વનવૃક્ષો/ખજૂરાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ખજૂરી વનવૃક્ષો
ખજૂરાં
ગિજુભાઈ બધેકા
તાડ →


ખજૂર આપનારને ખજૂરી કહી ને ખલેલાં આપનારને ખજૂરાં કહ્યાં. કાનખજૂરા એ જીવજંતુ છે, પણ ખજૂરાં એ ઝાડ છે.

છેલ્લી સત્યાગ્રહની લડતમાં મેં ખજૂરાં પહેલવહેલાં જોયાં, ગાંધીજીએ ખજૂરાં કાપી નાખવાનો મોટો કાર્યક્રમ કલ્પ્યો હતો. કેટલાય સ્વયંસેવકો હાથમાં કુહાડીઓ લઈ ખજૂરાં કાપવા ઊતરી પડ્યા હતા. એમાં એક જણ કાપતાં કાપતાં ઝાડ પોતાને માથે પડવાથી મરી પણ ગયો ! ગાંધીજી એ છોકરાની મા પાસે ખરખરે ગયા ત્યારે ડોશીએ કહેલું : 'મારો દીકરો તો સારે કામે આવ્યો કે ખજૂરાનું પાપ કાઢતાં એ ખપ આવ્યો !'

ગુજરાતમાં ખજૂરાં મોટું પાપ છે; માટે જ એને મૂળમાંથી કાપી કાઢતાં ભારે મહેનત થયેલી. કેટલાંય ઝાડ કપાઈ ગયાં, છતાં એ પાપ હજી યે પૂરું ઊખડ્યું નથી. ફરી વાર એની સામે લડત ઊપડશે, ત્યારે ફરી વાર એના ઉપર કુહાડીઓ પડશે ને હવે તો આખર એનો નાશ થશે.

પણ એ પાપ શું છે ? પાપ એ છે કે તેના ઝાડમાંથી તાડી નીકળે છે. તમને સમજાશે કે ઝાડોની ટોચ આગળ પાંદડાં નીચે નાનાં નાનાં માટલાં-ઘડિયાં શા માટે મૂકેલાં હોય છે. થડના ભાગને કોતરીને તેમાં પાંદડું ભરાવે છે ને તે પાંદડા ઉપર થઈને ઘડિયામાં થડનો રસ પડે છે.

તાજા રસને નીરો કહે છે. પારસીઓ, દૂબળાને બીજા કેટલાએક લોકો તાડી પીએ છે. નીરોને તડકે ઊકળવા દે છે ત્યારે તેમાં ખટાશ આવે છે; આ ખાટો થયેલો નીરો તાડી બને છે.

ગુજરાતના ખાસ કરીને સુરત જિલ્લામાં ગામડે ગામડે આ તાડીની મોંકાણ છે, અને એના મોંકાણિયા તાડીનો ઈજારો રાખનારાઓ છે; અને સૌથી છેલ્લે એ મોંકાણિયાના પીરજાદાઓ તો સરકાર માબાપ છે. તેઓ તાડીનો ઈજારો આપે છે.

બિચારા થાક્યાપાક્યા મજૂર લોકો થાક ઉતારવાના ભ્રમમાં પડી તાડી પીએ છે ને ભજિયાંભૂસું ખાય છે. કમાણીનો અડધો ભાગ કલાલના ગલ્લામાં પડે છે ને જિંદગીનો અડધો ભાગ તાડીના ઘેનમાં બરબાદ થાય છે !

ઠીક થયું છે મહાત્માજીએ ખજૂરાં સામે લડત આદરી છે. જ્યારે પૃથ્વી ખજૂરાં વિનાની થઈ જશે ત્યારે તે વધારે શોભશે. જોકે અત્યારે પૃથ્વી માતા ખજૂરાંથી, મહુડાંથી ને એવાં ઝાડોથી પિડાય છે.

અને એ પીડા કરનાર તો માણસો જ છે. માણસો સારી વસ્તુનો ખરાબ ઉપયોગ કરે છે ને જગતને દુઃખ દે છે. માણસોને તો ભગવાન પણ પહોંચે તેમ નથી!