઉકેલી જાય છે એવું તું લોકોને ભણતર ભણાવે છે ?'

'શ્રીહરિ તો સૌનાં કામકાજ ઉકેલે છે. બધાની આબરૂનો રખેવાળ શ્રીહરિ છે. મુજ સરીખા પ્રમાદીની, દુર્બળ ને દીનની એ વધુ સંભાળ રાખે છે.'

'તારે નાવાનું ગરમ પાણી પણ પ્રભુ ઠંડું કરી જાય છે ખરું ?'

નરસૈયો શું બોલે ?

'તારી છોકરીનું મામેરું ય પ્રભુ પૂરી આવે, ને છોકરાના વીવા પણ પ્રભુ ઉકેલી આવે !ખરું !'

'શ્રીહરિ સિવાય મારું રેઢીઆળનું તો બીજું કોણ પાર પાડે ?' 'તારા શ્રીહરિને તેં એકેય વાર આમ રૂપ ધરીને તારાં કામ કરતા નજરોનજર દીઠા છે ?'

'ના રે ના ! રાધેશ્યામ કરો મહારાજ. મેં કદી નથી જોયા. મુજ સરખા પાપીને એનાં દર્શન ક્યાંથી થાય ?'

'ત્યારે તું પોતાને પાપી માન છ. એટલો વળી ડાહ્યો ! ને પરદેશીઓના પારકા પૈસા લઇને ખોટેખોટી હુંડી પણ તેંજ લખી આપેલીને ?'

નરસૈયો ન બોલ્યો. એ ભૂલનો એને પસ્તાવો હતો.

'પછી આ રતન નાગરાણીને તારે શું સગપણ હતું ?'

'એ મારાં મામી હતાં. વાલાજીનાં ભક્ત હતાં.'

'એના જ હાથનું પાણી પીવામાં કાંઇ વિશેષ ભજન-રસ પડતો હતો ? કોઇ પુરુષ નહિ, તારી સગી સ્ત્રી કે પુત્રી નહિ, કોઇ બુઢ્ઢી નગરનારી નહિ, ને આ રાતી રાણ જેવી રતનમામી જ તને પાણી પાય એવાં વ્રત પણ તારે વાલેજીએ જ લેવરાવ્યાં હશે, ખરું ?'

'રતનમામી શ્રીહરિને વહાલાં હતાં. કેમકે મુજ સરીખાં એ પણ દીન હતાં, હરિનાં શરણાગત હતાં.'

'ને તુજ સરીખાં પાપી પણ હતાં, એમ કહી દે ને ?'

'પાપી નહોતાં. પાપીને પુનિત કરવાવાળાં હતાં. મારે વાલેજીએ જ મારી સારસંભાળ લેવા એને મેલ્યાં હતાં.'

'એનું મોત કેમ થયું ? તારો વિરહ સહી ન શક્યાં એથી ને ?'

'વાલાજીએ પોતાને શરણે બોલાવી લીધાં હશે. મને પાપીને રઝળતો મેલી ગયાં. મને કહ્યું પણ નહિ. મને જરીક ચેતવ્યો હોત ! આ પાણી છેલ્લી વારનું છે એટલું ય જો મને ગઇ રાતે કહ્યું હોત !'

આંહી નરસૈયો ન્યાયકર્તાના સવાલનો જવાબ નહોતો દેતો, પણ એની આંખો આખી કચેરી પર દસે દિશ ભમતી હતી ને એ બોલતો હતો. માણસો એની આંખોમાં દડ દડ વહેતી અશ્રુધારા દેખતાં હતાં. અનેક પ્રેક્ષકો એની મજાક મશ્કરી કરવા આવેલાં છતાં રતનમામીની વાત પર નરસૈયાના મોં ઉપર ઘોળાતી કરુણાદ્રતા નિરખીને તેઓ પણ અનુકમ્પાયમાન થયાં.

રા'એ પૂછ્યું : 'હેં ભક્તજી ! તમે તો ગો-લોકમાં વિચરી આવ્યા છો, હરિનું રાસમંડળ નજરે જોઇ આવેલ છો, તો તમે ત્યાં અપ્સરાઓ પણ જોઇ હશે ને ? અપ્સરા કેવી હોય, વર્ણવી તો દેખાડો.'

'બાપ, મને ખબર નથી. મેં જોઇ નથી. મને ભાસ થયો કે હું હરિની પુરીમાં ગયો. પણ મેં ત્યાં બે જ જોયાં છે. એક કૃષ્ણ ને એક રાધિકા.'

'રતન મામી તો હવે અપ્સરા થશે ને?'

'મને શી ખબર મહારાજ ?'

'અને હેં ભક્તરાજ !' રા'એ પૂછ્યું :'રાજકુટુંબમાંથી તમને કોઇક મનભાવતી છૂપી મદદ પહોંચાડે છે એ વાત સાચી ?'

'કોણ મદદ પહોંચાડે છે ને કોણ નહિ, એ મને કશી ખબર નથી. મદદ તો મારા વાલાજી વગર કોણ કરે ?'

'વાલા વાલાની વાત કરતો હવે સીધું બોલને શઠ !' રા'ના દાંત કચકચતા હતા. માંડળિકની આવી આછકલી તબિયત પ્રજાએ કદી નહોતી દીઠી. નરસૈયો કશું ન બોલ્યો. એક નાગરે કહ્યું -

'અને નાગરોના જ્ઞાતિભોજનમાં હાડકાંના નળા લઇ લઇ ચાંડાલોને પણ એણે જ પેસાડેલા મહારાજ !'

'તારે કંઇ કહેવું છે ભગત ?'

'ના મારા વાલાજી.'

તપાસ પૂરી થઇ.પુરોહિતો સાથે મંત્રણા કરી રા'એ ફેંસલો સંભળાવ્યો.

'જૂનાગઢનો નરસૈયો પાખંડ ચલાવે છે. પરસ્ત્રીઓને ફસાવે છે. અજ્ઞાનીઓને ભોળવી ઊંધા માર્ગે ચડાવે છે. જો એ રાધાકૃષ્ણની આ લંપટ ભક્તિ છોડી દ્યે, તો જ જીવતો રહી શકશે. ને ગોપીનો પંથ ન છોડે તો પછી એ સાબિત કરી આપે કે એના શ્રી દામોદરરાયજી સાચા છે અને સાચેસાચ એને ભીડમાં સહાયકર્તા બને છે. દામોદરરાયજીના મંદિરમાં પ્રભુની મૂર્તિના ગળામાં જે ફુલહાર છે, એ હાર જો પ્રભુ નરસૈયાના કંઠમાં પહેરાવી જાય, તો જ એ જીવે, નહિ તો કાલ પ્રાતઃકાળે, સર્વ પ્રજાજનો નજરે નિહાળે તેમ આ ધૂર્તનું માથું ઘાતકની કુહાડી ધડથી જુદું કરશે.'

માથું અને ધડ કુહાડીથી જુદાં થશે, એ શબ્દો બોલાતાં તો બધી આંખો નરસૈયાના ગળા ઉપર નોંધાઇ ગઇ. એ ગળું ગોરું હતું. એ ગળામાંથી રેલાતી સૂરોની ધારાઓ લોકોએ પચીસ વર્શોથી પીધી હતી. વળતા દિવસ પ્રભાતથી આ ગળું ગાતું બંધ થશે.

લોકોની નજર ગળાથી ચડતી ચડતી ઉપર જતી હતી ને સુંદર મસ્તક્ને સ્પર્શ કરતી હતી; લોકોની નજર ગળાથી નીચે ઊતરતી ઊતરતી નરસૈયાના ક્ષીણ છતાં સંઘેડા-ઉતાર ઘાટીલાં અંગોને ઝીણવટથી જાણે સ્પર્શ કરતી હતી.આટલો કોમળ દેહ, નાગર માતપિતાનાં પરમાણુંમાંથી નીપજેલો આ હેમવરણો દેહ : અડતાં પણ જાણે એની ગુલાબ-પાંદડીઓ ખરી જશે એવી બ્હીક લાગે : જોતાં પણ એની ઉપર આપણી જ પોતાની નજર લાગશે એવી ચિંતા લાગે.

એ શરીર પર કાલે કુહાડો ઉતરશે ?

અત્યાર સુધી લોકોને તમાશો હતો, હવે લોકોને હેબત બેઠી.

નરસૈયો તો રા'નો હુકમ વંચાયો ત્યારે પણ જેવો ને તેવો જ ઊભો હતો. લોકોમાંથી કેટલાકને હજુ આશા હતી કે નરસૈયો તો રા'ને શરાપી ત્યાં ને ત્યાં ભસ્મ કરશે. પણ આ અપમાનની ઝડીઓ ઝીલતો નરસૈયો દિવ્ય તેજથી પરવારી ગયેલો લાગ્યો. નરસૈયાને બંદીવાસમાં પાછો લઇ ગયા ત્યારે લોકો ટીખળ કે ઠઠ્ઠા ન કરી શકયા. સૌને થયું કે નરસૈયો રાતમાં ને રાતમાં કાંઇક ચમત્કાર કરે તો સારૂં.

કોઇને એમ ન થયું કે એ ચમત્કાર કરે તે કરતાં આપણે જ આ અધર્માચારની સામે થઇને રા'ને ઘોર પાતકમાંથી ઉગારીએ.

નરસૈયો પોતેજ કાંઇક પરચો બતાવે એ આશા વગર બીજું લોકબળ ત્યાં બાકી રહ્યું નહોતું.

હાથમાં કડી ને પગમાં બેડીઓ: એના ઝંકાર નરસૈયો બંદીવાસ તરફ જતો હતો ત્યારે એના પગલે પગલે સંભળાતા હતા. કોઇ કહેતું હતું કે ઝંકાર તાલબંધી હતા. નરસૈયો હાથમાં કરતાલ લઇને ગાતો અને નેવળ પગમાં પહેરી નૃત્ય કરતો ત્યારે જે રૂમઝુમાટ નીકળતા તેને જ મળતા આ ઝંકાર હતા. મનમાં મનમાં એ શું કાંઇક ગાતો જતો હતો ?

રાત પડી. પ્રહર દોટદોટ પગલે ચાલવા લાગ્યો. પહેલા પહોરે પ્રહરીઓએ રા'ને ખબર દીધા કે બંદીવાસમાં કેદી ચૂપચાપ બેઠો છે. બીજું કાંઇ કરતો નથી. રા'એ આનંદમાં આવી સૂરા લીધી. બીજો પહોર બેઠો. નરસૈયો ચૂપચાપ બેઠો છે એવા ખબર રા'ને પહોંચ્યા. રા'એ ફરીવાર મદિરાની પ્યાલીઓ પીધી. રા'ના રંગમહેલમાં સુંદરીઓના નાટારંભ શરૂ થયા.

ત્રીજો પહોર - નરસૈયો કંઇ કરતાં કંઇ જ નથી બોલતો, નથી ગાતો, માત્ર હાથપગની કડીઓ બેડીઓ ઝંકારતો ઝંકારતો કશાક સૂરો બેસારી રહ્યો છે ને બોલે છે " 'વાલાજી મારા ! જતાં જતાં એક જ હોંશ અંતરમાં રહી જાય છે; વાલા, કેદારો ગાઈને તમને મીઠી મીઠી નીંદરમાંથી જગાડી નહિ શકું. અને આ ભવમાંથી વિદાય લેતે લેતે હે બાળગોપાળ ! તમને હું કાળીનાગ કાળીંગા સાથે જુદ્ધમાં નહિ લડાવી શકું. શું કરૂં શામળા ! મારો કેદારો તો તળાજે રહ્યો. ને કેદારા વગરનું મારું ગાણું તમને આ બે વર્ષથી સંતોષી શકતું નથી તેય જાણું છું. બીજું કાંઇ ગાવું નથી. ગાવો'તો એક કેદારો : ગાઇ શકત તો મરવું મીઠું લાગત.'

પ્હો ફાટતી હતી ત્યારે એકાએક બંદીવાસમાંથી સૂરાવળનો ગબારો ચડ્યો. રાતભર આસવો પીતો જાગતો રહેલ રા' ઝોલે ગયો હતો તેઅમાંથી નીંદર ભાંગી ગઇ. કોઇ ક ગાતું હતું -

'એ જી વાલા હારને કારણ નવ મારીએં
હઠીલા હરિ અમુંને
માર્યા રે પછી મોરા નાથજી
દોષ ચડશે તમુંને
એ જી વાલા હારના સાટુ નવ મારીએં....

.

'પ્રતિહારી !' રા'એ બહાર અટારી પર આવી બેબાકળા પહેરગીરને પૂછ્યું : 'કોણ ગાય છે, નરસૈયો ?' 'હા મહારાજ.'

ત્યાં તો નવા સૂર ઉપડ્યા. પરોડનું પદ્મ ઊઘડતું હતું તેમ સૂરોની પણ પાંખડીઓ ખુલતી હતી.

'એ જી વાલા ! ગલ રે ફુલન ફેરો હારલો
ગૂંથી લાવોને વેલો,
માંડળિક મુજને મારશે રે
રવિ ઊગ્યા પેલો
વાલા હારના સાટુ.....

રા'ને વિસ્મય થયું :'આ કેદારો રાગ ક્યાંથી ? નરસૈયાએ ઘરેણે મૂકેલો કેદારો કોણ છોડાવી લાવ્યું ? આ કેદારો જેમ જેમ ગવાતો જાય છે તેમ તેમ મારો પ્રાણ ગભરાટ કેમ અનુભવે છે ? મનમાં મુંઝારો કેમ થાય છે ? એલા દોડો, કોઇક એને કેદારો ગાતો બંધ કરો. એને મોંયે હાથ દાબી વાળો. એ કેદારો ગાય છે ને મને થાય છે કે મારો ઊપરકોટ ને ગરવો પહાડ ક્યાંઇક ઓગળી જશે. એલા કોઇ સાંભળતા કેમ નથી ? ઝટ નરસૈયાને કેદારો ગાતો અટકાવો.'

પહેરગીરોને પૂરી સમજ પડે તે પૂર્વે તો રા' પોતે અણવાણે પગે ને અધૂરે લૂગડે બંદીવાસ તરફ દોડ્યો. ત્યાં જઇ એ પણ સ્તબ્ધ ઊભો રહ્યો. ને કેદારાના સૂર વણથંભ્યા વહેતા રહ્યા -

એ જી, વાલા, અરધી રજની વહી ગઇ
હાર કેમ ન આવ્યો,
દેયું રે અમારી દામોદરા !
બંધીવાન બંધ છોડાવો...
વાલા હારના સાટુ નવ મારીએં.

એકલો બેઠો બેઠો નરસૈયો ગાતો હતો. પાસે તંબૂર નહોતો, કરતાલ નહોતી. હતી ફક્ત હાથ પગની શૃંખલાઓ. એ તાલસૂર પૂરાવતી હતી, ને નરસૈયો ગળું મોકળું મેલીને ગાતો હતો.

* * *

જૂનાગઢ શહેર પણ અરધુંપરધું જ ઊંઘતું હતું. તેણે વહેલાં ઊઠીને નરસૈયાનો તાલ જોવા જવા તૈયારી કરી હતી. ઊપરકોટને બારણે ગિરદી જામી ગઇ હતી. સૂર્યોદયને ઝાઝી વાર નહોતી. ઊપરકોટની અંદરથી ઊંચે વાયુમાં ઉપરા ઉપરી કેદારાના પ્રભાતીસૂર ગગનારોહણ કરતા હતા : સાંભળનારા નગરજનો નવાઇ પામતા હતા. 'નરસૈયો મરવાની તૈયારી કરી રહ્યો લાગે છે. પણ છેલ્લાં બે વર્ષથી કદી ન ગાયેલા આ કેદાર-સૂરનો લલકાર આજ ઓચિંતો શાથી ? એ સૌને કહેતો'તોને, કે કેદાર ગાવાની તો મારા વાલાજીની મના છે.'

આકાશ રૂધિરવરણું બન્યું ને સૌ દરવાજા સામે તાકી રહ્યા. 'એ હવે નીકળ્યો સમજો!'

નીકળ્યો તો ખરો, પણ નોખા જ રંગઢંગમાં : ઊપરકોટમાંથી ચાલ્યા આવતા નરસૈયાને હાથે કડી નથી, પગે બેડીઓ નથી : ગળામાં ગલફૂલનો હાર છે. પહેરગીરો એને પગે લાગતા ચાલ્યા આવે છે.

દરવાજા પર આવીને પહેરેગીરોએ હાથ જોડી કહ્યું, 'ભક્તજી ! હવે આપ છૂટા છો. પધારો.'

'રાધેશ્યામ ! મારા વાલાજી ! સહુને રાધેશ્યામ. તમને મેં બહુ કોચવ્યા. માફ કરજો દાસને.'

એમ સામે જવાબ વાળતો નરસૈયો દરવાજેથી એકલો નગર તરફ ચાલી નીકળ્યો. લોકોની ઠઠ ચકિત બની જોતી જોતી ઊભી રહી ગઇ. રા'ના પ્રહરીઓ જેને પગે લાગ્યા હતા, તેની બેઅદબ કોણ કરી શકે ! સૌ કૌતુકમાં ગરકાવ હતા.

બજાર સોંસરવો નરસૈયો ચાલ્યો જતો હતો : ને લોકવાયકા એની ય મોખરે ચાલી જતી હતી, 'એનો કેદારો કોક રાતોરાત છોડાવી લાવ્યું. ને કેદારો ગાયે પ્રભુ રીઝ્યા.'

'પ્રભુ તો રીઝયા હો કે નૈ, પણ માંડળિકે પરોડના પહેલા ઉજાસમા નરસૈને કંઠે કોઇક અદૃશ્ય બે હાથ હાર આરોપતા દીઠા.'

'નજરબંદી કરી હશે.'

'તે વગર કાંઇ કરડો રા' એને છોડે ?'

'અરે મહારાણી કુંતાદેએ રા'ને ટાઢો દમ દીધો હશે.'

'કુંતાદે તો અહીં ક્યાં છે ? એ તો હોય તો રા' આટલું ય કરી શકે ?

'આટલું એટલે કેટલું? કાલની વાત તો સૌ જાણે છે, પણ પરમ દિ'ની રાતની વાત કોઇ જાણો છો ?'

'શું વળી ?

'કુંતાદે પરમ દિ' સવારે જ જાત્રાએ સીધાવ્યાં, ને પરમ દિ' રાતે રા'એ -વીશળ કામદારના ઘરમાં-કામદારની ગેરહાજરીમાં-'

'ચૂપ ચૂપ.'

'મને તો આ હાર ફાર વાળી વાત ખોટી લાગે છે. આપણો રા' હવે તો અપ્સરાઉં ગોતે છે ખરો ને, તે નરસૈયે ઇ કામ માથે લીધું હશે.'

લોકવાયકા ઘેરઘેર જુદા ખુલાસા આપતી ઘૂમી વળી. રા' આખો દિવસ બહાર નીકળ્યો નહિ. ને નરસૈ મહેતાના ચોરામાં રાતે જ્યારે ભાવિકો બ્હીિતા બ્હીતા પણ ભેળા થયા, ત્યારે ફરી ભજનો મડાયાં. મોડી રાતે કંઠે શોષ પડ્યો, ત્યારે અન્ય સૌને આછો આભાસ થયો - એક સ્ત્રીના હાથમાં જળની લોટી છે. ભક્ત નરસૈયો અંતરિક્ષમાં હોઠ માંડે છે. લોટી ઝાલનાર આકૃતિની ધૂમ્રછાયા વાયુમાં ઓગળી જાય છે.

પ્રભાતિયાં બોલીને નરસૈયે સૌને હાથ જોડી કહ્યું : 'વાલાજીનાં સૌ સ્વરૂપો ! આજથી આપણા છેલ્લા જેગોપાળ છે : હવે પાણી પાનારને વારંવાર શ્રમ આપવો નથી : બહુ દૂરથી એને કાયા ધરી મહાકષ્ઠે આવવું પડે છે. હવે નરસૈયો ગાશે નહિ.'