લખાણ પર જાઓ

રા' ગંગાજળિયો/સૂરોનો સ્વામી

વિકિસ્રોતમાંથી
← ચકડોળ ઉપર રા' ગંગાજળિયો
સૂરોનો સ્વામી
ઝવેરચંદ મેઘાણી
રતન મામી →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ ચોવીસમું
સૂરોનો સ્વામી

ણાં વર્ષો પર જે ઊના ગામનું પાદર ભાટ ચારણોનાં ત્રાગાંએ ગોઝારું કરી મૂક્યું હતું તે જ પાદર આજે મૃદંગ, પખ્વાજ, અને તંબૂરના સૂરે તાલે સચેતન બન્યું છે. એક ખોખરા ગાડામાંથી પાંચ સાત પુરુષો ઉતરે છે. તેમની મૂછો મુંડેલી છે, તેમના કપાળમાં ટીલાં છે. તેમના પોષાક મશ્કરી કરાવે એવા છે.

'એલા છોકરાંઓ.' એમાંના એક જણે નીચા લળી, ત્યાં એકઠાં થયેલાં તાલમબાજ છોકરાંને પોતે છોકરાં જેવડા થઇને જ કહ્યું : 'અમારૂં ગાવું ને નાચવું જોવું છે ?'

'હા હા.' છોકરાં આ પુરુષના સ્વાભાવિક બાલભાવ તરફ ખેંચાઇ આવ્યાં.

'જો જો હો ત્યારે !' એમ કહી હાથમાંની કરતાલ કટકટાવતે એ પુરુષે ઊંચી ભૂજા કરી ગાન ઊપાડ્યું -

અરે નાગર નંદજીના લાલ !
રાસ રમતાં મારી નથડી ખોવાણી

ચલતીના તાલમાં એ ગીત બીજા બધા સોબતીઓએ પોતપોતાના સાજ પર ઝીલવા માંડ્યું. જમાવટ થઇ ગઇ. છોકરાં ન રહી શક્યાં. એણે પણ નૃત્યમાં પોતાના નાના પગનાં પગલાં મિલાવ્યાં. ગવરવાનારો પુરુષ નીચો નમી નમીને નખરાં કરવા ને ફેરફુદડી ફરવા લાગ્યો. ને પછી જ્યારે -

રાધાજીની નથડીનો
કાનુડો છે ચોર-ચોર-ચોર

નાગર નંદજીના લા...લ !
રાસ રમતાં મારી નથડી ખોવાણી

એ 'ચોર-ચોર-ચોર'ના તાલ દેતી થપાટો મૃદંગ પર પડી, ને ગવરાવનારનાં કરતાલ ઝટકોરાયાં, ત્યારે છોકરાંની ટોળી ગઝબ તાનમાં આવી ગઇ.

'બાકીનું ગીત સાંભળવું છે ને ?' ગવરાવનાર પુરુષે છોકરાંને સરખી વયના સાથી સમી નિર્મળ અદાથી પૂછ્યું.

'હા, અમારે નાચવું છે, ને ગાવું છે.' છોકરાં અધીર બન્યાં.

'ત્યારે તમે નાગરવાડામાં શ્રીરંગ મેતાનું ઘર જોયું છે ને ?'

'હા,' એક છોકરો બોલી ઊઠ્યો : ' કુંવલભાભી થે ઇ ઘલ ને ? કુંવલભાભી તો હજી હમલાં જ લોતાં'તાં. એ-એ-એ-કઉં, છું કામ લોતાં'તાં ? એ-એ-એ-એના બાપા છે ને, એના નલછીયા બાપા છે ને, તે ધૂનાગઢથી આવા નૈ, અતલે.'

'ઠીક ત્યારે' એ પુરુષે કહ્યું 'જો બચ્ચા, તું જા, તારી કુંવરભાભીને કહી દે કે લોવે નહિ, નલછિયા બાપા આવા છે, આવા છે.' 'કાં છે?'

'હું-હું-હું પોતે નલછીયો બાપો.'

'અલલ ! લે ! આવા નલછૈયા બાપા હોય ?' બાળક હસી પડ્યાં.

'લો છોકરાં ! મારાં ભઇલાં કરૂં. હાલો શ્રીરંગ મહેતાનું ઘર બતાવો. આપણે બજારમાં ગાતા ગાતા ને નાચતા કૂદતા જઇએ. મઝા પડશે ખરૂં ?'

ખોખરા ગાડામાં , ગળીઅલ બળદો જોડાવીને પાંચ-સાત સાધુડાંની સાથે આવેલા એ નરસૈયા-ભક્તનું કીર્તન-મંડળ જ્યારે ઊનાની બજારમાં છોકરાંની ઘાંધરથી વીંટળાઇને ગાતું ને ઊછળી ઊછળી નાચતું નીકળ્યું, ત્યારે ઊના શહેરના ખીખીઆટા ચાલ્યા ને નરસૈયાના વેવાઇ શ્રીરંગ મહેતા શરમાતા શરમાતા સામા આવ્યા. દીકરાના નાગર સસરાના વિચિત્ર રંગઢંગ દેખીને સહી લેવું સહેલ નહોતું. ઊના શહેરે દૂરથી સાંભળેલો નાગર નરસૈયો પહેલી વાર જ નીહાળ્યો. પોતાની આબરૂના કાંકરા થતા જોનાર વેવાઇએ આ તમાશો અટકાવવા માથાકૂટ કરી તે નિષ્ફળ ગઇ. ગામલોકો ટોળે વળ્યાં. ગલીએ ગલીએ સ્ત્રીઓ છોકરાં તેડી તેડી ઘેરે વળી. મેડીઓની બારીઓ, ઝરૂખા ને ગોખ રવેશો જાણે જીવતા બન્યા. પણ ભગતડો નાગર નરસૈયો કોઇ વિચિત્ર પાણી હશે તે ભ્રાંતિ ભાંગી ગઇ. લોકલાગણી સંગીતભૂખી હતી. ધંધારોજગારમાં ને વ્યવહારની ક્ષુદ્રતામાં સબડતાં નરનારીઓ કોઈ એક પ્રબળ રસોર્મિનાં પિપાસુ હતાં. તેમણે પોતાની જ આતમવાણીનો સ્પર્શ અનુભવ્યો. તેમણે નરસૈયાના કંઠમાંથી સૂરોની રેલમછેલ ચાલતી અનુભવી. પહેલા વરસાદમાં નાગાંપૂગાં થઇને નહાવા દોડતાં નાનાં બાળકોની જેવી અંતરોર્મિ સેંકડો નરનારીઓની બની ગઈ. તેમના પગ છૂપા છૂપા નરસૈયાના ગાનના તાલે તાલે થનગન્યા. સ્ત્રીઓ એકબીજીને પૂછતી હતી : 'આ વંઠેલો નથી લાગતો. આ ક્યાં વરણાગીઓ છે ? આની આંખો તો કશેય ભમતી નથી. આ તો એના ગાનમાં ગરકાવ છે.'

પણ નરસૈયાનું કીર્તન દૂર દૂર નીકળી ગયું, સેંકડો કાન ફરી પાછા સુકાઇ ગયા. પહેલો મે પડે તેને શોષી જઇને તપેલી ધરતી જેમ હતી તેવી બની રહે છે, તેમ લોકોનો હૃદય-પ્રવેશ પણ હતો તેવો જ સુકો થઇ ગયો. ને ફરી વાતો ચાલી : 'હોય તો હોય બૈ ! મૂવા કાંસીઆ કૂટે છે ને ઠેકડા મારી મારી ભર બજારે ગાય છે, એ નાગર કુળને શોભે ?'

પછી તો 'ઝાઝા ચાંચડ ઝાઝા જુવા, તીયાં મેતાના ઉતારા હુવા.' અને પહેલીવહેલી સગર્ભા બનેલી એક પંદર વર્ષની વહુવારૂ પોતાના બાપની હાંસી સાંભળતી સાંભળતી શ્રીરંગ નાગરના ઘરને એક ખૂણે અશ્રુ સારતી ઊભી રહી. એનું નામ કુંવરબાઇ.

'તારા બાપને તો પાછું ઊનું પાણી નહાવા જોઇએ છે ?' એમ એ યુવતીને કોઇક કહેતું હતું. કહેનાર સાસુ હતી. 'ઊકાળો પાણી, ને આપી આવો ખદખદતું કે ખો ભૂલી જાય.'

ખદખદતા પાણીની ત્રાંબાકૂંડી પાસે મહેતો નરસૈયો નહાવણ કરવા બેઠો. અંદર હાથ બોળી શકાયો નહિ. એનો એક સાથી ટાઢું પાણી માગવા વેવાણ કને આવ્યો.

'એટલી ય ભાન છે વેરાગીને, કે દીકરીને સાસરે આવીને તો દીન બનવું જોઇએ ! આવીને તરત બસ ટાઢું પાણી ને ઊનું પાણી ! ટાઢું ઊનું ટાઢું ઊનું કરે છે તે બોલાવેને એના વાલાજીને ! હમણાં જ વરસાવશે ટાઢા જળના મેહુલા !' 'ભક્તરાજ !' નરસૈયાને જવાબ મળ્યો. 'ટાઢું પાણી તો વેવાણ આપવા ના પડે છે. કહે છે કે વાલાજીને વિનવો, વરસાદ મોકલે.'

આંહીં પણ નરસૈયાના શ્રીહરિ સંગીત રૂપે ટાઢું જળ લઇને વારે ધાયા. નરસૈયાએ મલ્લાર રાગે મેઘ આરાધ્યો. ને કુંવરબાઇનાં નયણાં વરસતાં હતાં તેવાં જ એ સૂરને વશ વાદળ ન્હાવણ-કૂંડીમાં વરસ્યાં. નરસૈયાના સૂરોએ પંચ મહાભૂતને પોતાને કબજે કર્યાં હતાં. નરસૈયાના કંઠમાંથી ઊઠેલી શીતળ મલ્લાર-સૂરોએ ત્રાંબાકૂંડીમાંથી ફળફળતી વરાળનું વાદળું બાંધી દીધું. સૂરોનો સ્વામી શીતળ નીરે ન્હાઇ ઊઠ્યો.

ને મા વિહોણી, ખોટનો ભાઈ હારી બેઠેલી, જગતભૂલ્યા ભોળા બાપની ગિલા સાંભળતી સગર્ભા દીકરી કુંવર જ્યારે બાપને ઉતારે જઈ, થાંભલી ઝાલી ઊભી રહી, ત્યારે બાપે એને માટે એક પોટકું છોડ્યું : 'લે બાઈ,' એ ગરીબડું મોં કરી વસ્તુઓ કાઢતો હતો " 'લે તારા સીમંત અવસરે બાપ ફક્ત આટલી જ પહેરામણી લાવેલ છે. આ ગોપીચંદન છે, આ તુળસીની માળા છે, આ ખાસ વૃંદાવનથી આવેલ વ્રજરેણુ છે. શ્રી હરિને વ્હાલાં હતાં આ સર્વ વાનાં. તારી બાનું કાંઇ ઘરાણું તો નથી બાકી રહ્યું. એ જીવી ત્યાં સુધી સંતો અતિથિઓને છેલ્લી વાળી વટાવીને પણ જમાડી ગઇ છે. ને મારો ઓરતો કોણ કરે ? હું તે કાંઇ માણસમાં છું ! હે-હે-હે-હે-શ્રીહરિ.'

'આ લે ભાભી !' નણંદ એક કાગળ લઇને કુંવરબાઇ પાસે આવી : 'છોરૂ આવશે ત્યારે મામેરામાં જે જે વાનાં જોશે તે લખીને લાવી છું, દઇ દે તારા બાપને.'

'હાસ્તો.' અન્ય સગાંએ શોર મચાવ્યો. 'શ્રીહરિ જેને શબ્દે બંધાયલો છે એવો તારો અડીખમ બાપ શું મામેરૂં નહિ પૂરે ? એને આબરૂની ખેવના નહિ હોય, પણ આમારે તો સંસારમાં જીવવું જોશે. અમારા ઘરનું હીણું નહિ પડવા દેવાય, આ લે ખરડો, દે તારા બાપને.'

'ભેગા બે પાણા પણ નોંધજો.' એક દાદીએ ટોંણો માર્યો.

'કેમ દાદી મા ?' નણંદે પૂછયું.

'મામેરાનાં આ બધાં વાનાં પવનમાં ઊડી ન જાય તે દબાવવા માટે.'

'શ્રીહરિને મામેરૂં કરવું હશે તો કરશે બાપુ !' એમ કહીને નરસૈયાએ કાગળની લાંબી ટીપ રડતી પુત્રીના હાથમાંથી લઇને પોટલીમાં બાંધી લીધી.

ને ફરી પાછો એ તો ભરબજારે ગાતો ને નૃત્ય કરતો ચાલી નીકળ્યો.

* * *

થોડા મહિના પછી નરસૈયાને ઊનાથી કાગળ મળ્યો :

'ટીપ પ્રમાણે એકેએક ચીજ પહોંચી છે. બે પથ્થરો પણ સોનાના મળ્યા છે. આપની ગરીબાઇની અમે ક્રૂર ઠેકડી કરી તે બદલ સૌ પસ્તાઇએ છીએ. વેવાઇજી, ક્ષમા કરજો.'

'મારો વાલોજી જ અવસર સાચવી આવ્યા. બીજું કોણ હોય ? લ્યો ત્યારે વાલાજીના ગુણો ગાઇએ.'

ફક્ત એટલું જ કહીને નરસૈયાએ તે રાત્રિએ પ્રભુ-ભજનનો ઉત્સવ માંડ્યો. રા'માંડળિકે નરસૈયાનાં ઊના ખાતેનાં બે વધુ પાખંડની વાતો સાંભળી વધુ રોનક અનુભવ્યું. 'મારો બેટો ! આ પણ જબરો ધૂતારો જાગ્યો છે જૂનાગઢમાં.'

* * *

મહિનાઓ વીતી ગયા છે. એક દિવસ નરસૈયો જૂનાગઢમાંથી ક્યાંઇક ચાલ્યો ગયો છે. એને ઘેર પચાસેક અભ્યાગતોની જમાત પડી છે. ઘરમાં કોઇ ઘરનું માણસ નથી. માટલામાં આટો કે દાળ નથી. ગામમાં કોઇએ સીધું જોખ્યું નથી. અભ્યાગતો ભૂખ્યાં થાય છે ત્યારે ભજન કરી લે છે. રાત્રિયે ઊંઘ આવે છે ત્યારે એ ક્ષુધિતો ફરીથી કીર્તન કરે છે. વળતા દિવસે એકાદશીના નિમિત્તે ઉપવાસ ખેંચે છે. સૌ વાટ જોઇ બેઠાં છે કે નરસૈયાજી અબઘડી ખાવા પીવાનું સાધન કરી લાવશે.

જૂનાગઢમાં આંગણે અભ્યાગત અતિથિઓ લાંઘણ પર લાંઘણ ખેંચી રહ્યાં છે ત્યારે તળાજા ગામની બજારમાં નરસૈયો ધરણીધર નામના એક વૈશ્યની દુકાને બેઠો છે. તળાજા પોતાનું મોસાળગામ છે. ત્યાં પણ એ 'માંડી વાળેલ' ને 'ઓટી વાળેલ' તરીકે જાણીતો થઇ ચૂક્યો છે. એના વ્યવહારની આબરૂ ત્યાં રહી નથી.

'ધરણીધરજી ! ઘેર અભ્યાગતો ભૂખ્યાં બેઠાં છે.'

'પણ હું શેના ઉપર ધીરૂં ? કાંઇ લાવ્યા છો ?'

'કંઇ નહિ. ઘરમાં કશું નથી. મરતી મરતી માણેકબાઇ સાડલા પણ વેચીવેચી મુજ નાલાયકનો વહેવાર ચલાવતી ગઇ છે.'

'પણ કાંઇ બીજી વસ્તુ ? તંબૂરો, મંજીરાં, કરતાલ, કાંઈ કરતાં કાંઈ ?

'એ બધું જ વેચાઇ ચૂક્યું છે.'

'ત્યારે તો મહેતાજી, મારે ધીરવું શાના ઉપર ?'

'મારા વાલાજીની આબરૂ ઉપર.' 'તમે તો ભક્તરાજ રહ્યા, આબરૂની થોડી ખેવના કરવી છે? આંહીથી નાણાં લઇ પીઠ વાળી એટલે કોણ ધરણીધર ને ક્યાં તળાજું ! ઓળખે છે જ કયો ભાઇ? આવું ડીંડવાણું કહેવાય તમારું તો.'

'ત્યાં અભીઆગત ભૂખ્યાં બેઠેલ છે, શેઠજી!' નરસૈયો સામી દલીલો ન સૂઝતાં એકની એક વાત ગોખતો રહ્યો.

'હાં-ત્યારે તો-ત્યારે જુઓ, મહેતાજી ! તમને કાંઇક એવી બંધણીમાં લેવા જોઇએ કે કરજ પહેલું યાદ આવે. તમારી દાનત વિષે મને શક નથી, તમારી આળસની જ મને બીક છે.'

'તમે કહો તેમ કરું.'

'ત્યારે હું એમ કહું છું, કે આ લ્યો આ કાગળ, કોરી ચાલીસ ગણી દઉં, તેની સામે દસ્તાવેજ માંડી આપો.'

'શું?'

'તમારો કેદારો રાગ.'

'એટલે?'

'એટલે બીજું તો શું? કોરી ચાલીસ ભરી ન જાવ ત્યાં લગી બીજા બધા ય રાગ તમારે ગાવા, ન ગાવો એક ફક્ત કેદારો રાગ.'

'ભલે લાવે લખી આપું.' એમ કહી નરસૈયાએ કાગળ લીધો. ફરી ફરી લખત વાંચ્યું. વાંચી વાંચીને એણે ડોકું ધુણાવ્યું. ધરણીધર તરફ એ દયામણી દૃષ્ટે જોઇ રહ્યો. 'મારાથી નહિ બને.' કહીને એણે નિઃશ્વાસ નાખ્યો.

'કાં? બત્રીશ રાગ ગાઇ જાણો છો એમાંથી એક કેદાર નહિ ગાવ તો શું નડવાનું છે?' 'કેદારો તો મારો શ્વાસ છે. ધરણીધરજી, કેદારો રાગ તો મારી નાડીઓનું રૂધિર છે.'

'જુવો, વિચાર કરી જુવો ભક્તજી ! હું કંઈ સોનું રૂપું, કે માલ મતા કશું ય માગું છું ? હું તો માગું છું એક જ રાગ ન ગાવાની બંધણી - જેની ફૂટી બદામ પણ કોઈ બીજો વેપારી ન આપે.'

'આવી બંધણી ! મારું ગળું ટુંપવું છે શેઠજી ! પછી હું મારા વાલાજીના કાલાંઘેલાં કઇ રીતે કરીશ ? મારા શામળાને શી રીતે રીઝાવીશ ?'

નરસૈયો ભકત તળાજામાં અગાઉ ઘણી વાર આવેલો. ધરણીધર શેઠની દુકાને લેણદેણ, ઉપાડ કાયમ રાખતો. પણ આટલાં વર્ષમાં કોઈ દિવસે ધરણીધરે નરસૈયાના મોં પર આવો ઉશ્કેરાટ નહોતો હોયો. સદાકાળ નિજાનંદે મસ્ત રહેનાર નરસૈયો એકના એક પુત્ર શામળશાના મોત સામે પણ હસતો રહેલો. એ હાસ્યને બદલે, આ વખતે એના મોં ઉપર વેદનાનાં ગૂંચળાં ઘૂમવા લાગ્યાં. કાનના મૂળ સુધી એના ગાલ લાલ લાલ બની ગયા. આંખોના ડોળાએ સ્થિરતા છોડી ઘૂમાઘૂમ માંડી. ને વિફરી ગયેલા અવાજે એણે કહ્યું : 'કેદારો ગાવાનું છોડું ? શું કહો છો શેઠ ? કેદારો સાંભળવા મારા શ્રીહરિ તલખે, તે વારે હું એને બીજા કયા રાગે - બીજા કયા સૂરો વડે ફોસલાવી શકું? મારો વાલોજી રોજની થાળી શે આરોગશે કેદારો સાંભળ્યા વગર ? મારા બાળગોપાળને પારણીયે નીંદર કેમ ઊડશે કેદારાના પ્રભાતી સૂર કાને પડ્યા વગર ? મારા કૃષ્ણ ગોવાળીઆને ધેનુનાં ધણ ઘોળીને ચારવા જાવું કેમ ગમશે એ કેદારો સાંભળ્યા વગર? કાળંધરીના ઘૂનામાં કાળીનાગ ગાયોને પીવાનાં જળકમળ ઝેર ઝેર કરે છે તેને વાલોજી નાથશે શી રીતે કેદારો સાંભળ્યા વગર ? મારા દામોદરરાયને કેદાર સાંભળ્યા વગર રાધિકાજીને ખોળે પણ કાંટા જ ખૂંચે કે બીજું કાંઈ ? તમે મને ફસાવવા આવ્યા છો શેઠીઆ !'

'આ રહી ૪૦ કોરી.' ધરણીધરે ગણી કરીને સામે ઢગલી જ ધરી દીધી હતી. 'ને આ રહ્યો દસ્તાવેજ. સહી કરી આપો એટલી જ વાર.'

'ના-ના-ના. મને લલચાવો મા, મને મૂંઝવો મા. એ કોરીઓને સંતાડી દ્યો. એ દસ્તાવેજ ફાડી નાખો. મારે નથી રોકાવું.' એમ કરીને નરસૈયો ઊઠ્યો. આંખો આડા એણે હાથ દઇ દીધા.

'તો ભલે અભ્યાગતો ભૂખે મરે.' એની ફરી ગએલી પીઠ પર ધરણીધરજીએ લાકડીના સોટા જેવા આ શબ્દો સબોડ્યા, કે તુર્ત નરસૈયો, 'ભલે મરી જાય અભ્યાગતો ! ભલે થાવું હોય તે થાય. ભલે-ભલે-ઉલ્કાપાત થઇ જાય.' એવી ચીસો પાડતો વટેમાર્ગુ વાઘ દીપડાથી ન્હાસે તેવા વેગે નાઠો. ગામ બહાર નીકળી ગયો. સીમમાં પણ શ્વાસધમણ બની દોડતો હતો. સીમાડો છોડ્યા પછી એણે ગતિ ધીરી પાડી. અને પોતે કેદારો રાગ ત્યાં મૂકી તો નથી આવ્યોને, એની ખાત્રી કરવા એણ જંગલમાં ગળું વ્હેતું મૂક્યું; ને હર્ષાવેશમાં આવી ગયો. કેદારો એના કંઠમાં સાબૂત હતો.

એ પગલાં ઉપાડતો ચાલ્યો, પણ એનું શરીર કામ કરતું નહોતું. ઘણા મહિનાથી પેટપૂર તો ખાવા પામ્યો જ નહોતો. થોડુંક અન્ન ને ઉપર ઝાઝું બધું પાણી પી જઇને એ ઓડકાર ખાતો. બાકીનો સમય ગાવામાં ગાળતો. ભૂખ લાગી જ નથી, મને ભૂખ છે જ નહિ, એવાં માનસિક રટણ કરીને એ ભૂખને વિસરી જતો. પણ એ લાંબી સ્થિતિને સંભાળી લેનાર સ્ત્રી ચાલી ગઇ હતી. નરસૈયો એકલો બન્યો હતો. ભૂખના દુઃખે એનાં હાડ ભાંગી નાખ્યાં હતાં. એમાં એકાએક એને યાદ આવ્યું, 'પાછો વળીને આ હું ક્યાં જઈ રહ્યો છું ? હું પાછો જૂનાગઢ જાઉં છું. પણ શો ગર્વ લઇને જૂનાગઢ જઇશ ? કેદારો ઘરેણે ન મૂક્યો, બસ ન જ મૂક્યો, ચાલીસ કોરીમાં મેં જીવ ન બગાડ્યો, એ બધું હું કોને જઈ કહીશ ? ભૂખ્યાં બેઠેલ આશાતૂર અભ્યાગતો એ મારી ગર્વ-વાણી સાંભળીને શું કહેશે ? શાબાસી દેતાં દેતાં ભૂખે મરી જશે  ? ને એવી શાબાસીને શું હું બટકાં ભરીશ ? એ ભૂખ્યાંને હું ક્યાં મોકલાવીશ ?'

સાંજ પડતી હતી. પાંચેક ગાઉ તોરમાં ને તોરમાં નીકળી ગયો હતો. નવા વિચારે એને ઊભો રાખ્યો.

'ના,ના,ના,' એણે મનમાં ને મનમાં કહ્યું : 'હે શ્રીહરિ, આજ સુધી મારે ઘરે જ્યારે ભીડ પડી છે તે તે ટાણે તું કોઇ ને કોઇએ માનવીના હૈયામાં પેસી જઇ મારા અવસરો ઉકેલી ગયો છો. તેથી આજ શું તને કોઇક ભીડ પડી હશે તે ટાણે હું તારી આબરૂ રગદોળી નાખીશ ?'

આકાશમાં વાદળાં ઘેરાતાં હતાં. ગગનન. સિંધુમાં સામસામી જાણે જંગી નૌકાઓ અફળાતી હતી એ જોઇને નરસૈયાએ મનમાં બબડાત ચલાવ્યો :

'જોઉં છું, જોઉં છું વાલાજી ! તારે ઘેરે ય કાંઇક ભીડ પડી છે. તું કશીક વિપદે ઘેરાણો છો. તું મારી સંભાળ લેવા અવી શક્યો નથી એમ હું જોઉં છું. પણ લોકો તો કહેશે ને, કે આ નરસૈયો ડીંગેડીંગ જ હાંકતો હતો' લોકો કહેશે કે જોજો, આ ભગતડાના વાલાજીએ અત્યારે દેવાળું કાઢ્યું. લોકો મને નહિ નિંદે, પણ તને જગતના પાલણહાર શ્રીહરિને વગોવશે. એ તારી વગોવણી થવા દઉં? કે તને રીઝવવાનો કેદાર રાગ સાચવી બેસું ? તું તો મારા વાલા ! મોટા મનનો છો. ને તારે તો ભક્તોની ખોટ નથી. કેદારના સૂર સંભળાવનારા તો તારે કિન્નરો ગાંધર્વો ય ક્યાં ઓછા છે ? શું મારૂં મિથ્યાભિમાન ! હા-હા-હા !' નરસૈયો વાદળાંની ગડગડાટીને પ્રભુમુખના હાસ્ય-ખખડાટા રૂપ સમજી પોતે પણ સામો હસી પડ્યો:

'ગઝબ મારું મિથ્યાભિમાન ! ધરણીધરને હું એમ કહી આવ્યો કે મારો કેદારો સાંભળ્યા વગર શ્રી હરિ ઊંઘશે અને જાગશે ક્યાંથી, ખાશે ને પીશે કેવી રીતે ! એ અભિમાનના તોરમાં હું ન્હાસી આવ્યો, ને ઘેરે બેઠેલાં અભ્યાગતોનું મોત ઢૂક્ડું લાવ્યો ! ગમાર ! કેવો ગમાર ! ઝટ પાછો વળું. ક્યાંઇક ધરણીધર શેઠ બદલી બેસશે.'

એમ કહેતો એ મૂઠીઓ વાળીને પાછો તળાજા તરફ દોડવા લાગ્યો. પ્રભુનું ગગનહાસ્ય ચાલુ રહ્યું, પણ તે સાથે કાળી કાળી વાદળીઓ પૃથ્વી પર તૂટી પડી. એની કોટાનકોટિ જળધારાઓ વચ્ચે થઇને નરસૈયો દોડતો જાય છે. દોડતું એ સુકોમળ શરીર વિરાટના સહસ્ત્ર-ધારા તારોના વાદ્ય પર કોઇક બજાવનારની ફરતી આંગળી જેવું દેખાય છે. એની છાતી પર પવન-સૂસવાટાના ધક્કા પડે છે.એના મોં ઉપર મેઘ-ધારાઓ સોટીઓની તડાતડી બોલાવે છે. પણ એ ઊભો રહેતો નથી. એને લાગી ગયું છે કે 'મારો વાલોજી-અખિલ બ્રહ્માંડમાંથી હસાહસ કરીને કહે છે -

'ઘેલો નરસૈયો ! મિથ્યાભિમાની નરસૈયો ! પોતાને ગાવું છોડવું ગમતું નહોતું એટલે મારા નામનું-મારી ઊંઘનું ને મારા ભોજનનું બહાનું ચલાવ્યું. મૃત્યુલોકમાં મને બેઆબરૂ બનાવ્યો.'

રાતે દુકાન વધાવી લઇ તાળું વાસતા વ્યાપારી ધરણીધરને કાને વરસતા વરસાદમાં બજાર સોંસરવા સાદ આવ્યા : 'ધરણીધરજી ! શેઠજી ! ઊભા રે'જો. હાટ વાસશો મા. હું કેદારો રાગ માંડી દેવા આવી પહોંચ્યો છું. વાસશો મા, હાટ વાસશો મા !'