લખાણ પર જાઓ

વનવૃક્ષો/શીમળો

વિકિસ્રોતમાંથી
← કદંબ વનવૃક્ષો
શીમળો
ગિજુભાઈ બધેકા
ચંદનવૃક્ષ →



શીમળો

આપણી સંસ્કૃત ભાષામાં એક બહુ સુંદર કથા છે. તમે મોટાં થઈને જો સંસ્કૃત ભણો તો જરૂર એ કથા વાંચજો. એનું નામ 'કાદંબરી' છે, અને બાણ નામના ભટ્ટે એ કથા લખેલી છે.

એ કથામાં શાલ્મલી નામના ઝાડનું વર્ણન છે: "એક વનમાં એક મોટું, બસો ત્રણસો વર્ષનું જૂનું ઝાડ હતું. એના ઉપર હજારો પંખીઓના માળા હતા. રાત્રે હજારો પંખીઓ રાત રહેવા ત્યાં આવતાં, ને સવારે ત્યાંથી ઊડી ઊડીને ચણવા જતાં. ત્યાં એક પોપટનો માળો હતો. એ પોપટના માળામાંથી કોઈ પારધી પોપટના બચ્ચ્ચાને લઈ ગયો." વગેરે વગેરે વાત એમાં આવે છે. તમારા બાપાને કે શિક્ષકને એ વાત આવડતી હોય તો તેમને કહેજો કે એ કહી સંભળાવે.

શાલ્મલીનું ઝાડ એટલે શીમળાનું ઝાડ.

ગુજરાતમાં આ શીમળાનું ઝાડ થાય છે. સીમમાં ફરવા નીકળો ત્યારે કોઈને પૂછીને એ ઝાડ ઓળખી લેજો.

એનાં સૂકાં ફળોમાંથી જ્યારે રૂ ઉડતું હશે ત્યારે તો ઝાડની આસપાસ ઊડતા રૂ ઉપરથી પણ તમે જાણી શકશો કે આ જ ઝાડ શીમળો.

ગામડાનાં છોકરાં તો એ રૂથી રમતાં પણ હશે. રૂમાં આવેલા બીને પકડીને રૂને ફૂંક મારીને ઉડાડવાની રમત ગામડાનાં છોકરાંને બહુ વહાલી છે. ગામડાનાં છોકરાં રૂને ઉડાડે ને મજા કરે ત્યારે પૈસાદારનાં છોકરાં એ રૂના ગાદીતકિયા ઉપર બેસીને ચોપડી વાંચે !

આ શીમળાનું રૂ કપાસના રૂની પેઠે પીંજવું પડતું નથી; એ તો એમ ને એમ જ ભરાય છે. જેઓએ આકડાનાં આકોલિયાંનું રૂ જોયું હશે તેમને આ શીમળાના રૂનો ખ્યાલ સહેજે આવશે.

શીમળાનું રૂ એટલું બધું સુંદર ને સુંવાળું છે કે તમે તેના ઉપર હાથ ફેરવ્યા જ કરો, ગાલ ઉપર તેને લગાડ્યા જ રો ! અને હળવું તો એટલું બધું કે ફૂલ કરતાં ય હળવું.