લખાણ પર જાઓ

રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો/સતી સુભદ્રા

વિકિસ્રોતમાંથી
← પ્રભાવતી રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
સતી સુભદ્રા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
બ્રાહ્મી →


७–सती सुभद्रा

વસંતપુર નામના નગરના રાજા જિતશત્રુના પ્રધાન જિનદાસની કન્યા હતી. તેની માતાનું નામ તત્ત્વમાલિની હતું. તેનાં માતાપિતાએ તેને ધર્મ તથા નીતિશાસ્ત્રનું ઊંચું શિક્ષણ આપ્યું હતું. તેઓ જૈનધર્મી હતાં અને તેઓએ સુભદ્રાને બચપણથીજ જૈન ધર્મના તત્ત્વજ્ઞાનનું શિક્ષણ આપ્યું હતું. પૂજા–અર્ચના કરવામાં તથા અતિથિ સત્કાર કરવામાં એ ઘણી પ્રવીણ હતી. એનાં માતાપિતાની ઈચ્છા એવી હતી કે આ કન્યાનું કોઈ સુપાત્ર જૈનને દાન કરવું.

એવામાં ચંપાનગરીનો બુદ્ધદાસ નામનો એક વણિક એ નગ૨માં આવ્યો. એ બૌદ્ધધર્મી હતો, પરંતુ એ સુભદ્રાનું સૌંદર્ય જોઈને ઘણોજ મુગ્ધ થઈ ગયો. એ કન્યાને પરણવાની ઇચ્છાથી તેણે તેનાં માતાપિતા તથા કુળની ખબર કાઢી. તેને ખબર પડી કે સુભદ્રાનાં માતાપિતાની ઇચ્છા, તેને કોઈ સગુણ ધર્મનિષ્ઠ જૈનની સાથે પરણાવવાની છે. આ ઉપરથી બુદ્ધદાસે બૌદ્ધધર્મનો ત્યાગ કરીને, જૈનમાર્ગ ગ્રહણ કર્યો તથા પોતાના આચારવિચાર અને ધર્મશાસ્ત્રના જ્ઞાનથી સુભદ્રાના પિતાને પ્રસન્ન કરીને તેની સાથે લગ્ન કર્યા. સુભદ્રા જેવી પરમ રૂપવતી, સદ્‌ગુણી અને સુશિક્ષિત પત્ની મળ્યાથી બુદ્ધદાસના હર્ષનો પાર રહ્યો નહિ. વસંતપુરમાં કેટલાંક વર્ષ રહ્યા પછી પુષ્કળ ધન સંપાદન કરીને એ પોતાને ગામ ગયો. સુભદ્રા પણ માતાપિતાની રજા લઈને પતિની સાથે સાસરે ગઇ. સાસરે જઈને તેણે સાસુસસરાને વિનયપૂર્વક પ્રણામ કર્યા. બીજે દિવસે એણે જ્યારે જૈન–દેવાશ્રયમાં પૂજા કરવા જવાની સાસુ પાસે રજા માગી ત્યારે એને ખબર પડી કે એનાં શ્વસુરપક્ષનાં બધાં મનુષ્યો બૌદ્ધધર્મી છે. સાસુએ જૈનધર્મ છોડી દઈને બૌદ્ધ ધર્મ સ્વીકારવાનો તેને ઘણોએ આગ્રહ કર્યો, પણ તેણે પોતાનો બાપીકો ધર્મ છોડી દેવાનું કદી પણ સ્વીકાર્યું નહિ. આથી  કરીને સાસુ તેના ઉપર ઘણી અપ્રસન્ન થઈ અને રાતદિવસ તેની ખોડખાંપણ કાઢવા તથા તેની વિરુદ્ધ પુત્રના કાન ભંભેરવા લાગી; પરંતુ બુદ્ધદાસ સમજુ હતો. તેણે માતાના કહેવા ઉપર વિશ્વાસ કરીને સ્ત્રી સુભદ્રાને દુઃખ દીધું નહિ. એ તો સદા એમજ કહ્યા કરતો કે, “સુભદ્રાના સતીત્વ માટે મને પૂર્ણ વિશ્વાસ છે.”

એક દિવસ એવું બન્યું કે એક જૈન સાધુ સુભદ્રાને ત્યાં ભિક્ષા માગવા આવ્યા. એ વખતે એ સાધુની આંખમાં તણખલું પડ્યું હતું. દેહના સુખની વધારે ચીવટ ન રાખવી જોઈએ, એમ ધારીને સાધુએ તણખલું આંખમાંથી કાઢવાની તસ્દી લીધી ન હતી, પણ કોમળહૃદયા સુભદ્રાથી સાધુનું આ દુઃખ જોઇ શકાયું નહિ. તેણે પોતાની સુકોમળ જીભ વડે જૈન મુનિની આંખમાંથી એ તણખલું કાઢી નાખ્યું. એ વખતે સુભદ્રાના લલાટ સાથે મુનિના લલાટનો સ્પર્શ થયેલ અને દેવવશાત્ સુભદ્રાના લલાટમાંના ચાંલ્લાનું કેસર મુનિના કપાળમાં ચોંટી ગયું. સાધુના કપાળમાંનું આ તિલક સુભદ્રાની સાસુની દૃષ્ટિએ પડ્યું. તેણે આ વાત પૂરાવા સહિત પોતાના પુત્ર બુદ્ધદાસને જણાવી અને એ દિવસથી બુદ્ધદાસ પત્ની સુભદ્રા ઉપર ઘણો અપ્રસન્ન રહેવા લાગ્યો. પતિના પ્રેમથી વિમુખ રહેવાથી સતી સુભદ્રાના હૃદયને ઘણો ઊંડો ઘા લાગ્યો. તેણે ઈશ્વરના ધ્યાનમાં તથા વ્રતનાં અનુષ્ઠાનમાં ચિત્ત લગાડ્યું અને પોતાને આ અધમ કલંકમાંથી મુક્ત કરવાને દેવદેવીઓની આકુળ હૃદયે પ્રાર્થના કરી. આખરે દેવીએ પ્રસન્ન થઈને કહ્યું: “હે સતિ ! તું કાલે કલંકથી મુક્ત થઈશ.”

બીજે દિવસે સવારે રાજ્યમાં આશ્ચર્ય ફેલાયું; કારણ કે દરવાનો દરવાજા ઉઘાડવા ગયા ત્યારે એકે દરવાજો ઊઘડ્યો નહિ. આથી તેઓ રાજા પાસે ગયા અને તેને સઘળી હકીકત નિવેદન કરી. રાજાએ તે દરવાજા આગળ ઊભા રહીને કમાડ ઉઘડાવવા ઘણોએ પ્રયત્ન કર્યો, પણ કાંઈ વળ્યું નહિ. આ કોઈ દેવકોપ હશે એમ ધારીને રાજા મનમાં ને મનમાં ઈશ્વરની આરાધના કરવા લાગ્યો. એટલામાં આકાશવાણી થઈ કે, “જે કોઈ સતી સ્ત્રી સૂતરના કાચા દોરાથી ચાળણી વડે કૂવામાંથી પાણી કાઢીને દરવાજાને છાંટશે, તેનાથી આ દરવાજા ઊઘડશે.”

આકાશવાણીને અનુસરીને રાજાએ ઢંઢેરો પિટાવ્યો કે, “જે સ્ત્રી એ પ્રમાણે કરીને દરવાજા ઉઘાડશે, તેને રાજા તરફથી ઘણું માન આપવામાં આવશે.” રાજાના ઢંઢેરાને માન આપીને નગરની અનેક સ્ત્રીઓએ ચાળણીથી પાણી કાઢવાનો પ્રયત્ન કર્યો પણ કોઈને સફળતા મળી નહિ. છેવટે સુભદ્રાએ એ પ્રયોગ અજમાવી જોવાની સાસુને વિનતિ કરી; પણ સાસુએ એની વાતને મશ્કરીમાંજ ઉડાવી દીધી. આખરે એણે વિનયપૂર્વક સાસુને સમજાવ્યું: “આપ અત્યાર સુધી મને કુલટા ગણો છો, માટે મારામાં પતિ ભક્તિ કેટલી છે, મેં શિયળ કેટલું અખંડિત રાખ્યું છે, તેની પરીક્ષા કરવાનો આ ઉત્તમ પ્રસંગ છે. જો આ પ્રયોગમાં હું સફળ થાઉં તો મારી નિર્દોષતાનો સ્વીકાર કરજો અને નિષ્ફળ નીવડું તો કુળકલંકિની કુલટા તરીકે મારો ત્યાગ કરજો. આ પ્રમાણે કહી સાસુની વિનયપૂર્વક રજા લઈને સુભદ્રા કૂવા આગળ ગઈ અને કાચા તાંતણાથી ચાળણી વડે પાણી કાઢીને, તે પાણી હજારો સ્ત્રીપુરુષ દેખતાં નગરના ત્રણ દરવાજા ઉપર છાંટ્યું. તરતજ ત્રણે દરવાજા ઊઘડી ગયા. પછી એણે નગરવાસી સ્ત્રીઓની તરફ ફરીને કહ્યું: “હજુ તમારામાંની બીજી કોઈ સતી હોય તો તેણે આ ચોથો દરવાજો ઉઘાડવો.” પરંતુ કોઈ પણ સ્ત્રીએ ચોથો દરવાજો ઉઘાડવા સાહસ કર્યું નહિ. આથી આ ચોથું દ્વાર હમેશને માટે બંધ રહ્યું. રાજાએ સતી સુભદ્રાનો ઘણો આદરસત્કાર કર્યો.

આવી શિયળવતી વધૂને દુઃખ દેવા માટે સુભદ્રાની સાસુ ઘણોજ પશ્ચાત્તાપ થયો. તેણે સુભદ્રાની ક્ષમા માગી. સતી સુભદ્રાએ સાસુને ઉદાર હૃદયે ક્ષમા આપી, જૈનધર્મનો બોધ આપ્યો.

કેટલાંક વર્ષ સુધી પતિસુખ ભોગવ્યા પછી સુભદ્રાએ જૈન મુનિ પાસે સંન્યસ્ત વ્રતની દીક્ષા લીધી અને પોતાની દુઃખી અને અજ્ઞાન ભગિનીઓના હૃદયમાં સુખ અને જ્ઞાનનો સંચાર કરવામાં પોતાનું આયુષ્ય વ્યતીત કર્યું.