વનવૃક્ષો/સીસમ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← રૂખડો વનવૃક્ષો
સીસમ
ગિજુભાઈ બધેકા
કદંબ →


મારા ઘરમાં એક પેટી હતી. તે ઘણાં બધાં ખાનાંવાળી હતી, અને તેના ઉપર સુંદર સુંદર નક્શી હતી. એ પેટી સીસમની હતી.

જેમ સુખડમાં નક્શીકામ થાય છે તેમ સીસમમાં પણ નક્શીકામ થાય છે. એક પાટીદારના ઘરની આખી છત સીસમના લાકડાની ભરપૂર કોતરણીવાળી હતી. કેટલાંય વર્ષની તે હતી, છતાં તે નવા જેવી જ લાગતી હતી. કેમકે સીસમનું લાકડું જેવું ને તેવું રહે છે; ઝટ જૂનું થતું નથી, અને એને કીડા પણ લાગતા નથી.

જૂના લોકો પથ્થરમાં તેમ જ સીસમના લાકડામાં કારીગરીને સરસ રીતે સાચવી રાખતા હતા.

કોઈના જૂના ઘરમાં જઈને હંમેશાં સીસમના ઇસ્કોતરાની તપાસ કરવી; ઘણા જૂના કારીગરોએ આગળ ઉપર એવા ઇસ્કોતરા બનાવેલા છે. મેં ઉપર કહ્યું તેમ એવો એક ઇસ્કોતરો મારા ઘરમાં હતો.

થોડા વખત પહેલા મેં બાળકો માટે ચાર દાંડિયા સીસમના કરાવ્યા હતા, પણ તે તો ઝટ લઈને તૂટી ગયા. મને પાછળથી માલૂમ પડ્યું કે સીસમનું લાકડું ૪૦-૫૦ વર્ષ પછી મજબૂત થાય છે. કોઈએ કાચું લાકડું કાપ્યું હશે ને તેમાંથી દાંડિયા કર્યા હશે એટલે એ તૂટી ગયા. ખરું પૂછો તો સીસમનું લાકડું સારું ને જૂનું હોય તો તેનાં પાટિયાં લોખંડ જેવાં મજબૂત નીકળે છે.

સારું સીસમ ઘણે વખતે પાકે છે, એટલે તે મોંઘું પડે છે. એટલે હાલના ઉપલકિયા લોકો જેવાં તેવાં બીજાં લાકડાંનાં ફરનિચર ઉપર સીસમનો રંગ કરી ખુરશીટેબલ વગેરે ફરનિચર સીસમના જેવાં બનાવે છે. પણ એમ કર્યે કાંઈ સાચા સીસમની તોલે આવે? અસલ તે અસલ, ને રંગ તે રંગ!

સીસમનું લાકડું કંઈક અબનૂસ જેવું કાળું હોય છે. પણ કદાચ એટલું બધું તો નહિ; પણ માણસ જ્યારે કાળે રંગે હોય છે ત્યારે ઘણી વાર લોકો એમ કહે છે કે "આ તો કાળો સીસમ જેવો છે."

પણ સીસમથી કાળું અબનૂસ છે અને અબનૂસથી કાળો આફ્રિકાનો 'નુબી' નામની જાતનો વતની છે. આફ્રિકામાં જ્યારે હું નુબી લોકોને જોતો ત્યારે મને તેલ ચોપડેલી સીસમની લાકડી સાંભરતી.

તમે સીસમની લાકડી ઉપાડી જોશો તો માલૂમ પડશે કે બીજી લાકડીઓથી તે ભારે છે. દેવદારનું લાકડું ખૂબ હળવું છે તો સીસમનું લાકડું ખૂબ ભારે છે.

કેટલાંક મોટાં ઝાડો જેમ પર્વતો ઉપર થાય છે તેમ સીસમ પણ સહ્યાદ્રિ ઉપર ઠીકઠીક થાય છે. મલબારમાં પણ એની ઉત્પત્તિ સારી છે. આપણા ગુજરાત-કાઠિયાવાડમાં સીસમનું ઝાડ છે કે નહિ તે હું જાણતો નથી. પણ તમે કોઈ જાણતા હો તો મને લખી જણાવજો.

મારી પાસે બેઠેલી એક છોકરી કહે છે: "સીસમ શબ્દ સીદી ઉપરથી આવ્યો હશે."

પણ એ વાત ખોટી લાગે છે. આફ્રિકામાં એ ઝાડ થાય છે કે નહિ એ માલૂમ નથી, પણ યુરોપમાં તો થાય છે. લૅટિનમાં તેનું નામ 'ડાલ વર્જીયા ટ્રી ફોલિયા' છે. કેવડું મોટું નામ ? લૅટિન ભાષાના બધા શબ્દો આવડા મોટા હોય તો તો બોલવામાં બહુ ભારે પડે, ને મોઢું પણ દુખે!

આપણે સીસમ શબ્દ ઠીક છે.

આ પણ જુઓ

વિકિપીડિયા
વિકિપીડિયામાં સીસમને લગતો લેખ ઉપલબ્ધ છે.