લખાણ પર જાઓ

વસુંધરાનાં વહાલાં દવલાં/૨૨.'ચાલો, પિયા'

વિકિસ્રોતમાંથી
← ૨૧.'લખમી' કહેવાઈ વસુંધરાનાં વહાલાં દવલાં
૨૨. 'ચાલો, પિયા'
ઝવેરચંદ મેઘાણી
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.



22

'ચાલો, પિયા'


ઈંદ્રનગર રાજની એક ખૂબી હતી. ગુના બને કે તરત એને પકડવાની ઉતાવળ નહિ. જૂનામાં જૂનો ગુનો ઝલાય તેમાં જ પોલીસખાતાની વિશેષતા હતી. એવો એક ગુનો આજે સારી પેઠે પુરાતન બન્યો હતો. એ ગુનો અનાથાશ્રમમાંથી છોકરો ઊપડી ગયાનો હતો. રાણી સાહેબને ખુદને જ એમાં રસ હતો. એમની પાસે અનાથાશ્રમના મર્હૂમ સંચાલકનો ગુપ્ત કાગળ હતો. 'ઊપડી ગયેલ હોઠફટો છોકરો આ રાજના એક ઇજ્જતદાર શ્રીમંતના ગેરવર્તનમાંથી નીપજેલો હતો. એના માથે મેં ત્રાસ વર્તાવ્યો હતો. આજ એક વર્ષથી એ મારા સ્વપ્નમાં આવીને મારી છાતી ખૂંદે છે. હું સુખની નીંદર કરી શક્યો નથી. એ મને સ્વપ્નામાં આવી કહે છે કે હું રાજનું સત્યાનાશ કાઢી નાખીશ, મારો ઇન્સાફ થવો જોઈએ. એના હોઠ દાક્તરે ફાડ્યા છે. એના હાથે અમુક પ્રકારનાં છૂંદણાં છે એની ગોત કરાવવા હું રાણીમાતાને વીનવી જાઉં છું.'

રાણીજી બડાં રોનકી હતાં. પોતે આડો ચક નાખીને રાજના મોટા અધિકારીઓને મળવા બોલાવતાં, ને નેતર વિનાની ખુરસીઓ પર ગાદલી ઢંકાવીને તેના પર બેસતા અધિકારીને ખુરસીના ચોકઠામાં સલવાઈ જતો જોતાં ત્યારે એમને બડો રસ પડતો. રાણીજી વરુની ઓલાદના કદાવર કુત્તાઓ પાળતાં અને ગામની શેઠાણીઓને બેસવા તેડાવી એ કુત્તાઓને મહેલમાં મોકળા મૂકતાં. કુતા કરડતા નહિ પણ ખાઉં ખાઉં કરી મહેમાનોને જે લાચાર દશામાં મૂકતાં તેથી રાણીજીનો શોખ સંતોષાતો. રાણીજીના મૃત પતિ એને પુત્ર આપવાની સ્થિતિમાં નહોતા, એટલે રાણીજીએ સમાજ પાસેથી સંતાન મેળવી લીધું હતું. કુમાર સાહેબ ખૂંધાળા હતા, એટલે રાણી સાહેબને જગતનાં ખોટીલાં બાળકો જ ગમતાં હતાં. રસોળીવાળા, હડપચી વિનાના, ચપટા-ચીબલા મોંવાળા, ને બહુ લાંબા અથવા બિલકુલ બુચિયા કાનવાળા, કમરથી ખડી પડેલા અને ઠીંગુજી લોકોને માથે એમની ખાસ કૃપા ઊતરતી. વાંદરમુખા, વાઘમુખા, રીંછ જેવી રુવાંટીવાળા, લોંકડી જેવી લાળી કરી જાણનારા પણ તેમણે ગોત્યા હતા, પણ હોઠફટો છોકરો હજુ એમના જોવામાં આવ્યો નહોતો. પોલીસ ખાતાને એણે તાકીદ કરી હતી કે હોઠફટાને શોધી કાઢો.

પ્રતાપ શેઠના મામલામાં રાણી સાહેબને રસ લેવાનું એક બીજું કારણ પણ બન્યું હતું.

એક દિવસ રાણીજીના પ્રમુખપદે મહિલાઓનો મેળાવડો હતો એ મેળાવડામાં રાણીજી એક મહામૂલા હીરાની વીંટી પહેરીને પધાર્યાં. રાત્રિના દીપકો એ હીરાને ચૂમીઓ કરી રહ્યા. નગર-નારીઓનાં નયનો પર આ હીરાનાં કિરણો તેજ-ખંજરની લીલા ખેલવા લાગ્યાં. એ જ વખતે એવા જ એક બીજા હીરાની કિરણ-કટારો રાણીજીની આંખો પર ખૂંતી ગઈ. એ કોની આંગળી પરથી કટારો છૂટે છે ? રાણીજીનું અભિમાન જખ્મી બન્યું. એ બીજો હીરો એક નગર-નારીના હાથ પર બેઠો હતો. એ હાથ રાણીજીને મણિધર નાગ જેવો કરડવા લાગ્યો. એ હાથ પ્રતાપ શેઠનાં પત્નીનો હતો. શેઠે જે હીરા આણેલા તેમાંનો એક રાજને જમદારખાને વેચ્યો હતો, ને બીજો પોતાની પત્નીની કોડીલી આંગળીએ પહેરાવ્યો હતો.

' મારી સ્પર્ધા વાણિયાની બાયડી ઊઠીને કરે છે ! '

સભાનું વિસર્જન થયે રાણીજી રાતાંચોળ નયનો લઈને મહેલે પળ્યાં.

તપાસનાં ચક્રો ચાલુ થયાં. સાંધા મળતા ગયા. પ્રતાપ શેઠ પરની દાઝનું માર્યું પીપરડીનું ગામલોક જુબાનીઓ લખાવી રહ્યું : છોકરો પ્રતાપ શેઠથી જ પેદા થયો હતો. વારસદારને વિશ્વમાંથી ભૂંસી નાખવાના જ અમરચંદ શેઠે અખાડા કર્યા હતા. અંકોડાબંધ ઇતિહાસ આવીને મળ્યો.

અનાથાલયની નજીકના એ વેરાન ટુકડામાં કોણ કોણ ઉતારા કરતાં ! બજાણિયા, મદારીઓ, વેડવા વાઘરાં, છારાં, ફકીરો, બાવાઓ. મુલક ઢંઢોળો !

ત્રીસ વર્ષની જુવાન રાજ-વિધવા ઉનાળે ચોમાસે પોતાના દરિયા-તીરના બંગલાઓમાં લપાઈ જતી ને સમુદ્રનાં પાણીના ઉન્મત્ત ઉછાળા નિહાળતી. દરિયો એને મદિરા પિવાડતો. પછી એ પોતે જેમને સૂરાની પ્યાલીઓ પાઈ શેકે તેવા મરદોની શોધ કરાવતી.

શ્રાવણી મેળાઓને સમય હતો. બંગલાથી અર્ધાક ગાઉ ઉપર તંબૂડીઓ ખેંચાતી હતી. સ્થંભો ઊભા થતા હતા. વેરાન સીમોના સૂકા શોક-વેશ ઉતરીને નીલાં પટકૂળોની સજાવટ થઈ ચીકી હતી. ગોડિયાના ઢોલ અને વાદીની મોરલીઓ ગામગામને કેડેથી કસુંબલરંગી ' મનખ્યા 'ને સાદ કરતી હતી. રાણીની આગમાં ઘી રેડાયું હતું.

રાણી મેળો જોવા ગયાં.

કનાત ભીડેલી ગાડીમાં બેઠે બેઠે રાણીજીએ ઊંચા દોર પર છલંગો મારતું એક બિહામણું યૌવન દેખ્યું. રૂપથી થાકેલીએ કદરૂપતા ભાળી. કદરૂપતાને કામદેવ કરી હોંકારા આપતી અંધતા દેખી. બુઢ્ઢો, ઝંડૂર અને બદલી ત્યાં નટવિદ્યા બતાવતાં હતાં.

પગે ઘૂઘરા બાંધીને બે જુવાનિયાં ઊંચા દોર પર નાચતાં હતાં. દોર પર નાચતી નાચતી ગાતી હતી :

અંધારી રાત ને બાદલ છાયા,
બાદલીને છાંયે મારી આંખ તો મળી.
ચાલો પિયા ! સુખની રાત મળી
ચાલો પિયા ! સુખની રાત મળી.
ચાલો...... પિયા ! સુખની... ...

એ દોર ઉપર, આંધળીની હાથ-ગાદલીએ ઝંડૂર દેહ ઢાળતો હતો, અને અંધીનાં નેત્રોમાંથી નીર વહેતાં હતાં. એ આંસુને શું બદલીની આંખોમાંથી આથમતા સૂરજનાં સીધા કિરણો ખેંચતાં હતાં ? કે ઝંડૂર ક્યાંક પડશે તે બીકે બદલી રડતી હતી ?

મેદની ઝંડૂરના નાચ ઉપર હસતી હતી શા માટે ? બદલીને કાને લોકબોલ પડતા હતા : ' માડી રે, નટવો તે કાંઈ હસે છે ! કાંઈ હસે છે ! દેવતાનેય દુર્લભ એવા દાંત કાઢે છે.'

ઝંડૂર હસે છે ? જગતને હસાવે છે ? બદલી એ હાસ્યની માલિક હતી. ઝંડૂર પોતાના સાથમાં આવડો બધો સુખી હતો શું ? બદલીને ખબર નહોતી કે ઝંડૂર હોઠકટો હોવાથી હસતો લાગે છે.

" દાંત કાઢો, દુનિયા તમા રે ! દાંત કાઢો." બુઢ્ઢો મદારી કેડમાં ઢોલકું નાખીને લોકવૃંદને કહેતો હતો, ઝંડૂરને હાકલ દેતો હતો : " બચ્ચા ઝંડૂરિયા, હસાવ બધાને. આ બધાં મસાણિયાં છે. એને હસતાં શીખવ. એને રોતાં શીખવવાની જરૂર નથી, અંધી ! રોતાં તો એને આવડે છે. હસવું એ ભૂલી ગયાં છે. આલમના લોક ! હિન્દુ ને મુસલમાન ! તમે પેટ માટે રુઓ છો. ઝંડૂરિયો પેટ માટે હસે છે. તમને હસાવીને એ રોટીનો ટુકડો માગે છે. ઝંડૂરનું પેટ એકલા હસવાથી ભરાતું નથી. ઝંડૂરની પ્યસ બદલીનાં એકલાં આંસુથી છીપતી નથી. એક રાતે ઝંડૂર મારી પાસે આવ્યો ત્યારેય એ આવું ને આવું હસતો હતો, પણ એનું પેટ ખાલી હતું. એ મને ખાઈ જાત. ભોગાવો બદલીની માને ખાઈ ગયો. ભૂખ્યાં ખાય નહિ ત્યારે બીજું કરે શું ? રોવું ખૂટે ત્યારે ખાય શું ? ખાય પારકાનું હસવું. ઝંડૂરને ખાઈ જાશો મા, ઝંડૂરના હોઠ કોઈએ ખાધેલા છે. હજમ થયા ખાનારને, ને હસે છે ઝંડૂરિયો. તમારાં ખેતરો કોક ખાય છે, ને હસો છો તમે. તમામ હસો હસો હસો--"

લોકો હસી પડે છે ને બદલી ગાય છે :

અંધારી રાત ને બાદલ છાયા,
બાદલીને છાંયે મારી આંખ તો મળી.
ચાલો પિયા ! સુખની રાત મળી
ચાલો પિયા ! સુખની રાત મળી.

સંધ્યાની લહેરો પર બદલીન ગાનની તર વળી રહી હતી. સુખની રાત કોને મળી હતી ? દોર પર મોતનાં પગલાં નચવતી એક નાચીજ અંધીને ? અંધી છોકરીની ચિરઅંધારી રાત, શું સુખની કોઈ અજાણી ઊંડી કંદરા હતી ? આ બિહામણો જુવાન, આ વિશ્વનો વિદૂષક, આ દિનિયાનો ડાગળો શું સુખની રાતનો ભોક્તા !

રાજ-રાણીને કલેજે દ્વેષના એવા દંશ લાગ્યા કે નિશ્વાસની ઝાળો ઊઠી. અંધી બદલીની સારી દુનિયા એણે એક સૂતરના દોર પર, આસમાનના તારાઓની પાડોશમાં દીઠી. બદલીની ઝીણી ઓઢણી કોઈ મસાણે બળેલી શેઠ-વધૂની ખાંપણ લેખે વપરાયેલી, મદારીએ કોઈ ભંગીની પાસેથી વેચાતી લીધેલી; એ ઓઢણીની નીચે સોળ વર્ષની અંધી બદલીની નિર્દોષ જુવાની તસતસતી હતી. સ્તનો ધડકતાં હતાં. વસુંધરાનાં ટાઢ-તડકાએ ટાંકણાં મારીને એ ઓઢણી હેઠળનો આરસ-દેહ કંડાર્યો હતો. અંધીની દુનિયામાં દ્વેષ નહોતો, ઈર્ષ્યા નહોતી, એના કદરૂપા પિયુને હાસ્યે હસતાં ને નૃત્ય કરતાં હજારો યૌવનોની એને જાણ નહોતી. આ અંધકારભર્યા જીવનમાં ' પિયુ ' નામનો જે હીરો ચળકતો હતો, એને ચોરી જનારું એની દુનિયામાં કોઈ નહોતું.

રાજ-રાણીની આંખો ગાડીની બારીના ચકની પાછળ લસલસતી રહી. અંધીનો પ્યાર એક રાજ-વિધવાના શૂન્ય યૌવનને માટે ખટકતું ખંજર બન્યો. રૂપ કદરૂપને માટે પુકાર કરી ઊઠ્યું. ચિરરુદન ચિરહાસ્યને મેળવવા હાહાકાર કરવા લાગ્યું.

રાણીએ રોમાંચકારી દૃશ્ય દીઠું. ઊંચા દોરને પ્રથમ પગની આંગળીઓમાં પકડી; ટેકણનો વાંસડો નીચે ફગાવી દઈ, ગજબ ફંગોળા ખાતો ને છલાંગો મારી મારી પાછો દોર પર ઠેરાતો ઝંડૂર બે હાથે સલામો ભરતો હતો.

ઝંડૂર કોને સલામો ભરતો હતો ?

" બેટા ઝંડૂરિયા ! " હેઠે ઊભીને ઢોલક પર થાપી દેતો બુઢ્ઢો હાકલ મારતો હતો : " પેલી સલામ આપણા માલકને, હિન્દુ મુસલમીનોના સરજનહારને, અલાને, ઈશ્વરને ! "

ધ્રુબાંગ, ધ્રુબાંગ ધ્રુબાંગ : ઢોલ પર બુઢ્ઢાએ દાંડી લગાવી, ને ઝડૂરે આસમાનને બબે હાથો વડે સલામી આપી. ગગન એના મોં પર છાઈ રહ્યું.

" બીજી સલામ હોય ધરતી માતાને, પોતાનાં ધાવણ પિલાવનારીને, ચકલાંને ચણ અને માનવીને કણ પૂરનારીને, આપણા કાજે પોતાનાં કલેજાં ચીરનારીને. "

ધ્રુબાંગ, ધ્રુબાંગ, ધ્રુબાંગ : ઝંડૂરના બે હાથ દસે દિશાના ગોળ સિમાડાનાં વારણાં લઈ રહ્યાં.

" બેટા ઝંડૂર ! "

" હો બુઢ્ઢા ! "

" ત્રીજી સલામ આખી આલમને : હિન્દુને, મુસલમાનને; નાનાંને, મોટાંને, બુઢ્ઢાંને; આંહીં ઊભેલાં એકએકને; દિયે તેને, ને ન દિયે તેને; તારા આ નઘાતના તમાશા પર મોજનો મહાસાગર વહેતો મૂકનારને. સાત સાત સલામો આપણાં અધમ પેટમાં રોટી પૂરનાર આલમને ! "

ધ્રુબાંગ, ધ્રુબાંગ, ધ્રુબાંગ, અને હસતા જુવાને ડાબી ને જમણી ગમ, ઝૂકી ઝૂકી, આગળ તેમ જ પાછળ લળી લળી સલામો વરસાવી.

" ઝંડૂરિયા બેટા ! પાપી પેટને કાજે સાલામ, બુઢ્ઢા અને અંધીને કાજે સલામ, આ બુઢ્ઢી મારી બીબી હેડમ્બાને માટે સલામ, આ દુનિયાના ખાનદાન આપણા ગધેડાને એક પૂળો ઘાસને સારુ સલામ ! "

ને ઝંડૂરે અનાથાલયના સંચાલકને છ મહિનાની ક્ષુધા વેઠીને પણ ન આપેલી સલામો તે દિવસ આકાશપ્રુથ્વીને આપી, માનવોને, મેદનીને આપી, ભરીભરીને આપી, ઊમટતા અંતરે આપી.

ન આપી એક રાજ-રાણીને : આ ધરતીની માલિક કહેવરાવનાર રંભાને. ચક પાછળ બેઠેલું એ રાજવણનું હૈયું ' હાય હાય' પુકારી ઊઠ્યું.

રાજરાણીએ ગાડી પાછી વાળી.

' ચાલો પિયા સુખની રાત મળી ' એ સૂર એનું કાંડું પકડતો હતો. એ શબ્દોની મધમાખોએ રાજરાણીને કલેજે પોડું બાંધ્યું.

' બદલીને છાંયે મારી આંખ તો મળી ! ' એ આંખ કેવી સુભાગી હશે ! બંગલાને છાંયે સળગતી આંખ એ મીઠાશને માટે તલખી રહી.

રાજ-પોલીસે આવીને ખબર આપ્યા, " બા સાહેબ, એ જ છોકરો, એને કાંડે છૂંદણું છે."

" બુઢ્ઢાને અને અંધીને અટકમાં લ્યો, જુવાનને આંહીં લઈ આવો."

એ આજ્ઞા લઈને ફોજદારે મેળાના રંગ રેલાવતા એ નટતમાશામાં ભંગાણ પાડ્યું. ફક્ત સોટીની અણી દેખાડીને એણે ઝંડૂરને નીચે ઉતાર્યો. સામે ઊભેલ ગાડીનું ખુલ્લું દ્વાર ચીંધ્યું. " ક્યાં-" એટલે પ્રશ્ન મદારીના મોંમાં ખંડિત રહી ગયો.

" ઝંડૂર, ક્યાં છો ?" બદલીએ કોઈક સુગંધનો તાંતણો ગુમાવી બેસીને આજુબાજુ હાથ વીંઝ્યા, લોકમેદનીના હાસ્ય પર પોલીસની છડીએ સ્તબ્ધતા પાથરી દીધી.

મેદાન ખાલી પડ્યું ત્યારે બદલી હજુ દોર પર વાંસને અઢેલીને બેઠી હતી. ઢોલક પર બુઢ્ઢાના હાથની થાપી થંભી હતી. હેડમ્બા બદલીની સામે જોતી હતી, ગધેડો પાસેના ખાડામાં ચરતો હતો.

*

પછી તે રાત્રિએ એક એકાંત ઘરમાં પોલીસની ચોકસીનાં ચક્રો ચાલુ થયાં. ' એને જરા અંદર લઈ જઈને સમજાવો. ' એ હતું પહેલું ચક્ર. પોલીસને પ્યારો એ મૂંઢ માર હતો. બુઢ્ઢા મદારીનાં દાઢી અને મૂછની ખેંચાખેંચ ચાલી. ' બોલ આ કોણ છે તારો ઝંડૂરિયો ?'

બુઢ્ઢો ન બોલ્યો એટલે એની છાતી પર મોટી શિલા મૂકવામાં આવી, બાર કલાક સુધી મદારીએ મોં ન ખોલ્યું, છેલ્લો વારો બુઢ્ઢાને ઊંચા કડામાં લટકાવીને નીચે તાપ કરવાની ક્રિયાનો હતો. લટકતા બુઢ્ઢાએ ચીસ નાખી : " ભાઈસાબ, બોલી નાખું છું."

નીચે ઊતર્યા પછી પાછી બુઢ્ઢાને હિંમત આવી. ન બોલ્યો, એટલે ફરી લટકાવી સીંચ્યો. બાર કલાકે બુઢ્ઢાએ નીકળતા પ્રાણે કબૂલાત આપી : " ઇંદ્રનગરની જેલ પાછળના મેદાનમાંથી ચૌદ વર્ષ પૂર્વે અંધારી મધરાતે મને એક બાળક મળ્યું હતું : અનાથાશ્રમ કોને કહેવાય તે હું જાણતો નથી. મને તો જેલ પાછળથી છોકરો જડ્યો હતો."

એવાઓની સાચી નિશાની જેલ છે !

ઝ્ંડૂરિયાને એ જેલ પછવાડે વેરાનમાં અરધી રાતે લઈ જઈ ઊભો રાખ્યો. પૂછ્યું : " તને કાંઈ યાદ આવે છે ?"

હસતા બાળકને હૈયે બાલ્યાવસ્થા પાછી આવતી અતી. એણે યાદ કરી કરી કહ્યું : " મા, મા, એવા બોલ આંહીં હું બોલ્યો હતો એવું લાગ્યા કરે છે."

"ક્યાંથી આવ્યો હતો તું ? રસ્તો યાદ આવે છે ? "

ઝંડૂર ચાલ્યો. અનાથાલયને દ્વારે આવી ઊભો રહ્યો. ત્યાં તો નવાં અમરતા-મંદિરોના ઉઠાવ થયા હતા. એને અસલ દ્વાર યાદ આવ્યું પણ જડ્યું નહિ. આખરે એણે લૂલિયાને જોયો. એણે સ્થાન ઓળખ્યું. એણે એક ચીસ નાખી, એ ચકળવકળ જોતો રહ્યો.

લૂલિયાએ ઘણાં વર્ષો પર સલામ નહિ ભરનારા બાળકનું જુવાન રૂપ ઓળખ્યું, હોઠ પારખ્યા.

હજુય એ બિહામણા ચહેરા પર મા ! મા ! શબ્દનો સૂનકાર છવાયો અતો. ' મા, મા,' નો પુકાર એ મોં પર થીજી ગયો હતો જાણે.

એને અંદર લઈ જવામાં આવ્યો. બાળકો સૂતાં હતાં. ખીચડીનું અદીઠું તપેલું પડ્યું હતું. કડછી હતી. શકોરાં હતાં. અને મોટામાં મોટી નિશાની રૂપિયા ૫૦૦માં નામ અમર કરી આપનારી આરસની તકતીઓ હતી. પોતાનું ભૂખ્યું, રોતું. માખી બણબણતું, માવિહોણું મોં લીસી છાતીએ લેનારી એ તકતીઓની પિછાન સમી અન્ય એકેય ઓળખાણ ઝંડૂરની સ્મૃતિમાં સ્પષ્ટ ને સ્વચ્છ નહોતી.

" મને આંહીં શા માટે આણ્યો છે ? મને જલદી બહાર લઈ જાવ. હું સલામ ભરવાનો નથી." એ બોલી ઊઠ્યો.

એને પાછો રાણી઼જીના હવાઈ મહેલે દરિયાને તીરે લઈ જવામાં આવ્યો. એના આવાસમાં પલંગો, હિંડોળા ને સુંવાળી બેઠકો હતી. બહુરંગી દીપકો હતા. સ્નાનાગારની તેલ ખુશબોએ એનાં નસકોરાં ભરી દીધાં. એને નોકરોએ તેલનાં મર્દન કરીને નવરાવ્યો. એને નવા પોશાક પહેરાવવામાં આવ્યા.

" તમે કોણ છો ? આ શું કરો છો ? " એણે પોતાની સેવા ઉઠાવનારાઓને પ્રશ્નો પર પ્રશ્નો કર્યા. " મારો બુઢ્ઢો ક્યાં છે ? બદલી ક્યાં છે ? અમારાં જાનવર ક્યાં છે ?"

કોઈ જ નોકરે જવાબ આપ્યો નહિ. ગોલી અને ગોલાં એની થાળી પીરસી, પીરસીને ચૂપચાપ ચાલ્યાં ગયાં. એ કેદી હતો ? એ શું જેલ હતી ? સાંભળ્યું હતું કે ફાંસી ચઢાવવાની આગલી રાતે કેદીને મનગમતું ખાવાનું આપે છે. મને શું ફાંસીએ લટકાવવાનો છે ? મેં શું ગુનો કર્યો છે ? બદલીની માને મેં મરતી જોઈ છે એ શું મારો અપરાધ હશે ? રૂપનગરમાંથી અમે ભાગી નીકળ્યાં તેથી શું તમાશાવાળાઓએ મને આંહીં પકડાવ્યો હશે ? બદલી ક્યાં ગઈ ?

' બદલી ! બદલી ! ઓ બદલી ! ક્યાં છો તું ' એવા પોકાર એણે પાછળની અટારી પર જઈને બીતે બીતે પાડ્યા. એ પોકારનાં પુદ્‌ગળોને દરિયાની ગર્જનાઓ ગળી ગઈ. દરિયાના મલકાટ કિનારે પડેલા ખડકો પર ભાંગી જતા હતા. અટારીનું ઊંચાણ નીચે જોઈએ તો આંખે તમ્મર આવે તેટલું ભયાનક હતું. એણે બારીએ બારીએ ચક્કર લગાવ્યાં. ચીડિયાખાનું જાણે કે જગત બની ગયું હતું ને એક પાંજરાના સળિયા પકડીને ઊભેલો, આમતેમ આંટા મારતો પશુ જાણે કે માનવ-અવતાર પામ્યો હતો.

મોડી રાત્રે એક રાજ્યાધિકારી અંદર આવ્યો. એણે ઝંડૂરને સલામ ભરી. હસતા જુવાનનો શ્વાસ ઊડી ગયો. જગતમાં ક્યાંય, કોઈ ઠેકાણે જ શું એના ચહેરાની હાંસી અટકવાની નથી ? અર્ધરાત્રે પણ આ ટીખળ ચાલુ ? મદારી અને બજાણિયાની દુનિયા તો એનો દિનભરનો જ તમાશો માગતી. આ નવી રાજ-દુનિયા શું એને રાત્રિનો પણ તમાશબીન બનાવવા માગે છે ?

" શેઠ સાહેબ, " આવનારે તાબેદારીના અવાજે કહ્યું, " વધામણી આપવા આવ્યો છું. વીલ થઈ ચૂક્યું છે. પ્રતાપ શેઠે -આપના પિતાએ-અરધી મિલકત આપના નામ પર કરી આપી છે. રાણી સાહેબે આપને ન્યાય અપાવ્યો છે, શેઠ સાહેબ ! "

" હું ઝંડૂરિયો છેં. તમે કોણ છો ? મારી હાંસી કેમ કરો છો ? હું બેવકૂફ નથી. બોલો. મારી બદલી ક્યાં છે ? ક્યાં ગયો મારો બુઢ્ઢો બાપ ? હેડમ્બાને કોણ પાણી પાવા લઈ જશે ? અંધી બદલીને દોરતું કોણ હશે ? "

" એ તમામને ભૂલી જાવ, શેઠ સાહેબ ! એ છોકરાં-ચોરને ક્યારનો કાઢી મૂક્યો છે. હવે એ તમારું નામ ન લઈ શકે. તાબેદાર પર નિગેહબાની રાખજો, શેઠ સાહેબ ! "

એટલું કહીને અધિકારી ફરી નમ્યો, ને પાછો વળી ગયો અને દીવાની આસપાસ ફૂદડી ફરતું એક ફૂદું ઝંડૂરના મોં પર અફળાયું.

બદલીને કાઢી મૂકી ? આ શું કારસ્તાન છે ? પ્રતાપ શેઠ કોણ છે ? વીલ શાનું ? મિલકત કોની ? મને મિલકત આપીને બદલામાં કોઈ મારી બદલીને ઊઠાવી ગયું ? આવેશોના પછાડાએ ઝંડૂરના મનોરાજ્યને ચૂરેચૂરા કરી નાખ્યું. અરીસાઓની પંક્તિઓ એની સામે ઊભી ઊભી એનું ટીખળ કરતી હતી. હું કદરૂપ છું, ભયંકર બદશકલ છું. ઓહ ! ઓહ ! આ ચહેરાની સામે કોઈ ઓરતની દેખતી આંખો મીટ માંડ્યા ભેગી જ ફાટી પડશે. આ હોઠને અંધી બદલી સિવાય કોઈ આંગળી નહિ અડકાડે. બદલીના હોઠ બીજા કોના વદન પર મળશે ? દેખતી આંખો એ મારી કદરૂપની દુનિયા નથી. મારું વતન અંધકાર છે. મારો પિતા પ્રતાપ નામનો શેઠ નહોય, મારો બાપ તો બુઢ્ઢો મદારી છે. મને કોઈ વારસો આપે છે ? કે મારો વારસો ખૂંચવી લ્યે છે ? મારાથી આ ખુશબો સહેવાતી નથી, ઓહ ! ઓહ ! દીવાના તેજમાં હું સળગી મરું છું. મને ચાંદરણાં ગમે છે, મને બદલીની આંખોના તારા જોઈએ તેટલો પ્રકાશ આપી રહે છે. મારે વધુ અજવાળાં નથી જોઈતાં.

એકાએક દીવા ઝાંખા પડ્યા. હૃદયના પછાડાઓએ એને થકવીને કાગાનીંદરમાં ઢાળ્યો. અને થોડીવારે બીજા ખંડની અંદર ઓચિંતી એક બત્તી ઊઘડી, ધરતીએ પોતાનું ચોસલું કાઢી આપ્યું હોય એમ એક ખૂણાની ફરસબંધી ખુલ્લી થઈ, ઝાંખા આસમાની અજવાળે પૃથ્વી પર ઢળી પડેલો ઝંડૂર તંદ્રાને વશ થઈ ગયો હતો, એના હોઠ પરનું હિંસક હાસ્ય જાણે એના દાંતના દાણા ચણતું, કોઈ ઘુવડપંખી હોય તેવું લાગતું હતું.

ધરતીના પેટાળમાં ડગળી પાડીને એક માનવી નીકળ્યું હતું. એનો પ્રવેશ થતાં જ ખંડે ખંડમાં ફોરમ પ્રસરી. એ ફોરમમાં જલદ સુરાની પ્યાલીઓ છલકતી હતી.

એણે પલંગોને પથારીઓ શોધ્યાં, સોફાને ખુરશીઓ જોયાં, ગાદીઓ ને ગાલીચા તપાસ્યાં. બેબાકળી એ બીજા ખંડમાં આવી. જુવાન જમીનને ખોળે ઢળેલો નજરે પડ્યો.

' ઓ નાદાન ! ' એ ઓરત હતી તેથી જ પુરુષને એણે આવા શબ્દે નવાજ્યો.

નાદાન ઝંડૂર સ્વપ્નમાં હતો. બદલીને શોધતો હતો. ઝાંખા પડેલા પ્રકાશે એને એના અંધકારના જીવન-સંસાર તરફ જાણે કે રવાના કરી દીધો હતો.

' અધમ જન્તુ ! ' એ મનથી જ બોલી, ' તારી બદસૂરતને જ હું ચાહું છું, કારણ કે હું પોતે રૂપાળી છું. રૂપ અને કદરૂપના જ મેળ હોઈ શકે. રૂપ તારા મોં પર નથી, ઊંચા દોર પર નૃત્યના હિલ્લોલ ચગાવતી તારી જવાંમર્દીમાં છે. એક અંધી ભિખારણના નયન-દાબડામાં બિડાયેલ તારી જુવાનીએ મને હિંસક બનાવી દીધી છે. હું તને ખાઈ જવા આવી છું. તું મારો ભક્ષ છે; કેમ કે તું એક અંધીના અવતારમાં સ્વર્ગ સર્જી રહ્યો હતો.'

નીચે વળેલી એ રાજ-રાણીનો પાલવ ઝંડૂરના દેહ ઉપર વીંઝણો બની ગયો. એણે સૂતેલા જુવાનના દોર-ચડતા પગ નિહાળ્યા, ઝંડૂરના પગનાં આંગળાં પર એનો મોહ ઢળ્યો, એ દેહમાં કોઈ છૂપી પાંખો બિડાયેલી રહી છે એવી મીઠી એને ભ્રાંતિ ઊપજી. એણે ઝંડૂરના સમસ્ત યૌવનને સંઘરી બેઠેલા એ પગો પર હાથ ફેરવ્યો, ને પછી તો એની આંખો એ હોઠ પર ઢળી. એણે કલ્પના દોડાવી : આ હોઠ અણફાડ્યા ને અણચૂંથ્યા હોત તો મોં કેવું રહ્યું હોત ? કેવું લાગત ? કોને હાથ પડ્યું હોત ? પોતાના કલેજાનું રુધિરમાંસ કાઢી કાઢી એને જાણે કે કલ્પનામાં ને ક્લ્પનામાં હોઠને ચાંદવા લાગી. મોં અજબ રૂપાળું બની ગયું. જંતુ હતો તે અશ્વિનીકુમાર બની ગયો. એ ન રહી શકી. છેક મોં પર લળીને એણે એ માથાને હાથમાં લઈ હોઠને હોઠ અડકાડ્યા.

' બદલી ! બદલી ! આમ ?' બોલતા જુવાને સ્વપ્નમાં આ નવસ્પર્શનું સુખ અનુભવ્યું. પણ માદક સુગંધની મદિરા-પ્યાલીઓએ એના નાકને પાગલ, વ્યાકુળ, વેદનામય કરી ગૂંગળાવ્યું. એ ગંધ બદલીની ન હોય. વનવગડાના વાસિની બદલી કોઈ અનન્ય ફોરમે જ ફોરી ઊઠતી. કોઈએ મોં પકડીને શરાબનો સીસો ઠાલવતું હોય એવી ગભરામણ અનુભવતો જુવાન ' બદલી ! દુષ્ટ ! ' કહેતો જાગી ઊઠ્યો, ને પોતે જે જોયું તેથી જડ બન્યો.

" બદલી સાથેનો સંસાર તારો પૂરો થયો, જુવાન ! આ તો તારો નવો જન્મ છે. તું, મારા નગરનો ધનપતિ છે. મેં તને તારી અંધી બદલી પાસેથી વેચાતો લીધો છે. તું નગરનું ગુલાબ છે, વગડાનું ફૂલ નથી. હું તારી મધમાખ છું."

સ્વપ્નાવસ્થા ચાલતી હતી ? કોઈએ શરાબનો કેફ કરાવ્યો હતો ? કે આ શું મૃત્યુ પછીની અવસ્થ્યા હતી ? ઝંડૂરને ગમ ન પડી. એ તાકીને નિહાળી રહ્યો. એનામાં બોલવાના કે હલવા ચલવાના હોશ નહોતા. એનું કૌમારમય જોબન તે રાત્રિએ પહેલી જ વાર સ્ત્રીનો આવો સંગ અને સ્પર્શ પામ્યું. એના મગજમાં ચકડોળ ફરવા લાગ્યા.

" ચમકીશ મા." રાજ-રાણીએ ધીરજ સેવી : " તારી નવી અવસ્થા તને ધીરે ધીરે સહેવાઈ જશે."

દિગ્મૂઢ બનેલા ઝંડૂરને વધુ મૂંઝવવાનું બીજા દિન પર મુલતવી રાખીને રાજ-રાણી પાછી વળી. એક ચાંપ દબાવતાં ભોંયરાનું દ્વાર ફરી વાર ખુલ્લું થઈને એ ઓરતને પોતાના પેટમાં ઉતારી ગયું. સામા રાજમહેલમાં એ પહોંચી ગઈ.

ઝંડૂર એકલો પડ્યો. આ શું બની ગયું ! કોના હોઠ પોતાના હોઠ પર ચંપાયા ! કોની ખુશબો અહીં હજુ કાવતરું કરી રહી છે ! મીઠી ખુશબો, મીઠો સ્પર્શ, મીઠા શબ્દો : પણ એ મીઠાશમાં બદલી નથી. મીઠાશ તો કોઈએ બદલીના કલેજાને નિચોવીને કાઢી લાગે છે. આ જોબન મને શેરડીના સાંઠાની માફક ચૂસવા આવ્યું. ચૂસી ચૂસીને-પછી ? પછી મને ફેંકી દેશે. હું કોણ હતો ? કોણ બન્યો ! જંગલનો બેટો રાજમહેલે બંદીવાન ! પંખીડાંનો સાથી, આ મશરૂની સેજપલંગોમાં કેદ ! આકાશે અડતા દોર પરથી પટકાઈને આ ભોંયરાની કોઈ લાલસાભરી નારીના વિલાસ-કીચડમાં ! દુનિયાએ ફગાવી દીધેલો, પાછો દુનિયાના પંજામાં !

હું શેઠનો દીકરો ! મારે કોઈ બીજો બાપ હતો ! બાપે જિંદગીમાંથી ઉખાડી નાખેલો ! એ હરામ જાહોજલાલીનો હું ધણી ! શું કરવી છે એ સાયબીને કે જેમાં બદલી નહિ હોય, બુઢ્ઢો નહિ હોય, સોળ વરસનાં મારાં પાલનહાર પશુડાં નહિ હોય.

ફરી પાછો વિચ્છેદ ? કોઈક એક રાજ-રાણીના ઘડીક તોરને માટે મારો જીવન-દોર તૂટ્યો છે.

નહિ રે નહિ. દુનિયાનાં લોક કાલે મારા હસતા હોઠની વાટ જોશે, ને આંહીંના લોક, કોમે માલૂમ, મારા એ હોઠ પર નવી ચામડી કોઈકના હોઠ માથેથી ઉતરડીને ચોડશે. નહિ મારે નથી રહેવું. બદલી ! બદલી ! બદલી ! હું ક્યાંક પાગલ બની જઈશ. પછી મને રસ્તો નહિ જડે. હું ભાગી છૂટું. તે દરવાજે દોડ્યો. તાળાં હતાં. એ દિશા દુનિયાની હતી. દુનિયા ! દગલબાજ ! દરવાજા બંધ કરીને પ્યાર માગનારી ! એ દરિયાની બાજુએ દોડ્યો; ભયાનક ઊંડાણ. કાળા ખડકોની ભૂતાવળ. એ જમણી બાજુ ગયો. બીજો રાજમહેલ. ડાબી બાજુ પર નજર કરી. નજીકમાં રાજ-રાણીનો વાવટો ફરકતો હતો. એ વાવટાને પકડી રાખનાર એક તાર-દોરડું અગાસી પર જકડેલું હતું. શરીરને માપીને ઝંડૂરે દેહનો ઘા કર્યો. તાર ઝાલી લીધો. લટકતો લટકતો થાંભલે પહોંચ્યો. ત્યાંથી લસર્યો. ધરતી પર એના પગ ઠેર્યા ત્યારે જાણે એને મા મળી.

બે દિવસ પર જે માર્ગેથી એને લાવવામાં હતો આવ્યો તે માર્ગે એણે અંધકારમાં ચાલવા માંડ્યું. જ્યાં મેળો ભરાયો હતો તે મેદાન પર એ આવી પહોંચ્યો. મેદાન સૂનકાર હતું. હાટડીઓ, રાવટીઓ, તમાશાઓ, તમામ જાણે પૃથ્વીમાં સમાઈ ગયાં હતાં. ' બદલી ! બદલી ! બદલી ! ' એણે ધીમા પોકાર કર્યા.

એક ઝાડના થડ ઉપરથી એને કોઈએ જવાબ આપ્યો " હુક, હુક, હુક.

અને એ પછી તરત એક કાળો આકાર લપાતો લપાતો પાસે આવ્યો.

' રતનિયા ! રતનિયા ભાભા ! ' ઝંડૂરે પોતાના નિત્યસાથી વાંદરાને પિછાન્યો.

વાંદરાએ એનો હાથ ઝાલી લીધો.

" રતનિયા, બદલી ક્યાં ? બુઢ્ઢો ક્યાં ? "

વાંદરો એનો હાથ છોડી આગળ થયો. એણે પાછળ જોયું. ઝંડૂર આવતો હતો. વાંદરો એનો ભોમિયો બન્યો. ખાડીને કાંઠે પહોંચ્યાં. નજીક એક મછવો તરતો હતો. કોઈક ફાનસવાળો ધમકાવીને બોલતો હતો : " ખાડીને સામે કાંઠે આ બેઈને ઉતારી આવજે હો માછી ! નીકર ચામડી ઉતરડાઈ જશે. રાણિસાહેબનો ખુદનો હુકમ છે. "

" એ હો, બાપુ ! " હોડીવાળો જવાબ દેતો હતો. " આ ભરતીનાં પાણી ચડે કે તરત હંકારી મૂકીશ. " વાંદરાએ ઝંડૂરને ઝાલી રાખ્યો. પેલો ફાનસવાળો ચાલ્યો ગયો પછી વાંદરાએ ઝંડૂરને એ મછવા ભણી દોર્યો.

મછવામાં તે વખતે બદલી લવતી હતી.

" મેં કપડાં સજી લીધાં છે. બુઢ્ઢા જો તો ખરો, આજ હું બહુ રૂપાળી નથી લાગતી ? આજ મારાં કપડાં બદન પર કેવાં બંધબેસતાં લાગે છે ? દોર બાંધી લીધો બુઢ્ઢા ? હવે જલદી ઢોલક બજાવને ! ઝંડૂર કપડાં પહેરી રિયો હશે. દેખ તો ખરો બુઢ્ઢા, કેટલું બધું માણસ ભેળૂં થયું છે ! એ બધા તલસે છે. એને હસવું છે. જલદી દોર પર ચડાવ મને. "

" ઝંડૂર આવતો હશે. એ નહિ રોકાય. આજ તો છેલ્લો તમાશો છે. મારા પગને મેં મેંદી લગાવી છે. ઝંડૂર કહે છે કે મેંદીનો રંગ રાતો હોય છે, બુઢ્ઢા ! હું શું જાણું રાતો એટલે કેવો ? હું તો જાણું કે રાતો રંગ એટલે ઝંડૂરના મોંના જેવો, ઝંડૂરના હોઠની ખુશબો જેવો. "

" તું સૂતી રહે. " બુઢ્ઢો માનતો હતો કે બદલી સનેપાતમાં બોલે છે. બદલીનું શરીર સળગતું હતું.

" એંહ ! આજ સુવાય કે ? અરેરે બુઢ્ઢા, આજે કાંઈ સૂવાનો દન છે ? આજના મેળામાંથી તો બાર મહિનાની રોટી લેવી છે. આપણે આજે તો થાળી પણ નહિ ફેરવવી પડે. લોકો પૈસાના મે વરસાવશે. તું ઢોલકના તાલમાં ભૂલ કરીશ મા હો, બુઢ્ઢા ! જો હું ગાઉં છું. તું તાલીમ લઈ લે. " એમ કહી બદલી ગાવા લાગી :

અંધારી રાત ને બાદલ છાયા,
બાદલીને છાંયે મારી આંખ તો મળી,
ચાલો પિયા...ચાલો પિયા...સુખની....રાત મળી.

ઝંડૂર ને રતનિયો મછવા પર કૂદ્યા. ઝંડૂરે કશું બોલ્યા વગર બદલીનો હાથ ઉપાડી પોતાના હોઠ પર અડકાડ્યો. એ હાથ હોઠ પર ફરીને પછી શરીર પર લસરી પડ્યો.

" ઝંડૂર આવ્યો, બુઢ્ઢા, " બદલીએ હર્ષોન્માદના બોલ કાઢ્યા : " ઝંડૂર, આ શું પહેર્યું છે તેં ? આ કપડાં ક્યાંથી ? આટલાં બધાં મુલાયમ ! મને કાંટા જેવાં ખૂંચે છે. આ ભભક શેની ઝંડૂર ? મને આ ખુશબો નવી લાગે છે. મારાથી દમ નથી લેવાતો, ઝંડૂર ! મારી ગરદન પર ચડી બેસે છે આ ખુશબો. તને કોઈએ મારપીટ કરી છે ! તને કોઈએ ગાલી દીધી છે ? આંહીં પાસે આવ ઝંડૂર ! પ્યારા ભાઈ ! મા ! તને સુવાડી દ‌ઉં. "

એટલું કહીને એ ઝંડૂરને ગળે બાઝી પડી અને મછવો ચાલી નીકળ્યો.