રામ અને કૃષ્ણ/રામ/બાલકાણ્ડ

વિકિસ્રોતમાંથી
રામ અને કૃષ્ણ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા





બાલકાણ્ડ

રામમહિમા
શ્રી રામચંદ્રના પ્રતાપી ચરિત્રથી ભાગ્યે જ કોઈ હિન્દી વાચક અજાણ્યો હોઈ શકે. રામાયણ લખાયાને કેટલી સદીઓ થઇ ગઈ તેનો પત્તો લગાડવો આજે મુશ્કેલ છે. નાનકડા અયોધ્યા જિલ્લાના અધિપતિ કરતાં અનેક મોટા ચક્રવર્તી અને પરાક્રમી રાજાઓ હિન્દુસ્તાનમાં થઈ ગયા; છતાં જાણે ગઇ કાલે જ રામચરિત માનસ બન્યું હોય એટલો એમનો યશ અને એમના પ્રતિની ભક્તિ હજુ સુધી હિન્દુ હૃદયમાં સ્ફુર્યા કર્યાં છે. આજની રાક્ષસ જેવી વિશાળ બ્રિટિશ સલ્તનતના સિંહાસન પર બેસનારા શહેનશાહને તુચ્છ ગણે એવા સમ્રાટો પણ કદાચ કોઈ કાળે પૃથ્વી પર અસ્તિત્વમાં આવે અને કાળની અનંતતામાં લીન થઇ જાય; એમના કાળમાં એમના હાથ તળે દબાયલી પ્રજાઓ કદાચ એમનો જયજયકાર પણ કરે; છતાં "રાજા રામચંદ્ર કી જય" એ ઘોષણાને ભૂલાવવાને અને એ જયકારમાં ઝળકતા ચિરંજીવ યશ અને અતુલ્ય ભક્તિને હઠાવવાને કોઇ મહીપતિઓ સમર્થ ન થાય એ સંભવિત છે. કોઇ આખા જગતનો સમ્રાટ થઈ શકે; રાવણના રાજ્ય કરતાં યે મોટી સલ્તનતને ધૂળમાં રગદોળી નાંખે એવો કોઈ પરાક્રમી પુરુષ ભૂતળ ઉપર દેખાઈ આવે; છતાં એ રામરાજાના યશને જીતી ન શકે એવું બને. રામને કોઈ જીતી શકશે તો તે રામના ભક્ત જ. જે પૂર્ણપણે રામ થશે તે જ રામને જીતશે. આ જીવન વાંચનારને, મનમાં રામ રૂપ થઇ રામને જીતવા અભિલાષા થાઓ.
જન્મ
ભારત વર્ષના ક્ષત્રિયોમાં ઇક્ષ્વાકુ[૧] કુળ અત્યંત પ્રતાપી થઇ ગયેલું જણાય છે. જે જે પ્રતાપી રાજાઓની કીર્તિ હિન્દુ સ્તાનની પ્રજાઓ ગાય છે તેમાંના અનેકની વંશપરંપરા ઇક્ષ્વાકુ કુળ સાથે જોડવામાં આવે છે. સગર, દિલીપ, ભગીરથ,

[૨] હરિશ્ચંદ્ર, [૩] બુદ્ધ, મહાવીર, [૪] વગેરે ઇક્ષ્વકુ કુળના હતા એવું જણાવવામાં આવે છે.

કોસલ પ્રાન્ત -એટલે અયોધ્યા-ની આજુબાજુના મુલકમાં ઘણાં વરસો સુધી રઘુ વંશના રાજાઓ રાજ્ય કરતા હતા. તેમાં દશરથ નામે એક રાજા થઇ ગયા. એને કૌસલ્યા[૫] સુમિત્રા અને કૈકેયી નામે રાણીઓ હતી. દશરથને છેક પાકી ઉમરે ચાર પુત્રો થયા. મોટા શ્રી રામ કૌસલ્યાને પેટે, લક્ષ્મણ અને શત્રુઘ્ન સુમિત્રાને ઉદરે અને ભરત કૈકેયીની કૂખે અવતર્યા. રામનો જન્મ ચૈત્ર સુદિ નવમીને મધ્યાહ્‌ને થયો હતો; અને ભરતનો ત્યાર પછી એકાદ દિવસમાં અને લક્ષ્મણ તથા શત્રુઘ્ન ત્યાર પછી એકાદ દિવસે જોડીયા ભાઇ તરીકે જન્મ્યા હતા. ચારે ભાઇઓના વયમાં નામનો જ તફાવત હતો, છતાં એટલા અલ્પ કાળના અન્તરથી થયેલા વડિલ પ્રત્યે પણ નાનાએ પૂર્ણ આજ્ઞાધીનપણે વર્તવું એવી એમને કેળવણી આપવામાં આવી હતી. હવે બાળક થવાની આશા નથી એમ તદ્દન નિરાશ થયેલા વૃદ્ધ પિતાને અણધાર્યા ચાર છોકરાઓ થવાથી તેમના ઉપર એને અતિશય પ્રેમ હતો, અને ચારે ભાઈઓ પણ માતાપિતા અને ગુરુથી કોઈ શ્રેષ્ઠ દેવને જાણતા ન હતા. [૬] છોકરાઓની જેવી [૭] માબાપ પ્રતિ દૃઢ ભક્તિ હતી તેવી જ પરસ્પર ગાઢ પ્રીતિ હતી. રામ ભરતને પોતાના પ્રાણ સમાન ગણતા, અને લક્ષ્મણ તો જાણે પોતાની છાયા જ હોય નહિ એમ એને સાથે રાખતા. આપણે સાવકા છીએ એવો તો એમને ખ્યાલે ઉત્પન્ન થતો નહિ.


વિશ્વામિત્રની
સાથે
છોકરાઓને પૌગણ્ડાવસ્થા[૮] પ્રાપ્ત થયા પછી એક વાર વિશ્વામિત્ર[૯] ઋષિ દશરથ રાજાના દરબારમાં આવી ચઢયા. વિશ્વામિત્રે એક યજ્ઞ શરૂ કર્યો હતો. એ યજ્ઞમાં કેટલાક રાક્ષસો વિઘ્ન નાખતા હતા. વિશ્વામિત્રે યજ્ઞની દિક્ષા લીધેલી હોવાથી એમનાથી શત્રુઓ સામે લડી શકાય એમ ન હતું. એથી એમણે રામ અને લક્ષ્મણને સહાયક તરીકે મોકલવા દશરથને વિનંતિ કરી. પુત્ર પ્રતિના મોહને લીધે દશરથ કુમારોને આવા જોખમમાં નાખવા ઇચ્છતા ન હતા, પણ વિશ્વામિત્રના અત્યંત આગ્રહથી એની માગણી સાંભળ્યા પહેલાં જ એ મંજુર કરવાનું પહેલેથી જ વચન આપી દીધેલું હોવાથી, અને વસિષ્ઠની સમજાવટથી છેવટે રામ-લક્ષ્મણને વિશ્વામિત્રના હાથમાં સોંપ્યા. વિશ્વામિત્રે તો ખરૂં જોતા આ સાહાય્ય માગવામાં રઘુકુળ ઉપર ઉપકાર જ કર્યો હતો. ધનુર્વિદ્યા અને અસ્ત્રવિદ્યામાં વિશ્વામિત્ર નિપુણ હતા. એણે બે ભાઇઓને પોતાની સર્વ યુદ્ધકળા શીખવી અને તેમને ઉત્તમ યોદ્ધા બનાવ્યા. એ વિદ્યાના બળથી રામ-લક્ષ્મણે વિશ્વામિત્રના શત્રુઓનો નાશ કરી એમનો યજ્ઞ નિર્વિઘ્ને પાર પાડ્યો. યજ્ઞમાંથી પરવારી વિશ્વામિત્રે બેઉ કુમારોને પ્રવાસ કરાવવા માંડ્યો. અનેક પ્રાન્તોમાં ફેરવી ત્યાંની જમીન, નદીઓ, ઉત્પત્તિ, પ્રજા, તેમના ઇતિહાસ અને રીતરિવાજ વગેરેનું એમણે બેઉ ભાઇઓને સારૂં જ્ઞાન આપ્યું. એમ ફરતાં ફરતાં તેઓ મિથિલાનગરી[૧૦]માં આવી પહોંચ્યા. ત્યાંના નરેશ જનકને સીતા નામે એક કન્યા હતી. જનક પાસે એક મોટું શૈવ ધનુષ્ય હતું. એ ધનુષ્યને જે ચઢાવે તેને સીતા પરણાવવી એવી જનકે પ્રતિજ્ઞા કરી હતી. અનેક રાજાઓ એ પરીક્ષા આપવા અવી ગયા હતા, પણ ધનુષ્યને ઉંચકી ન શકવાથી લજ્જાયમાન થઇને ચાલ્યા ગયા હતા. વિશ્વામિત્રના કહેવાથી જનકે એ ધનુષ્ય રામને દેખાડવા મંગાવ્યું. વિશ્વામિત્રની આજ્ઞાથી રામે ગુરુને પ્રણામ કરી ડાબા હાથે તેને સહેલાઈથી ઉંચકી લીધું અને જમણે હાથે દોરી ચઢાવવા ગયા, પણ તેમ કરવા જતાં જ તે ભાંગી ગયું. રામચંદ્રના આ પરાક્રમથી જનક અતિશય પ્રસન્ન થયા અને તાબડતોબ દશરથ રાજાને તેડાવવા માણસ મોકલ્યો. અયોધ્યાવાસી આવી પહોંચતાં જનકે રામ-સીતાનાં લગ્ન કર્યાં અને પોતાની બીજી પુત્રી અને બે ભત્રીજીઓ પણ અનુક્રમે લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નને વરાવી.


પરશુરામ
લગ્નમાંથી પરવારી સર્વે અયોધ્યા આવવા નીકળ્યા. રસ્તામાં એમને ક્ષત્રિયોના શત્રુ પરશુરામ[૧૧] મળ્યા. એનું શરીર પણ ઉંચું અને જબરૂં હતું. માથા પર જટાનો



  1. સૂર્યવંશી ક્ષત્રિયોનો આદિઅપુરુષ. વિવસ્વાન્ (સૂર્ય)નો પુત્ર મનુ અને મનુનો પુત્ર ઇક્ષ્વાકુ એવી કથા છે. ગીતામાં ચોથા અધ્યાયના પહેલા શ્લોકમાં જે વિવસ્વાન્ અને મનુનું નામ છે તે આ જ. ઈક્ષ્વાકુ વંશની આગળ જતાં ઘણી શાખાઓ પડી ગઇ. રામનું રધુકુળ તે તેમાંની એક. રઘુના વંશજો તે રાઘવો; માટે રામને રાઘવ, રઘુપતિ વગેરે ઉપનામો દેવાય છે.
  2. સગર, દિલિપ, ભગીરથ - રાઘવોના પૂર્વજો. જેમણે અનેક વર્ષો સુધી પ્રચંડ પ્રયત્નો કરી ગંગાને ભારતવર્ષમાં વહેતી કરી. એમાં સૌથી મોટો અને યશસ્વી પ્રયત્ન ભગીરથ રાજાનો હતો. તે ઉપરથી 'ભગીરથ' શબ્દ બહુ ભારે -પ્રચંડ એ અર્થમાં 'પ્રયત્ન'ના વિશેષણ તરીકે વપરાય છે.
  3. હરિશ્ચંદ્ર - સત્યવાદી. આ અને ઉપરની કથાઓ વિષે ખબર ન હોય તો કોઈ પાસેથી જાણી લેવી. પરાક્રમમાં પાછળ હઠવું નહિ, અને એકવાર કરેલી પ્રતિજ્ઞા પ્રાણ જતાંયે તોડવી નહિ, એ રઘુવંશી ક્ષત્રિયોનો કુલધર્મ હતો. रघुकुल रीति सदा चली आइ | प्राण जाय पर वचन न जाइ || (તુલસીદાસ)
  4. ૩*બુદ્ધ,મહાવીર - અનુક્રમે શાક્ય અને જ્ઞાતૃ (ઇક્ષ્વાકુ કુળની બે શાખાઓ)વંશના. એમનાં ચરિત્ર વાંચવાં.
  5. કૌસલ્યા, કૈકેયી- એટલે કૌસલ અને કેકેય પ્રાન્તની. કેકેય પ્રાન્ત પંજાબ અને કાશ્મીર વચ્ચે સમાઇ જાય.
  6. વેદે પણ मातृदेवो भव| पितृदेवो भव |आचार्यदेवो भव | अतिथिदेवो भव | એ જ ઉપનિષદ્, એ જ આદેશ, એ જ .
  7. આજ્ઞા છે, એ જ પ્રમાણે ઉપાસના કરવી, એમ કહ્યું છે ને ? (જુઓ તૈત્તરિય ઉપનિષદ્ ૧-૧૧.)
  8. પાંચ વર્ષ સુધી બાળક શિશુ કહેવાય, બાર વર્ષ સુધી કુમાર; બારથી સોળ પુગણ્ડ, સોળથી વીસ કિશોર અને ત્યાર પછી યુવાન.
  9. વિશ્વામિત્રનાં પરાક્રમ, તપ, વસિષ્ઠ સાથેની લડાઇ, બ્રહ્મર્ષિ થવાની ઈચ્છા વગેરે બાબતો વિદ્યાર્થીએ જાણી લેવી. તે જ પ્રમાણે વસિષ્ઠ વિષે પણ જાણી લેવું.
  10. હાલના દરભંગા આગળ
  11. પરશુરામ વિષે વિદ્યાર્થીએ વધારે વાતો શિક્ષક પાસેથી સાંભળી લેવી. એની માતાપિતા તરફની ભક્તિ અને અદ્‍ભુત પરાક્રમો સાંભળવા જેવાં છે.
ભાર હતો. નેત્ર લાલચોળ હતાં. એક ખાંધ પર મોટી ફરશી હતી અને બીજી ખાંધ પર એક મોટું ભયંકર વૈષ્ણવી ધનુષ્ય ભરાવેલું હતું. રામે શિવ ધનુષ્ય ભાંગ્યાની વાત સાંભળતાં જ એને બીક લાગી હશે કે રખેને કોઇ બળવાન ક્ષત્રિય જાગી ઉઠે અને બ્રાહ્મણોને પીડા કરે; માટે તે વિશેષ બળવાન થાય તે પહેલાં જ એનો નિકાલ લાવવો એ ઇચ્છાથી એણે રામને વૈષ્ણવી ધનુષ્ય ચઢાવી એનિ સાથે યુદ્ધ કરવા નોતર્યા. રામને ધનુષ્ય ચઢાવતાં જોતાં જ પરશુરામનો મદ ઉતરી ગયો. એ નિસ્તેજ થઇ ગયા. પૃથ્વીને ક્ષત્રિય વિનાની કરવાને અત્યર અગાઉ એમણે જે તપશ્ચર્યા કરી હતી તે સર્વે પાણીમાં ગઈ એમ એમને લાગ્યું અને તેથી રામની વન્દના કરી એ ફરી તપ કરવા ચાલ્યા ગયા.