લખાણ પર જાઓ

વનવૃક્ષો/નેતર

વિકિસ્રોતમાંથી
←  દેવદાર વનવૃક્ષો
નેતર
ગિજુભાઈ બધેકા
નાળિયેરી →



નેતર

કોઈ વાર તમે નેતરની સોટી વાંસામાં ખાધી હશે. નાની નાની, હલાવીએ ત્યારે આમતેમ વળે તેવી, નેતરની સોટીઓ તમે વાપરી હશે. નેતરથી ભરેલી ખુરશી ઉપર તમે કદાચ બેઠા પણ હશો.

તમને ખબર છે આ નેતર શું છે ?

નેતરની સોટીઓ નેતરના ઝાડની ડાળો છે. નેતરની ટોપલીઓ, નેતરની સોટીઓની ચીપોમાંથી બનાવે છે.

આ નેતરનું ઝાડ મેં તો હજી ભાળ્યું નથી અને કદાચ તમે પણ નહિ જોયું હોય. આપણે ત્યાં નેતર મલબાર ને મહાબળેશ્વર, મેંગલોર અને રામેશ્વરમાં થાય છે. પણ નેતરનાં વનનાં વન તો ચીનમાં થાય છે.

ચીનમાંથી આપણા દેશમાં ચીની વાસણ આવે છે, ચીની ફટકડા આવે છે, એ તો તમે જાણતા હશો; પણ એટલું બધું નેતર પણ ચીનમાંથી આવે છે એ હવે જાણજો.

બધા દેશો આપણા દેશમાં મોકલે અને આપણે વાપરીએ ! આપણે ત્યાં તો ઘણું છે પણ આપણને હજી ઉગાડતાં, વધારતાં ને વાપરતાં ક્યાં આવડે છે ? એનું કારણ તો એમ કે આપણે આળસુ છીએ. આપણે ચીનમાંથી નેતર ન મગાવીએ તો મોટો એક લાભ એ થાય કે માસ્તરો ને સિપાઈઓના હાથમાંથી નેતરની સોટીઓ ચાલી જાય. જે નિશાળિયા હશે તેમને તો આ વાત ખૂબ ગમશે. નેતર વાળીએ તેમ વળે તેવું છે. ચોપડીઓમાં તેને માટે અઘરું વિશેષણ લખેલું છે; વાળીએ તેવું વળે ને પાછું હતું તેમ થઈ જાય એટલે સ્થિતિસ્થાપક.

વાંસની સોટી જેમ નેતર ભાંગી જતું નથી. તે ઘણું ચીકણું છે એટલે જ માસ્તરો નેતરની સોટી પસંદ કરે છે. છોકરાનો બરડો ભાંગે પણ નેતરની સોટી ન તૂટે ! પણ મને લાગે છે કે નિશાળના બધા છોકરા ભેગા મળીને માસ્તરના વાંસા ઉપર એને ભાંગી શકે ખરા. પણ આવું કોઈ કરશો નહિ, હો ભાઈ !

કોઈ કહેશો કે નેતરનું ઝાડ કેટલા હાથ ઊંચું થતું હશે ?

તમે નથી કહેતા ત્યારે લ્યો હું કહું. તે ત્રીશથી ચાળીશ હાથ ઊંચું થાય છે. ઊંચું થાય છે છતાં તે ભલા માણસ પેઠે ખૂબ નમે છે. ભલાઈથી નમવું બહુ સારું છે, પણ નેતરની સોટીથી નમવું એ કાંઈ સારું નથી !