રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો/મૃગાવતી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← મદનરેખા રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
મૃગાવતી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
પ્રભાવતી →


५–मृगावती

તી મૃગાવતી કૌશામ્બી નગરના રાજા શતાનિકની પત્ની અને ચેટકરાજની પુત્રી હતી મહાવીર સ્વામીના સમયમાં એનો જન્મ થયો હતો. એ સન્નારી અનુપમ સૌંદર્યવાળી અને મહાબુદ્ધિવતી હતી. સદ્‌ગુણોને પ્રતાપે એણે પતિનો પરમ પ્રેમ સંપાદન કર્યો હતો.

એક દિવસ શતાનિક રાજના દરબારમાં એક કુશળ ચિત્રકાર આવ્યો. એ ચિત્રકારને કોઈ યક્ષના વરદાનથી એવી સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી કે, કોઈ પણ મનુષ્યના શરીરનો એક પણ ભાગ એની દૃષ્ટિએ પડતાં એ એનું આખું શરીર ચીતરી શકતો. રાજા શતાનિકે એ ચિત્રકારને કેટલુંક કામ સોંપ્યું. એક દિવસ ચિત્રશાળામાં બેસીને એ ચિત્ર આલેખી રહ્યો હતો, એવામાં અંતઃપુરમાં બેઠેલી રાણી મૃગાવતીના પગનો અંગૂઠો તેના દીઠામાં આવ્યો અને તે ઉપરથી તેણે પોતાની અદ્‌ભુત શક્તિ વડે રાણીનું આખું ચિત્ર દોરી કાઢ્યું. રાણીના સાથળ ઉપર તલનો ડાઘ હતો તે પણ ચિત્રમાં આવ્યો. ચિતારાએ તેને ઘણી વાર કાઢી નાખ્યો પણ ફરી ફરીને એ આવવાજ લાગ્યો, એટલે ચિત્રકારને એ તલ રાખવોજ પડ્યો. એ ચિત્ર જોતાંવાર રાજાને પોતાની પતિવ્રતા રાણીને માટે શંકા ઉત્પન્ન થઈ કે, આ ચિત્રકારને મારી રાણીનો ગાઢો પરિચય ન હોય તો આ ગુપ્ત ચિહ્‌ન તેના જાણ્યામાં કેવી રીતે આવે ? રાજાએ તે ચિત્રકારને મારી નાખવાની સજા કરી, પણ અનેક લોકોએ સાક્ષી પૂરી કે એને યક્ષનું વરદાન છે. વળી રાજાએ એની એ સિદ્ધિની ખાતરી બીજે પ્રકારે પણ કરી જોઈ; છતાં પણ તેની એક આંગળી કપાવી નાખીને કાઢી મૂક્યો. ચિત્રકારને આથી ઘણું ખોટું લાગ્યું અને તેણે વેર લેવાનો નિશ્ચય કર્યો, અવંતીનગરીના રાજા ચંડપ્રદ્યોતની સમક્ષ જઈ તેણે રાણી મૃગાવતીનું ચિત્ર બતાવ્યું. રાણીના અનુપમ રૂપલાવણ્યથી મુગ્ધ થઈ તેને પ્રાપ્ત કરવા રાજા ચંડપ્રદ્યોતે શતાનિક ઉપર ચઢાઈ કરી. શત્રુનું મોટું સૈન્ય જોઈને યુદ્ધ કરતાં પહેલાંજ અતિસારના રોગથી રાજા શતાનિકનું મૃત્યુ થયું.

રાણી મૃગાવતીને આથી ઘણો શોક થયો. એનો પુત્ર એ સમયે બાલ્યાવસ્થામાં હતો. પોતાના શિયળનું અને નાના બાળકનું રક્ષણ કોઈ પણ પ્રકારે કરવાનો એણે સંકલ્પ કર્યો. એણે એક યુક્તિ શોધી કાઢી. પોતાની દાસી સાથે અવંતીરાજને કહેવરાવ્યું કે, “મારા પતિદેવ સ્વર્ગવાસી થયા છે અને પુત્ર ઉદયન હજુ બાળક છે. એ મોટો થશે અને રાજ્ય કરવા યોગ્ય થશે એટલે હું આપની સાથે આવીશ. હમણાં તો શોક છે. જો તમે બળાત્કાર કરશો તો હું આત્મહત્યા કરીશ, માટે હમણાં તો તમે પાછા ફરો. વળી આસપાસનાં શત્રુરાજ્યોથી મારા રાજ્યને ઘણો ભય છે, માટે આપ અવંતીથી મોટી ઇંટો મોકલીને એક મજબૂત કિલ્લો બંધાવી આપો, એટલે હું સુરક્ષિત રહી શકું.”

કામી રાજાએ તેની પ્રાર્થના સ્વીકારી અને અવંતીથી ઈંટો મંગાવીને એક મજબૂત કિલ્લો કૌશામ્બીની આસપાસ બંધાવી દીધો; તથા અનાજ, ઘાસ, પાણી વગેરેનો પણ નગરમાં પૂરતો બંદોબસ્ત કરી આપ્યો. કિલ્લો બંધાઈ ગયા પછી થોડા વખત પછી રાજા ચંડપ્રદ્યોતે મૃગાવતીને તેડવા સારૂ દૂત મોકલ્યો અને કહેવરાવ્યું કે, “મેં મારૂં વચન પાળ્યું છે, હવે તમે તમારૂં વચન પાળીને મારી સાથે રહેવા સારૂ આવો.”

વિધવા રાણી મૃગાવતીને આથી ઘણો ક્રોધ ઉપન્ન થયો અને તેણે ઉત્તરમાં કહેવરાવ્યું કે, “હે મૂર્ખ ! તું એવો દુષ્ટ અભિલાષ કદી રાખતો નહિ. મેં સ્વપ્ને પણ તારા પ્રત્યે પ્રેમ કર્યો નથી. હું આર્યરમણી છું. પતિ એજ મારા સદાના આરાધ્ય દેવ રહ્યા છે અને જીવનપર્યંત રહેશે. હું નિરાધાર અને અરક્ષિત હતી, માટે મારા રક્ષણને સારૂં મેં, કેવળ એ એક યુક્તિ કરી હતી.”

ચંડપ્રદ્યોતને ખાતરી થઈ કે આ વિદુષી સ્ત્રીએ મને ઠગ્યો છે. એણે મૃગાવતીને ધમકી આપી કે, “તું તારૂં અને તારા પુત્રનું હિત ચાહતી હોય તો જલદી અહીં આવી જા, નહિ તો હું તારા રાજ્યને ખેદાનમેદાન કરી નાખીશ.” એની એ ધમકીની સતી મૃગાવતી ઉપર કાંઇજ અસર થઈ નહિ. કિલ્લાને બંધ કરીને એ આત્મરક્ષણ કરવા સારૂ સજ્જ થઈ.

એ સમયમાં શ્રીમહાવીરસ્વામી પર્યટન કરતાં કરતાં ત્યાં પધાર્યા. મૃગાવતીના આનંદનો પાર રહ્યો નહિ. એને ખાતરી થઈ કે, તેની વહારે ધાવા સારૂજ પ્રભુ મહાવીર સ્વામી પધાર્યા છે. ઘણા હર્ષપૂર્વક તેણે એ પરમ વિદ્વાન તીર્થંકરની પધરામણી કરી.

રાજા ચંડપ્રદ્યોતને પણ મહાવીરસ્વામીના પધાર્યાની ખબર પડી એટલે એ પણ એમનો મધુરો ઉપદેશ સાંભળવા સારૂ મૃગાવતીના નગરમાં ગયો.

મહાવીર સ્વામીએ ઉપદેશમાં એક ભીલના પૂર્વજન્મની વાર્તા કહી સંભળાવી અને તે દૃષ્ટાંતદ્વારા કામવાસનાને લીધે થતાં અનિષ્ટ પરિણામ અસરકારક રીતે જણાવ્યાં. એથી રાજા ચંડપ્રદ્યોતનું મન પણ નિર્મળ થયું. પતિવ્રતા રાણી મૃગાવતીના હૃદયમાં પણ વૈરાગ્યનો સંચાર થયો. પોતાનું શિયળ ભંગ કરવા તત્પર થનાર રાજા ચંડપ્રદ્યોત પ્રત્યેનું તેનું વેર પણ શમી ગયું અને તેણે મહાવીરસ્વામીને હાથ જોડીને કહ્યું: “રાજા ચંડપ્રદ્યોતની હું શરણાગત છું, એટલે એમની આજ્ઞા હોય તો હું ભગવાન પાસે ચારિત્ર લેવાની ઈચ્છા રાખું છું.” રાજા ચંડપ્રદ્યોતે એને દીક્ષા લેવાની રજા આપી અને એના પુત્ર ઉદયનને કૌશામ્બીનો રાજા બનાવ્યો.

પુત્રના રાજ્યાભિષેક પછી સતી મૃગાવતીએ રાજા ચંડપ્રદ્યોતની આઠ રાણીઓ સહિત દીક્ષા લીધી. શ્રીમહાવીર સ્વામીએ એ નવે સન્નારીઓને સાધ્વી ચંદનબાળા પાસે શિક્ષણ લેવા સારૂ રાખી. ત્યાં આગળ મૃગાવતીએ ધર્મનું ઊંચા પ્રકારનું શિક્ષણ મેળવ્યું. જૈનધર્મનાં વ્રત, અનુષ્ઠાન આદિનું તેણે યથાર્થ રીતે પાલન કર્યું હતું. વળી અપૂર્વ સાધનાથી સાધકોને માટે અતિ દુઃસાધ્ય મનાતી કેવલજ્ઞાનની સિદ્ધિ તેણે પ્રાપ્ત કરી હતી. એ જ્ઞાન વડે એક વાર એની ગુરુ ચંદનબાળા સૂઈ રહી હતી, ત્યાં આગળ ઘોર અંધકારમાં એક સર્પને આવતો તે જોઈ શકી હતી અને સર્પદંશથી પોતાની ઉપદેશિકાને બચાવી શકી હતી.

મૃગાવતીનું જીવન એ એક આદર્શ જીવન હતું.