રામ અને કૃષ્ણ/કૃષ્ણ/યુદ્ધપર્વ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← દ્યૂતપર્વ રામ અને કૃષ્ણ
યુદ્ધપર્વ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
ઉત્તરપર્વ →

યુદ્ધપર્વ

પાંડવોનું
પ્રકટ થવું
વનવાસ પૂરો થયો. પાંડવોએ અજ્ઞાતવાસમાંથી પ્રગટ થઈ પોતાના ભાગ માટે વળી માગણી કરી. અજ્ઞાતવાસનું વર્ષ ચંદ્રની કે સૂર્યની ગતિ પ્રમાણે ગણવું તે ઉપર મતભેદ થયો. ભીષ્મે પાંડવોની તરફેણમાં નિર્ણય આપ્યો, પણ દુર્યોધને તે સ્વીકાર્યો નહિ. લડાઈ કર્યા વિના હવે પાંડવોને બીજો ઈલાજ દેખાયો નહિ. મદદ માગવા માટે અર્જુન દ્વારિકા દોડ્યો. દુર્યોધન પણ તે સાંભળી દ્વારિકા ગયો. કૃષ્ણે જવાબ આપ્યો: "મારાથી હવે લડી શકાતું નથી. યુક્તિની ચાર વાત જોઈતી હશે તો કહીશ એકે મને લેવો અને બીજાએ મારું સૈન્ય લેવું." અર્જુને કૃષ્ણને પસંદ કર્યા અને દુર્યોધને સૈન્ય લીધું. બળરામ તટસ્થ રહ્યા અને યાત્રાએ નીકળી ગયા. યાદવોમાંથી કેટલાએક પાંડવોને અને કેટલાએક કૌરવોને જઈ મળ્યા. જોકે આ ટંટો એક પ્રાન્ત જેટલા રાજ્ય માટે હતો, છતાં સંબંધને લીધે આખા હિન્દુસ્તાનમાં તે વ્યાપી ગયો. ઠેઠ દક્ષિણ સિવાયના આખા ભારતવર્ષના ક્ષત્રિયો આ ખૂનખાર લડાઈ માટે તૈયાર થઈ કુરુક્ષેત્ર આગળ ભેગા થયા. દુર્યોધન તરફ અગીયાર અક્ષૌહિણી[૧] અને પાંડવો તરફ સાત અક્ષૌહિણી સૈન્ય ભેગું થયું; એટલે લગભગ ચોપન લાખ માણસો આ પિત્રાઈઓની લડાઈમાં એકબીજાના પ્રાણ લેવા આવ્યા.
કૃષ્ણવિષ્ટિ
લડાઈ શરૂ કરતાં પહેલાં યુધિષ્ઠિરે ટંટાનો નિકાલ સમાધાનીથી લાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો. છેવટે, માત્ર પાંચ ગામ લઈ સન્તોષ માનવાની તૈયારી બતાવી કૃષ્ણને વિષ્ટિ
  1. ૨૧૮૭૦ ગજસ્વાર, એટલા જ રથી, એથી ત્રણ ગણા ઘોડેસ્વાર અને પાંચગણા પાયદળનું લશ્કર એક અક્ષૌહિણી કહેવાય. એટલે એક અક્ષૌહિણીમાં ૨,૧૮,૭૦૦ તો લડનારા જ હોય; એ ઉપરાંત સારથી, મ્હાવત વગેરે જુદા. એકંદરે લગભગ ત્રણ લાખ મનુષ્યબળ એક અક્ષૌહિણીમાં થાય.
કરવા હસ્તિનાપુર મોકલ્યા. કૃષ્ણે તથા વિદુરે[૧] ધૃતરાષ્ટ્ર તથા દુર્યોધનને ઘણુંઘણું સમજાવ્યા. ભીષ્મે પણ કૃષ્ણને ટેકો આપ્યો. પણ દુર્યોધને ગર્વભર્યો ઉત્તર વાળ્યો કે એક સોય ઉભી રહે એટલી જમીન પણ પાંડવોને મળશે નહિ. સર્વ અનર્થોનું કારણ દુર્યોધન છે એમ વિચારી કૃષ્ણે ધૃતરાષ્ટ્રને દુર્યોધનને કેદ કરવા સલાહ આપી. પણ મોહવશ પિતાથી તે થઈ શક્યું નહિ. ઉલટું દુર્યોધને કૃષ્ણને જ કેદ કરવા પ્રયત્ન કર્યો. પણ કૃષ્ણ ચતુરાઈથી છટકી ગયા.

વિષ્ટિ માટેની આ મુલાકાત વખતે દુર્યોધને શિષ્ટાચાર પ્રમાણે કૃષ્ણને રાજમહેલમાં રહેવા નિમન્ત્રણ કર્યું હતું; પણ કૃષ્ણ દુર્યોધનના ભાવરહિત આતિથ્યના લાલસુ ન હતા. એમણે વિદુરનું ગરીબ ઘર રહેવા માટે પસંદ કર્યું અને એની જોડે બેસી સાદાં શાક-રોટલો ખાવામાં આનંદ માન્યો.

વિદુર, ભીષ્મ
અને કૃષ્ણ
વિદુર એ કાળના ભારતવર્ષના ત્રણ મહાપુરુષમાંના એક ગણાય. એમનું જીવન અત્યન્ત સાદું હતું. ન્યાયપ્રિયતા અને ડહાપણમાં એમની બરોબરીએ ભાગ્યે જ કોઈ થઈ શકે. ભીષ્મ ન્યાયપ્રિય અને જ્ઞાની
  1. ધૃતરાષ્ટ્રના સાવકા ભાઈ; પણ દાસીપુત્ર
હતા, પણ એ પોતાને અર્થના દાસ ગણી કૌરવોનો અન્યાય અટકાવવાને અસમર્થ સમજતા, એટલું જ નહિ પણ એનો ત્યાગ કરવા માટે પણ એ સમર્થ ન હતા. એમને બધા દાદા તરીકે ગણતા. રાજ્યકારભારમાં કે યુદ્ધમાં એમની મદદ વિના દુર્યોધનને ચાલતું નહિ. છતાં દુર્યોધન એમની પાસે પોતાનું ધાર્યું કરાવી શકતો. એટલે દુર્યોધનના અન્યાયોમાં એની સહાય એ નિમિત્તકારણ ગણી શકાય. વિદુરનો રાજખટપટમાં કાંઇ હિસ્સો ન હતો. એમની સાધુતા અને જ્ઞાનને લીધે જ માત્ર એમને બે વાત પૂછવામાં આવતી; પણ એમને કશુંયે જવાબદારીનું કામ સોંપાયું ન હતું. ક્ષત્રિય તરીકેનું પણ એમને માન ન હતું. એ યોદ્ધાયે ન હતા. પણ એમનનામાં નીડરતાથી સત્યવચન કહેવાની ભારે હિમ્મત હતી. દુર્યોધન જે અન્યાય ચલાવી રહ્યો હતો અને પુત્રમોહને લીધે ધૃતરાષ્ટ્ર એને ટેકો આપ્યો જતો હતો, તે વિષે ધૃતરાષ્ટ્રને સમજાવી ફોસલાવી વિદુરે તેને અનેક રીતે ચેતવ્યો. મહાભારતના વિદુરનીતિ નામે ભાગમાં એણે ધૃતરાષ્ટ્રને આપેલી શીખામણનો સમવેશ છે. વ્યવહારમાં ધર્મનીતિ કેવી હોય અને કેવી રીતે જાળવી શકાય એનું એમાં બ્યાન છે. કૌરવો પોતાની હઠ છોડતા નથી એમ જ્યારે એને લાગ્યું ત્યારે એણે કૌરવોનો ત્યાગ કર્યો અને હસ્તિનાપુર છોડી તીર્થે ચાલી નીકળ્યા. કૃષ્ણે પોતે શસ્ત્ર ન ઉગામવાનો નિશ્ચય કર્યો, પણ પાંડવોના પક્ષમાં ભળ્યા. આ રીતે આ ત્રણ જ્ઞાની અને મહાત્મા પુરુષોએ આ કુટુંબકલેશમાં ત્રણ જુદી જુદી જાતના ભાવ ભજવ્યા. એકે અન્યાયી છતાં ચાલુ મુકુટધારી રાજાને ટકાવી રાખવામાં જગતનું કલ્યાણ માન્યું, બીજાએ એનો ત્યાગ કરી મૌન ધારવાનું ઉચિત માન્યું અને ત્રીજાએ એ રાજાનો નાશ કરવામાં જ પુરુષાર્થ માન્યો.

બન્ને બાજુથી લડાઇની તૈયારીઓ થઈ. કુરુક્ષેત્રમાં બન્નેનાં દળો ગોઠવાયાં. કૃષ્ણે અર્જુનનું સારથિત્વ લીધું. લડાઇ શરૂ કરાવાની અણી વખતે બે બાજુનું સર્વ સૈન્યદળ નિહાળવા અર્જુનનો રથ આગળ આવ્યો. શંખો ફુંકાયા. અર્જુન બે બાજુની તપાસણી કરવા લાગ્યો. ત્યાં અર્જુને જોયું કે આ લડાઇમાં કેવળ સગાંવહાલાંઓ જ પરસ્પર લડે છે. આવા ભયંકર યુદ્ધનાં માઠાં પરિણામ તેની દૃષ્ટિ આગળ તરી આવ્યાં. એણે એમાં પ્રજાનો નાશ, ક્ષાત્રવૃત્તિનો લોપ અને આર્યોની અધોગતિ સ્પષ્ટ જોઈ. આથી એને બહુ શોક થયો. એ લડાઈમાંથી નિવૃત્ત થવા તત્પર થયો. એનો આ શોક કુસમયે, પોતાની ક્ષાત્ર પ્રકૃતિમાં રહેલા બળવાન સંસ્કારોની પૂર્ણ ઓળખાણ વિના અને સદસદ્ વિવેકના બળથી નહિ, પણ ક્ષણિક મોહથી ઉત્પન્ન થયેલો જાણી, કૃષ્ણે એને આ સમયે જે જ્ઞાનોપદેશ આપ્યો તે ભગવદ્‌ગીતામાં[૧] ગવાયેલો છે. આ ઉપદેશથી અર્જુનનો મોહ ઉતરી ગયો અને તે લડાઇ માટે સજ્જ થઈ ગયો.

ગીતોપદેશ
ગીતાનું રહસ્ય સમજવું સહેલું નથી. લખાણ દ્વારા એ રહસ્ય જાણી શકાતું નથી અને ગેરસમજુતીઓ જ વધે છે. જે વાચકોને માટે આ જીવનચરિત્ર યોજાયેલું છે તે એનું સર્વ રહસ્ય સમજી શકે એવી સાધારણ રીતે આશા રાખી શકાય નહિ. એમને એટલું જ કહી શકાય કે એ શાસ્ત્રનું સત્પુરુષ પાસેથી વારંવાર શ્રવણ કરવું, શ્રદ્ધાથી એનું વારંવાર મનન અને અધ્યયન કરવું, ઇંદ્રિયો અને મનને સંયમમાં રાખી ભક્તિ
  1. આ ચરિત્રમાં ગીતાના ઉપદેશનો સાર જાણીને આપ્યો નથી. એ ઉપદેશ સત્પુરુષ પાસેથી જ સાંભળવો ઘટે છે.
કરવી અને સત્ય, દયા, ક્ષમા, અહિંસા, બ્રહ્મચર્ય ઇત્યાદિ ગુણો વધારવા, એટલે ગીતા પોતે જ પોતાનું રહસ્ય સમજાવશે. જ્યાં સુધી ગીતાનું રહસ્ય સમજાયું ન હોય ત્યાં સુધી સત્કર્મોમાં પ્રીતિવાળા થવું, પોતાનાં દેશ, કાળ, વય, પરિસ્થિતિ, જાતિ, શિક્ષણ, કુળ વગેરેના સંસ્કારોને અનુસાર જે કર્તવ્યકર્મો પ્રાપ્ત થાય તે ધર્મબુદ્ધિથી, એ દ્વારા મોક્ષપ્રાપ્તિની લાયકાત મેળવવાની ઇચ્છાથી કર્યાં જવાં. આ માર્ગ નિર્ભયતાનો છે. એ રીતે વર્તન રાખનારની ઉન્નતિ થયા વિના રહે જ નહિ.
યુદ્ધવર્ણન
વિ. સં. પૂર્વે ૩૦૪૬ના વર્ષના માગશર સુદ ૧૪થી અઢાર દિવસ સુધી ઘનઘોર યુદ્ધ ચાલ્યું. એ લડાઇની બધી વાતો અહીં કહેવી પાલવે નહિ. એમાંના કૃષ્ણને લગતા બે-ચાર પ્રસંગો જ અહીં વર્ણવીશું. દશ દિવસ સુધી ભીષ્મ કૌરવોના અને ભીમ પાંડવોના સેનાપતિ હતા. જોકે પાંડવો કૌરવોનો કચ્ચરઘાણ તો ખૂબ કરતા, પણ ભીષ્મ હોય ત્યાં સુધી જીતવું કઠણ હતું. નવમે દિવસે ભીષ્મે પાંડવોનું ખૂબ નુકસાન કર્યું. અર્જુનને બચાવવા કૃષ્ણે રથને ફેરવવામાં પોતાની સર્વ કુશળતા દાખવી, તોપણ અર્જુન મૂર્છિત થયો. આ જોઇ કૃષ્ણને બહુ માઠું લાગ્યું. એમને થયું કે ભીષ્મ પોતે પવિત્ર અને પૂજનીય હોવા છતાં કૌરવોનો પક્ષ તાણી અધર્મને આશ્રય આપે છે. એ એક મરે તો લડાઇનો અંત વહેલો આવે. આ વિચારથી પોતાની ન લડવાની પ્રતિજ્ઞા છતાં કૃષ્ણ સુદર્શન ચક્ર લ‌ઇ ભીષ્મના રથ ભણી દોડ્યા. કૃષ્ણને પોતાની સામે ચક્ર લ‌ઇ આવતા જોઇ ભીષ્મે મહાન આશ્ચર્યકારક કૃત્ય કર્યું. એણે પોતાનાં ધનુષ્યબાણ રથમાં મુકી દીધાં અને બે હાથ જોડી બોલ્યા: "દેવદેવેશ જગન્નિવાસ શ્રીકૃષ્ણ ! તારે હાથે મરણ આવે તો ઘણું જ સારૂં. આ લોક અને પરલોક બન્ને સુધરે. આવ અને ખુશીથી મને માર." આ પ્રેમની ઢાલ આગળ બીચારા સુદર્શન ચક્રની ધાર પણ બુઠ્ઠી થઈ ગ‌ઇ. પ્રતિજ્ઞા ભૂલી મારવાને ઉદ્યુક્ત થયેલા કૃષ્ણ શાંત થ‌ઇ ગયા. એમણે ભીષ્મને અન્યાયનો પક્ષ લ‌ઇ અનર્થનું મૂળ ન થવા સમજાવ્યા. ભીષ્મે કહ્યું: " રાજા પરમ દૈવત છે. તેનું અમારાથી નિવારણ કરી શકાય નહિ. " કૃષ્ણે કહ્યું: " કંસને યાદવોએ દૂર કર્યો, કારણ કે તેને સમજાવતાં છતાં પણ તે સમજ્યો નહિ. એ તને ખબર છે ને?" આ પ્રમાણે અધર્મી રાજાને દૂર કરાય કે નહિ એ વિષે તાત્ત્વિક વાદવિવાદ ચાલતો હતો, એટલામાં અર્જુન સાવધ થયો અને કૃષ્ણને પ્રતિજ્ઞા ન તોડવા સમજાવી પાછા રથમાં લઈ ગયો. ફરીથી રીતસર યુદ્ધ શરૂ થયું.


ભીષ્મનો
અન્ત
દશમે દિવસે પાછું અર્જુન અને ભીષ્મ વચ્ચે યુદ્ધ શરૂ થયું. તે દિવસે અર્જુનનાં બાણોની વૃષ્ટિથી ભીષ્મ વિંધાઈ ગયા. આ પ્રમાણે આ નૈષ્ઠિક, બ્રહ્મચારી, જ્ઞાની મહાત્માની જીવનલીલા પૂરી થઈ.દ્રોણ
સેનાધિપત્ય
ભીષ્મ પછી દ્રોણાચાર્યને કૌરવોનું સેનાપત્ય મળ્યું. ત્યાર પછી ત્રીજે દિવસે અર્જુનનો પુત્ર અભિમન્યુ અતિશય વીરતા દાખવી રણમાં પડ્યો. તે રાત્રે અર્જુને પ્રતિજ્ઞા કરી કે બીજા દિવસના સૂર્યાસ્ત પહેલાં દુર્યોધનના બનેવી જયદ્રથનો વધ ન થાય તો પોતે ચિતામાં બળી મરે. બીજા દિવસે જયદ્રથનું રક્ષણ કરવા કૌરવોની વ્યૂહરચના મંડાઈ. પણ છેવટે પોતાની જ ગફલતીથી છેક સૂર્યાસ્ત સમયે તે માર્યો ગયો અને અર્જુનની પ્રતિજ્ઞા પાર પડી. આથી ક્રોધે ભરાઈને કૌરવોએ રાત્રિયુદ્ધ શરૂ કર્યું. કર્ણે જોરથી પાંડવો પર હલ્લો કર્યો, પણ ભીમનો પુત્ર ઘટોત્કચ રાત્રિયુદ્ધમાં કુશળ હતો. એણે કૃષ્ણની સલાહથી રાક્ષસી માયા રચી કૌરવો પર પથરા વગેરેની વૃષ્ટિ કરી ખૂબ ઘાણ વાળ્યો, એટલે કર્ણે એના ઉપર પોતાની અમોઘ શક્તિ નાંખી એનો અન્ત આણ્યો. કર્ણેને એવું વરદાન હતું કે એ શક્તિ જેના ઉપર એ નાંખે તેનો અવશ્ય વધ થાય, પણ એ શક્તિનો એનાથી એક જ વાર ઉપયોગ થઈ શકે. એ શક્તિનો એ અર્જુન સામો ઉપયોગ કરવા ધારતો હતો, પણ કૃષ્ણ આ વાત જાણતા હોવાથી આટલો વખત એ અર્જુનને કર્ણ સામે લડવા દેતા ન હતા. એ શક્તિ ઘટોત્કચ ઉપર વપરાઈ જવાથી અર્જુન એ વિષે ભયમુક્ત થયો.
દ્રોણવધ
બીજે દિવસે દ્રોણે દ્રૌપદીના પિતા તથા ત્રણ ભાઈઓને ઠાર કર્યા. આથી દ્રૌપદીના મોટાભાઈ ધૃષ્ટદ્યુમ્ન તથા દ્રોણ વચ્ચે દારુણ યુદ્ધ ચાલ્યું. પાંચ દિવસના સતત શ્રમથી થાકી ગયેલા દ્રોણે છેવટે પોતાનાં શસ્ત્રો મુકી દીધાં અને ક્ષણવાર સમાધિ લગાવી. તે અવસર જોઈ ધૃષ્ટધુમ્ને દ્રોણનું માથું ઉડાડી નાંખ્યું.
કર્ણ વધ
દ્રોણ પછી કર્ણ સેનાપતિ થયો. એની અને અર્જુનની વચ્ચે દારુણ યુદ્ધ ચાલ્યું. એ બેમાં કોણ ચઢે એ ઠરાવવું મુશ્કેલ છે. પણ કર્ણ ગર્વિષ્ઠ અને બડાઈખોર હતો. એણે અત્યાર સુધી યુદ્ધમાં દુર્યોધનને ખોટી સલાહ આપી અનેક અકર્મો કરાવ્યાં હતાં. લડાઈમાં એનું દૈવ વિપરીત થયું. એના રથનો ચાક એકાએક એક ખાડામાં પડી ગયો. એને ઉંચકીને બહાર કાઢવા માટે એણે શસ્ત્ર મુકી દીધાં અને અર્જુનને પણ થોડીવાર લડાઈ થોભાવવા કહ્યું. પણ કૃષ્ણે એમ કરવા અર્જુનને ચોખ્ખી ના પાડી. જેણે પદે પદે અધર્મ કર્યો છે તેને આ સમયે સ્વાર્થ માટે ધર્મનું બ્હાનું કાઢવાનો અધિકાર નથી. આથી અર્જુને પોતાનાં બાણ ચાલુ રાખ્યાં. કર્ણ ચાકને કાઢવાં જતાં એક બાણથી વિંધાઈ મરણ પામ્યો.
દુર્યોધન વધ
હવે કૌરવોની પડતી થવા લાગી. દુર્યોધન સિવાય સર્વ ભાઈઓ અને એના ઘણાખરા યોદ્ધાઓ તથા સૈન્ય માર્યાં ગયાં હતાં. છેવટે દુર્યોધનને નાસીને એક ધરામાં સંતાઈ જવું પડ્યું. ત્યાં પણ એ પકડાયો. ત્યાં ભીમ અને દુર્યોધન વચ્ચે ગદાયુદ્ધ થયું. આ વખતે ભીમ છળયુદ્ધ કરી, કૌરવ રાજાની સાથળ ઉપર ગદાનો પ્રહાર કરી એને મરણતોલ ઘાયલ કર્યો.

લડાઈનો હવે અંત આવી ગયો. પાંડવોએ કૌરવોના તંબુઓનો કબજો લીધો અને તેમાં પોતાના પક્ષનાં રહ્યાંસહ્યાં માણસોને રાખ્યાં. રાત્રે અશ્વત્થામા, કૃપાચાર્ય અને કૃતવર્મા યાદવે એ તંબુમાં પેસી ઉંઘમાં એમનાં ખુન કર્યાં. એમાં ધૃષ્ટદ્યુમ્ન, દ્રૌપદીના પુત્રો વગેરે માર્યા ગયા. કૃષ્ણે દીર્ઘદૃષ્ટિથી પાંડવોને એ તંબુઓમાં રાતવાસો ન કરવા સલાહ આપી હતી, એટલે એ પોતે ત્યાં રહ્યા ન હતા. તેથી માત્ર એ જ બચી ગયા.

આ રીતે કૃષ્ણના સુકાન તળે રહી પાંડવો આ રણ-નદી તરી ગયા ખરા, પણ એ જીત હાર કરતાં ઉજળી ન હતી. પાંડવપક્ષમાં પાંચે ભાઈઓ, કૃષ્ણ અને સત્રજિત યાદવ એ સાત, અને કૌરવપક્ષમાં કૃપ, અશ્વત્થામા અને કૃતવર્મા એ ત્રણ બાકી રહ્યા.
પરિક્ષિત
પુનરુજ્જીવન
લડાઈ પૂરી થયા પછી યુધિષ્ઠિર પશ્ચાતાપ કરવા લાગ્યા. રાજ્ય સ્વીકારવાની એણે ના પાડી. કૃષ્ણે એને ઘણા સમજાવ્યા, પણ એના મનનું સમાધાન થયું નહિ. છેવટે કૃષ્ણ એને રણક્ષેત્રમાં ઘાયલ થઈ પડેલા ભીષ્મ પાસે લઈ ગયા. એણે કરેલા રાજઘર્મ અને મોક્ષઘર્મના ઉપદેશથી યુધિષ્ઠિરનું સમાધાન થયું અને એ રાજ્ય સ્વીકારવા કબુલ થયા.એનો અભિષેક કરી તથા અશ્વમેઘ કરવાની સલાહ આપી કૃષ્ણ સ્હેજ નવરા પડે છે એટલી વારમાં વળી એક બીજું સંકટ પાંડવો પર આવ્યું. યુદ્ધમાં પાંડવોના સર્વે પુત્રો માર્યા ગયા હતા. માત્ર અભિમન્યુની વિધવા ઉત્તરા તે વખતે સગર્ભા હતી, એના ઉપર જ વંશના વિસ્તારનો આધાર રહ્યો હતો. પણ છેલ્લે અશ્વત્થામાએ એ ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર[૧]
  1. ભારત યુદ્ધમાં બ્રહ્માસ્ત્ર, નારાયણાસ્ત્ર, વૈષ્ણવાસ્ત્ર, અગ્ન્યસ્ત્ર વગેરે અનેક અસ્ત્રોનાં નામ આવે છે. એમ મનાય છે કે એ મંત્રવિદ્યાની શક્તિઓ છે. એ અસ્ત્રવિદ્યા હવે લુપ્ત થઈ ગઈ છે; પણ એ વાતો ખોટી છે એમ માનવું ભૂલભરેલું છે. મંત્રથી સર્પ, વીંછી વગેરે ઉતારનારા આજે પણ કેટલાક હોય છે. એક વાર મંત્રવિદ્યા સાધવાનો ભારતવર્ષમાં છંદ જ હતો.
નાંખી એને મારી નાંખ્યો હતો. આથી એ બાળક મરેલું અવતર્યું. હવે વંશ ચાલુ રહેવાની સર્વે આશા નષ્ટ થઈ. સ્ત્રીઓમાં રડારોળ થઈ રહી. ઉત્તરા કૃષ્ણની આગળ ખૂબ વિલાપ કરવા માંડી. એ કૃષ્ણથી સાંભળી શકાયો નહિ. દયાથી એમનું હૃદય ભરાઈ આવ્યું. એ ઉત્તરાના ઓરડામાં ગયા અને એક આસન પર આચમન કરી બેઠા. પછી મૃત બાળકને ખોળામાં લઈને મોટે સ્વરે બોલ્યા: "મેં આજ સુધી મશ્કરીમાં સુદ્ધાં અસત્ય ભાષણ કર્યું નથી અને યુદ્ધમાંથી પાછો ફર્યો નથી, તે મારાં પુણ્યથી આ બાળક જીવતો થાઓ. મારાં સદૈવ ધર્મપ્રિયતા અને ધર્મના અધિષ્ઠાતા બ્રાહ્મણો પ્રત્યેની પૂજ્યતાને લઈને અભિમન્યુનો પુત્ર જીવન્ત થાઓ. મેં વિજયમાં સુદ્ધાં બીજાનો વિરોધ કર્યો નથી તેને લઈને આ બાળકના પ્રાણ પાછા આવો. કંસ અને કેશીનો મેં ધર્મથી નાશ કર્યો હોય તો તે બાબતથી આ બાળક ફરીથી સચેતન થાઓ." આમ શ્રીકૃષ્ણ બોલતા હતા, ત્યાં ધીમે ધીમે તે બાળકનો શ્વાસ ચાલવા લાગ્યો અને થોડી વારમાં તેણે રુદન કરવા માંડ્યું. આ બાળક તે રાજા પારક્ષિત, જેને શુકે ભાગવત સંભળાવ્યું એવી પુરાણની કથા છે. ત્યાર પછી યુધિષ્ઠિરનો અશ્વમેઘ થયો. યજ્ઞને ઉત્તમ રીતે પાર પાડી શ્રીકૃષ્ણ દ્વારિકા આવ્યા.