રે શિર સાટે નટવરને વરીએ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

રે શિર સાટે નટવરને વરીએ, રે પાછાં તે પગલાં નવ ભરીએ

રે અંતર દ્રષ્ટિ કરી ખોળ્યું, રે ડહાપણ ઝાઝું નવ ડહોળ્યું એ હરિ સારું માથું ઘોળ્યું, રે શિર સાટે નટવરને વરીએ

રે સમજ્યા વિના નવ નીસરીએ, રે રણમધ્યે જઈને નવ ડરીએ ત્યાં મુખપાણી રાખી મરીએ, રે શિર સાટે નટવરને વરીએ

રે પ્રથમ ચડે શૂરો થઈને, રે ભાગે પાછો રણમાં જઈને તે શું જીવે ભૂંડું મુખ લઈને, રે શિર સાટે નટવરને વરીએ

રે પહેલું જ મનમાં ત્રેવડીએ, રે હોડે હોડે જુધ્ધે નવ ચડીએ જો ચડીએ તો કટકા થઈ પડીએ, રે શિર સાટે નટવરને વરીએ

રે રંગ સહિત હરિને રટીએ, રે હાક વાગે પાછા નવ હટીએ બ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ, રે શિર સાટે નટવરને વરીએ