રામને ભજ્યા વિના
Appearance
રામને ભજ્યા વિના રવિસાહેબ |
રામને ભજ્યા વિના
રામને ભજ્યા વિના પાર નહીં પામો,
હે જી આતો ધુતારાના શહેર છે.
જન્મ્યો તે’દી શું બોલતો બંદા,
આજની બોલીમાં ઘણો ફેર છે.
કરી કમાણી તારી ચોપડે ચડશે,
લેખા લેવાને ધણી મારો તેડશે. રામને ભજ્યા.. ૧
મોટાઈ તારી રે બંદા નથી મેલતો,
ઈ રે મોટાયું તને વેડશે.
ધન રે દોલતમાં તારુ મનડું લોભાણું,
પ્રભુના ભજનમાં તને વેર છે. રામને ભજ્યા.. ૨
ભવસાગરમાં સાચા રે મોતી,
છીપે છીપે ઘણો ફેર છે.
બાવા થયા તેથી શું રે થયું ભાઈ,
પ્યાલે પ્યાલે ઘણો ફેર છે. રામને ભજ્યા.. ૩
કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે,
દિધા વિના ક્યાંથી પામશો.
દેજો ને લેજો, કરજો ભલાયું,
અહીયાં તો પ્રભુની ઘણી મહેર છે. રામને ભજ્યા.. ૪
રામને ભજ્યા વિના પાર નહીં પામો,
હે જી આતો ધુતારાના શહેર છે.