લખાણ પર જાઓ

રાવણ મંદોદરી સંવાદ

વિકિસ્રોતમાંથી
રાવણ મંદોદરી સંવાદ
શામળ


રાવણ મંદોદરી સંવાદ.


દોહરો.

શ્રીસરસ્વતિ મતિ દેયણી, ઉત્પત ગત રતિ પત્ય;
શ્રુતિ સ્મૃતિ અદ્ભુત ધૃતી, દે મા રુડી મત્ય. ૧

ચોખરો.

માત માયા કરો બરદ બાંહે ધરો, સર્વ સંકટ હરો ઈશ આતા;
ભોજ્ય ભાવે ભરો ખેલ રાખે ખરો, ઠેઠ ઠામેઠરો સુખસાતા;
નેહ આણો નરો પલક નહિ તે પરો, એહ છે આશરો માન માતા;
સાચ સામળ ભણે વેદ વાયક તણે, આપણે એક એ દેવી દાતા. ૨
પ્રેમથી પૂજીયે સ્નેહથી સૂઝિયે, જોરથી ઝુજીયે દેત દોટી;
મેરથી માણિયે અંતરે આણિએ, જુગતથી જાણિયે ચિત્ત ચોટી;
પ્રીત પરમાણિયે વિશ્વ વખાણિયે, આણિયે નહિ દલે ખાંત ખોટી;
સામળ કહે સેવિયે દેવની દેવી એ, મો શીર ગાજતી માત મોટી. ૩
ધર્મ દૃઢ ધીર તું નિર્મળો નીર તું, જગતનું જોર તું સિદ્ધ સારી;
વાણીમાં વેદ તું ભ્રાંત માં ભેદ તું, મૂળ માં મેદ તું વૃષ્ટિ વારી;
કુટવાળ કાશી તણો ભાવે સામળ ભણ્યો, જે ભૈરવાનંદ આનંદકારી. ૪

છપ્પા.

શિવ સરીખો તાત, માત ઉમિયા છે જેની;
લક્ષ લાભ શુભ સુત, રિદ્ધ સિદ્ધ તનયા તેની;
ક્ષેમ કલ્યાણ જામાત્ર, પાત્ર અષ્ટ સિદ્ધિ દલ દાસી;
ત્રિદશ આદે દેવ, શેવ નવ નિધ ઘરવાસી;
પિતા પંચાનન પ્રભુ, ષડાનન વળી બંધવ ભણું;
ગજાનન ગુણ આગળો, પ્રથમ ધ્યાન ધરું તે તણું; ૫
શ્રી ગુરુ વંદુ ચરણ, શરણ રહું શુભ રીતે;
બ્રહ્મા વિષ્ણુ ઇશ, દિગ પત્ય પૂજું પ્રીતે;

શ્રીપત્ય ગુરુપત્ય સત્ય, મત્યથી માન જ માગું;
આદ્યશક્તિ ઉમયાય, પાપ લક્ષ્મિવર લાગું;
કવિ કીધા લક્ષ કોટીધા, મયા કરો માગું મતી;
સામળ કહે સિદ્ધ પામીએ, જો કરે કરુણા સરસ્વતી. ૬

ચોખરો.

તીર સરયૂ તણાં નિર શોભે નિર્મળાં, દીવ્ય દીલિપ ગુણ ગાન ગાયો;
રઘુરાજ મહારાજ અજરાજ અજિત એ, પ્રાક્રમી પુણ્ય પ્રતાપ પાયો;
અજોધ્યાપતિ ભુપતિ દેવ એ દશરથી, કોટિધા કોટિ કલ્યાણ કહાયો;
ત્રીલોક જન તારવા અધમ ઉદ્ધારવા, અનેતા ધન્ય જુગનાથ જાયો.
ઇશનો ઇશ જગદીશ એ જગતનો, ભક્ત બ્રહ્મા સમા રંગ રાતા;
કોટિ બ્રહ્માંડ મંડાણ સૃષ્ટિ તણો, વેદ વરણવિ ગુણ ગાન ગાતા;
લાયક લઘુ લક્ષ્મણો સત્ય સુલક્ષણો, માન મહા મૂલ્ય કૌશલ્ય માતા;
સ્વામિ સામળ તણો નામ મહિમા ઘણો, રામજી મુક્તિ પદ દિવ્ય દાતા.
કોટિ કંદર્પ તો માન મૂકી રહ્યા, ઇશ ઉપર જાય વિશ્વ વારી;
શેષ મહેશ કો લેશ લહે નહીં, વેદ ભેદે નહીં ભરમ ભારી;
જનક ઘેર જાગમાં માગ મૂકાવિયો, પરણિયા નિર્મળાં સીત નારી;
નવ ખંડના નરપતિ છેક જે છત્રપતિ, પત્ય મૂકી ગયા હોડ હારી.

દોહરો.

આગના અપર માતકી, ગુણનિધ છોડ્યો ગામ;
સંગ સીત લક્ષ્મણ લિયે, રણમાં નિકસો રામ. ૧૦

કવિત.

શ્રી સાહેબ બડે સિંધુ, બોહો ગુણશે બંધું;
અવની પત્ય ઈંદુ આપ, સતી સીત સંગકું;
ધનુષબાણ પાણ લીયે, જટાજુટ મુગટ કિયે;
દિવ્ય ભક્ત દાન દિયે, આભૂષણ અંગકું;
જગ્તમેં લાયક જોટે, વજ્ર લંગોટ કછોટે;
મોટે છોટે વીર દો, રાજસ ગુણ રંગકું;
સામળ કહે સાહાક, લક્ષ્મણસેં લાયક;
નરપત્યસેં નાયક, આયે ગૌતમજી ગંગકું; ૧૧

છપ્પો.

કબહુક તીરથ નાય, કબહુક જાતર જોણે;
કબહુક તપસુ રીઝ, બેજ બક્ષ પુન્ય કે બોણે;
કબહુક મૃગ્યા દોરે, ઘેર આનંદે આવે;
કબહુક વાદે વરત, અમૃતફળ બનમેં પાવે;
અતિ અતિ આનંદ અહર્નિશા, સુખ સાગર શોભિત સહૂ;
મહારાજ મૂળ એ મોક્ષકો, ઇસબિધ દિન બીત બહૂ, ૧૨

દોહરા.

ખાંત બડીસેં ખેચરી, સુર્પનખા શુભ રૂપ;
દેખી દીવ્ય દાતા બડે, ભાગ્ય નિધિસેં ભૂપ; ૧૩
આઈ રૂપ સબ ફેરકો, છલનકું રઘુરાજ;
નાક કટાયો પ્રેમસુ, લછમન બીરકે હાથ. ૧૪

ચોખરો.

રૂપ અનુપ સોહામણું નીરખીને, ભામણાં લેતી એ ભામિની ભેદી;
સૂર્પ- વેદ મુજને વરો નાર નિશ્ચે કરો, તો ઠરો થામ આ સુખ દહાડી;
રામ-રામ કહે રાંડ એ કામ મારું નહીં, લક્ષ્મણા સાથ વર વાદ વેદી;
કવિ-કહે સ્ત્રી દેખતાં પ્રીછવ્યો પેખતાં, નાંખ્યા નાક ને કાન બે છેદી; ૧૫
ચિત્તમાં ચળચળી કાપતાં કળકળી, ગળગળી ગાત્રમાં ત્રાસ પેઠો;
રીત્યની રંકમાં નાર નિઃશંકમાં, લાજતી લંકમાં દેતી દોટો;
સૂર્પ-કામનિ તુજ કારાણે બળ કરી બારણે, લાવતાં એહ અધિપત્ય એઠો;
તોલ તુજ શું રહ્યું નાક નિશ્ચે ગયું, રાવણો રાંડવો થઇને બેઠો. ૧૬

દોહરો.

કવિ-દેખી દશાનન દુઃખી હુવો, કિયો આપસેં કોપ;
રાવણ-કોણે કામ એસો કિયો, લાજ શરમકું લોપ. ૧૭

ચોખરો.

સૂર્પ-કંદર્પ કોડામણા નંદ બે નાનડા, દેવ દશરથ તના પુત્ર પ્રૌઢા;
ધનુર્ધર ધીરમાં વીર અધિ વીરમાં, રામ શ્રી લક્ષ્મણો જુગલ જોટા;
સુંદરી સંગમાં રીઝતા રંગમાં, અંગે અતિ ઉજળા ઠાઠે થોથા;
નાર એ લિજિયે ભ્રાતને દિજીયે, તે થકી તેમણે ટેક તોડા. ૧૮

દોહરા.

મરદ મુછ હોય મુખ પરે, તો મરદામી માંણ;
સીત સ્વરૂપ સોહામણી, માનિની મંદિર આણ. ૧૯
નારી જાણે નેહથી, આપઘાત કરું એન;
જાણું મુજ જનુની જણ્યો, તું બંધવ હું બેન. ૨૦

ચોખરો.

કવિ-છેકથી નાગ જેમ હોય છંછેડિયો, વાઘ વકારિયો ચિત્ત ચહાવું;
હઠે જેમ હાથિયો સાંઢિયો સાથિયો, ભાથિયો ભીડિયો ધીર ધાવું;
રીસ બોહો રાખતો ભૂંડું મુખ ભાખતો, તેહને તાકતો જોરે જાવું;
પ્રતિજ્ઞા પાંકતો બલ ઘણું બાંકતો, નાર તે લંકમાં કાલ લાવું. ૨૧

છપ્પા.

માવલો એક મરિચ, લક્ષથી સાથે લીધો;
કૂડ કપટ ને કર્મ, કુરંગ કનકનો કીધો;
મહિમા જો બે મૂખ, સુખ અતિ રૂપ અનેરે;
ત્રણ ચરણ એક વદન, સદન એક સન્મુખ સારે;
જ્યાં સીતા સારે પાસે રમે સારંગ, સમીપ આવી અડ્યો;
મોહન રૂપ મકરંદ મૃગ, પ્રેમદાની દૃષ્ટે પડ્યો. ૨૨
સીતા-રહો રઢિયાળા રામ, કામ કહું તે કીજે;
ધનુષ બાણ ગ્રહો પાણ, પ્રાણ કુરંગના લીજે;
ત્વચા તણી તરબીબ, પાંગરણ પેરું પ્રીત્યે;
કવિ-હઠ લઇ બેઠાં હોડ, કોડ રામાની રીત્યે;
તવ રાજીવ લોચન રામજી, ક્રોડ વાર કહે કથી;
રામ-કુરંગ કનકનો કામિની, બ્રહ્માએ સરજ્યો નથી. ૨૩

દોહરો.

કવિ-રામા રોયણ રીશથી, નયણે ભરિયાં નીર;
રામ હૃદે રીઝ્યા ઘણું, ધનુષ ચઢાવ્યું ધીર. ૨૪

છપ્પો.

મારી આણું એ મૃગ, કામિનિ પર કરુણા કીધી;
સોંપ્યા લક્ષ્મણને સીત, આણ અવની પર દીધી;

ચાલ્યા ચતુરસુજાણ, બાણ સાંધી અતિ રીશે;
મૃગે કર્યો પોકાર, ચિત્ત અતિ નાંખી ચીસે;

મૃગ-ધાઓ ધાઓરે લક્ષ્મણા, નિકટ મોત આવી મળ્યું;
કવિ-શૂળી સમું સંકટ થયું, જવ સ્વર સીતાએ સાંભળ્યું.

દોહરા.

સીતા-દેવર ! દીનપણું કર્યું, સત્ત્વર શૂરા થાઓ;
હૃદે નામ લઇ રામનું, વીરા વારે ધાઓ.
લક્ષ્મણ-સીતા શે સમજો નહિ, એહ વાત નવ હોય;
રંજાડે જે રામને, જુગમાં જન્મ્યો ન કોય.
કવિ-સ્ત્રી બુદ્ધે સીતા થયાં, પરઠી પાપે પેર;
સીતા-રામ રહે જો રણ વિષે, તો ઘરુણી રાખું ઘેર.

ચોખરો.

બોલ વાગ્યા બહુ બાણ બિહામણા, દિલ થકી દુઃખ અતિ આણિ દાવો;
ધનુષ ગ્રહી ધીર ધાયો ઘણું ધસમસ્યો, કામિની વાત થકી ક્રોધ કહાવ્યો;
દુષ્ટ રાવણ નવ દિલ થકી રીજિયો, લાગ પામ્યો પોતે ફેર ફાવ્યો;
કુડથી કાપડી વેષ વપુએ ધર્યો, માંગવા મધુગરી તરત આવ્યો. ૨૯

દોહરા.

રાવણ-આપ હે ઇશ્વરી આ સમે, મધુગરી ભર ધર પ્રેમ;
ભુખ્યો તરશ્યો વન ભમું, ઇશ્વરનો ધરું નેમ. ૩૦
સીતા-સતી કહે જતી સુણો, પતિએ પરઠી આણ;
રતિ રતિ ચરણ ચલે નહિ, જોગી મનમાં જાણ. ૩૧

ચોખરો.

કહે પછી કાપડી બુદ્ધ કરી બાપડી, પાવડી ઉપર પાગ મેલો;
રા-ભુખ લાગી ઘણી આવિયો તમ ભણી, સીત સતિ શાણી તુજવાસ વેલો;
કવિ-બાઇએ તોરણે આવવા કારણે, પારાણે પોષાવા પગ મેલ્યો;
જોરથી ઝાલિયાં ખંધપર ઘાલિયાં, રોળિયાં રોષે ને રણે રેળ્યો. ૩૨

છપ્પો.

સીતા-હાહાકાર કરી પડી, રે પાપી રે દુષ્ટ;
સતીપર કુદૃષ્ટિ કરી, ધિક્ ધિક્ તારી બુદ્ધ;

વંશ વિદારણ તું સમો, નથી જન્મ્યો અબુધ;
જશે નિકંદન તાહરું, વાણી બોલ્યાં ગૂઢ;
વલવલે વિનતા વંન, મનમાં દુઃખ ધરે છે;
ચાલ્યો લેઇ પાપિષ્ઠ ત્યાં, કામ કુડું જ કરે છે. ૩૩
કવિ-પિશાચ સંચ પરપંચ, કરી પર નાર હરે છે;
ખાંધે બેઠી બાળ, અતિ આક્રંદ કરે છે;
રોતી સતી રહે નહીં, મંદ મતિએ હેતે હર્યા;
વંક વાટ અંકે કરી, જઈ લંકમાંહે લાયક ધર્યા. ૩૪

કવિત-દોઢ.

રાવણ- સીતાજી મયાણી, રામજીકી રાણી, અધિક જોર આણી;
માનિની મંદોદરી માન, કામ જોર કીનો હે;
જોરાવર જાણી, મહિપત્ય મેં માની, એસી દલ આની;
પાની ગમાયો વાંકે, સુખ સબે લીનો હે;
ઠાઠ એ ઠરાની, બાટ મેં બિરાની, ભાગ્યસેં ભરાની;
સરાની સાતા સબ, ચિત્ત એહ ચિન્યો હે;
ભગનીકું ભયાની, પેર મેં પહેંચાની, અંતરમેં આની;
તાનહી મલાયો તહાં, ધાયો ધાયો દીનો હે. ૩૫

ચોખરો.

મંદોદરી-પ્રેમદા પેખતા પરમ પામે ઘણો, ચેતના આણ રે ચિત્ત ચાડે;
સીતા સાટે ઘણું સાલ તું લાવિયો, પરઠિયું પાપ તે જોર જાડે;
ત્રિલોકપતિ નાથની સાથ શત્રુ થયો, કનકનો કોટ એ સત્ય પાડે;
કહે છે મંદોદરી કંથ કૂડું કર્યું, માનિની મૂળ સમૂળ કાડે. ૩૬

દોહરા.

રાવણ-પ્રેમદા તુજ બુધ પાનિયે, કર કર કામિની કામ;
સત જોજન સાયર તરી, રેષ ન આવે રામ. ૩૭
કવિ-શોક તજાવા સીતનો, હરખ થવા મન હામ;
મૂક્યાં આપ અશોકમાં, નિર્મળ જેનું નામ. ૩૮
કરૂપ ઘણું કલક્ષણી, બોહો બિહામણી બેલિ;
રાક્ષસિયો રંજાડવા, માનિની ચોકી મેલિ. ૩૯

છપ્પો.

કારમો જે કુરંગ, અલોપ થયો તે અંગે;
શ્રીલક્ષ્મણ શ્રીરામ, સ્થાનક આવ્યા બે સંગે;
કળકળતા દીઠા કાગ, બગ શોભ્યા શ્યામ સાને;
દુઃખ દાવાદલ દેહ, રમા નવ દીઠી રાને;
આકુળ વ્યાકુળ અતિ ઘણું, પગલાં જોતા પંથે પળ્યા;
ચિત ચેતન ચંચળ થયું, ધરણીપત્ય ધરણી ઢળ્યા. ૪૦

દોહરો.

ડગમગ કરતા ડગ ભરે, રામ લક્ષમણ ભડ વીર;
વિલાપ કરંતા વલવલે, ધારણ ન રહે ધીર. ૪૧

ચોખરો.

-જોગથી કહે જતી માનિયે મહિપતિ, માન મેલ્યે કયમ કામ થાશે;
પાતળમાં પરવરું સ્વર્ગમાં સાંચરું, શોધશું સર્વ વિશ્વ વાસે;
મુરજાદમાં માનવી દેવ ને દાનવી, ત્રિલોકમાં તસ્કરો સર્વ ત્રાસે;
દુષ્ટ પાપિષ્ટને દંડ બોહો દેઈશું, નાર હરી કુણ નર સુખિ થાશે. ૪૨

છપ્પો.

કવિ-ધારી દઢ મન ધીર, થીર બેએ પથ લીધો;
ઋષિમુખ પર્વત તરત, સુગ્રીવ સહોદર કીધો;
વાળિ હણ્યો તત્કાળ, નાર સોંપી નર નેટે;
ચતુર નર ચાતુર માસ, ઠરી રહ્યા ત્યાં ઠેઠે;
શોધ કરવા સીતાતણી, સુગ્રીવ સુભટ તે સજ થયો;
હનુમંત આદિ નળ નીલને, કથન ક્રિયાએ કરિ રહ્યો. ૪૩

દોહરો.

સુગ્રીવ-પંચાસ ક્રોડ પૃથ્વીતણી, ખોળો પૃથ્વી પીઠ;
રવિ ઉગ્યો ઢાંક્યો ન રહે, દેવ આપણી એ દીઠ. ૪૪

ચોખરો

કવિ-ઉત્તર દશા શત એક પ્રાક્રમી પરઠિયા, પશ્ચિમે પાંચ શત ભ્રાત ભાવા;
દશ દશા દેશ વિદેશ બહુ વ્યાપરી, દક્ષણ દશાએ ઘણા દીધ દાવા;
સૂઝતા બૂઝતા પૂછતા પરવરે, મંત્ર મુખ રામના કોડ કહાવ્યા;
કામ કરું હોડશું કઠીણ બહુ કોડશું, લંક બળવંત હનુમંત આવ્યા. ૪૫

દોહરા.

દેખ્યો ગઢ લંકાતણો, મેહેજુત ભયે બોહો મન;
કીસ બિધ દેખે દેશકું, આય શકે નહીં અન્ય. ૪૬
ઓર અરુણ જ્યું ઉગિયો, પુંજ તેજ પ્રકાશ;
કનક કોટ કો કારમો, ઊંચો અતિ આકાશ. ૪૭

કવિત.

સુક્ષ્મ શરીર કિયો, રામ નામ હૃદે લિયો;
બાંકો બલવંત બડો, ઝુકાય દિયો ઝોંકમેં;
(દર) બાર દરીખાન ઘેરે, અદકી અટારી હેરે;
ગોખ જોખ ફેરે ફેરે, લહ્યો સબ લોકમેં;
પેર પેર પ્રિય પેખે, દીવ્ય રુપ નવ્ય દેખે;
લહ્યો લંક વંક અંક, ઠીકે ઠેહુ થોકમેં;
નીસ(બાસ)આસ છાંડ રહ્યો, કાયા માંહિ ક્રોધ ભયો;
ચોહો પાસે દેખી અંતે, આયો હે અશોક મેં. ૪૮

છપ્પા.

બેઠાં ત્યાં સીતા માત, કષ્ટ ઘણેથી કરણી;
ટોળા વિછોહિ રણ માંહિ, દીસે જેમ એકિલી હરણી;
વણ ઓપ્યું જેમ રત્ન, જત્ન ઝાઝામાં દીઠી;
અતિ દુઃખ અર્ણવ માંહિ, અગન હોય જેમ અંગીઠી;
વપૂ જોઈ તે વિસ્મે થયો, શકે હોય સીતા સતી;
આલોચ કરતો તે સમે, પરઠ્યો હ્યાંં લંકા પતિ. ૪૯
સાઠ સહસ્ત્ર સંગીત, કરતી શ્યામા સંગે;
ઉડે અબીલ ગુલાલ, રાચતો હૃદયા રંગે;
તાતા થેઇ થેઇ તાન, ગાન ગુણ ભૂપત ભીનો;
પડ્યો ધ્રાસકો સીત, ભીત ચિત્ત લાગ્યો ચીનો;
પંચ ધનુષ પરો રહ્યો, કથન કૂડ કામિની કહ્યો;
સિતા નામ શ્રવણે સુણી, લક્ષણ બજરંગે લહ્યો. ૫૦

કવિત-દોઢ્યું.

રાવણ-રાબન કહે સુનો સીત, મોયસો મેલાવો ચિત્ત; છાંડ દૂર સબે ભીત;
પ્રીત નીત કહા તેરે, રામ જેસે રંકકો;

તિન લોક ફરે આણ, ચિંતામણિ રત્નખાણ; બોહો લોક માન બાણ;
જાને સુખ બોત મેરે, વૈભવ નિઃશંકકો;
વાકી તું છાંડ આશ, ભોગવો બિલાસ બાસ; સમૃદ્ધિ સબ તેરે પાસ;
દાસી સબ દાસ તેરે, ફર્યો કર્મ અંકકો;
તજો મન આપ લાજ, સુખકે સબ કરો કાજ; સંતાપ શોક સબ ભાજ;
તાજ કરું મંદોદરી, રાજ્ય સોંપું લંકકો. ૫૧
સીતા-ચુપ રહે મૂઢ અંધ, મેં જાણું તું પરો બંધ; લંકમેં તો હુવે ધંધ;
કંધ દશ છેદવા હું, એસી મન હોડ હૈ;
લુંટી તેરી રમણ સેજ, પરવાર્યો તેરો તપ તેજ, સબ ઉપરસે છાંડ હેજ;
રેજ કરો રાક્ષસકું, મેહેલાંએ મન મોડ હૈ;
શ્રીરામ જુ આધાર મેરો, ઉતારે અહંકાર તેરો, કરે રંક એ અનેરો;
હેરો કરહી કે હદ, એસો બંદી છોડ હૈ;
સામળ કે માન મૂઢ, પ્રભુકો પ્રતાપ પ્રૌઢ, ગુણ જાણે નહિ ગૂઢ;
રાબન જેસે રંક, રામ ક્રોડ ક્રોડ હૈ. ૫૨

દોહરા.

રાવણ-અમીષ તેરો આવરુ, પ્રીછે નહીં જો પેર;
કવિ-એસી કહે કર અધિપતિ, ગયો આપકે ઘેર. ૫૩

કવિત.

સીતા-સીત મન ભીત લગે, ચિંતા કર ચિત્ત માંહે;
આહે અબ ના‘યે રામ, કહો કહા કીજીયે;
એસી કહે આપ માંહે, કેસી બીધ જીવ જાયે;
પાયે કહાં પ્રીતશું તો, બીખ બાટ પીજીયે;
પાપી કેરે પાસ પડી, દુર દેશ આય અડી;
ઘડી ઘડી દુઃખ બોહો, લાભ કાહા લીજીયે;
કેશ પાશ માત ગ્રહે, કેતે બોલ બાણ સહે;
ગલે ફાંસિ ઘાલ અબે, પ્રાન દાન દીજીયે. ૫૪

દોહરો.

કવિ-નિદ્રા બસ નારી સબે, સીત કરે દેહ અંત;

એસો અચરત દેખ કે, કહે બાત હનુમંત. ૫૫

કવિત-દોઢીયું.

હનુમંત કહે માત, મત કરો આત્મઘાત, આયે અબ રઘુનાથ;
હાથ દોઉં જોર કહું, દુહાઇ રામ આણકી;
મેં હું અંજનીકો તંન, જાગૃતિ પતિકો જન, વાકે ચરણે સદા મંન;
અરણવ કે નીર તીરે, સુરત ધરો કાનકી;
રાક્ષસિ સબ ઓર નર, નહિ મોયે કોકો ડર, દેખી લંક ઘર ઘર;
ગામ ઠામ દેખ આયો, બાડી બંન પાનકી;
સામળ કહે સુયેખી, રાક્ષસીમેં સીત પેખી, લાજ મેં અલેખી દેખી;
મેરી તુમ માત તાત, જનક જાયા જાનકી. ૫૬
કવિ-રામ નામ સિત, ચિંતા તાજ ધરી ચિત્ત, ભામિની હુઇ ભયભીત;
સીતા-રીત એ કાંહાંકી, માનવ બનચારી હૈ;
હનુ-બાત મન આપ ચીની, મુદ્રિકા લે હાથ દિનિ, પ્રણામ કર શીશ લિનિ;
બીતી હે માત એ, બાત તો ભારી હૈ;
સી-તબ બચન બોલે બાઇ, તમ સુનો જુ મેરે ભાઇ, ઉત્તમ બસ્ત કહાંસે પાઈ;
આઇ જો હાથ તેરે, મેરે આગુ ડારી હૈ;
હનુ-રાવણ હરણ કરી લાયે, ખોલતે દો બીર આયે; બેઠેતે હમ પાંચ ભાયે;
દીની નીસાની જાણી, આતિ શુભ સારી હૈ. ૫૭
કવિ-બાનરકો બચન સુનો, સત બોલ આપ ગીનો, તાથે પ્રતિ ઉત્તર ભનો;
સીતા-બન્યો સબે કામ, રામ આયે છોટે શીરસું.
કપી જુ સુનો બાત, કઠીન ભયે દોનું ભ્રાત, નાયો કોય તેરે સાથ;
તાથે મેં કહું માન, આણ જાણ વીરસું;
હનુ-હનુમંત કહે સુનો, બાની મનમેં ગીનાન આની, સાત સુદ્ધ નાહિજાની;
પાનીવલ પલકમેં, આવે સબ ધીરસું;
કો તો સબ લંક જારું, રાબનકું ચીર ડારું, શૂરબીર ધીર મારું;
સારું કહે સામળજુ, નાંખું લંક નીરસું. ૫૮
કહો તો રાક્ષસીકુંરોળું, વાંકે ચાકર સબ ચોળું, ધડ દુર્ગકું ઢંઢોળું;
બોલું મેં માત બાત, બચન માંનો કામકો;
કહો તો દશ શીશ તોડું, સૂરકે સબ બંધ છોડું, વાંકે નિશાન ફેડું;
મોડું મહા માન ઠામ, ટાળું લંક ગામકો;

કહો તો મેં રાડ સાધું, જીવતે સબ લોક બાંધુ, રાવણ જાર ખીચ રાંધું
બાંધ્યો અ જાઊં ગાંજ્યો, પ્રતાપ એક નામકો;
સામળ કહે કામ સારું, બન બાડી બાગ ચારુ, નીરકે નવાણ પૂરું;
તેરો બચન પાળું, તો સેવક શ્રી રામ કો.

કવિત.

કવિ-જનક જાયા બાત કહે, ઘાત આપ મન લહે;
સીતા-સહે પરચંડ ફંડ, એકુને ન દીજીયે;
રામ કો બચન નાહિ, દુઃખ સહુ દેહ માંહિ;
આંહી જબ આવે તાંહિ, રેખકું ન દીજીયે;
મણિકી નિશાની લીની, જાઓ બેગા શિખ દીની;
બિનિ ફળ બાગમેંસે, ખરે પરે લીજીયે;
સામળ કહે ખબર એસી, હનુમાન દૃષ્ટ પડી તેસી;
ધસી જાઓ રામ આગું, બાત સબે કીજીયે. ૬૦

છપ્પા.

કવિ-ગર્ધવિયોનાં સેન, મહિ એક ગાય ગઇ છે;
કાગડી કંઈ કોટીક, હંસી એક હાર રહી છે;
કૌવચ કેરાં વન, તુળશીદળ તહાં પડી છે;
છીપો સંખ્ય અસંખ્ય, ઝવેર મણિ જુગત જડી છે;
તેમ રાક્ષસીઓ મહિ ઋષિ જણી, કથિર મધ્યે કાંચનકથી;
સામળ કહે શ્રીરઘુનાથ વિણ, ન્યારું કરવા કો નર નથી. ૬૧
ઝાઝા લસણની ખાંણ, બુંદ બરાસ તણી છે;
મૂરખ કેરી મોટ, ભલે એક ભાવ ભણી છે;
રેણું તણો છે રાફ, કિંતુ કસ્તુરી ભેળી;
ઝેર તણી છે ઝાળ, સીંથેક માંહિ સાકર ભેળી;
વાડ શૂળ કાંટા તણી, ઉગી કેળ કષ્ટે થકી;
સામળ કહે શ્રી રઘુનાથ વિણ, ન્યારું કરવા કોનર નથી. ૬૨

કવિત.

બીર છલ્યો પાઉં પરો, ધીર મનમાંહિ ધરો;
ફર્યો સબ બાગ માંહે, એસો ઘાટ મનકો;

દુર્ગ પાડી કૂપ પૂરે, બેલ ફુલ ઝાડ ચૂરે;
સુરે કીએ કામ પ્રાન, હરો ચોકી જંનકો;
ચંપા કેરે ઝાડે ચડ્યો, સબકું ત્રાસ પડ્યો;
એસો કિયો નાદ જેસો, કાટકો જું ઘંનકો;
સામળ કહે બડાઇ, રાબનકું રાવ થાઇ;
ભયો એસો કામ નામ, ટાર્યો અશોક વંનકો. ૬૩
દશકંધ રીશે ભર્યો, ક્રોધ બોત મંન ધર્યો;
કર્યો મહા કોપ, બાસે નીસીવે જાયેગો;
ધાયે સૂર સીખ દિયો, કપિવર ઘેર લિયો;
કિયો ઘન ઘોર સોર, બોત માર ખાયેગો;
અક્ષયકુમાર રાય તંન, ઓરહી પ્રધાન જંન;
તન ટુક ટુક કરે, કોન સહયા થાયેગો;
સામળ કહે શીખ થોડી, બાળીએ જુ બાગ તોડી;
કોડ પહોંચાય તેરો, કીયો એસો પાયગો. ૬૪
હસી હનુમંત ઉઠ્યો, ગાજતો ગયંદ છૂટ્યો;
ઉઠો બત્રાડી સૂરપુર, લીયો સબ અંકકું;
કોટિકું વલુર મારે, કેતે એક ચીર ડારે;
ડારે સબ ઘરનકું, કિના છેક રંકકું;
સબકો સિરદાર જાનિ, ધસી ગ્રહે ચર્ણ પાની;
પહાણપેં પિછાર છાર, ઝીક નિઃશંકકું;
સામલ કહે એક ગયો, નાસીને જો જિતો રહ્યો;
ધાઇ મળ્યો રાબનસેં, બેથો ધડ લંકકું. ૬૫
પ્રધાન પુત્ર પ્રજાળ્યો, આપ ક્રોધ ચિત્ત આણ્યે,
માનો મહા તાત આપ, હાથ મૂછ ઘાલિયે;
કહેતે ધાતે કોટી જોધ, અંતરમેં આનિ ક્રોધ;
શોધ લેકે ધાયે જાઓ, જીવતેકું ઝાલિયે;
નાલ ગોલા બાન છુટે, રીશ કરી સુર રુઠે;
ઉઠે હે હનુમાન જાન, સીખ સબ આલિયે;
કહેતેમેં પકડ લીયો, રાબન હાથ જાય દિયો;
કીયો એણે કેર વેર, આપનકો વાળિયો. ૬૬

દેખકે મહેજુત હુવો, કપિવરકો રૂપ દેખો;
રાવણ-સતબોલ બાત કપિ, કીનકો પઠાયો હૈ;
ગામ નામ ઠામ કહો, જત ભાત બાત લહો;
લાભ કહા લેનેકું તું, લંક લગી આયો હૈ;
હનુ-હું રામ કો ગુલામ ખાસો, આયો દેખને તમાસો;
નાઠો કો પતિત પાપી, સીત લેકે ધાયો હૈ;
સામળ કહે ઘાટ ઘડું, અન્યકી મેં ઓટ અડું;
પાડું દોઇ શીંગ વાકે, આજ ચોર પાયો હૈ. ૬૭

દોહરા.

કવિ-જુલમ કિયો હનુમાનકું, ધાયો શીંગ બોહો તીર;
ન અડે ચીમટ આપકું, જાકે શીર રઘૂવીર. ૬૮
રાવણ-લંકાપતિ બાણી કહત, કિસબિધ મરણો તોય;
જો ચાહે સુખ આપનો, તો બાત બતાવો મોય. ૬૯
હનુ-બુદ્ધ હિતે બિચાર મન, બાંદર કહે મોય બાનિ;
પાવક જારે સબનકું, ઇત્ત ચતુરાઇ આનિ. ૭૦
કવિ-કપિકી બાત મનમેં બસી, અબહી મીલ્યો મેલ;
આણી વસ્ત્ર બોહો ઢગકિયો, ઉપર છટક્યો તેલ. ૭૧
લિયો પૂછ લપેટકે, બાંધ્યો બંધ અપાર;
પાવકસેં પરજાલિયો, ઉપર દીનો માર. ૭૨
જ્યું છૂટે દારુ દરખસેં, ગગન ગઇ ઉસ ઝાલ;
ચડ્યો અટારી હુંકકે, ફક કરંતો કાલ. ૭૩
ઘેર ઘેર લોકો કરત, દોર દોર ફર ફેર;
ભડક ભડક ભૂવન જલે, જલી જાય ઘેર ઘેર. ૭૪

કવિત.

ખરાબ કરી લંક સબે, વાળ્યો આડિ અંક અબે;
તબે ધાયો આયો પાયો, મન બહોત સુખકું;
રખે માત સીત જરે, એસો શોચ આપ કરે;
દેખ દૃષ્ટ પુંઠ ફરે, ઝાળ લાગી મૂખકું;
સીતાકું કીયો જુહાર, કુદ ગયો ઓર પાર;
આયો રામ કે દરબાર, મેટ ગયો દુઃખકું;

રામજી બધાઇ સુની, તબહી આશિષ દીની;
રામ-નિશાનીકું સત ગની, ધન માત (તેરી) કુખકું. ૭૫

છપ્પો.

હનુ-શ્રી લંકાગઢ માંય, તહાં બેઠાં સિત માતા;
દિવ્ય દીઠું દર્શન, પ્રસંન મુખ પામ્યો સાતા;
દુઃખ દાવાનલ દેહ, તેહનું મન તુમ ચરણે;
નારાયણશું નેહ, તેહ, જે અશરણ શરણે;
મણિ મૂક્યો મુખ આગળે, કારણ કથી માંડી કહ્યું;
કવિ-સુણિ ચિત્ત રામ લક્ષ્મણતણું, સીત થકી શીતળ થયું. ૭૬

કવિત.

હનુ-ઉઠીએ મહારાજ, કપિનાથ સબે સાથ;
કહું વાતજોડી હાથ, કામ શિઘ્ર સિદ્ધ કિજિયે;
રામકો પ્રતાપ પ્રૌઢો, ચડો શૂર સબ આપ;
કીજે લંકકું ખરાબ, છાપ દેકે મન રીજિયે;
ઉઠીએ અબ આજ, બાંધો અર્ણવકું પાજ;
રોળો પાપી કેરો રાજ, કાજ કરી સીત લીજિયે;
કહે સામળ જું જોર, દુષ્ટ સિતાજીકો ચોર;
હનુમાન કહે મોર, (તોર) શિશ દંડ દીજિયે. ૭૭

દોહરો.

કવિ-બચન સુન્યો હનુમાનકો, પ્રસંન ભયે શ્રી રામ;
સુગ્રીવ સહિત ઉઠે સબે, કરબો ઈસબિધ કામ. ૭૮

છપ્પા દુપટ.

દિયો દદામે પોર, ઠોંરદે ચડે રઘુ નંદન;
જે જે કરે સબ દેવ, બરખે કુસુમ ઓર ચંદન;
કપિવર પદ્મ અઢાર, રીંછ બોહોતેર ક્રોડ જાની;
સુગ્રીવ આદિસબ સૂર, સેના બડી બહોત બીખાની;
અંબર છાયો ખેહ, ગગનમેં ધન જ્યું દીસે;
ધસે બરાડી પૂર, સુર સામદ સહુ ટીસે;
ગાજે અર્ણવ ગંભીર, ધીર શબ તીરે આયે;
પડાવ કિયો હનુમાહ, તહાં પરમ સુખ પાયે.

હુકમ કિયો કપિરાય, થયો સજ દોદિશ જાયો;
ગિરિવર અષ્ટ સુજાન, પહાંન ઉઠાકર લાયો;
આયો બેઆ પલકમેં, સેતુ પાજ્ય બાંધ્યો સહી;
સામળ જુકે શિર રામ જોર, ચોર રાવણ જાયે કહીં. ૭૯
કો ઉદયાચલ જાય, કો અસ્તાચલ ધાયો;
કો બંધાચલ બીર, તીર હિમાચલ પાયો;
કોઉ ગોમે ગિરિ ઘેર, કો કંભાગિરિ પહેંચો;
કો સુવેલુ શીંગ, કો મીનકાચલ એહેંચો;
દુર્ગ અનેક ગિરિ જેહ; તેહકું શિરપર લાયે;
રમત જુએ શ્રીરામ, કામ કર છીનમેં આયે;
આદ્ય ઋષિયન કો શાપ, શીખ કવિયનકું દીનો;
તાથે તારે પાહણ, કામ કાયર યહ કીનો;
રામ નામ પરતાપ, ગિરિ સબ નાંખે પળમાં;
તુંબર તરે જ્યું નીર, પાણ તરે ત્યું જલમાં;
બાંધી પાજ વિલાસ સબ, વિકટ અર્ણવ કે નીરકું;
કહે સામલ કવિ સીખ દું, બિભીષણ બડે બીરકું. ૮૦

કવિત.

વિભિષણ-બિભિષણ કહે સુણો ભ્રાત, આયે હે શ્રીરઘુનાથ;
લક્ષ્મણ અનુજ ભ્રાત, જનમકો જતી હૈ;
આપ મન જ્ઞાન આનો, વાંકો તો ગુણ બિખાનો;
દેવનકો દેવ જાણો, ત્રિલોકકો પતિ હૈ;
જાકે નામ મુક્તિ પાવે, જઠર ફરી ન આવે;
દર્શને અધ કોટિ જાવે, અતલિબલ અતિ હૈ;
સામળ કહે કામ કીજે, રંક કેરો કહ્યો કીજે;
કર જોર સીત દીજે, શુભ શિરોમણિ સતી હૈ. ૮૧
કવિ-દૃઢતા કર બોલ્યો ધીર, મનમાં બોહો આને પીર;
રાવણ-મેરો તુમ નાહીં બીર, (પર) કીરત બિખાની હૈ;
મોયકું કહા ડરાવે, દોનું શીશ વે ધરાવે;
જાવેગે કહાં વહાં આયે, બનચર પિછાની હૈ;
સબકું સત ખંડ કરું, લંગુરોંસે નાંહિ ડરું;
હરું વાકો જોર વાકી, ચોહની નિશાની હૈ;

સામળ કહે માન મેલ, આ તલમેં નાંહિ તેલ;
ખેલ નાંહિ શિખ મેરે, પત્થરપેં પાની હૈ. ૮૨

દોહરા.

કવિ-બચન સુન્યો લઘુવીરકો, રાવનકું બોહો રીશ;
ઓઠ બચન એસો કિયો, છિનમેં છેદે શીશ. ૮૩
વિભિ-મેં કહું રાવન રંક હુઓ, મત કાઢો મમ બંક;
અબ તેરી સમૃદ્દિ ગઇ, છિનમેં લુંટી લંક. ૮૪

કવિત.

કવિ-વિભિષન આય મલ્યો, દુઃખ શોક સબ ટલ્યો;
પાય પરો રામજુ કે, ચરણ શીશ નાંમિયો;
લંકની ખબર કહી, આદ્ય અંત જેહી ભઈ;
વિભિ-ગઈ વાકી સાન મૂઢ, રાવન હે કામિયો;
મહારાજ મોયે શીખ દીજે, લંકકું લપેટ લીજે;
કીજે એહ કામ રામ , દેખ દુઃખ વામિયો;
કવિ- શામળ કહે ભક્ત લહ્યો, આપ લંકધીશ કહ્યો;
હુઓ હે ખુસાલ નાલ, બોત સુખ પામિયો. ૮૫
પલકમેં પાજ બાંધી, રાવનસેં રાડ સાંધી;
વહાંસે નીર પાર સબ, ઉતરે હે બેટકું;
બંદર વૃંદ કુદે હુકે, દોડાદોડ કરી ઢુકે;
ચુકે નાહિ ફાલ આલ, કરે નર નેટકું;
રાવનકું ભયે જાણ, પાણી માંહિ તારે પાણ;
રામજી સુજાણ જાણ, આયે લંક ઠેઠકું;
બિભિષન મળ્યો જાણ્યો, સામળ કહે સાન આણ્યો;
માનો તબ તાપ આપ, (હોર) પડ્યો પૂર પેટકું. ૮૬

દોહરો.

નિકટ આયે શ્રીરામજી, ભયો મંદોદરી જાન;
જાકે રહી દશ કંધપેં, બોલી મુખસેં બાન. ૮૭

કવિત.

મંદોદરી-મંદોદરી કહે કર, જોરકે સુનો હો પિયા;
જિયા જો ચાહો તો આપ, મલો જાકે રામકું;

આપકો અવગુણ જાતે, માનો તુમ કહ્યો મેરો;
તેરો તન હે આકુલ, મેં જાણ્યું મહા કામકું;
દેખ એક આયો દૂત, પ્રૌઢ હે અયુત જુત;
અસહ્ય અપાર માર, ગયો લંક ગામકું;
સામળ કહે એહિ કરો, રામજુકે પાય પરો;
ડરો આપ મોતસેં, જો રખા ચહો નામકું. ૮૮

કવિત-ડોઢીયું ફેર.

ચડેગો શ્રી રામ, લુટેગો ગામ, ફેડે સબે ઠામ;
કરે બહુ કામ, ફેડેગો નામ, મટે દામ સબ હરેગો;
આયગો નિઃશંક, જાની તુજવંક, રાખેગો છંક;
વાલ્યો હે અંક, લૂટેગો લંક, રંક તોકું કરેગો;
દુંદુભિ બજાડે, ઘડ દુર્ગ તોડ પાડે, ખેડેગો અખાડે;
સબકું રમાડે, મન કોડકું પહોંચાડે, આડે હાથે ફરેગો;
કહેત કવિ સામળ બાની, મનમેં તો દયા આની, તો કુતો રંક જાની;
હોયેગી તોયે હાની, રાની સીત ક્યું ન દિનિ, રાવણ તું મરેગો. ૮૯

કવિત.

આયે હે દોનુ વીર, લછમનજી બડે ધીર;
સાયરકે નીર તીર, નિરંતર ચડેગો;
બોત હે એહિ સુજાન, તેજ કે કોટિક ભાન;
ખોલ સુન દોનું કાન, નિશાન વાકો ઠગેગો;
સેનકે ભયે સપેટે, લંક ગામકું લપેટે;
તોરે ચાકરકું ચપેટે, ઝપટ દેય ભઠેગો;
સામળ કવિ કહે ઓટ, બાંદરકી લગી ચોટ
ઓલંગે લંકાકો કોટ, તેરો ઘાટ ઘડેગો. ૯૦
રાવણ-સુન મંદોદરી બોલ, નાંહિ કોય મેરે તોલ;
વાકું તો મેં લેઉ મોલ, તુજે ભૂલ પરી હૈ;
દેખ જો સજાઇ, તોકું તો કીને વાઇ;
કુંભકર્ણ જેસે ભાઇ, ખાઇ સાગરસી ભરી હૈ;
અગન્ય નિપાયે અંન, ઇંદ્રજિત અનોપમ તંન;
સદા વૃષ્ટિ કરે ધન, જન સેવ કામ કરી હૈ;

આપકી તો એહિ રીત, હોવેગી અમારી જિત;
ભીતિ મન નાહિ ચિત્ત, જાની સીત હરી હૈ;
દશ તો હે મેરે શીશ, ભુજ તો હે બીસ;
સહાય કરનેકુ ઇશ, રીશ ક્રોધ અતિ ભરહૈ;
બિરંચી તો ગુન ગાય, નવ ગ્રહ બાંધે પાય;
વજ્ર કી તો મેરી કાય, સૂર મન ડર હૈ;
કોહુ ન જાને મરમ, ચોકી કરતે ધરમ;
બિષ્ણુ તો માને શરમ, કરમ પાયે પરે હૈ;
કનક કે ઘર સુત, સવા લક્ષ મેરે પૂત;
દુત જેસે રામ જૂથ, મોકુ કહાં કરે હૈ. ૯૨
મંદોદરી-કહે કંથ એ સુજાન, ભયો કીયું તું અજાણ;
પૂછ દેખ આપ પ્રાન, પાણ પાણિ તર્યો હૈ?
દેવનકો ઠારન એ, દૈત્યનકો મારન એ;
કારણ પ્રહ્‌લાદ કેરે, હિરણ્યકું માર્યો હૈ;
વાકી કોન બુઝે બાત, તીચે આયે દોઉં હાથ;
આયો તો એક લંગૂર, રામજી કો દેખો નૂર;
સામળ કહે સદા શૂર, લંક જીને જાર્યો હૈ; ૯૩

ચોખરો.

મં-ધીર મહા વીર બે, નીર અરણવ તણાં, વીર દળ ઉતર્યા દેઈ ડંકા;
કહે સતી સુણ પતિ, દુર્મતિ માહેરા, ભોમ્ય ભારે ઘણી ભયે ભંકા;
સીત સંતાપ મહા, પાપની છાપ છે, ત્રણ તારે શિરે વેદ વંકા;
ઈસ અવળા હવે, શિશ તારે થકી, લક્ષ્મણે લુંટી લક્ષ જાણે લંકા. ૯૪
રા-વેઠ ઉઠી વનિતા તણી વાતમાં, પાનિએ બુદ્ધ એ જોર તારું;
શું કરું પ્રિય છે, તું ઘણે પ્રેમદા, અન્ય કો હોય તો ઠાર મારું;
રીંછડાં વાંદડાં માંકડા મેલિયાં, જુદ્ધ જિત્યાતણું સૌન્યે સારું;
સુરજ ને ચંદ્રમા, દેવ સેવે સદા, છેક છોકર થકિ હું ન હારું. ૯૫
મં-ખીજ કે રીજ પણ, કહુ તુંને કંથડા, આપ એ વાત મન માન માટે;
વૈમાનની સેજમાં, તેજ ત્રિલોકનું, હુંશશું હીંચિએ ખાંત ખાટે;
માળિયાં જાળિયાં, ગોખ અટારિયાં, દ્રવ્ય જાશે સર્વ બાર વાટે;
સાઠ સહસ્ત્ર, શૃંગાર શ્યામતણા, ઉતરે એક હરિ સીત સાટે. ૯૬

રા-અજોધ્યા લગે, ભુમિ ઉદવસ્ત કરું, આય રાખું ઘણું જોર ઝાઝું;
દુઃખ કાયર તણી, નારી તું અવતરી, મેલ્ય લવરી પરી હું જ લાજું;
પાતાળ ઉપર કરું, સ્વર્ગ આણું તળે, ખંડ નવ ભોમ્યનો ભાર ભાજું;
રામ લક્ષ્મણ લઘુ, બાળ બે બળ કશું, દરપણસું દેખતાં દેહ દાઝું. ૯૭
મં-વિનાશ કાળે તુંને, બુધ્ય વિપરીત થઈ, સીત સામી કુદૃષ્ટે જોયું;
હુંશ થઈ વાઘનાં, દૂધને દેહની, મોતની ઘુઘરી ધ્યાન ધોયું;
રસ અમૃત તણી ખાંણ જાણી હરી, વિખ હલાહલ બીજ બોયું;
કહેત મંદોદરી લાભ શો કહાડિયો, ચોકડી ચૌદનું રાજ ખોયું. ૯૮
રા-ક્રોડ તેત્રિશને હોડ હાંકું અમો, કહે તો ત્રિલોક આ એક કીજે;
દિગ્પાળ દશે દિશા વશ કરું વાતમાં, નાગ નદ તે તણિ લક્ષ્મી લીજે;
સાત અરણવ તણાં નીર શોષું કહો, ભામ્યની ભાર બ્રહ્માંડ ભીજે;
નવખંડ નરપત્ય તણાં માન મોડું ક્યમ, રામની ભીત્યથી સીત દીજે. ૯૯
મં-સીત હરી આવિયો ખઈરોગ લાવિયો, નહીં ભલો ચિત્ત ચાળો;
કામી અતિ અંધ દશકંધ આપે થયો, ધંધામાં ધ્યાન એ બુદ્ધ બાળો;
સીત દ્યો તો પછે ભીત કશિ રીતની, પ્રીતશું પરવરો પંથ પાળો;
કંથ તુજ કારણે જાઊં વિધ વારણે, બારણે કળકળે કાગ કાળો. ૧૦૦
રા-લુણ હરામ કર્યું હેલીઓ મારું, રામ લક્ષ્મણ તણાં શું જોર જાણો;
માંકડાં રાંકડાં વાંદરાં વન તણાં, તે તણાં સૈન્યને શું વિખાણો;
દશાનન તણા હાથ દીઠા નથી, ત્યાં લાગી રામ સાથે મન મોજ માણો;
ફુંક મારી થકી પાણ ફાટે ઘણા, એહ અહંકાર અતિ શૃંજ આણો. ૧૦૧
મં-લંકપુર પરવરી સીત એ સુંદરી, ત્યારથી પાપ વરસાદ ઉઠ્યો;
તે તણાં કરસણાં ઉગશે તે જુઓ, નાઠા થકી નરપતિ નહીં છૂટો;
વાત વિપરીત થઈ સર્વ સમૃદ્ધિ ગઈ, રાજ મહારાજ રઘુનાથ રુઠ્યો;
કહેત મંદોદરી સોંપ્ય એ સુંદરી, ન તો જાણરે કંથડા કાળ ખૂટ્યો. ૧૦૨
રા-કામિની કહું કરગરી સાન આણે નહિ, કુણ વનિતા તુંને વેદ વારે;
સાત સાગર તણી ખાઈ શોભે સદા, હોડ હરામ થકી કામ હારે;
વિભિષણ જઈ રહ્યો તેહ દુશ્મન થયો, તેવું કરજો ગમે મન તારે;
નેહ કરી દેહ આ શિશ નામું નહિ, એહ પ્રતિજ્ઞા છે મન મારે. ૧૦૩
ન્જાઈ ભુંડો થયો તેમ તું ભામિની, કથન સંભળાવિયાં કુડ કર્ણે;
માર ખાઈ મારા હાથનો તે ગયો, લાગિયો શત્રુને ચિત્ત ચણે;

લડવું લંકમાં તે ઘણું દોહલું, આપ ઉડ્યો જશે તુચ્છ તરણે;
મહિપતિ કહે મંદોદરી તુંએ, સામળ તણા સ્વામીને જાને શરણે. ૧૦૪
મં-સ્વામિ તમ આગળે સત્ય બોલું અમો, ગાળ દેશો ઘણી વાય વાશે;
વિભિષણ ભ્રાત મળ્યો રધુનાથને, નાથ અનાથનો ચિત્ત ચહાશે;
લંક લુંટાવશે એહ આગળ રહી, ખાંત અમૃત તણી એહ ખાશે;
ગૃહ સમ તેહના વાંકા તમ દેહના, લંકનો અધિપતિ એહ થાશે. ૧૦૫

છપ્પા.

રાવણ-શી મુરખને શીખ, શી ઘેલાશું ગોષ્ટિ;
શી અદાતની કિરત, શી વેરીશું વિષ્ટિ;
શી સજ્જનશું રાડ, શી રાંકશું રુઠી;
નાગરા શું ગાંન, પ્રિત ત્યાં શી પીઠી;
શી વાત વનિતા તણી, મોટા જન કેમ માંનિયે;
સામળ કહે શાણી ઘણું, પણ પ્રમદા બુદ્ધિ પાનિયે. ૧૦૬
મંદોદરી-ગોખરુ મૂળે હાથ, હેત ઘણેથી ઘાલ્યો;
મણિધર કેરી મણ, લેવા મહિપત તું માલ્યો;
દાવાદલ ધરી દેહ, તાડથી પડિને જીવવું;
શીંગીયો સોમલ વચ્છનાગ, ઝેર હળાહળ પીવું;
રાણા રાવણ ત્યમ રામશું, અકલ ફેલાવે આડિયો;
માગ્યું મોત સામળ કહે, સૂતો સિંહ જગાડિયો. ૧૦૭
રાવણ-જાય કો પર્વત મેર, કે પાતાળે પેસે;
રહે સમુદ્રને શરણ, સુરજ મંડળ જઈ બેશે;
છેક જ થાયે રંક, કે લક્ષ લોકોને લૂંટે;
આયુર્દા ઘડી એક, નવ્ય વધે નવ્ય ખૂટે;
લલાટે લખ્યું મટે નહિ, તો નીચ થઈ નમવું કશું;
ગુણવંતને ગમે નહીં, એક હાણ બીજું હશું. ૧૦૮
મંદોદરી-જોબન મદ જર મદ, અહંકાર રાખે અલેખે;
કામતુર નર અંધ, તેહ આંખે નવ્ય દેખે;
સજ્જન મદ ને શૂર, મુરખ જન મમતી મોટા;
સાચા જે પ્રતિબોધ, તેહને મન સહુ ખોટા;

જે આખર આવ્યો અંકનો, તે કહો ટાળ્યો ક્યમ ટળે;
અંધો ભીતે અથડાય છે, ત્યારપછી પાછો વળે. ૧૦૯
રાવણ-કહે તું વાર કરોડ, શીખ માનું નહિ માઠી;
કાંગડુ કણ ન રંધાય, સો મળ બાળો જો કાઠી;
માંખણ ન આવે મેલ, વરસ સો વલોવે પાણી;
પથ્થર ઉપર જેમ નીર, અધિક શી કહું એંધાણી;
તને કામની ક્રોડ વસા કહું, મૂક તું વનિતા વારવું;
રાવણને રાડ રણજંગમાં, રામ થકી નથી હારવું. ૧૧૦
મંદોદરી-સુમન તણી સુખ સેજ, હેમ હિંચો હિંદોળા ખાટે;
ચિંતામણિની ખાણ, રત્ન પરવાળી પાટે;
માગ્યા વરસે મેહ, છયે ઋતુની છાપે;
અશોક સરિખાં વન, અલખત ભોગવિયે આપે;
નવ નિદ્ધ ને રિદ્ધ સિદ્ધ, સમૃદ્ધિ સહુ જોતાં જશે;
મંદોદરી કહે માને નહિ, ધન તારું ધૂળધાણી થશે. ૧૧૧
રાવણ-નિત્યે નંદે જે વિપ્ર, વંશ જરૂરી થયે;
દ્રવ્ય વિના વ્યાપાર, ત્યાં દેવાળું થાયે;
કાયરમાં રહે શૂર, તેહ કો વેળા નાશે;
રુડી ભુંડી ખસબોઈ, પટ બેસી રહે પાસે;
જે ઘેર ચાલ ગૃહિણી તણો, કંથ કામિનીનું કહ્યું કરે;
ગર્ધવ જાણવો તે ગૃહસ્થને, આખર અર્થ તો નવ સરે. ૧૧૨
મંદોદરી-પ્રમદા તે જ પ્રધાન, પ્રીત પ્રમદાની પ્રોઢી;
પ્રમદાથી શોભે પુરુષ, કહેવાય નરનારી જોડી;
પ્રમદા વડે ઘર સૂત્ર, પુત્ર પ્રમદાથી પામે;
અર્ધાંગ પુન્ય વિભાગ, દુઃખ વનિતાથી વામે;
ઘર છીદ્ર ઢંકાય ગૃહિણી થકી, માન સન્માન મહિમા મળે;
શુભ ઈચ્છે તે સ્વામિતણું, અંત કાળે અગ્નિમાં બળે. ૧૧૩
રાવણ-કુળ રુડે કન્યાય, ધણી બીજો નહીં ધારે;
સિંહ તણી સોબત, ન હોયે વારે વારે;
શાહા પુરુષોના બોલ, એક બોલ્યા તે બોલ્યા;
દંતુસર ગજરાજ, તણા ખોલ્યા તે ખોલ્યા;

મહિપત કહે સુણ મંદોદરી, રાવણે રાડ લીધી સહી;
ન આપું કહી નારી હરી, હઠીલો હઠ મૂકે નહીં. ૧૧૪
મંદોદરી-તમે સકુળની નાર, નમે ફળ ફુલે વેલી;
નમે સત્પુરુષ કો સાધ, નમે સલિ(રિ)તા રસ રેલી;
કદી નમે નહિ કાઠ, નમે નહિ કુલય કામી;
નમે નહિ કો નીચ, હઠીલો જેહ હરામી;
નમે શ્રીરામ સરીખડા, જેણે ધર્મ મન ધારિયું;
ન નમે રાવણ નરપતિ, જેનું સુખ પરવારિયું. ૧૧૫
રાવણ-બેશી રહે બુદ્ધ હીણ, લુણ મારું તું લજાવે;
પ્રગટી કાયરની કૂખ, તોલ મારું તું તજાવે;
વેરીનાં કરે વખાણ, વપુ કરે છે વાલો;
લવરી કરે લખ વાર, કુંવર કંથ જાણી કાલો;
તુજને પૂછી લાવ્યો નથી, જુવતી તુજ કહે તો નહીં જડે;
બેશ માનિની જઇ માળિયે, જો કંથ તારો કેવો વઢે. ૧૧૬
મંદોદરી-રામ સંગાથે રાડ, કરવા નહીં સમરથ કોઇ;
નરવર તે શ્રીરામ, જોરાવરમાં શું જોઇ;
ધનુષ જે દૃઢ ધીર, વળગ્યા બોહો બળિયા બાથે;
ટચલી આંગળિયે તરત, ભાંગ્યું હરિ એકે હાથે;
એવાં પ્રાક્રમ અનેકધા રાય જોશો ઘણાં રામનાં;
કંથ કેટલું કહું કરગરી, કથન કામિનીનાં કામનાં. ૧૧૭
રાવણ-અણબોલી રહે અજાણ, જક મૂક તારી ઝાઝી;
નરમપણું કાં કહે નાર, રાવણ તેથી નહીં રાજી;
ભલું ચિંતવો ભાગ્ય, બોલ ભલાઈ ભાતે;
લક્ષ્મણ સરિખા લાખ, જિતવા જોર છે જાતે;
બાજી દેવા બળવંતશું, બાજીગરથઈ આવિયો;
રાવણ બીશે કેમ રામથી, લંગુર ઘણેરાં લાવિયો. ૧૧૮

ચોખરો.

મં-લંકાના પૂરપતિ સાંભળો કહે સતિ, મહિપતિ છો ઘણું મેટ માઝા;
લોક કહેશે કોઈ પાસે હતું નહીં, કરગરીને કહું કંથ કાજા;
સુજનને દુઃખ પમાડશો સહેજમાં, શત્રુ થાશે તારા તરત તાજા;
શ્વાન રુએ ઘણાં શ્રિયે સામટાં, મેડિયે બોલિયો રાત રાજા. ૧૧૯

રા-શુકન અપશુકન એ સરવ છે રંકને, જેહ બિએ તેને એહ સરવે;
જગત જિતનું જોર બહુ ગડગડે, હોડ હડે કરી કુણ હરવે;
અપશકુન ઘણાં છે તું જો એ રામને, નર ખોઇ રાન વન વન ફરવે;
રાય રાવણ રામાશું કહે રીશથી, શુકન મેં બાંધિયાં પાયે સરવે. ૧૨૦
મં-શીખ લાગે નહીં તેહને કો તણી, જેહને રાજ મહારાજ રુઠ્યો;
પુણ્ય કે પ્રીતની પેર પ્રીછે નહીં, જે શીરે પાપ વરસાદ વુઠ્યો;
હું હું કરી ગર્વ અહંકાર અદકો કરે, તેહ છતવંતથી છેક છૂટ્યો;
નિમેષ માને નહીં કથન કહે કામિની, લખવસા કંથ તુજ કાળ ખૂટ્યો. ૧૨૧
રા-મોઢે ચઢાવી ત્યમ માન માને ચડી, બોલવા માંડિયા ભાવ ભારી;
હેત દેખાડિયે છે હશી વાળિયે, જાણિયે છે ઘણું એહ નારી;
વાઘના બોલ બોલે મુજ વેરીના, ટેવ જાણે નહિ મૂળ મારી;
આગન્યા ઇષ્ટની કોડ વરાં કહું, લખવશાં લોપશું લાજ તારી. ૧૨૨
મં-એમ અહંકાર કરતો હિરણ્ય હઇડે, તાહરી પેરથી તે ઘટાડો;
બળરાય બળ રાખતો વારાહ પણ વાધતો, મોષ્યો તેનો પૂર પાડો;
સહસ્ત્રાર્જુન સારખો પ્રૌઢ જન પારખો, ઘાટ ઘડ્યો તેનો જોર ઝાડો;
એ રામ રણ રોળશે ચંચુવત ચોળશે, કંથજી દેખશો તેહ દાડો;૧૨૩
રા-ફટરે પાપિણી અકલ જો આપણી, શત્રુ શોભાવતે હરખ હીસે;
અળશિયાં સાપથી અહિ ક્યમ ઓસરે, આગિયા તેજ આદિત બીસે?
અરણવ તણાં નીર ત્યાં બીદર કુણ બાપડું, રાય ઉમરાવશું રંક રીશે;
વિચાર કરજે તું વનિતા વપુ વિષે, શું લંગુરા દેખી લંકપત્ય બીશે. ૧૨૪
મં-શ્રી રામ રાજા મહારાજ ધરણીપતિ, લક્ષધા કોટિધા લક્ષ લહેરે;
સમુદ્ર સુધા તણો નામ મહિમા ઘણો, મુક્તિ દાતા મહાપુણ્ય પેરે;
તેહશું રાડ રણજંગ કેમ જિતીયે, જોર ચાલે કેમ જિત ઝેરે;
વિશ્વપતિ સાથ જો વેર વધારશો, ઉડ્યા જશો આકના તુર પેરે. ૧૨૫
મં-આપ મત પાપથી શાપ માથે થયો, છાપ પડી તારું છેક જાવા;
કામની માટે તુંને કહું છું કરગરી, દેવનાં દેવશું મેલ દાવા;
બુદ્ધ બે બાળ છે, કાળના કાળ છે, સીત સોંપિયે એના ગુણ ગાવા;
રામ ઋષિ રૂઠશે લંક ગઢ લુંટશે, નહીં રહે પંડકો પાણિ પવા. ૧૨૬
રા-કામિની એક તું કહે તેણે શું થશે, પાનિયે બુદ્ધ ને રાત જાયે;
પૂછ તું તાહરા તંનને તરતીબે, પૂછ તું કુંભને ચિત્ત ચાહે;

પૂછ તું વરણ અઢારના લોકને, રામના ગુણ તે કુણ ગાયે;
લાવિયો સીત નચિંટ નર ભીતરથી, જોર હશે આંગમાં આપ માંહે. ૧૨૭
ઇં-ઇંદ્રજીત કહે કોટિ ઇંદ્રને જિતીયે, આકાશ ઉડાડિયે ભોમ્ય ભારી;
પીતાતણું પાણી જાવા નહીં દીજિયે, આપિયે નહીં ફરી એહ નારી;
બાપડાં વાંદરાંથી કેમ દીજિયે, આંબળાં ઊંબરા એ જ અહારી;
ચોખુંટમાં વાત ચાલે એહ આપણે, કે રીંછથી રાયજીયે હોડ હારી. ૧૨૮
મં-પૂત સપૂત હુંતો તુંને જાણતી, પાપ બુદ્ધિ તુંને આજ પરખ્યો;
ઓળખ્યો નહિ હૃદે રામ રઘુનાથને, નીચ દૃષ્ટિથી નરનેહ નરખ્યો;
ભારે અલખત જોઇ ભૂર ભૂલો ભલા, હાંણ હાંસું થશે હેત હરખો;
કૂખ કપૂત લજાવણો મેં લહ્યો, બીજ જેવું તેવો બાપ સરખો. ૧૨૯
કુંભ-કહે પછી કુંભકો કોપ અદકો કરી, ડાહ્યાં ઘણું દલ વિષે શુંજ થાવું;
ભક્ષ કરું સર્વની દેહ ઘડી એકમાં, ઘાલી લઉં ગુંજલે ખાંતે ખાઉં;
આજની રાતમાં ભો પમાડું ઘણું, મૂળ માંકડ તણાં ક્રોડ કાઢું;
જીવતા ઝાલીને વીંધશું બહુ જણા, ભેટ ભાભી તણી કાલ લાવું. ૧૩૦
મં-કંથેરના ઝાડે કેળાં નવ ઉતરે, એહ શિરકટે નહિ ઇક્ષુ સાંઠો;
બરાસ બહેકે કરી લસણ બોઇયે બોહો, ગંધ તજે નહિ એ જ ગંઠો;
અન્યશ્વને બાંધિયે અશ્વમાંહે જઇ, ભૂંકતાં કાઢશે કોપ કંઠો;
કહેત મંદોદરી સરવ સરીખડા, કડવી તુંબડીનો વેલો વંઠ્યો. ૧૩૧
રા-શ્યામા તમો શું બિહો કોપ કારણ કિયો, બીકનો એ તોલ તે શું;
નામનો નાશ એ નોત્ય સર્વે કહે, જગત બાંધો જીવા જ્યોત જેશું;
આવવા એ ઇહાં તું અજોદ્ધાપતિ, જોત જગદીશને જબાપ દેશું;
રામની આણ જો રામથિ રીજિયે, લંક સાટે ઘણો લાભ લેશું. ૧૩૨
મં-નાર કહે નરપતિ ચળ કરે છત્રપતિ, કથન કહું કોડથી કંથ કાજા;
ભય ઘણો ભીતમાં ચેત તું ચિત્તમાં, મેટશે માન મરજાદ માઝા;
અપશુકન થાયે અતિ ગ્રહની અવળિ ગતિ, જુલમ તું શા કરે જુગત ઝાઝા;
સ્વાન રુવે ઘણાં સામટાં શેરિયે, મેદિયે બોલિયો રાતરાજા. ૧૩૩
રા-આજ એકાંત છે ભ્રાંત ભાગું ભલી, વાત વનિતા પ્રત્યે વેણ વામું;
દશરથ તણા નંદને આદ્ય ઓળખું અમો, નેહશું દેહ નહિ શીશ નામું;
નેટ નિ:શંકશું લંક લગિ આવશે, સૂર સજી સહુ સેન્ય સામું;
આજ ઇચ્છું ઘણું કામ હું એટલું, વેરભાવેથી વૈકુંઠ પામું. ૧૩૪

મં-સાબાશ રે સ્વામિજી સત્ય શ્યામા કહે, રખે હવે દીલ થકી દીન થાતો;
શૂર મહા પૂરથી સુભટ સંગ્રામમાં, મમત કરી માંડ રણજંગ માતો;
અંતર બુધ એ હશે કામ નિરભે થશે, તો ટળે લોહનો પાશ તાતો;
અધિક કહું અંકમાં વાળિના વંકમાં, ચિત્ત માંહે રખે લંક ચહાતો. ૧૩૫

દોહરા.

રાવણ-પૂછે અઢારે વરણને, કહોને સાચી વાત;
સીતા આપવી કે નહીં, ખરી બતાવો ખાત. ૧૩૬
કોની રગતી રાખશો, બોલો રુડી વાણ;
સત પ્રકારે સાચું કહો, ન થાયે હાંસુ કે હાણ. ૧૩૭
વેવાર વાત સહુને ગમે, એહ અક્ષર એહ આંક;
રુડી કહો એ વારતા, કોય ન કાઢે વાંક. ૧૩૮
મન ગમતું કરજો તમે, એ વાતે નહિ રીશ;
ખરી વાતે નહિ ખરખરો, તે જાણે જગદીશ. ૧૩૯
કવિ-અઢારે વરણ હવે બોલશે, પોતાને સુખતી પેર;
પોતે બેઠો સાંભળે, તેહ ઠામ તે ઠેર. ૧૪૦
સંવાદ આ જે સાંભળે, તેને પરમેશ્વર પ્રસંન;
ગાય શીખે હેતે કરી, છે રેવાનાં દર્શન. ૧૪૧
પિતા પુરષોત્તમ તણો, કહે કવિ સામળદાસ;
શ્રોતા વક્તા સમજતા, કહે કવિતા કર જોડ;
સામળ કહે સહુ બોલજો, જયજય શ્રી રણછોડ.

ચોખરો.

રા-વિચાર પૂછ્યો એક વિપ્રને વિધવિધે, મહારાજ મહિમા કહો મંન માની;
આપવી એ ઘટે કે નહિ આપિયે, દલ તમારે કશી બુધ્ય દાની;
વિપ્ર-મહિપતિ માન મટકાવિયે કેમ કરી, લાજ ઘટાવિયે હોડ હાની;
પાછી આપતામાં પરાક્રમ તે કશું, ભીખ તેને પછે ભૂખ શાંની. ૧૪૪

સવૈયો.

વૈષ્ય-વૈષ્ય કહે વેવાર એ પાખી છે, આપતે લાજ છે પરિયામાં
અથડાવો દહાડા દશ વિશેક, હાલક બુકાલેક કરિયામાં;

રાડ જુઓ એ રીંછડા કેરી, કણ એક ભાજન ભરિયામાં;
કાયર ક્યમ થઇએ આગળથી, શું વહાણ મૂક્યું છે દરિયામાં. ૧૪૫
કણબી-કહે કણબી કેમ કામિની દીજીએ, જાત જોરાવર શું એની જાણી;
પાછા જશે અથડાઇને પોતે, કે લહેઅ સમુદ્રની લેશે તાણી;
લંકા સરિખડો કોટ લેશે ક્યમ, રાવણ રાય દેખિતો જે દાણી;
પૃથિવી એ પત મૂકે કેમ, છેલ્લે ક્યારે શું ગયું છેજી પાણી. ૧૪૬

ચોખરો.

સઇ-ગજધર કહે દાહડા પાધરા દૈત્યના, શિવ વરદાનની છાપ છેરે;
સાત સમુદ્રની આડ છે ઓટે, અધીપત રાણોજી આપ છેરે;
દેવ હીંડે છે દશો દશ નાસતા, ત્રણ લોકમાં જેનો તાપ છેરે;
ભલું લાવ્યા છો તો ભૂપતિ ભામિની, ગજે તસુ તો માફ છેરે. ૧૪૭

સવૈયો.

કુંભાર-કહે કુંભાર કરો શી વાતો, એહ તો મારગ એડો છે;
વઢતાં કુણ જિતે કુણ હારે, મહીપતિ માની મેડો છે;
લેવો ગઢ લંકાનો દુર્લભ, વંક વેળામણ વેડો છે;
શું ઘડો કે ઘેડ ઉતરશે, ચાક ઉપર હજુ પેંડો છે. ૧૪૮
લવાર-કહે લવાર મોકલો એ કુંભક, ભક્ષ કરે તોએ વાંદર ખૂટે;
નહિતર જોર કરો જંજાળનું, આપ અરાબ અનેકધા છૂટે;
રાક્ષસ મોકલો રીંછડાં સામા, રણ વિષે વરખા જેમ પૂઠે;
બળવંત રાણા બેઠા જુઓ બારણે, લુહાર ને લોઢું આફણિયે કૂટે;
સોની-કહે લાવ્યા છો સીતાને, પ્રાતે વચન એ પળવું છે;
ચોટ નાંખી છે તો ચંતા શી, રાજ્ય પદવીમાં રળવું છે;
આમે કરમ લેલાટ લખાણું, તે શું ટાળ્યું ટળવું છે;
સોનું પહેરે જો કાન જ ત્રુટે, જતરડા વચ્ચે નીકળવું છે.
ઘાંચી-ઘાંચી કહે ઘણું શું જોર એમાં, માંકડાં કેરો એ માર જોરે;
બાળક બેહુમાં બુધ છે કેટલી, ભૂપ ભારેનો એ જોર જોરે;
નહિ ઘોડલા જોડલા હાથિયા સાથિયા, કટક કેરો પોકાર જોરે;
હડબડવું નહીં હિમ્મત રાખવી, તેલ જો તેલની ધાર જોરે.
મોચી-મોચી કહે મેં તો માંકડાં દીઠડાં, નાશે જેમ રણમાં રોઝડારે;
કોઠાં બિલાંને કાજે વઢે ઘણું, તુચ્છ તરણાવત તોછડાં રે;

દૂકતાં કૂદતાં ઢુંકતાં ઝુકતાં, ફોજ નહિ એ તો ફોજડાં રે;
હીંમત રાખીએ દલ એ દાખિયે, પાણી પહેલાં શાં મોજડાંરે;
હજામ-નાઇ કહે છે નાત સઘળી અમને, રૈયતમાં સહુ કહેછેજી રંકા;
ગત જાને કુણ ગોવિન્દ કેરી, અકલિત અક્ષર એહના અંકા;
સુઝ વિચારતાં તો નથી સુઝતું, લંગુર કેમ લેઇ શકશે જી લંકા;
કોથળીમાંથી સાપ જ નીસરે, વાળંદના દન હોય જો વંકા. ૧૫૩
રબારી-રબારી કહે શ્રી રામ આવ્યા છે, કેટલા દહાડા ઈહાં બેસી રહેશે;
ખાવા પીવા શું પામશે પૂરણ, સુખ દુઃખ કો આગળ એ કહેશે;
દશાનન સરખો દુશ્મન છે શીર, લંકામાં આવતાં લેખાં બોહો લેશે;
ઢોર ને ચોર થશે એકઠાં જુઓ, ઊંટકો કુણ કિનારે બેશે. ૧૫૪
દરજી-કહે દરજી દલ જાણું છું હુંયે, ભૂપ આપણો ભોળો છે;
પહાણ તારી આવ્યો પરપંચે, જનાવર સંઘાતે જોરો છે;
બાળી ગયો બળવંતો કોયક, ટેક ઘણેરો તોરો છે;
આરા કેડે વારો આવે, જ્યમ સોયની કેડે દોરો છે. ૧૫૫
ધોબી-પરિયટ કહે હું પ્રીછ્યો પારખું, હાથ તારે શિર હરનો છે;
નવ ગ્રહે બાંધ્યા છે નરપત, તો ભાર શો એના ડરનો છે;
હારીને જો હિંમત મૂકો, તો નામોશીનું નરનો છે,
ધોબી કેરો કૂતરો નહિ, ઘાટ તણો નહિ ઘરનો છે. ૧૫૬
ભોઇ-ભોઇ કહે ભૂપત કહું તુજને, સીત હરી તે સાંખી છે;
જોરાવર જન દીસે ઝાઝા, ભાગ્ય નિધિ શી ભાંખી છે;
પચવાની નથી એહની પ્રમદા, જેવી જીવતી માંખી છે;
અંગદ વિષ્ટિયે આવ્યો તો તે, કણક મચ્છને નાંખી છે.
સલાટ-સલાટ કહે શાણા છો સઉકો, વેદ વચનની વાણી છે;
સીતાજીને સ્ત્રી જાણો પણ, રામ તણી તો રાણી છે;
એહના શાપથી ઉદવસ્ત થાશે, હુંશ થકી બહુ હાણી છે;
રંકનું કહું રાવણ ક્યમ માને, પત્થર ઉપર પાણી છે.
સાબળિયો-સાબળિયો કહે સઉ જાણો છો, જુવતી એહ લાવ્યો છે જાણી;
એહને ગમતું આપણ બોલો, વિખાણ કરો વિધવિધની વાણી;
શીખામણ દેઇને થાકી છે, રાવણની મંદોદરી રાણી;
ધરમે વાતે ધર્મ જ થાશે, દૂધનું દૂધને પાણીનું પાણી. ૧૫૯

ભરવાડ - ભરવાડ કહે ભૂપત પૂછે છે, સાચી વાત કહો મન માની;
દેશ ભંગ થાએ દેખતાં, પરથમ તો પરજાને પાણી;
લંગુરાએ લંકા બાળી, જાન સહુને પહેલી બાંણી;
વઢવાડ ન થાય તો સહુને રુડું, તો રહે દૂધ દહી ને દાણી. ૧૬૦
જતી - જતી કહે સહુકો સાંભળજો, ભુંડા લોક તો ભૂર ભમાડે;
રામચંદ્ર મોટો રિદ્ધપત રાજા, પ્રૌઢો કોટ પણ વાંદર પાડે;
આપણો રાજાજી અતિ બળિયો, જિત્યા છે મલ્લ અધિક અખાડે;
એહ સાથે વઢતાં નહિ વાધે, વેચવો કાંશકો વરતિયા વાડે. ૧૬૧
ગોલો - ગોલો કહે ગુણવંતા આગળ, માહરી તો મોટમ મતી;
નવ ગ્રહે જિતી બાંધ્યા નરપત, રાવણ રાયની મોટી રતી;
જો જિતે તો કામ જ થાશે, નહિતર પાછી આપશે સતી;
હાર જિત છે હોડે રમવું, ક્યાં ગોલાને ઘેર ગાયો હતી. ૧૬૨
કોળી - કોળી કહે કહું કર જોડી, દેશપતિ આવ્યો છે દાવે;
શૂરો થઈ સીતાને લાવ્યો, તે ક્યમ કુડો કાયર કાવે;
જિતવું ને વળી જશ લેવો, નીચ નિર્માલ્ય થયે તે નાવે;
કુણ જાણે કિરતાર શું કરશે, ભીલનું ભાલોડ જો પાધરું આવે. ૧૬૩
ખતરી - ખતરી કહે હું ખડતલ કહું છું, હલહલ કરવા દોને હેલાં;
મોટા સાથે વઢશે તે મરશે, શું ખાવાં છે સાકર કેળાં;
જોર હીમત જણાશે બેનાં, ભૂપતને કહો કરને ભેળાં;
એક ઘડીમાં રંગ જ હોય, તાણો વાણો મળશે તે વેળા. ૧૬૪
ચિતારો - ચિતારો કહે ચંતા મુજને, અધિક વાંદરાં આવી અડશે;
ઘણાક જોજન છે ધડ ઊંંચો, પણ ચહાય તે વેળા ઉપર ચડશે;
દેહવટ કરશે દેશ લંકનો, નિશ્ચે એ નરપત્યને નડશે;
શ્રીરામચંદ્ર સમજે છે સર્વે, શું મોરનાં ઈંડાં ચિતરવાં પડશે. ૧૬૫
બારોટ - બારોટ કહે બળવંતો રાવણ, ગુણ હીણે કીધી ગાંડાઈ;
રામ સંઘાતે રાડ સાંધવી, ખોટી જાણો એ ખાટાઇ;
એક ઘડીમાં ઉદવસ્ત થાશે, પ્રૌઢું રાજ્યને પૂર પાટાઈ;
વિખાણ કરિયે તે વાટ જ ઉઠે, ભલી કેવી શી ભાટભટાઇ. ૧૬૬
ભાર - કહે પરજાપત સુણ રે ભૂપત, અતિશે વાંક તમારો છે આડો;
ચંતની કેરા ચોર કહેવાણા, તેની સાથે કરો છોજી તાડો;

હઠાવે હનમંતને જેહ હંડોલ્યે, એવો કો તમ દાસ દેખાડો;
જગજીવન સાથે જિત ક્શી તમો, કોઠી ધોઇને શું કાદવ કાઢો, ૧૬૭
તંબોલી- તંબોલી કહે તમો વિચારો, ખરું લખાણું અક્ષર ખાતું;
ચૌદ ચોકડીનું રાજ પામ્યાતા, શિવ પરતાપ હતું સુખ શાતું;
અયુત ઇંદ્ર તણિ અલબત તે, જુલમ કરેથી દેખસો જાતું;
સહુકો જાણે છે સુખ ભોગવિયું, પાન ખાઇ મુખ કરિયે રાતું. ૧૬૮
સોની વાણિયો -
સોની વાણિયો કહે છે સાચું, અધિપત છે તારા મનમાં આંટો;
જોરાવરસું જુદ્ધ કરવાં છે, તલપદ નહીં એ વિપરીત વાટો;
કાળના કાળ પરબ્રહ્મ પોતે, એની સાથે વઢી શું ખાટો;
કર્યાં કરમ ભોગવશો કુડાં, રામ હાથો રઘા સોનીનો કાંટો. ૧૬૯
વૈદ - વૈદ કહે વેરી શું વઢીએ, તો તો એક કહું તે કીજે;
સામ દામ ને ભેદ કરો બહુ, ખરી વાતમાં કોય ન ખીજે;
આમે જે લખ્યું તે થાશે, ઘડિયે લાવો લાખેણો લીજે;
બળ દેખાડી જુઓ એ બીહે છે, પ્રથમ રેચ નેપાળાનો દીજે. ૧૭૦
વેદીયો - વેદીયો કહે એ વેદે લખાણું, મહા શાપ સતીના સુણવા છે;
લંગુરને જે લંકા લેવી, તે ડુંગરા શું ખણવા છે;
જેવું વાવિએ તેવું ઉગે, તેવા કણ પછે લણવા છે;
રામ રોળી નાંખે રાવણને, એમાં વેદ શું ભણવા છે. ૧૭૧
ભાડભુંજો - ભાડભુંજો કહે ભલું મનાવો, વિખાણ કરીને બોલો વાણી;
બાકી તો બળ એનું શું ચાલે, જિહાં કોપી છે સીતા રાણી;
પ્રજાળી પ્લવંગે લંકા, જુગ બાધામાં વાત તે જાણી;
ખંડાશે પુવાની પેરે, રાજરિદ્ધ થશે ધુળધાણી. ૧૭૨
જોશી - જોશી કહે જોશો સહુ લોકો, કરુણાનિધે કરુણા કીધી;
રોળાશે રાવણ રણ માંહી, જો નવ્ય પાછી સીતા દીધી;
ભાઇ વિભીષણ ભૂપત થાશે, ઘડી એકમાં લંકા લીધી;
રામ રાજ કરશે અતિ રુડાં, આગળથી જનમોતરી કીધી, ૧૭૩
પંડિત - પંડિત કહે પ્રીછ્યા આગળથી, ગુણ હીણ મારે છે ગોથાં;
જે વેળા લક્ષ્મણજી ચડશે, લંકાનો ગઢ લેશે જોતાં;
રાઢ વઢવાડ માંડે છે રાવણ, એ તો સર્વે જાણો થોથાં;
શ્રીરામને હાથે મોત રાવણનું, એ તો પુરાણ લખાણાં પોથાં. ૧૭૪

કવિ - કવિ કહે કર્મ લખ્યું તે થાશે, નિશ્ચે વાત ન થાયે નવી;
વૈરભાવે અધિપત અવતરિયો, તો સીતા હરવા બુધ હવી;
જદુપતિ સાથ જિતે નહિ કોઇ, જો પશ્ચિમમાં ઉગે રવી;
જ્યાં ગત નહિ સુરજ ચંદ્રની, ત્યાંસુધી ગત કરતા કવી. ૧૭૫
મહેતો - મહેતો કહે મુરખ એ રાવણ, જક્ષણી કેરો એહ જણ્યો છે;
હજી હાથ દીઠા નથી હરિના, કરુણાનિધિને કાન સુણ્યો છે;
જ્યમ ખર દૂષણ ત્રિશિરા તાડ્યાં, તેય લેખામાં એહ ગણ્યો છે;
નાઠે નહિ મૂકે નરપતને, એ કોની નિશાળે ભણ્યો છે. ૧૭૬
રુઇયો - રુઇયો કહે હવે રુડું જાણો, જઘડો કરતાં જશ જોડાશે;
અહંકારી અહંકાર ન છોડે, અભિમાન કેરાં માન મોડાશે;
દેવ સહુની દાઝ઼ હોલાશે, તે તે નવગ્રહ બંધનથી છોડાશે;
રૈયતને તો કોય ન મારે, જ્યાં ત્યાંથી કપાસ લોઢાશે. ૧૭૭
ભવાયો - ભવાઇઓ કહે ભૂંડું માનશો પણ, તોલ વાત કહીશું તાનો;
સીતા આપીને પાગે લાગે, જો દશાનન હોયે દાનો;
લુંટાશે સમરધ ને રિદ્ધિ બાધી, શું પાવૈને ચડશે પાનો;
સાચું કહેતાં રીજો કે ખીજો, નાચવા બેઠા ત્યાં ઘુંઘટો શાનો. ૧૭૮
આંધળો - અંધો કહે આગળથી સૂઝ઼ે, કુડાં કેરી શી કારસી;
રુઠ્યો રામ રઘુનંદન જેને, તેને વળતો કોણ વારસી;
દેવ આગળ ડહાપણ તે કોનું, પંડિત આગળ શી પારસી;
રુડી રીત રાવણને કહેવી, તે આંધળા આગળ છે આરસી. ૧૭૯
બહેરો - બધીર કહે મારી બુદ્ધ થોડી, તોય કહું એક રુડા કાજે;
રંકનું કહ્યું રાજા નવ માંને, જેને છત્ર કનકનાં છાજે;
અહંકાર મહા લાવ્યો અતિ બળ, લક્ષવસા તે આપતાં લાજે;
એહ આગળ કહેશો તે મિથ્યા, જ્યમ બેરા આગળ શંખ જ વાજે. ૧૮૦
ખોડો - ખોડો કહે ખડતલ છે વાતો, એને આંગણે બોલ્યા કાગા;
સ્વાન રોયાં શેરીમાં શતધા, હૃદે ધાયો તે વેળા વાગા;
હીમત ખોઈ જોઇ હનુમંતને, લંકા સહિત મહેલ જવ લાગા;
દૈવત એહમાં શું દેખો છો, ભૂપત કેરા છે પગ ભાંગા. ૧૮૧
કાણો - એક ચક્ષ તણો નર કહે છે, અધિપત છે હજુ આડામાં;
ઐરાવત એણે નથી દીઠા, પ્રાક્રમ કીધું છે પાડામાં;

એ હઠીલો હિમ્મત નહિ મૂકે,ટેક રાખે છે તાડામાં;
કપટ કોટિધા એના મનમાં, જ્યમ બોતેર વિદ્યા બાડામાં. ૧૮૨
પાવૈ - પાવૈયો કહે પેર હું પ્રીછું, એ રીંછ વાંદરા ક્યમ વઢશે;
ઉઠ જોજન છે કોટ કનકનો, તેહનો પાડ્યો કેમ પડશે;
રામ રાજા ને રાવણ રાક્ષસ, નિર્બળ ક્યમ નરપતને નડશે;
રીસાવી રહેશે રાવણથી તો, શું પાવઇને પાનો ચડશે? ૧૮૩
જુગારી - જુગટિઓ કહે જાણું છું હું, સહુકો વાત માનો એ સાચી;
ભુંડું કામ કર્યું છે ભૂપત, લાવ્યો રામની રામા રાચી;
મહારાજ રાજ રાજેશ્વર રુડા, હજુ જુએ પગ સામું નાચી;
આખર તો જીવતો નહિ મૂકે, બાર સોગઠી એહની કાચી. ૧૮૪
કાછીઓ - કાછીઓ કહે કલ્પ્યું મેં કોડે, દળ અતિશે હું એનું દેખું;
વાંદર રીંછ બળવતાં છે બહુ, પેર ઘણીથી હું મન પેખું;
રુડો વખાણો છો રાવણને, એકલો તે હું ક્યમ ઉવેખું;
શ્રીરામજીની આગળ રાવણ, તે તો મૂળાપણી શું ઝાડમાં લેખું. ૧૮૫
વણઝ઼ારો - વણઝ઼ારો કહે વારો છો એને, ગુણ વાત કહો તે ઘેલી;
અગનીની આંચમાં આવ્યો અધિપત, પ્રિછ્યો પ્રીત નહીં એ પહેલી;
વઢતાં વાત થશે એ વિપરીત, સીતા આપવી તે છે સહેલી;
આપણ શિદ આગળથી કહિયે, શું ગુણ્ય કૂદશે બળદ પહેલી. ૧૮૬
રોગી - રોગી એક બચારો બોલ્યો, વિખાણ કરીને કોશું વઢો;
સૈન્ય સજ કરાવે રાવણ, પૂર બાધે વજડાવ્યો પડો;
કુણ જાણે કુણ હારે જિતે, દેશ બધાનો વળશે દડો;
હિમ્મત કાં મૂકાવો એની, કુણ તાવને કહશે ચડો. ૧૮૭
દંતારો - દંતારો કહે દેશપતિને, દુનિયાં બાધી તો હસશે;
રંજાડ ઘણો રૈયતને થાશે, પૂર બાધું તે પીડાશે;
દેહ પડશે દશાનન કેરો, નિર્માલ્ય થઇ આપે નાસશે;
ઘરડાંની કહેવત તે સાચી, જે વધતો દાંતો તે ઘસાશે. ૧૮૮
નેસ્તી - નેસ્તી એક બોલ્યો નરપતનો, સુરતા મને તો એક થઇ છે;
સીતાને લાવ્યો છે રાવણ, રૌરવ રોગ ખરો એ ખઇ છે;
ઇશ શિશથી રહ્યા વેગળા, લંકા કર્મ એનેથી ગઇ છે;
વિચાર કરતાં વહાણું વાશે, નેસ્તીની મા ખાટલે મુઇ છે. ૧૮૯

પસાયતો - પટેલ એક કહે પાપી એ રાવણ, એનું મોત થોડે દિન મળશે;
સુખ સાગરમાં જુગતે ઝીલતો, વૈભવ તે વેળા તો ટળશે;
સીતા સતિનો શાપ થયો છે, તેહનું વૃક્ષ હવે તો ફળશે;
સાચું નવ્ય કહિયે શા માટે, શું પસાયતાં ચાંપી કળશે. ૧૯૦
માળી - માળી કહે છે મુને ગમે નહિ, વાત કરો છો જે જે મોટી;
રાવણ રાજા છે એ ડાહ્યો, લક્ષ વસા પડશે એ લોટી;
જે કહું છું તે સાચું માનો, તમો સહુ કહો છો તે ખોટી;
ઝ઼ાઝું કરશે તો સીતા લેશે, માળી રુઠ્યો ફુલ લેશે શું લેશે ચોટી? ૧૯૧
બ્રાહ્મણ - બ્રાહ્મણ કહે ભાવિક સરજ્યું છે, રામ રાવણ વેરેથી વઢશે;
હાથ દેખાડ્યા વિના હઠશે નહિ, જ્યમ ત્યમ જાનકીજી ન જડશે;
જે વેળા લક્ષ્મણજી કોપે, ઘડી એકમાં ઘાટ જ ઘડશે;
મેળી ધાડ બેઠો છે મહીપતિ, ભિખનાં ભાંડાં ક્યમ સીકે ચડશે. ૧૯૨
કણબી - કણબી એક બેઠો તો માળે, તે કહે છે મુજને એ ભાસે;
રાવણ રાઢ કરી શકશે નહિ, નીચ નિર્માલ્ય થઇને નાશે;
એક વાત ઉકલતી છે નહીં, પડ્યો પાપ તણે એ પાસે;
સીતા સાટે સર્વે સમરધ, ગોળો ગોફણ જોતામાં જાશે. ૧૯૩
ચોવટિયો - પટેલ એક પાદરડે બોલ્યો, રાવણની નવ્ય પોતી રળી;
સીતા વેલ એ ઝેર તણિ છે, તે એહને લાગે છે ગળી;
ઇંદ્ર તણી અલખત ભોગવતો, તેહ ટેક એહની તો ટળી;
જાનકી જોખ એની લેઇ જાશે, જ્યમ પુંખ ન ખાધો ને હાથેલી બળી. ૧૯૪
જોગી - જોગી કહે જરૂરી જાણો, દશાનન આવ્યો છે દાવે;
કુંભકરણ કુમતિ દેનારો, કૂડ કપટ જેને મન કાવે;
ઈંદ્રજિત પણ અન્યા બોલે, ભૂપતના મનમાં તે ભાવે;
સૂર્પનખા શિખની દેનારી, જોગી પ્રધાન તે તુંબડાં વાવે. ૧૯૫
પટેલ - પટેલ એક ચોરેથી ચેત્યો, બાળ પરી રાવણની બુદ્ધિ;
બહેને કહ્યું છે ત્યાંથી છે બહેક્યો, તે છે ગુણહિણી ને ગદ્ધી;
સુખ શય્યા વૈમાન તજ્યાં છે, રાજ પદવીની રીત્યો રુંધી;
લંકામાં એ લાડકવાયો, પટેલની ઘોડી પાદર સૂધી. ૧૯૬
છીપો - છીપો કહે છાજ્યું નહિ એને, છતનો એને છાક ચઢે છે;
જગત જનેતાને એ લાવ્યો, સામો વેરી થઇને વઢે છે;

જોરાવર ઝાડ વાવ્યાં છે ઝેરનાં, તેનાં એને ફળ જડે છે;
રાવણ આખર રાક્ષસીનો તંન, જાત વના શું ભાત પડે છે. ૧૯૭
કંસારો - કંસારો કહે કહું કેટલું, રાવણથી શું રામ ડરે છે;
ફુલ્યો ફરે છે તે સર્વે ફોકટ, પોતાને હાથે હીંમત હરે છે;
ચૌદ ચોકડીનું રાજ્ય તજીને, વણ મોતેથી એ તો મરે છે;
ત્રાંબા ડોળ કરે નહિ છૂટે, ફોકટ કાંસાકૂટ કરે છે. ૧૯૮
કંદોઇ - કંદોઇ કહે કુડો એહ કપટી, બુદ્ધિહીન થયો બાડુઓ;
એહ જાણે છે ખાઇ સાગરની, રામને મન તો છે ખાડુઓ;
રાવણ જાણે લંકા ક્યમ લેશે, વાંદરને મન ઘીનો ધાડુઓ;
લંપટ લોભી સીતાને લાવ્યો, જાણે બાપનો છે લાડુઓ. ૧૯૯
સ્ત્રીઓ - વાતો કરે વનિતા લંકામાં, સખિયો સખિયોમાં સાંચલી;
કહો બાઇ કુણ હારે જિતે, ઘણીક આવી છે ઘાંચલી;
એક કહે એમાં શું કહેવું, અદકી બોલી છું આંચલી;
એકાએક હઠે કેમ અધિપતિ, શું પેરી બેઠો છે કાંચલી. ૨૦૦
વિધવા - એક વિધવા કહે વિખાણે છે શું, તારો બોલ ગમે નહીં ગાંડો;
વાર્યું નહીં કરે તે હાર્યું કરશે, કહિયે સુખે રાડજ માંડો;
ઘડી બેચારેક લંક લૂંટાશે, જેને ગમે તે ગામ જ છાંડો;
સુખે રાજ ક્યમ રાવણ કરશે, શું જિતવી છે રાંડીરાંડો. ૨૦૧
પંચ - પંચ મળી પરમાણ કર્યું છે, રાવણ કાજળ શ્રીરામજી કેશર;
રાવણ ખાબડો રામ ગંગોદક, રામ ઐરાવત રાવણ ભેંસર;
શ્રીરામ ધર્મી રાવણ અધર્મી, કહે કવિ સામળ ભટ કવેશ્વર;
જિતે રામને રાવણ હારે, પંચ તિહાં પોતે પરમેશ્વર. ૨૦૨
કવિ - બ્રાહ્મણ ભાટ ચારણ કો કવિતા, ખોડ ન દેશો રંક કે રાણો;
એક્ તો નામ શ્રીરામજી કેરું, બીજો અક્કલ થકી ઉખાણો;
જેને જેહ વણજ તે સૂજે, પ્રીત થકી સહુ પંચ પરમાણો;
નિશા ચર્ચા જોઇ નરપતિએ, સામળભટ કહે સમજે શાણો; ૨૦૩
શ્રી ગુર્જર દેશ ગરુવો ગુણનિધિ, વિપ્ર શ્રીગોડ વેંગણપુર વાસી;
પિતા તે પુરુષોત્તમ કેરો, વીરેશ્વરનો પુત્ર તે વિલાસી;
સામળભટ શિવજીનો સેવક, આદ્ય શક્તિ કેરો ઉપાશી;
રામ ચરિત્ર આ ગાતે સુણતે, નિતપત ક્રોડ વશાએ કાશી. ૨૦૪

રાવણ મન્દોદરી સંવાદ સંપૂર્ણ.