લખાણ પર જાઓ

વનવૃક્ષો/મહુડો

વિકિસ્રોતમાંથી
← ઊમરો વનવૃક્ષો
મહુડો
ગિજુભાઈ બધેકા
ખાખરો →



મહુડો

અમારા ગામમાં દારૂની ભઠ્ઠી હતી. છેક નાનપણમાં સાંભળેલું કે ત્યાં મહુડાંમાંથી દારૂ કાઢે છે. તે વખતે મહુડાં કેવાં હશે અને ક્યાં થતાં હશે તેની ખબર નહિ.

પછી તો એક વાર ગુજરાતમાં ગયો અને મામાને ત્યાં મહુડાં ચાખ્યાં. મને થયું : " વાત સાચી કે મહુડાંમાંથી દારૂ નીકળતો હશે." મારું અનુમાન છે કે મહુડાંનો દારૂ ગાળ્યો થતો હશે.

ગમ્મત એ છે કે હજી પણ મેં મહુડાંનું ઝાડ જોયું નથી. પણ મારા મિત્ર કહે છે કે તેમણે તે જોયું છે. ત્યારે તેમના કહેવા ઊપરથી તેમજ ચોપડીમાંથી જોઈને હું મહુડાંની વાત લખીશ.

ગુજરાતમાં મહુડાંનાં ઝાડ ઘણાં, ને ત્યાં તેમાંથી દારૂ પણ બહુ બને છે.

મહુડાં એટલે મહુડાનાં ફૂલ; ને એમાંથી જ દારૂ નીકળે છે. એક ચોપડીમાં લખ્યું છે કે "મહુડાંનો દારૂ પીને લોકો બોકડા જેવા ગાંડા થાય છે." ગરીબ લોકો મહુડાંનાં ફૂલ ખાય છે, કેમકે તે ગળ્યા લાગે છે.

મહુડાંનું ઝાડ મોટું થાય છે અને મારા મિત્ર કહે છે કે તેનાં પાંદડા કાંઈક ખાખરાનાં જેવાં મોટાં અને જાડાં થાય છે. મારું ચોક્કસ માનવું છે કે બ્રાહ્મણો આ મહુડાંના પાંદડાંના પત્રાવળામાં લાડવા નહિ જમે.

એક વાર મારો મિત્ર અને એક નાગર ગૃહસ્થ મહુડાના ઝાડ પાસેથી નીકળ્યા. નાગરભાઈ કહે : "આપણાથી એનાં ફૂલ ન ખવાય, કેમકે એમાંથી દારૂ થાય છે." મહુડાંનું ઝાડ જોવા ખાતર પણ તે ઊભા ન રહ્યા. આમ બિચારા મહુડાનો બહિષ્કાર કરવો ઠીક નથી. ઝાડોમાંનું એ પણ એક ઝાડ છે; બહિષ્કાર કરવો ઠીક નથી. ઝાડોમાંનું એ પણ એક ઝાડ છે; બહિષ્કાર કરવો હોય તો આપણે દારૂ બનાવનાર અને પીનારનો કરવો ઘટે છે.

ફરી ફરીને મને મારા ગામમાં દારૂની ભઠ્ઠી હતી, અને અમે ત્યાંથી નીકળતા ત્યારે નાક આગળ ડૂચો દેતા, તે યાદ આવે છે. પણ એ બહિષ્કાર પણ બરાબર ન કહેવાય. કેટલાએક લોકો કહે છે કે મહુડાનાં ઝાડોનો જ નાશ કરીએ; કેટલાએક ભઠ્ઠીઓને સળગાવી દેવાની વાત કરે છે; કેટલાએક કહે છે કે પીનારા અને પાનારાઓનોહ્રદય પલટો કરીએ. આ છેલ્લી રીત ગાંધીજીની છે અને તે સુંદર છે.

આપણને એમ લાગી જાય કે ત્યારે શું મહુડો માત્ર દારૂ માટે જ છે ? ના, મહુડાની પણ દવા બને છે. સૌથી સારી દવા એ છે કે એના ફળનાં બિયાં પાણીમાં ઘસીને આંજવાથી સાપનું ઝેર ઉતરી જાય છે.

વાત ધ્યાન ખેંચે એવી છે. એનો રસ પીવાની માણસને ઘેન ચડે છે અને એનાં બિયાં સાપનું ઘેર-ઝેર ઉતારે છે!