રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/નાગવસુ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સરસ્વતી રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
નાગવસુ
શિવપ્રસાદ દલપતરામ પંડિત
લક્ષ્મીવતી →
२७–ना ग व सु

કાશી નગરીના પ્રિયમિત્ર નામના ગૃહસ્થની કન્યા હતી. તેનું સૌંદર્ય અનુપમ હતું. તેણે સર્વ કલાનો અભ્યાસ કર્યો હતો. યુવાવસ્થાને પ્રાપ્ત થઈ ત્યાં લગી એનું લગ્ન થયું નહોતું. એનાં માતપિતાએ એની એક સખીદ્વારા લગ્ન સંબંધી એના વિચાર જાણવાનો યત્ન કર્યો. એના ઉત્તરમાં નાગવસુએ જણાવ્યું કે, “અદત્તાદાનનું મહાવ્રત જેણે લીધું હોય તેને હું પરણીશ.” પારકી વસ્તુને એના ધણીની આજ્ઞા સિવાય ન લેવી એ નાગવસુના મનથી બહુ મોટો ગુણ હતો. એ એક ગુણ પૂર્ણરૂપે સાધવા જતાં મનુષ્યમાં ધર્મ, નીતિ અને દયાના અનેક સદ્‌ગુણો આપોઆપ આવશ્યક થઈ પડે છે. એજ કારણને લીધે ઉપનિષદોમાં ઉપદેશ અપાયો છે કે, પારકું ધન ઓળવવાનો, પરાયા ધનને અધિકાર વગર પ્રાપ્ત કરવાનો અભિલાષ કદાપિ ન કરવો.

વારાણસીના કોટવાળે નાગવસુને વરવાની ઈચ્છા પ્રગટ કરી હતી, પણ એનામાં તો અદત્તાદાનના વ્રતથી ઊલટા ગુણો હતા. પારકું ધન કેમ ઓહિયાં કરવું એજ એ પોલીસ કર્મચારીનો મૂળમંત્ર હતો; એટલે નાગવસુએ એની સાથે લગ્ન કરવાની સ્પષ્ટ શબ્દોમાં ના કહી.

સદ્‌ભાગ્યે એને મનોવાંચ્છિત ગુણવાળો એક યુવક મળી આવ્યો. તેનું નામ નાગદત્ત હતું. નાગવસુના પિતાએ એની સાથે વિદુષી પુત્રીનું લગ્ન કરી દીધું.

નાગવસુ અને નાગદત્તના વિચાર એકસરખા હતા, એટલે એમનો સંસાર ઘણા સુખમાં ચાલવા લાગ્યો. એમનું એ દાંપત્યસુખ વસુદેવ કોટવાળ જે નાગવાસુનો પ્રેમ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ નીવડ્યો હતો, તેનાથી ખમાયું નહિ. એણે કોઈ રીતે પવિત્ર નાગદત્તને ફસાવવાનો નિશ્ચય કર્યો. એક દિવસ રાજાનું કુંડળ રસ્તામાં પડી ગયું. એ કુંડળ કોટવાળના દીઠામાં આવ્યું. તેણે ગુપ્ત રીતે એ કુંડળને નાગદત્ત કાંઈ કામ કરી રહ્યો હતો તે સ્થાનમાં એક વસ્ત્રમાં વીંટાળીને મુક્યું અને પછી તેના પર ચોરીનો આરોપ મૂક્યો. નાગદત્ત ઉપર મુકદ્દમો ચાલ્યો. કોટવાળના પૂરાવા ઉપરથી એ નિર્દોષ યુવકને શૂળીએ ચઢાવવાની સજા થઈ. એ હુકમ સાંભળતાંજ નાગદત્ત તો આશ્ચર્ય પામ્યો, પણ એની સાધ્વી સ્ત્રીએ ધીરજ આપી કે, “પ્રાણનાથ ! રાજાનો હુકમ પુખ્ત વિચાર કર્યા વગરનો અને ન્યાયથી વિપરીત છે પણ એને તાબે થવું એજ આપણું કર્તવ્ય છે. હું જાણું છું કે તમે અદત્તાદાનનું વ્રત લીધેલું છે. પારકું ધન તમારે માટે માટી સમાન છે. સત્યવ્રતનો મહિમા શાસ્ત્રમાં ઘણો કહ્યો છે, માટે ધર્મ ઉપર દૃઢ શ્રદ્ધા રાખી આપ રાજાની આજ્ઞાને તાબે થાઓ. ધર્મજ આપનું રક્ષણ કરશે.”

નાગદત્ત રાજાની સમીપ ગયો. રાજદૂતો જે સમયે એને વધસ્તંભ ઉપર લઈ ગયા તે સમયે એવો ચમત્કાર બન્યો કે એ વધસ્તંભ એક દિવ્ય સિંહાસનમાં બદલાઈ ગયો. વળી આકાશવાણી થઈ કે, “નાગદત્ત નિર્દોષ છે. એ પરમ ધાર્મિક પુરુષ છે. એણે અદત્તાદાનનું મહાવ્રત લીધું છે. પારકી વસ્તુ કદી પણ ન લેવાનો એણે દૃઢ સંકલ્પ કરેલો છે. એના ઉપર આરોપ મિથ્યા છે અને દ્વેષને લીધે ઊભું કરવામાં આવેલો છે.”

સતી નાગવસુને પતિની નિર્દોષતા આ પ્રમાણે દૈવી સહાયતાથી સાબિત થયેલી જોઈને ઘણો આનંદ થયો. રાજાએ પતિપત્નીનો ઘણો સત્કાર કર્યો.

સતી નાગવસુને પતિના વ્રતની શ્રેષ્ઠતા સિદ્ધ થવાથી ઘણોજ સંતોષ થયો. એ પ્રસંગે એકઠા થયેલા લોકોને એણે ઉપદેશ આપ્યો કે, “ધર્મ સર્વ મંગળ કાર્યનું મૂળ છે, સર્વ દુઃખ ટાળવાનું ઔષધ છે અને અતુલ બળરૂપ છે. ધર્મજ મનુષ્યમાત્રનું શરણ છે. જીવદયા, સંયમ, તપ એ ધર્મનાં ઉત્તમ અંગ છે. જેનું મન નિરંતર ધર્મને વિષે રહે છે, તેને સ્વયં દેવતાઓ પણ નમસ્કાર કરે છે.”

 નાગદત્તે ઘણાં વર્ષ સુધી સંસારસુખ ભોગવીને ઉત્તરવયમાં દીક્ષા ગ્રહણ કરી હતી અને અંતે મુક્તિનો અધિકારી બન્યો હતો.

નાગવસુએ વારાણસી નગરીમાં અનેક સત્કાર્યો કર્યાં હતાં. દાન પણ તેણે પુષ્કળ કર્યું હતું.

પતિએ ગૃહસ્થાશ્રમનો ત્યાગ કર્યા પછી સતી નાગવસુએ પોતાનું જીવન જનસેવા, ધર્મચર્ચા અને ઉપદેશ જેવાં પુણ્ય કર્મોમાં માન્યું હુતું.