રાય રણછોડને નમું કર જોડીને

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
રાય રણછોડને નમું કર જોડીને
નરસિંહ મહેતા


<poem> રાય રણછોડને નમું કર જોડીને, સારા કરો શ્રી હરિ! ચરણે આવ્યો, તન-મન-પ્રાણને સમર્પ્યાં ધર થકી, શરણ આવે તેનો હાથ શાવો. - રાય. ૧

નાગરી નાતે તો કીધી છે ઠેકડી, તીરથવાસીએ જાણ્યું સાચું, નરસૈંયો ભક્ત તે કોટિધ્વજ જાણિયો, તમ વિના કૃષ્ણજી ! કેને જાચું ? - રાય. ૨

જો નકારશો તમો દાસની હુંડી તો લોકમાંહે ઉપહાસ થાશે, મારું તો એહમાં કામી નહીં વણસશે,પણ તાહરા ભક્તની લાજ જાશે. - રાય. ૩

ન-કાળજો વણજ મેં કીધો છે વિઠ્ઠલા! રાખજો લાજ તો શરમ રહેશે, જો હૂંડી પાછી ફરી આવશે, તો ભક્તવત્સલ તને કોણ કહેશે ? - રાય. ૪

આધીન દાસ છું, શામળા ! શ્રી હરિ ! દીનબંદુ દીનાનાથ કહાવો, નામ -પ્રતાપથી અધમ જન ઉદ્ધર્યાં, તે માટે દાસ કરે છે દાવો. - રાય. ૫