લખાણ પર જાઓ

લીલુડી ધરતી - ૧/દાણા ગણી દિયો

વિકિસ્રોતમાંથી
← શુકન પકવ્યાં લીલુડી ધરતી - ૧
દાણા ગણી દિયો
ચુનીલાલ મડિયા
છત્તર ઝૂલ્યાં →





પ્રકરણ ઓગણીસમું

દાણા ગણી દિયો !

છનિયાને સધિયારો આપીને ગોબર પોતાની ડેલી તરફ જવા નીકળ્યો.

રઘાની અકળ લીલા ઉકેલવા મથતો એ ખડકીમાં પ્રવેશ્યો ત્યાં તો ઓસરીમાં બેસીને દૂધનાં દોણાં ઠારી રહેલ ઊજમ અને સંતુની વાતચીતમાંની એક ઉક્તિ એને કાને અથડાઈ :

‘રાંડ વાંકાંબોલી કાંઈ વાંકાંબોલી !’

‘કોણ ? કોણ ?’ ગોબરે પૂછ્યું. ‘કોની વાત કરો છો ? કોણ વાંકાબોલી છે ?’

‘વખતુડી ! બીજી કોણ હોય ?’ ગામમાં આંકેલ ખૂંટિયા જેવી થઈને ફરે છે. માથે કોઈ ધોંહરું નાખનાર નથી એટલે ફાટીને ધુવાડે ગઈ છે, ને જેમ ફાવે એમ ભરડ્યા કરે છે !’

‘શું ભરડી નાખ્યું વળી !’

સંતુએ કહ્યું : ‘પાણી સીંચતાં સીંચતાં સહુ જીવતીની વાતું કરતાં’તાં, ને એમાં વાતવાતમાં કો’ક બોલી કે માંડણિયે જ હાથે કરીને જીવતીને સળગાવી મેલી. એટલે મેં કીધું કે જીવતી સળગી તયેં માંડણિયો તો ઘરમાં હતો જ નહિ. એમાં વખતીને વાંકુ પડી ગયું. મેં કીધું કે માંડણિયો તો બચાડો ઘરભંગ થઈ ગયો...એટલે વખતી બોલી કે બવ પેટમાં બળતું હોય તો માંડણિયાનું ઘર માંડ્ય !... સાંભળીને મને એવી તો દાઝ ચડી કે ડોસીનો જીભડો  જ ખેંચી કાઢું, ને કાં તો રાંડને ટાંટિયો ઝાલીને વાવમાં જ નાખી દઉં !’

‘ના ના, વખતી ભલે જીવતી રહી. ગામમાં એ જ એક સુયાણી છે ને મરી જશે તો મોટી ખોટ પડશે.’ ગોબરે કહ્યું.

‘કાલે મરતી હોય તો આજ મરે. પણ આવાં ન બોલવાનાં વેણ શું કામ બોલે છે ?’

‘બોલાઈ જાય. જીભ છે. ચામડાની જીભ આમે ય વળે ને તેમે ય વળે.’ આવું કૃત્રિમ આશ્વાસન આપીને ગોબરે સંતુના મનનું તો સમાધાન કરી દીધું, પણ પોતાના મનમાં એક નવી જ ગડમથલ ઊભી કરી, જેનું સમાધાન કોઈ રીતે થઈ શકે એમ નહોતું.

‘માંડણે મને શા માટે બચાવ્યો ? ગોબરના મનમાં આવો વિચિત્ર પ્રશ્ન ઊઠ્યો. હા, એ માણસે મને જીવતદાન આપ્યું, એ વાત સાચી. વેરસીએ કરેલો ઘા માંડેણે આડેથી ઝીલ્યો ન હોત તો આજે હું કદાચ આ ઘરમાં હયાત જ ન હોત; અને તે કદાચ માંડણના મનની મુરાદ બર આવી હોત ખરી ? નોંધારી સંતુને એણે આખરે પોતાના રોટલા ઘડવા ઘરમાં બેસાડી હોત ખરી ?

ગોબરની નજર સામે માંડણનાં બે ચિત્રો આવી ઊભાં. એક ચિત્ર હતુ અપંગ બનેલા ઠૂંઠા માણસનું, અજાણ્યો ય અનુકમ્પા પ્રેરે એવા દયામણા દીદારવાળું. બીજુ ચિત્ર હતું એ જ માણસના પૂર્વજીવનનું : કરડો ને કપટી, ઝેરીલો ને વેરીલો, આંખમાં ભેદી સાપોલિયાં રમાડતો માંડણ. આ બેમાંથી કયો માંડણ સાચો ગણવો ? અલબત્ત, હાદા પટેલે તો ગિરનાર પરની ઘટનાના સમાચાર સાંભળતાં જ માંડણને જીવનદાતા જેવો ગણી લીધો હતો, અને એમાં ય જીવતીના અગ્નિસ્નાન પછી તો, હાદા પટેલે માંડણને પેટના દીકરા જેવો જ ગણવા માંડ્યો હતો. એની ખેડની જવાબદારી પોતે લઈ લીધી હતી. વાડીપડામાં કામકાજ કરવા એક કામચલાઉ સાથી પણ શોધી આપ્યો હતો. આવતી મોસમમાં માંડણના ખેતરમાં  વાવણાં કરી આપવાનું પણ વચન આપ્યું હતું.

અત્યારે અસૂરું થયું હોવા છતાં ફળિયામાં હાદા પટેલનો ખાટલો ખાલી જોઈને ગોબરને નવાઈ લાગી. હમણાં વારંવાર તેઓ માંડણને ઘેર જઈને દુખિયા જીવને સધિયારો આપવા કલાક કલાક બેસતા. એ ઉપરથી ગોબરે ઊજમને પૂછ્યું કે ‘આતા અત્યારે માંડણને ઘેર ગયા છે કે શું ?’

‘ઇ તો સાંજના કીડિયારું પુરવા ગ્યા ઈ ગ્યા જ છે ! પાછા આવ્યા જ નથી !’

‘તો પછી આટલું બધું અહૂરું ક્યાં થ્યું ? ક્યાં રોકાણા હશે ?’

‘ભગવાન જાણે ! ભૂતેશ્વરમાં ભજન સાંભળવા બેહી ગ્યા હોય તો.’

‘કે પછી માંડણને ઘેર બેહી ગ્યા હશે ?’

સારી વાર સુધી તો આવા તર્કવિતર્ક ચાલી રહ્યા. રોજ સવારે હાદા પટેલ ચબૂતરે પારેવાંને ચણ નાખવા જતા, એમ સાંજે પાદરની ખળાવાડમાં કીડિયારું પૂરવા જવાનો એમનો નિત્યક્રમ હતો.

‘ભૂતેશ્વરમાં કોઈ નવા મૂંડકાં તો હમણાં આવ્યાં નથી, કે કાંઈ કથાવારતા સાંભળવા કોઈ જાય—’ ઊજમે કહ્યું. બાવાસાધુઓ માટે એણે મૂંડકાં શબ્દ યોજેલો. પોતાનો પતિ ભૂતેશ્વરના મંદિરમાંથી જ આવાં મૂંડકાંઓ જોડે સન્યસ્ત લઈને નાસી ગયેલ તેથી એ લોકોની આખી જમાત તરફ ઊજમને નફરત હતી.

‘તો પછી ભગવાનદાની ડેલીએ તો નહિ રોકાણા હોય ?’

ગોબર જ્યારે આમ એક પછી એક કલ્પના કરી રહ્યો હતો ત્યારે હાદા પટેલ તો ભગવાનદાની ડેલીને બદલે દરબારની ડેલીએ જઈ ચડ્યા હતા. અને સમજુબા ઠકરણાંના ઓરડામાં બેઠા હતા. પોતે કીડિયારું પૂરીને પાછા ફરતા હતા ત્યાં જ રસ્તામાં એમને પંચાણભાભાનો ભેટે થઈ ગયો. અસાધારણ ગુપ્તતા જાળવીને ડોસાએ હાદા પટેલને ઠકરણાંના તેડાની વાત કરેલી. કોઈને વહેમ  ન જાય એ રીતે બંને જણ ડેલીએ જઈ પહોંચેલા.

‘સતીમા તો સાચક છે, હાજરાહજૂર છે....’

સમજુબા ધીમે ધીમે પોતાના અંતરની વાત હાદા પટેલ સમક્ષ નિવેદિત કરી રહ્યાં હતાં :

‘ને તમે તો માના ગોઠિયા છો, ઠુમરને ખોરડે પેઢી દર પેઢી આ ગોઠી૫દું હાલ્યું આવે છે, ઈ હું ક્યાં નથી જાણતી ?’

‘આ તો અમારી કણબીભાઈની કાલીઘેલી આસ્થા છે, બા ! બીજું કાંઈ નથી.’ હાદા પટેલ વિનમ્રભાવે બોલતા હતા.

‘હંધી ય આસ્તાની જ વાત છે ને, બાપુ ! નરસીં મે’તાને ભગવાનમાં આસ્થા હતી, તો મારો વા’લોજી આવીને કુંવરબાઈનું મામેરું કરી ગયા —’

‘નરસીં મે’તો તો બવ મોટા ભગત ગણાય—’

’તી તમે ક્યાં નાના ભગત છો ? તમારી ભગતી હું નથી જાણતી ? સીમને શેઢે સતીમાનું થાનક સાચવીને બેઠા છો, એટલે તો ગામ આખું સુખી છે. આ ગુંદાસર ઉપર સતીમાની અમી નજર છે ઈ હું નથી જાણતી ?’

આવો આડોઅવળો પ્રાસ્તાવિક વાર્તાલાપ કર્યા પછી ચતુર સમજુબાએ હળવેક રહીને મુખ્ય કામની વાત છેડી :

‘એટલે તો મને મનમાં થયું કે હાદા પટેલને બરકીને દાણા જોવરાવું—’

‘હા—’

‘પહેલાં તો ઓઘડિયા ભૂવાને ધુણાવવાનો વચાર થ્યો, પણ પછી મનમાં કીધું કે સતીમા જેવાં સાચક દેવી પાદરમાં જ બેઠાં છે, એને મેલીને ભૂવા-ડાકલાંને ક્યાં વતાવવાં ?’

‘બરોબર.’

‘તમે આજ આવ્યા છો, તો ડેલીએથી માનું નિવેદ લઈ જાવ, ને મારા વતી દાણા જોઈ દિયો.’ ‘શી બાબત જોવાની છે ?’ હાદા પટેલે સહેજ ગંભીર અવાજે પૂછ્યું.

આ પ્રશ્નનો ઉત્તર આપતાં તો ઠકરાણને પારાવાર સંકોચ થયો. આખરે નખ વડે જમીન ખોતરતાં બોલ્યાં :

‘આ વાત પેટમાં રાખવા જેવી છે, પટેલ !’

‘તમતમારે બેફિકર રહેજો—’

‘વાને કાને ય વાત નો જાય, હો !’

‘મને...કે’વું નો પડે—’

હવે સમજુબાને હિંમત આવી. એમણે અંતરની વાત કહી દીધી :

‘મારાં કરમમાં જણ્યાંનું સુખ માંડ્યું છે કે નહિ, એના દાણા જોઈ દિયો—’

‘જણ્યાંનું સુખ ? તમારા કરમમાં ? તમારે તો આ કહળ્યા શાદૂળભા... એકે હજારાં જેવો દીકરો—’

‘જાણું છું. એકે હજારાં જેવો જ છે; પણ ઈ મારા કરમમાંથી ઝુંટવાઈ તો નહિ જાય ને, એટલું જોવરાવવું છે. સતીમાને પૂછીને મારા નામના જારના દાણા...’

પ્રશ્ન એવો તો નાજુક હતો કે હાદા પટેલે મૂંગા રહેવાનું જ ઉચિત માન્યું.

‘છતે છોકરે વાંઝિયામેણું જડે એવા જોગ ઊભા થયા છે.’ સમજુબાએ હવે મોકળે મને પેટછૂટી વાત કરી નાખી. ‘શાદુળભા મારા નસીબમાં સમાશે કે નહિ, એની હાર્યે મારે દીકરાની લેણાદેણી છે કે નહિ, એટલું સતીમાને પૂછાવવું છે. એના દાણા જોઈ દિયો, પટેલ ! તો તમારો પાડ ભવોભવ નહિ ભૂલું—’

‘ભલે.’ કહીને હાદા પટેલે ઊંચું જોયું તો ઠકરાણાની ઘેરી ગંભીર આંખને ખૂણે, કળજઘેરા આકાશમાં તગતગતા તારોડિયા  જેવું આંસુ તગતગતું હતું.

 ***

એક માતૃહૃદયની સઘળી વેદનાને હૃદયમાં વાગોળતા હાદા પટેલ ઘેર આવ્યા ત્યારે ગોબરે પૂછ્યું : ‘ક્યાં હતા અટાણ લગી ?’

‘કીડિયારું પૂરીને ભૂતેશ્વર ગયો’તો. મહંત હાર્યે વાતુંએ ચડી ગ્યો એમાં અહૂરું થઈ ગયું.’

સમજુબાએ ઠાલવેલી વ્યથાની કથા એટલી તો પવિત્ર હતી કે ઘરમાં સગા દીકરાને કાને પણ એ વાત નાખવામાં હાદા પટેલ પાપ સમજતા હતા.

આખી રાત એમની નજર સામે ઠકરાણાની કારુણ્યમૂર્તિ અને એમની આંખમાં ઝબકી ગયેલાં આંસુ તરવરતાં રહ્યાં.

છેક વહેલી પરોઢે પાંપણ ભારે થઈ અને સહેજ ઝોકું આવ્યું ત્યાં તો ખડકી બહાર કમાડની સાંકળ ખખડી. અને હાદા પટેલ ઝબકી ગયા. ક્ષણ વાર તો મનમાં થયું કે ધનિયો ગોવાળ આવી પહોંચ્યો કે શું ? હું આટલું બધું ઊંઘી રહ્યો કે ગોવાળ ઢોર છોડવા આવ્યો તો ય મારી ઊંઘ ઊડી નહિ ! પણ તુરત આકાશમાં ઝબકતાં તારોડિયાં જોઈને થયું કે હજી મોસૂઝણું થવાને ય સારી વાર છે.

હાદા પટેલે ખડકી ઉઘાડી તો બહારથી બીજું કોઈ નહિ ને રઘો મહારાજ જ બિલ્લીપગલે ડેલીમાં દાખલ થયો, અને કશી ઔપચારિક વિધિની રાહ જોયા વિના જ હાદા પટેલના ખાટલા પર બેસી ગયો.

બહારગામ ગયેલે રઘો સીધો જ ઠુમરની ખડકીમાં આવ્યો હતો. ‘અંબા ભવાની’ પર જઈને હૉટલના શા હાલ છે એ જોવાની, વકરો ગણવાની કે છનિયાએ કેટલાં કાવડિયાં નેફે ચડાવ્યાં છે એની તપાસ કરવાની ય અત્યારે એને ફુરસદ નહોતી. એના કોઠામાં ધમણ જેવી હાંફ ચડી હતી એ જોઈને ખુદ હાદા પટેલને ય નવાઈ લાગી. ‘તમે તો ક્યાંક પરગામ ગ્યા’તાને ? ગામમાં કયુંક ના ગરી ગ્યા ?’

‘હજી હાલ્યો જ આવું છું.’ રઘાએ કહ્યું. અને બીજા કશા પ્રાથમિક પ્રસ્તાવની લપછપનમાં પડ્યા વિના જ એણે સ્પષ્ટવક્તા બનીને કહી દીધું: ‘તમારું કામ પડ્યું છે.’

‘અટાણમાં વળી શું કામ ?’

‘અટાણમાં નથી કરવાનું. ઉતાવળ નથી. પણ આ તો તમને કહેવા આવ્યો છું.’

‘બોલો.’

‘સતીમાને થાનકે જઈને મારા વતી દાણા જોવરાવવા છે—’

‘તમારે ? તમારે દાણા જોવરાવવા છે ?’

‘હા.’

‘તમને વળી શું દખ આવી પડ્યું ?’

‘દુઃખના નહિ, સુખના દાણા જોવરાવવા છે.’ રઘાએ પોતાની લાક્ષણિક ઢબે કહ્યું : ‘મારા નસીબમાં દીકરાનું સુખ માંડ્યું છે કે નહિ, એટલું જ જોવરાવવું છે.’

બીજો કોઈ પ્રસંગ હોત તો આ કથન સાંભળીને હાદા પટેલ ખડખડાટ હસી પડ્યો હોત. પણ આછા આછા મોંસૂઝણામાં ય રઘાની મુખાકૃતિમાં કળાતી કરુણતાની ઝલક જોઈને તેઓ મૂંગા રહ્યા

*