લાવો લાવો કાગળિયો ને દોત (૨)

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

લાવો લાવો કાગળિયો ને દોત‚ લખીએ હરિને રે ;
એવો શો છે અમારો દોષ‚ નો'વ્યા ફરીને રે…

જાવ જાવ ધુતારા ક્હાન, તમે છો બહુ રંગી રે;
તમે કોઈનાં ન રાખ્યાં માન‚ ઘણાંના છો સંગી રે…

ઊંડા કૂવામાં આજ‚ ઉતાર્યાં હરિએ અમને રે‚
એવાં વરત વાઢોમા મહારાજ, ઘટે નહીં હરિ તમને રે…

ગુરુજી અમૃત પાઈને આજ,ઉછેર્યા હરિ અમને રે‚
એવાં વખડાં ઘોળો મા મહારાજ, ! ઘટે નહીં હરિતમને રે…

અમર પછેડો આજ ઓઢાડ્યો‚ હરિ અમને રે‚
ખેંચી લિયો મા મહારાજ, ! ઘટે નહીં હરિતમને રે…

આંગળીઓ ઝાલીને આજ, રમાડ્યાં હરિએ અમને રે,
તમે તરછોડો મા મહારાજ, હરિ અમને રે‚

સાંભળી રવિ ગુરુ ભાણ‚ ત્રિકમ બેડી તારો રે‚
એવા મોરાર કહે છે રે મહારાજ, ભવસાગર ઉતારો રે…