લખાણ પર જાઓ

લીલુડી ધરતી - ૧/વિષનાં વાવેતર

વિકિસ્રોતમાંથી
← મૃત્યુનું જીવન લીલુડી ધરતી - ૧
વિષનાં વાવેતર
ચુનીલાલ મડિયા
બેડું નંદવાણું →



પ્રકરણ બીજું

વિષનાં વાવેતર

ગુંદાસરમાં હાદા પટેલનું ખેતર થાનકવાળું ખેતર કહેવાતું. બસોએક વર્ષ પહેલાં હાદા પટેલના એક પૂર્વજ ધરમા ઠુમરને સોણામાં સતીમા આવેલાં ને કહેલું કે તારા ખેતરની ઉગમણી દિશામાં હું સુતી છું ને મુંજાઉં છું. બીજે જ દિવસે ધરમાએ એ દિશામાં ખોદકામ શરૂ કરેલું ને દસેક હાથ ઊંડાણમાંથી એક મૂર્તિ મળી આવેલી. એ જ સ્થળે સતીમાની દેરી ચણીને થાનક સ્થાપ્યું ને ધરમો સતીમાનો પહેલવહેલો ગોઠિયો બન્યો. એ ધૂણતો ત્યારે સતીમા શરીરમાં આવતાં ને ગામનાં દુખિયાં માણસો ધરમા પાસે આવીને જારના દાણા ગણાવી જતાં, માતાની બાધાઆખડી રાખતાં, ને માનતાઓ માનતાં. સતીમાના ગોઠિયા તરીકે ધરમાએ જિંદગીભર આકરી કરી પાળીને થાનકનું રખવાળું કરેલું અને પછી તો દર પેઢી ઠુમર કુટુંબનો મોભી આ થાનકનો ગાઠિયો બની રહેલો.

અત્યારે પણ થાનકના ગોઠિયા તરીકે હાદા પટેલ, અનરાધાર વરસાદમાં પણ વાવણી શરૂ કરતાં પહેલાં ગોબરને લઈને સતીમાની દેરી પાસે ગયા. કોઈ પણ શુભ કાર્યના આરંભમાં તેઓ માતાનું સ્તવન કરીને મૂક સંમતિ માગતા. આજે તો ઘરમાં પરબતના મૃત્યુનો અશુભ બનાવ બની ગયો હતો, પણ વાવણીનું કાર્ય શુભાતિશુભ હોવાથી એમાં સતીમાના આશીર્વાદ આવશ્યક હતા.

પોતાની રજાકજા પછી માતાનું ગોઠીપદ પરબતને મળનાર હોવાથી આજ સુધી હાદા પટેલે એને જપજાપ વગેરે શીખવેલા. હવે એ બધી જ ફરજ ગોબર ઉપર આવનાર હોવાથી અત્યારે એને જોડે રાખીને તેઓ સતીમાનું સ્તોત્ર ભણી રહ્યા. પોતાને તો હવે આંખે ઝામર આવતી હોવાથી દસવીસ ડગલાંથી દૂર કશું દેખાતું પણ નહોતું, તેથી જ તો સ્તુતિ પૂરી થયા પછી એમણે ગોબરને કહ્યું :

‘ગગા ગોબર ! હવે માની સેવા તારે માથે છે હો !’

મોટાભાઈના મૃત્યુથી બેબાકળો બની ગયેલો ગોબર હા ભણવા પૂરતા પણ હોઠ ઉઘાડી શક્યો નહિ. આંખો નીચી ઢાળીને જ એણે હોંકારો આપ્યો. બીડેલી કિતાબ જેવા અગમ્ય ભાવિની કલ્પનાએ આ જુવાનના હૃદયમાં રોમાંચ અને ભયની મિશ્ર લાગણીઓ જગાવી.

એક મોટો રેડો વરસી ગયા પછી વરસાદ જરા ધીમો પડ્યો એટલે હાદા પટેલે કહ્યું :

‘હાલો દીકરા ! મે’ ધીમો પડ્યો છે ત્યાં લગીમાં ઝટઝટ વાવણી કરી નાખીએ... અબઘડીએ ઓલ્યું મોટું વાદળું આપણાં સીમઢાળું આવી પૂગશે.’ અને પછી એ કાળા ભમ્મર વાદળા તરફ તાકીને ઉમેર્યું : એમાં સારીપટ પાણી ભર્યું છે. એને અબાર્ય જાવા ને દેવાય.’

મોહનથાળ જમાવેલા મોટા ખૂમચામાં સમાંતર સમચોરસ ચોસલાં પાડ્યાં હોય એવા સરસ ચાસ ખેતરમાં પડ્યા હતા. રામ લખમણ જેવી ખાંડિયા ને બાંડિયા બળદની જોડની કાંધે ઓરણી નાખી હતી. ખાંડિયો બળદ વીજળીના શિરોટા જેવો ધોળો ધેાળો ફૂલ લાગતો હતો; બાંડિયો ટૂંકાં શીગડાં ને બાંડા કાનવાળો, અષાઢી વાદળી જેવો કાળો હતો. આ બન્ને ધોરીઓ માંસલ કાંધને આમથી તેમ ઝુલાવતા આગળ ચાલતા હતા. પાછળ હાદા પટેલ ડચકારો કરતા હતા ને ગોબર ઓરણી કરતો જતો હતો. આમ, આ ચારે ય ધરતીપુત્રો કણમાંથી કળશી નિપજાવવાનો પુરુષાર્થ કરી રહ્યા હતા. લોંઠકા બળદોના પગમાં આ ધરતીને ખૂંદવાનું આદતનું જોર હતું. હાદા પટેલના પગમાં ઉતાવળ અને હૃદયમાં ઉચાટ હતો. એમને તો આ વાવણીની વસમી ફરજ પતાવીને ઝટઝટ સાથરે સુવડાવેલા પુત્રના મૃતદેહ પાસે પહોંચી જવાની ઉતાવળ હતી : ગોબરની આંખ સામે ઊઘડતી આવતી કાલની આશા અને અનિશ્ચિતતાના મિશ્ર રંગો ઝબકતા હતા.

ઓરણી કરતાં કરતાં એક શેઢા નજીક પહોંચ્યા ત્યારે પડખેના ખેતરમાંથી અવાજ આવ્યો :

‘કાં કાકા ! વાવણી થઈ ગઈ પૂરી ?’

અવાજ હતો હાદા પટેલના પિતરાઈ ભાઈના છોકરા માંડણિયાનો. આમ તો ગોબર ને માંડણિયો એક વાર સામસામા કુહાડીને ઝાટકે આવી ગયેલા, ત્યાર પછી બન્ને કુટુંબો વચ્ચે અબોલા ચાલતા હતા. પણ કાલે રાતે પરબતનો મંદવાડ વધ્યો ત્યારે માંડણિયો સાયકલ પર જઈને ઠેઠ જુનાગઢથી દાક્તરને બોલાવી લાવેલો. ત્યાર પછી હાદા પટેલને એ નાદાન ભત્રીજા પ્રત્યે પણ પ્રેમભાવ જાગેલો.

તેથી જ તો હાદા પટેલે એને ભાવભર્યો ઉત્તર આપ્યો : ‘આ એક ચાસ ઓરાઈ રિયે એટલે વાવણાં પૂરાં.’

‘લ્યો, હું ઓરવા લાગું એટલે ઝટ પૂરું થાય,’ કહીને માંડણિયો શેઢાની વાડ ઠેકીને આ બાજુ કૂદી આવ્યો ને બોલ્યો. કાકા ! તમે વહેલેરા ઘેર પોનતા થાવ.’

‘ઠીક લે, હું વહેતો થાઉં. તમે બેય ભાઈયું વેળાસર પતાવીને ઝટ આવી પૂગો. પરબતને વારા ફરતી કાંધ દેવામાં કામ લાગશો.’

હાદા પટેલ ગામ તરફ જવા નીકળ્યા.

***

બળદને ડચકારતા ને ઓરણી કરતાં કરતાં બંને પિતરાઈઓ વાતે ચડ્યા.

માંડણિયે હળવેકથી મમરો મૂક્યો : ‘એલા હવે સંતુડીનું આણું કંયે કર છ ?’

‘ઓણ સાલ તો હવે કેમ કરીને થાય ?’

‘કેમ ભલા ? ઓણ સાલે કાંઈ અગતો પાળ્યો છે ?’

‘અગતો તો નહિ પણ—’

‘પણુ શું ? ગામ આખાનાં તો આણાં થઈ ગિયાં. એકલી સંતુનું જ શું કામે બાકી રિયે ?’

‘રાખવું ય પડે,’ ગોબરે હતાશ થઈને કહ્યું.

‘પણ કારણ કાંઈ ?’ માંડણિયે ફરી પૂછ્યું. આ વખતે એની આંખમાં કોઈક વિચિત્ર ભય વ્યક્ત થતો.

ગોબર મૂંગો મૂંગો માંડણિયાની માંજરી આંખો તરફ તાકી રહ્યો. એના મનમાં અનેક પ્રશ્નો ઉઠ્યા. શા માટે માંડણિયો આ બાબતમાં આટલો રસ લેતો હશે ? છેક નાનપણથી જ માંડણિયાની નજર સંતુ ઉપર હતી એ વાત તે ગામ આખું જાણતું હતું, અને હવે શાદૂળની સંગતમાં એ બન્ને જણા સંતુને પજવી રહ્યાની ફરિયાદો પણ આવ્યા કરે છે. તો પછી આ માટે આ માણસ મારો વાલેસરી બનીને સંતુમાં આટલે રસ લઈ રહ્યો છે ?.......

ઓરણી કરી રહેલા ગોબરને મૂંગો જોઈને ફરી માંડણિયે પૂછ્યું :

‘આણું ન કરવાનું કારણ કાંઈ ?’

‘કારણ તો શું હોય બીજું ? પણ આતાનો હાથ હમણાં પોંચતો નથી...!’

‘ગયું વરહ તો સોળને સાટે અઢાર આની જેટલું ઊતર્યું’તું, ને હાથ કેમ પાંચતો નો હોય ?’

‘પણ વરસની વચાળે મોટો ધક્કો લાગી ગયો ને ?’

‘કિયો ધક્કો વળી ?’

‘પરબતભાઈના મંદવાડનો. છો મૈના લગણ ખહીરોગમાં ખાટલે પિલાણા. ખહીરોગ તો રાજરોગ કે’વાય. એના ખરચા તો સાજાં માણસનીય ખાલ ઉખેડી નાખે. મોંઘીપાડી દવાની બાટલિયું ને ઈથી ય મોંઘાં ઈંજીશન....જુનેગઢથી દાગતરના આંટાફેરા ને એની રજવાડી ફિયું... સંઘર્યું સંધુંય સાફ થઈ ગિયું : વાલની વાળીય વધી નથી.’

અને પછી થોડી વારે ઘરની કંગાલિયતને ખ્યાલ આપવા માટે ગોબરે ઓરણીમાંના થોડાક દાણા હાથમાં લઈને કહ્યું : “આ પણ ગિધા લુવાણા પાસેથી કઢારે કઢાવવા પડ્યા છે.’

આ કથન સાંભળીને માંડણિયાનું હૃદય દ્રવિત થાય એવું તો હતું જ નહિ. પણ પછી એ સાવ મૂંગો તો થઈ જ ગયો. મગજમાં જાણે કે કોઈક વ્યૂહ ગોઠવતો હોય એવી એની મુખમુદ્રા જોઈને ગોબર ગભરાઈ ગયો. સંતુનું આણું કરવાનું સૂચવવા પાછળ માંડણિયાની શી મુરાદ હશે એ વિશે વિચારી રહ્યો હતો ત્યાં જ માંડણિયે અત્યંત તુચ્છકારભર્યા અવાજે કહ્યું :

‘વહુને તેડવાની તેવડ્યું ન હોય તો માટે ઉપાડે પરણો છો શું કામે ને ?’

‘શું, શું બોલ્યો ? ગોબરે કરડાકીથી પૂછયું. ‘ફરી દાણ બોલ્ય જોયીં ?’

માંડણિયો કાંઈ ઓછા ઊતરે એમ નહોતો. આ વખતે વધારે તુચ્છકારથી, શકય તેટલી કડવાશથી સંભળાવ્યું કે :

‘કહું છું કે ગાંઠ્યમાં કાવડિયાં ના હોય તો મોટે ઉપાડે કંકુઆળા શું કામે થાવ છો ?’

સાંભળીને ગોબરને એવી તો દાઝ ચડી ચડી કે માંડણિયાની જીભ ખેંચી કાઢવાનું મન થઈ આવ્યું, પણ ટાઢીશીળી પ્રકૃતિવાળા જવાને આ મહેણું ખમી ખાધું અને માત્ર એટલું જ બોલ્યો :

‘એલા, આવી પારકી ચંત્યા કરીને ઠરીને ઠાલો તું શું કામે પડછ ?’

‘મને તું પારકો જણ ગણછ ? આપણે તો એક જ મગની બે ફાડ્ય જેવા ભાયાત. તું ય ઠુમર ને હું ય ઠુમર. આ આપણાં થડાથડ ખેતરની વચાળે ત્રીજી પેઢીએ તો શેઢો ય નહોતો ઈ ભૂલી ગ્યો ?’

‘ઈ તો હતું તે દિ’ હતું. હવે તો અમારા ખોરડા હાર્યે તેં ભાણાંવેવારે ય ક્યાં રાખ્યો છે ? હું તો જાણે તારે મન આગલા ભવનો વેરી હોઉં એવો લાગું છું.’

‘તો યે અંતે તે આપણે એકલોહિયા. આટલું મારા પેટમાં બળ્યું એટલે બોલવું પડ્યું.’

‘તારે આવી પારકી ચોવટ ન કરવી.’ આખરે ગોબરે સંભળાવી દીધું. ‘ઠાલો દુબળો પડી જઈશ.’

હવે માંડણિયે નવો દાવ અજમાવ્યો. બોલ્યો :

‘એલા, આમાં તો અમારે લાજી મરવું પડે છે—’

‘શું કામે લાજી મરવું પડે, ભાઈ ?’

‘આ સંતુડીની સામે ગામ આખું આંખ્યું ઉલાળે છે ને, એટલે—’

‘ગામ આખું ?’ ગોબરે સૂચક પ્રશ્ન પૂછ્યો.

‘હા, હા. ગામ આખું.’

‘એલા, ગામ આખાને ઠાલો શું કામે વગોવ છ ? તારા પંડ્યના જ મનમાં મેલ ભર્યો છે એની વાત કર્ય ને ?’

‘મારા મનમાં મેલ ?’

‘મારી પાંહે શું કામે ને સતો થવા આવ્યો છે ? રઘા મા’રાજની હોટેલે બેઠો તું શું ધંધા કરછ, ઈ હું નથી જાણતો ?’

‘તી હોટલ ક્યાં કોઈના બાપની છે, તી ન બેસીએ ?’

‘બેસીએ તો પછી આવાં અટકચાળાં નો કરીએ—’

‘હોટલમાં તો ગામ આખું બેસે છે. મને એકલાને શું કામે ડારો દેવા આવ્યો છે ?’

‘તું કટમી મૂવો છો, એટલે તને કેવું પડે.’ ગોબરે કહ્યું, ‘સગો પિતરાઈ ઊઠીને ઓલ્યા શાદૂળભાની વાદે ચડતાં શરમાતો નથી ?’

‘તારામાં રતિ હોય તો ભડનો દીકરો થઈને સીધો શાદૂળભાને જ ઘઘલાવ્યની ?’ માંડેણે સામું પરખાવ્યું. ‘આ તો દૂબળો સિપાઈ ઢેઢવાળે શૂરોપૂરો !–’

‘સમો આવ્યે શાદૂળિયો ય પાંહર્યો દોર થઈ જાશે. પણ તને કટમી ગણને આગોતરું કહી રાખું છું કે હવે પછી સંતુ સામે ઊંચી આંખે જોયું છે તે આપણી વચ્ચે સારાવટ નહિ રિયે.’

‘એટલે ? તું વળી શું કરી નાખવાનો હતો ?’

‘ઢીંઢું ભાંગી નાખીશ !’

‘હવે બેસ બેસ ઢીઢાં ભાંગવાવાળી !’ માંડણિયાએ આદત મુજબ ફરી વાર ભયંકર ઉપહાસ કર્યો, ‘ઢીઢાં ભાંગવાની શક્કલ કિયે છ તારી !’

‘બવ ચાવળાઈ રેવા દેને હવે !’ ગોબરે કહ્યું. ‘જોઈ તારી શક્કલ રૂપાળી છે—’

માંડણિયે અણિયાણી મૂછને વળ ચડાવતાં કહ્યું :

‘આ શક્કલ તો સંતુ જેવી સંતુને નચવે છે, દીકરા મારા !’–

પણ એ ભાગ્યે જ વાક્ય પૂરું કરી રહ્યો હશે ત્યાં તો એનાં જડબાં ઉપર ગોબરના જોરૂકા હાથનો ઠોંસો પડ્યો. માંડણિયાની આંખે ઘડીભર અંધારાં આવી ગયાં. પોતાના વેરી ઉપર વળતો ઘા કરવા એ તલસી રહ્યો. બન્ને હાથની મુઠ્ઠી વાળીને એ ગોબર ઉપર તૂટી પડવા તૈયાર થયો, પણ જડબા પર લાગેલા મૂઢ મારને કારણે અસહાય બનીને ક્રોધમાં ધ્રુજી રહ્યો. ગોબર માટે ગંદામાં ગંદી ગાળ ઉચ્ચારવા એણે મહામહેનતે હોઠ ઉગાડવા પ્રયત્ન કર્યો ત્યાં તો અધખૂલી મોંફાડને ડાબે ખૂણેથી ડળક ડળક લોહી ટપકી રહ્યું.

ભયંકર ક્રોધથી ભભૂકતા માંડણિયાની મુખરેખાઓ અત્યારે ભારે દયામણી લાગતી હતી. એના દયામણા દીદાર જઈને ગોબરને પણ આ દુશ્મન પ્રત્યે થોડી અનુકમ્પા ઊપજી. માંડણિયાની વેદના વધતી જતી હતી. પોતે ઉચ્ચારવા ધારેલી ગાળ તો અવ્યક્ત જ રહી ગઈ, પણ અંદરની વેદના અસહ્ય બનતાં પેલી અધખૂલી મોંફાડ આપમેળે જ આખી ઊધડી ગઈ ત્યારે અંદર એકઠા થયેલા લોહીનો કોગળો થઈ ગયો. હવે જ એને સમજાયું કે ગોબરે મારાં જડબાં ઉપર કેવો સખત પ્રહાર કરેલો. એનું સાટું વાળવા, બમણો સખત પ્રહાર કરવા એ નજીક આવવા મથ્યો ત્યાં તો એ લથડિયાં ખાતો ખાતો માંડ બચ્યો, અને ફરી અપમાનના ડંખ સાથે અસહાય બનીને થરથર થરથર ધ્રુજી રહ્યો.

‘ભૂંડો ! લાગછ, ભૂંડો !’ ગોબરે સંભળાવ્યું. ‘સંતુને નચવનારની શક્કલ આવી વહરી નો હોય !’

આ ઉપહાસનો ઉત્તર આપવાનું તો માંડણિયાને બહુ મન થયું. પણ વધતી જતી વેદનાને કારણે એની જીભ જ ઊપડી શકતી નહોતી. લથડિયાં ખાતાં ખાતાં પણ ગોબર ઉપર હાથ ઉગામવાના એના બાલિશ પ્રયત્નો જોઈને ગોબરે કહ્યું :

‘ઠાલો કાયાને કહટ શું કામે ને આપછ ? હજી એક ઠોંહો પડશે તો ઘડોલાડવો થઈ જાહે ને જઈશ ઘીહોંડાં ફૂંકતો; પાવળું પાણી ય નહિ માગ્ય ! આ સતીમાના થાનકની પવિતર જગ્યામાં ઠાલી મારે માથે એક હત્યા ચડશે...’

માંડણિયો શૂન્ય આંખો ફાડીને આવાં મહેણાં સાંભળી રહ્યો એટલે ગોબરે ઉમેર્યું :

‘ભૂડો લાગછ, ભૂંડો ! ભગવાન તને ભલી મત્ય દિયે તો હવે કોઈ દિ’ તારું કાળમખું ડાચું મને દેખાડીશ મા ! જીવ વા’લો હોય તો ઝટપટ શેઢો વળોટીને વહેતો થઈ જા, નીકર ભોંયમાં ભંડારી દઈશ !’

તલવારની ધાર જેવા માંડણિયાએ અત્યારે શત્રુની આ સલાહ માનવી પડી. કોઈને તુંકારો પણ ન ખમનાર એ જુવાનને અત્યારે આ બધાં જ મેણાંટુમ્બાં ખમી ખાવાં પડ્યાં. અસહ્ય લાચારીથી એ ખોડીબારા તરફ વળ્યો. ભારે પગલે શેઢા સુધી પહોંચતાં તો પાંચસાત વાર એ પછવાડે જોતા જોતા આંખમાંથી અંગારા વરસાવતો રહ્યો. એનું મૌન જાણે કે આંખ મારફત બોલી રહ્યું હતું : અટાણે તો તેં તે પહેલો ઘા કરી લીધો છે, પણ દીકરા મારા ધ્યાન રાખજે, દાવ આવ્યે હું સોગઠી મારીશ...

અને ગોબર જાણે કે માંડણિયાની એ મૂંગી ધમકીનો જ જવાબ આપી રહ્યો હતો :

‘તારે જીવ વા’લો હોય તો હવે મારા મારગમાં ક્યાંય આડો ઊતરીશ મા. ભલો થઈને કેડો તારવી જજે... ને ખબરદાર, જો ઊંચી આંખે સંતુની સામે જોયું છે તો ! આંખના ગોખલામાંથી ડોળા જ ખેંચી લઈશ !’

પોતાને ખેતરને ખોડીબારે પહોંચતાં માંડણિયે આ છેલ્લી ધમકીના ઉત્તરમાં ગોબર ઉપર જે દૃષ્ટિપાત કર્યો એમાં એના ઘૂરકતા ડોળા જાણે કે જવાબ વાળતા હતા : ‘જોઈ લઈશ, દીકરા મારા, તું તા હવે લાગમાં આવે એવી જ વાર છે !’

***

ખેતરમાં બાકી રહેલી વાવણી એકલે હાથે અને વ્યગ્ર ચિત્તે પૂરી કરીને ગોબરે સાંતી છોડ્યાં.

ખેતરેથી ઘરે જતાં પહેલાં રોજના નિયમ મુજબ એ સતીમાના થાનક પાસે ગયો અને માથું ઢાળીને આશીર્વાદ માગ્યા. પછી બળદો દોરીને એ ગામ તરફ જવા નીકળ્યો.

અરધે મારગે નેળમાં વળતાં જ એક ખેડુ જુવાને સામે મળ્યો. એણે કહ્યું :

‘તને તેડવા જ આવતો'તો—’

‘કાં ?’ ગોબરે પૂછ્યું.

‘હાદા આતા ક્યુંની વાટ જુવે છે. તારે દેણી ઉપાડવી પડશે ને ? ઝટ પગ ઉપાડ્ય.....’ ગોબરે ઢાંઢાને ડચકાર્યા અને ઉતાવળે ઉતાવળે ડેલીએ પહોંચ્યો.

વાડામાં જઈને ભૂખ્યા બળદના મોઢા પરથી મોડાં છોડ્યાં ને લીલું નીર્યું.

‘હાલ્ય, ગોબર ! હાલ્ય ઝટ.’ હાદા પટેલે કહ્યું. ‘જરાક ઉઘાડ નીકળ્યો છે એટલામાં આ કામ પતાવી દઈયીં, નીકર પછી મેપાણીમાં હવાઈ ગયેલ લાકડાં કેમે ય કર્યાં સળગશે નહિ–’

મોટા ભાઈના મૃત્યુનો શોક અને ઘડીવાર પહેલાં ખેતરમાં બની ગયેલા બનાવની બમણી વ્યગ્રતા સાથે ગોબર હાથમાં પરબતની આગ માટેની દોણી લઈને નનામીની મોખરે થયો...

પાછળ, ધડીમ્ ધડીમ્ કૂટવા માંડ્યું. ડેલીના ઊંબરામાં ઉપરાઉપર પછડાટી ખાધી ને પરબતની નનામી કણબીપાનું નાકું વળોટી ગઈ...

સ્મશાનમાં ચેહ ખડકાઈ ગઈ અને ગોબરને જ્યારે પરબતને અંગૂઠે આગ મૂકવાનું કહેવામાં આવ્યું ત્યારે એનું હૈયું હાથ ન રહ્યું. ગળામાં ક્યારનો દાબી રાખેલો ડૂમો છુટી ગયો અને નાના બાળકની જેમ એ રડી પડ્યો.

પુત્ર હીબકાં ભરી રહ્યો, પિતા એને સાંત્વન આપી રહ્યો અને ભડભડ બળતી ચિતાની જ્વાળા છાપરીને આંબી રહી.

ઘણા ડાઘુઓને નવાઈ લાગી. કંધોતર જેવા દીકરાની ચેહ બળે છે ને બાપની આંખમાં આંસુ કેમ નથી ? અરે, ઘરનો મોભ તૂટી પડ્યો છે ને આ માણસનું રવાંડું ય કાં ફરકે નહિ ?

ડાઘુઓમાં જેઓ મોટેરા ને મઢેલ માણસો હતા એમણે હાદા પટેલની સ્વસ્થતા આ રીતે સમજાવી : ‘અરે ભાઈ ! બાપ જેવો બાપ ઊઠીને રોવા બેહશે તો પછી ઘરમાં છાનું કોણ રહેશે ? મોટેરાંવે તો હસતે મોઢે વખના ઘૂંટડા ગળવા પડે ને !’

અને હાદા પટેલે ખરેખર આ વખતે ઘૂંટડો ગળી જાણ્યો – કુટુંબના શિરછત્રને શોભે એ રીતે ગળી જાણ્યો. પરબતની ચેહ, ઠારીને મોડેથી ઘેર આવ્યા બાદ સગાંવહાલાંઓ સહુ વિદાય થયાં એટલે સાથરે સૂતાં પહેલાં એમણે રાંધણિયા તરફ મોઢું કરીને કહ્યું :

‘વહુ ! વાટકીમાં-થોડુંક ઘી લાવો, ને બે વાટ્યું વણી દિયો. સતીમાને થાનકે દીવો કરી આવું.’

‘આટલા અહૂરા ?’ ગોબરે પૂછ્યું, ‘હું ખેતરે જઈને થાનક દીવો કરી આવું તો ?’

‘નો હાલે.’ પિતાએ કહ્યું. ‘સતીમાની માનતા જેમ થાતી હોય એમ જ થાય. તને એમાં સમજ ન પડે.’

માનતા અને સમજ અને એવાં બહાનાં કાઢીને, અડોશપડોશમાં કોઈને જાણ ન થાય એની સાવચેતી રાખીને હાદા પટેલ ખેતરે પહોંચ્યા.

ખેતરમાં એમને મનગમતું એકાંત મળ્યું. અને એથીય વિશેષ અનુકૂળ એવું મેઘલી રાતનું કાજળઘેરું અંધારું મળ્યું. માતાને થાનકે ઘીનો દીવો પેટાવીને એમણે હૈયાફાટ રૂદન શરૂ કર્યું. આ રુદનમાં માત્ર પરબતને જ નહિ, પણ વર્ષો પહેલાં ગુમ થયેલા મોટા દીકરા દેવશીનો શોક ભળ્યો. ગૃહત્યાગ કરી ગયેલા મોટા દીકરાનો વિયોગ કેટલો વસમો છે એ પણ પિતાને આજે પરબતના મૃત્યુએ જ સમજાવ્યું. આજે એમને એકીસાથે બબ્બે દીકરાઓનાં અવસાનનો આઘાત લાગ્યો. રાતની નીરવતામાં આ બેવડી વેદનાને મુક્ત રુદન માટે વાચા મળી રહી...

થાનક પરની દીપશિખામાં ઘી સિંચાતું રહ્યું, મૃતાત્માને અંજલિ રૂપે આંસુ સિંચાતાં રહ્યાં. ગોરાળુ જમીનમાં આજે થયેલી વાવણી પર વરસાદનાં પાણી સિંચાતાં રહ્યાં. અને વાણી દરમિયાન જ એ પિતરાઈઓ વચ્ચે વવાઈ ગયેલાં વેર-બીજ પણ આ પોચી ધરતીમાં ઊંડે ને ઊંડે ઊતરતાં રહ્યાં. ને વિધિની કોઈક અકળ કરામત વડે કોઈક અદૃષ્ટ વારિ વડે સિંચાતાં રહ્યાં...

*