રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/સુલસા

વિકિસ્રોતમાંથી
← નર્મદાસુંદરી રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
સુલસા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
શ્રીમતી (આર્દ્રકુમારની પત્ની) →


३४–सुलसा

જૈન ગ્રંથોમાં દશ મહાસતીઓનાં જે પવિત્ર નામ ગણાવવામાં આવ્યાં છે, તેમાં સુલસાનું નામ પ્રથમ આવે છે.

બુદ્ધદેવ અને શ્રીમહાવીરસ્વામીની ચરણરજથી અનેક વાર પવિત્ર થયેલા રાજગૃહ નગરમાં સુલસાનો જન્મ થયો હતો. રાજા શ્રેણિક એ નગરનો રાજા હતો.

નાગસારથિ નામના એક ગુણવાન અને સમૃદ્ધિશાળી નર સાથે તેનું લગ્ન થયું હતું. પતિને સુલસા ઉપર ઘણો પ્રેમ હતો. સુલસા પણ મહાપતિવ્રતા હતી અને પતિને પ્રસન્ન કરવાજ સદા તત્પર રહેતી. એ સમયમાં ભારતવર્ષમાં મોટા દરજ્જાના પુરુષોમાં એક સ્ત્રીની હયાતીમાં અનેક સ્ત્રી વરવાનો રિવાજ ફેશનરૂપ થઇ પડ્યો હતો; છતાં આ દંપતીનો પ્રેમ એવો દૃઢ હતો કે નાગસારથિએ ફરીથી કદી નહિ પરણવાનો નિશ્ચય કર્યો હતો.

એક દિવસ નાગસારથિ બહાર જઈ રહ્યો હતો, ત્યાં દેવકુમાર જેવા બે સુંદર બાળક એના દીઠામાં આવ્યાં. પોતે નિઃસંતાન હતો, તેથી તેને લાગી આવ્યું હતું. નિર્દોષ હાસ્યથી કિલકિલાટ કરી ઘરને ગજાવી મૂકનારાં બાળક વિનાનું ઘર તે ઘર નહિ પણ વેરાન છે એમ એને લાગ્યું. એ વિચાર આવતાંજ ચિંંતાએ એના મનમાં ઘર કર્યું અને એ દિનપ્રતિદિન સુકાવા લાગ્યો. સતી સુલસાથી પતિનું ગ્લાનિયુક્ત મુખ દેખી શકાયું નહિ. એ સ્નેહાળ પત્ની સમજી શકી કે, પતિના હૃદયમાં ચિંંતારૂપી શલ્ય છે. તેણે પ્રેમયુક્ત વાણીમાં પૂછ્યું: “સ્વામીનાથ ! વિંધ્યાચલમાં એકલા પડી ગયેલા હાથીની પેઠે આપ શો ઊંડો વિચાર કર્યા કરો છો ? રાજ્યથી ભ્રષ્ટ થયેલા રાજપુત્રની પંડે આપનું મુખકમળ શ્યામતા કેમ ધારણ કરતું જાય છે ? શું શ્રેણિક રાજાએ આપનું અપમાન કર્યું છે ? લોકોએ આપની વિરુદ્ધ કાંઈ કાવત્રું કર્યું છે ? આપની ચિંતાનું જે કાંઈ કારણ હોય તે મને સત્વર કહો.” પત્નીથી કાંઈ પણ ગુપ્ત નહિ રાખવાના વિચારવાળા નાગસારથિએ ખુલ્લે હૃદયે પોતાની ચિંતાનું કારણું કહ્યું. સતી સુલસા જ્ઞાની હતી. એણે પતિનો શોક નિવારણ કરવા કહ્યું: “આપે એવી મિથ્યા ચિંતા કરવી ઘટતી નથી. પુત્ર વગરનો માણસ નરકમાંજ જાય એવું આપણાં શાસ્ત્ર કહેતાં નથી. મનુષ્યને સ્વર્ગ કે નરક પોતાના કર્મના ફળરૂપે જ મળે છે. ગમે તેવો ગુણવાન પુત્ર પણ માતપિતાને સ્વર્ગ અપાવી શકતો નથી. એ કાર્ય તો કેવળ ધર્મ જ કરી શકે છે. બહુ પુત્રોમાંજ ધૃતરાષ્ટ્રનું ગોત્ર ક્ષીણ થઈ ગયું. સાઠ હજાર પુત્રો હોવા છતાં સગર રાજા દુઃખમાંજ મરણ પામ્યો. હા, એટલું ખરૂં કે, સદ્‌ગુણી પુત્ર વડે ડાહ્યા મનુષ્યો સંસારને આગળ વધારે છે.” પત્નીનાં વચનોથી નાગસારથિને કાંઈક શાંતિ વળી, પણ એની પુત્રલાલસાનો લોપ ન જ થયો. તેણે કહ્યું: “વહાલિ ! તું કહે છે તે બધું ખરૂં, પણ સંસારી જનોને ત્રણ સ્થાન વિશ્રામરૂપ છે. પ્રિય સ્ત્રી, વિનયી પુત્ર અને સર્વ ગુણોમાં ઉત્તમ એવો સત્સંગ. પુત્રદ્વારા માતાપિતા પોતાના સદાચાર અને સદ્‌ગુણોનો વેલો લંબાવે છે અને પછીથી જો તેને યોગ્ય શિક્ષણદ્વારા પોષણ આપવામાં આવે તો એ પુત્ર દ્વારા એમની કીર્તિ કાયમ રહે છે.”

એ સાંભળી સુલસાએ કહ્યું: “ સ્વામીનાથ ! મારી ઉંમર મોટી થઈ છે. મારા ઉદરમાં હવે સંતાનોત્પત્તિ થાય એવું લાગતું નથી, માટે આપ બીજી વાર લગ્ન કરો. ભગવાન આપની અભિલાષા પૂર્ણ કરશે.”

પરંતુ નાગસારથિ એક પત્નીવ્રતધારી પુરુષ હતો. સંતાનની ખાતર એ પત્નીને શોક્ય લાવીને દુઃખી કરવા માગતો નહોતો. એણે નિશ્ચયપૂર્વક જણાવ્યું કે, “ભગવાનની ઈચ્છા મને પુત્ર આપવાની હશે તો તારા ગર્ભથીજ આપશે, નહિ તો હું સંતાનહીન જીવન ગાળવા પ્રસન્ન છું.”

સ્વામીના આવા વિચારોથી દેવી સુલસાને આનંદ થયો, પણ પતિની અભિલાષા કોઈ પણ રીતે પાર પડે તો સારૂં એવો વિચાર તેને આવ્યો. ધર્મ ઉપર તેને અડગ શ્રદ્ધા હતી. ધર્મના સેવનથી કઠિન કે અસંભવિત જેવા દેખાતાં કામો પણ જલદી સાધ્ય થઈ જાય છે એવો એને વિશ્વાસ હતો. એણે દૃઢ ચિત્તથી ધર્મની આરાધના અને પુણ્યદાનમાં ચિત્તને પરોવ્યું. બ્રહ્મચર્ય,  ભૂમિ પર શયન અને આંબેલ તપ આદિ દ્વારા તેણે આત્મસંયમ પણ સાધવા માંડ્યો.

એક સમયે ઈંદ્રે તેની ધર્મશ્રદ્ધાની પ્રશંસા કરી. એ પ્રશંસા સાંભળીને તેની પરીક્ષા લેવા સારૂ હરિણગમેષી દેવ સુલસાને ઘેર ગયો. સુલસાએ સાધુવેશધારી એ દેવનો સારી રીતે આદર કર્યો. સાધુએ કહ્યું: “મેં સાંભળ્યું છે કે તારા ઘરમાં લક્ષપાક તેલના ઘડા છે. અમારામાંના કેટલાક સાધુઓની દવા સારૂ એની જરૂર છે માટે એ તેલ મને આપ.” સુલસા એક ઘડો બહાર લાવી, પણ દેવના પ્રભાવથી તે તેના હાથમાંથી પડી ગયો ને ફૂટી ગયો. સુલસા જરા પણ ગભરાયા વગર બીજો ઘડો લઈ આવી. તે પણ હાથમાંથી છટકી ગયો ને ફૂટી ગયો. તેલ જમીન પર ઢોળાઈ ગયું, પણ સંકોચ કે મૂંઝવણ વગર તે ત્રીજો ઘડો લઈ આવી. તેની પણ પહેલા બે ઘડા જેવીજ દશા થઈ. આંગણું તેલ તેલ થઈ રહ્યું. આમ થવા છતાં સુલસાનું ધૈર્ય ચળ્યું નહિ. તેણે ક્રોધ પણ કર્યો નહિ, આથી દેવતા તેના ઉપર પ્રસન્ન થયો અને તેને બત્રીસ ગોળીઓ આપીને કહ્યું કે, “આ ગોળીના સેવનથી તને બત્રીસ પુત્ર થશે.”

સુલસાએ વિચાર કર્યો: “મારે ૩૨ પુત્રની શી જરૂર છે ! એકજ પુત્ર સપુત હોય તો ૩૨ ની બરાબર છે. એક ચંદ્રમાં અંધકારનો નાશ કરે છે. તારા ઘણા હોવા છતાં એમનાથી અંધકાર જતો નથી.” એમ વિચારીને એણે બત્રીસ ગોળીઓ એક સાથે ખાઈ લીધી. બ્રહાચર્ય તથા શુદ્ધ સાત્ત્વિક આહારનું સેવન તો એણે ઘણા દિવસથી કર્યું જ હતું. વંધ્યાપણું નિવારણ કરવાને માટે એ બન્ને બહુ આવશ્યક છે. નિયમિત આહાર તથા બ્રહ્મચર્ય અને સંયમી જીવન વડે શરીરના ઘણા વિકાર દૂર થઈ જાય છે. તેમાં વળી સાધુની અજમાવેલી સારી દવા પણ મળી ગઈ. ભગવાનનો આશીર્વાદ પણ હતો. સુલસા ગર્ભવતી થઈ અને બત્રીસ ગોળી એકજ સાથે ખાધેલી હોવાથી એને પુષ્કળ વેદના થવા લાગી. હરિણગમેષી સાધુને એણે બોલાવીને પૂછ્યું તો એણે કહ્યું કે “તે ઘણી ગંભીર ભૂલ કરી છે. એક એક ગોળીઓ ખાવાની હતી, તેને બદલે તે સામટી ખાધી. હવે તો તને સામટા બત્રીસ પુત્ર થશે. હશે, જે થવાનું હતું તે થઈ ગયું. હું એવો ઉપાય કરું છું કે જેથી તને બહુ દુઃખ નહિ થાય.”

 યથાસમયે સુલસાએ બત્રીસ પુત્રને જન્મ આપે. નાગસારથિએ એ પ્રસંગે ઉત્સવ કર્યો, પુષ્કળ પુણ્યદાન કર્યા અને બારમે દિવસે પુત્રોના નામકરણસંસ્કાર વિધિ કર્યો.

નાગસારથિ તથા દેવી સુલસાએ પુત્રને સંસારની તથા પરલોકની વિદ્યાનું સારી રીતે જ્ઞાન આપ્યું. યુવાવસ્થાને પ્રાપ્ત થઈ એ બત્રીસે પુત્રો પિતાની પેઠે શ્રેણિક રાજાના સેવક બન્યા. નાગસારથિએ તેમનાં લગ્ન પણ શેઠશાહુકારોની પુત્રીઓ સાથે કર્યા.

રાજા શ્રેણિકને રાજા ચેટક સાથે યુદ્ધ કરવાનો પ્રસંગ આવ્યો. એ યુદ્ધમાં રાણી સુલસાના બત્રીસ પુત્રોને તે પોતાના અંગરક્ષક તરીકે લઈ ગચો હતો. દુર્ભાગ્યે એ યુદ્ધમાં સુલસાના એ બધા પુત્રો હણાયા. રાજાએ પોતાના મંત્રી અભયકુમારની સાથે એ શોકસમાચાર એમનાં માતાપિતાને મોકલ્યા. નાગસારથિ અને સુલસાને એ વૃત્તાંત સાંભળતાંજ વજ્ર પડ્યું હોય એવો ઘા થયો. તેઓ મૂર્છિત થઈ ગયાં અને ભાન આવતાં હૃદયને ફાડી નાખે એવું કલ્પાંત કરવા લાગ્યાં.

મંત્રી અભયકુમાર જ્ઞાની હતો. એણે ધર્મનો ઘણો ઉપદેશ કરીને એ દંપતીને કાંઈક શાંત કર્યાં તથા પુત્રોની સદ્‌ગતિ અર્થે તેમની ઉત્તરક્રિયામાં ચિત્તને પરોવવાની સલાહ આપી.

એ સમયમાં શ્રીમહાવીર સ્વામી ચંપાનગરીમાં ઉપદેશ આપી રહ્યા હતા. ત્યાં આગળ અંબડ નામનો એક સાધુ આવી પહોંચ્યો. એ રાજગૃહ જઈ રહ્યો હતો. મહાવીરસ્વામીએ તેને કહ્યું: “અંબડ ! રાજગૃહ જાય છે, ત્યાં સતી સુલસા વાસ કરે છે; તેને મળજે અને મારા ધર્મલાભ કહેજે.” આ પ્રસંગ ઉપરથી ખબર પડે છે કે સુલસા માટે શ્રીમહાવીરસ્વામીને કેટલું બધું માન હશે.

અંબડ પણ મહાવીરસ્વામીની પ્રશંસાથી આશ્ચર્ય પામ્યો અને એની શ્રદ્ધાની પરીક્ષા કરવા સારૂ પોતે વેશ બદલીને સુલસાને ઘેર ગયો. સુલસાએ તેને દાસીદ્ધારા ભિક્ષા અપાવી, એ જોઈ સાધુ અંબડે વાંધો લીધો અને એને હાથે પોતાના પગ ધોવરાવવાનો આગ્રહ કર્યો. સતી સુલસાએ એ વાતનો સ્વીકાર ન કર્યો. ત્યાર પછી અંબડે બ્રહ્માનું રૂપ ધારણ કરીને ગામ બહાર ઉપદેશ આપવા માંડ્યો. નગરનાં અનેક સ્ત્રીપુરુષ એની પાસે જવા લાગ્યાં, પણ શ્રીમહાવીરસ્વામી ઉપર અનન્ય ભક્તિ હોવાને લીધે સુલસા કદી પણ ત્યાં ગઈ નહિ. અનેક રીતે પરીક્ષા કર્યા છતાં સુલસાની શ્રદ્ધા ડગી નહિ ત્યારે અંબડ પ્રસન્ન થયો અને પોતાના મૂળ સ્વરૂપમાં તેની સેવામાં હાજર થયો. આ વખતે સુલસાએ વિધિપૂર્વક તેનો સત્કાર કર્યો. અંબડે તેની ઘણીજ પ્રશંસા કરી અને મહાવીર સ્વામીના ધર્મલાભ જણાવ્યા. મહાવીર સ્વામીનું નામ સાંભળતાં સુલસાના હર્ષનો પાર રહ્યો નહિ. એકદમ એ ઊભી થઈને હાથ જોડીને પ્રભુની સ્તુતિ કરવા લાગી.

સુલસાએ અંબડને ભોજન કરાવીને વિદાય કર્યો અને પોતે પાછી ધર્મકાર્યમાં જોડાઈ.

સુલસા હવે ત્રણ વખત પૂજા કરતી, બે વખત પ્રતિક્રમણ કરતી, સત્‌પાત્રને દાન દેતી, છઠ આઠમ આદિ તિથિઓએ અપવાસ કરી દેહનું દમન કરતી. તેનો સ્વામી પણ તેને અનુસરીને ધર્મપાલનમાં સમય વ્યતીત કરતો હતો.

પોતાનો અંતકાળ પાસે આવતો જોઈને તેણે શ્રીમહાવીરસ્વામી પાસે ‘આરાધના’ લીધી હતી. શ્રીવીરપ્રભુની ભક્તિને હૃદયમાં ધારણ કરીને એ સ્વર્ગે સિધાવી હતી.

જૈનો માને છે કે સુલસાનો જીવાત્મા ભવિષ્યમાં તીર્થંકરરૂપે જન્મ લેશે અને મુક્તિને પામશે.