લખાણ પર જાઓ

વસુંધરાનાં વહાલાં દવલાં/૨.કડી મળી ગઈ

વિકિસ્રોતમાંથી
← ૧.ત્રાજવડાં ત્રોફાવો વસુંધરાનાં વહાલાં દવલાં
૨.કડી મળી ગઈ
ઝવેરચંદ મેઘાણી
૩.બાજરી ખૂટી →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.



2

‘કડી મળી ગઈ’

તળાવડી નિર્જળી હતી. મરેલાં કૂતરાંને ઢસરડી ભંગિયા ત્યાં નાખી આવતા ને પછી ગીધ-સમળીઓનું ટોળું વળીને ત્યાં જમણ કરતું. દસ વર્ષ પૂર્વે એ તળાવડીને કાંઠે એક ડોસીએ આપઘાત કર્યો હતો ને પછી ત્યાં 'ચળીતર ભૂત' થવાના ભણકારા આવતા એટલે કૂઈ બૂરી નાખવામાં આવી હતી. રાત પડ્યે એકલદોકલ વટેમાર્ગુઓ ત્યાંથી ન નીકળતાં. ગામની પેલી બાજુએથી ફેર ખાઈને આવજા કરતાં. આજે ત્યાં આડોડિયાંનો પડાવ હતો. આડોડિયાં પડ્યાં છે એ વાતની ખબર પડતાં આખા ગામની છાતી બેસી ગઈ હતી. અમરચંદ શેઠને આ ખબર પાછળથી પડી. ત્રાજવા ત્રોફવાનું બહાનું કાઢીને એ બાઈ પોતાનું ઘર તપાસી ગઈ છે એવો એને અંદેશો પેઠો. તુરત જ એણે ગામના પોલીસ-પટેલને બોલાવ્યા. આખી રાત પોતાના મકાન પર ચોકી બેસાડી. વળતા પ્રભાતે તો આડોડિયાનો પડાવ ઉપડી ગયો, છતાં અમરચંદ શેઠનો જીવ ન રહ્યો. એણે જાતે જ ખીજડાતળાવડી નજીક એક આંટો માર્યો. ઊપડી ગયેલા પડાવનાં સંભારણાં પડ્યાં હતાં. પથરાના માંડેલા મગાળા (ચૂલા) અને એની રાખના ઢગલા દેખાતા હતા. બળદના પોદળા પડ્યા હતા. આડોડિયાંની ભયાનક બાયડીઓએ માથું ઓળીને ફેંકેલી તૂટેલા વાળની ચીંથરીઓ આમતેમ હવામાં દોડતી હતી.

તેની વચ્ચે એક નાનકડી તંબુડી હજુ રહી હતી. સફેદ કપડાને બે લાકડીઓ પર ટેકાવીને ઘોલકી જેટલું ઊભું કરેલું એ ઘર હતું. એની અંદર ફક્ત અરધું શરીર છાંયે ને અરધું શરીર તંબુડીથી બહાર ઢાળીને એક જુવાન સ્ત્રી પડી હતી. એ તેજુ હતી. બહાર એક બુઢ્ઢો અને એનું ગધેડું હતાં. ગધેડાને પગે ડામણ નાખીને બુઢ્ઢો ચરવા છોડતો હતો.એક મંગાળા પર કાળું દોણકું ચડાવીને બુઢ્ઢાએ કશુંક ખબબદવા મૂક્યું હતું. બુઢ્ઢાનો રંગ કાળો હતો. એની દાઢી પક્ષીઓને માળા બાંધવાનું મન થાય તેવી હતી. એની ઘેરદારર સુરવાળમાં બે મણ કપાસ માય તેટલું પોલાણ હતું. એના શરીર પર તપતો સુર્ય જાણે કે કોઈક સીસમના સામાન પર વાર્નિશના ચકચકાટ ઉઠાડતો હતો. એન માથા પર મેલો રૂમાલ બાંધેલો હતો.

"કેમ તમે એકલા રોકાઈ ગયા?" અમરચંદ શેઠે દૂર ઊભીને પૂછવાની હિંમત કરી.

"દીકરી તાવમાં ભૂંજાઈ રહી છે, બાપા! અને મારે વળી જરાક ટંટો થયો તો અમારા પડાવમાં."

"ટંટો?"

"ટંટો તો થાય જ ને, બાપા!જુવાન છોકરીને એની મા વિનાની લઈને રહેવું, એટલે ટંટો તો થયા જ કરે ને! ને વળી હું ઈ દંગાવાળાની નાતનો નથી."

"હા, ઈ સાચું છે. જર, જમીન ને જોરૂ, ઈ ત્રણે કજિયાનાં છોરું! હેં-હેં-હેં." અમરચંદ શેઠને કહેવતો ટાંકવાનો બહુ શોખ હતો.

"હાલ્યા કરે, બાપા! અમને અવતાર એવો દીધો છે ને માલકે. જરા ચલમ પીઉં તો તમને વાંધો નથી ને, બાપા?"

"કાંઈ નહિ. એમાં શીઓ વાંધો? કરે એ ભોગવે!"

"જરા દીકરીને પીલાવું? બદનમાં તાકાત આવી જાય હો, બાપા! તમને વાંધો નથી ને?"

"ખુશીથી પીવાડોને. આમાં શીનું આંધણ ચડાવ્યું છે?"

"આંધણ નથી. વનસ્પતિના વેલા છે. બાફીને એનું બિછાનું કરી દઈશ. દીકરીને એમાં સુવાડીશ; એટલે શરીરની તમામ ગરમી રગરગમાંથી શોષી લેશે આ વનસ્પતિ."

"ઇલમી લાગો છો. ઓસડિયાં જાણો કે?"

"જીવવું છે એટલે જાણવું તો જોવે જ ને, બાપા! કુદરત તો વડી કીમિયાગર છે ને, બાપા !"

"પછી શું, ઉપડી જાશો?"

"હા, દીકરીને સુવાણ થિયે હાલી નીકળશું."

"ક્યાં જશો?"

"મલકમાં જિયાં..." બુઢ્ઢો હસી પડ્યો.

"કેમ હસ્યા?"

"કાંઈ નહિ, બાપા! અમને તો માલેકે અવતાર જ એવો આપ્યો છે ને?"

"શીનો અવતાર?"

"શાવકારનો થોડો?"

"હા-હેં-હેં-હેં, સમજાણું." અમરચંદ શેઠને બુઢ્ઢાનો નિગૂઢાર્થ પામી જતાં વાત ન લાગી.

"અવતાર બળ્યો છે ને, બાપા!"

"કશુંય નહિ ડોસા! એવો અફસોસ રાખવો જ નહિ. એ તો ખાતો ખાય ને ભરતો ભરે."

"તમારે ગામડે પણ ઓણ સાલ કપાસ ભારી પાક્યો છે હો!" એમ કહેતાં કહેતાં બુઢ્ઢાએ ચોમેર સીમમાં પથરાયેલા ઈ સફેદ પાક તરફ લોલુપ અને લાચારીભરી નજર ઠેરવી. વસુંધરાનું એ જાણે મહાહાસ્ય હતું. એ હાસ્ય બુઢ્ઢાથી સહ્યું જાતું નહોતું.

"તમારી વિદ્યા બડી છે, હો ભાઈ !" અમરચંદ શેઠે આંખ ફાંગી કરી.

"કોઈ મૂલવનારો ન મળે ને, બાપા?"

"ના, એવું નથી, મૂલ તો મૂલવી જાણનારા પડ્યા છે. ધરતી કાંઈ વાંઝણી નથી."

"પણ કડી મળવી જોવે ને, બાપા !"

"મેળવીએ તો મળી જાય, ન કેમ મળે ?"

"તો તો ન્યાલ કરી દઈયેં હો, બાપા !"

"આપણી દુકાન જોઈ જજોને એક વાર, બીડી લેવા તો આવશો ને ?"

"ફુલેસ નહિ ટકવા આપે તો ?"

"ઈ ફકર્ય નહિ તમારે. આવજો, જોઈ જજો દુકાન."

"ઠીક બાપા,આ છોકરીને શેક આપીને અબઘડીએ જ પહોંચું છું."

"નેજોવો, પછી કાંઈ કે'વાપણું, ન કે'વાપણું, હમણાં જ સમજાવી દઉં.રાતનો ત્રીજો પો'ર સાધવો. દુકાનના ડાબે જ પડખે અડોઅડના ઓરડામાં મારી પથારી રે' છે. ત્યાં ખોરડાં માથે નાનકી એવી કાંકરી મારશો ને, તોય બસ. મારી નીંદર કૂતરા જેવી જ છે. બીજી કાંકરી નહિ મારવી પડે."

"હાંઉં, બાપા !"

"નાનકી જ કાંકરી હો કે ? પાછાં નળિયાને નુકસાન કરતા નહિ."

"તમારે કે'વું પડે કે?" ડોસો પોતાની વિદ્યાનું અપમાન થતું જોઈ દુભાતું હાસ્ય હસ્યો.

"ખાસ્સું."

અમરચંદ શેઠ પાછા વળ્યા. ગામમાં આવીને હાટડીએ બેઠા. હાટડીમાં ખજૂર, ગોળ, ખોખાં, જૂના દાળિયા ને બટાઈ ગયેલી રેવડી સિવાય કશું જ નહોતું રહેતું; કેમ કે અમરચંદ શેઠે પોતાના જીવન-મંત્ર તરીકે આ શબ્દો જ રાખેલાઃ 'ચીંથરે વીટ્યું રતન.' માણસને ઊભવા થાય એવી મેલી, માખીઓ બણબણતી બટાઈ ગયેલી વસ્તુઓની બદબો મારતી એ દુકાન હતી.ઈર્ષાળુ ને વહેમીલો ધણી પોતાની સ્ત્રીને જેમ ફૂવડના દીદારમાં જ રાખવી પસંદ કરે છે તેમ અમરચંદ શેઠ પોતાની સંપત્તિને આ ભૂંડી વખારના જ પોષાક પહેરાવી જીવન જીવતા હતા.

"કાં, આવોને, હમીરભાઈ !" અમરચંદ શેઠે હાટડી પાસેથી નીકળેલા પોલીસ-મુખીનો સત્કાર કર્યો. સોપારી આપી. "એલા પરતાપ !" એણે છોકરાને હાક મારીઃ "જા તો ખરો, પૉર શેર બદામ લાવેલા. એમાં કોઈ મીંજ સારાં રિયાં હોય તો લાવ ને, હમીરભાઈને સોપારી ભેળાં ખવડાવીએ, બદામ ને સોપારીનો ચૂરો ભેળો કરીએ તો ભારી સવાદ આપે છે હો, હમીરભાઈ !"

પાંચેક મિનિટે પ્રતાપ બદામનાં મીંજ લઈને ઘરમાંથી પાછો ફર્યો ને હમીરભાઈએ સોપારીનો નવીન જ સ્વાદ ચાખ્યો.

"ઓલ્યાં તો ઉપડી ગયાં, હમીરભાઈ ! તમારી સમજાવટ ઝટ ફળી.નીકર આડોડિયાંને કાઢવા અને જમને કાઢવા, બેય બરાબર છે."

"ગયાં ને ?"

"હા, હું પંડે જોઈ આવ્યો ને ! એક બાપડો ડોસો પડ્યો રહ્યો છે. એની દીકરી તાવમાં ભૂંજાય છે; ને બાપડો દંગામાં ન રહી શક્યો. એ બોલવે-ચાલવે આડોડિયો તો લાગ્યો જ નહિ. ગરીબડો લાગે છે. એને કરવો ધંધો ને બીજાને સૌને કરવી ચોરી, એટલે બને ક્યાંથી ? હું જઈને થોડો ધર્માદો કરી આવ્યો. કહ્યું છે કે કાંઈક સાંડસી-ચીપિયા ઘડીને લાવજે, રાખી લેશું. તમથી ડરતો'તો બાપડો ! પછી મેં એને વશવાસ આપ્યો કે હમીરભાઈ શું તારા એકથી બીએ, માળા તીતાલી ? હમીરભાઈના ગામમાં એક કાલું ય કોઈ ઉપાડે, તો એનાં આંગળાં જ હમીરભાઈ ખેંચી કાઢે ને ! પડ્યો રે'તો હો ને ધંધો કરી ખાતો હો તો તારું કોઈ નામ ન લ્યે. વળી એની છોકરીયે છે બહુ જીવરી, આંટોફેરો મારતા રે'જોને !" ફરીથી શેઠે આંખ ફાંગી કરી, પણ એ એ એની ડાબી આંખ હતી.જમણી તે તો પોતે ફકત એકલાં શેઠાણીને સારુ જ સુવાંગ રાખેલી.

"હવે રાખો રાખો, અમરચંદભાઈ !" હમીર બોરીચો હસ્યા.

"કાંઈ રાખવા જેવું નથી, હમીરભાઈ ! તમે તો બાપા ગામ-બારા જ તમારો ભક્ષ કરો ઈ સારું. નીકર પાછૂં ગામને તમારું પેટ પૂરવું ભારે પડે. તમારી જુવાનીના દી કાંઈ અમે ભૂલી નથી ગયા હો, હમીરભાઈ ! મારી જાનમાં આવ્યા'તા યાદ છે ને ? મારો સસરો બાપડો હાથે પગે લાગીને કહે કે જાન ઝટ શીખ દઈ દ્યો નીકર વાત હાથમાં નહિ રે'! યાદ છે ને બધું ? હેં-હેં-હે."

પોલીસ મુખી હમીરભાઈના, પિસ્તાલીસ વર્ષે પણ એકેય કરચલીથી ન ખરડાયેલા મોં પર અમરચંદ શેઠની જાનના વોળાવિયા તરીકેનાં સંખ્યાબંધ સુંવાળાં સંસ્મરણો આલેખાઈ રહ્યાં. આ શબ્દો રતાં કાર્યની જ વધુ ઉપાસના કરનાર એ કાઠીએ મૂંગો મલકાટ જ વેર્યો.

પછી તો સઘળું રસ્તે ચડી ગયું, અને બે-ચાર દિવસ જવા દઈને તેજુના બુઢ્ઢા બાપે એક અંધારી રાતના બેક બજ્યાને સુમારે જ્યારે શેઠના ખોરડા પર નળિયું ન ફૂટે તેવી રીતે કાંકરીનો ઠણકાર કર્યો, ત્યારે અમરચંદ શેઠે હાક મારી.

"એલા પરતાપ ! એ હેઈ માડી વાળેલ ! ક્યાં મૂઓ છો?" સૂતેલા પ્રતાપે કડકડતી ઠંડીમાં ગોઠવાઈ ગયેલા ગરમ બિછાનામાંથી જવાબ વાળ્યોઃ "પણ શું છે તે ચસ્કા પાડો છો?"

"હાટડીમાં ગૉળ ને ખોખાં ઢાંક્યાં છે કે નહિ, ઓટી વાળેલ ?"

"કાં ?"

"ઓલ્યા તારા ડોસા ઉંદરડા દાટ વાળી રિયા છે. જા મર ને ઢાંકોઢુંબો કરી આવ. વાણિયાનો છોકરો છો કે ગરાસિયાનો ? હું નહિ હોઉં તે દી હાથમાં શકોરું રે'શે શકોરું. અને માગવા જાઈશ તો માગતાંય નહિ આવડે ને મરીશ ભૂખ્યો."

આ ચસકાઓએ પિત્રાઈ પાડોશીઓની પણ ઊંઘ ઉડાડી મૂકી. તેઓ છોકરાની દયા ખાવા લાગ્યા. 'ડોસો તો છોકરાનો જીવ લેવા ફર્યો છે. આવી ટાઢમાં લેવા દેવા વગરનો છોકરાને ઉઠાડે છે.'

પિત્રાઈ પાડોશીને પોતાની નિરર્થક દયા ખાતાં મૂકીને પ્રતાપ હાટડીમાં ગયો. એને ખબર હતી કે કાળી કડકડતી રાતે હાટડીમાં કયો ઢાંકોઢુંબો કરવાનો હતો.એણે ધીરે હાથે બારણું ઊઘાડ્યું. ઉઘાડતાંની વાર જ એક મોટી ગાંસડી અંદર ફગાવીને કોઈક ઊપડતે પગલે ચાલ્યું ગયું. પ્રતાપે બે મણ જેટલા એ ચોરાઉ કપાસની ગાંસડીને ઠેકાણે પાડી. પાછો જઈને એ નિરાંતે નીંદરમાં પડ્યો.

એજ રીતે તેજુનો બુઢ્ઢો બાપ દિવસભર લોઢાની છરીઓ, તાવેથા ને સાણસીનાં ટીપણાં ટીપતો રહ્યો, અંધારિયા પખવાડિયાની અનેક રાત્રીઓના ત્રીજા પહોરે શેઠના ખોરડા પર કાંકરીઓના ઠણકાર થતા રહ્યા. ઉંદરડાની રંજાડો; અમરચંદ શેઠની ગાળો અને પ્રતાપના ઢાકાઢુંબાવાળું નાટક વારંવાર ભજવાતું રહ્યું; ને અમરચંદ શેઠનાં બદામ-સોપારી કરતાં પણ વધુ મધુરી મશ્કરીઓ માણતા પોલીસ-મુખી હમીર બોરીચો પણ આ નાટકના પૂરા પરિચયગામી છતાં ચૂપ રહ્યા; કેમ કે તેમની પણ આવી નફાદારીની અંદર વગર જહેમતની ભાગીદારી હતી. 'ચીંથરે વીંટ્યું રતન' રાખવાની સજ્જડ નીતિ પાળનારા અમરચંદ શેઠ સલામત હતા. પ્રભાતના પાંચ વાગે ઊઠી એ મોંએ મુહપત્તી બાંધી શ્રાવક ધર્મની સામાયિક-વિધિ કરતા. એ વિધિએ એમના પૂરા બે કલાક લેતી.રાતના અંધકારે થતાં થઈ ગયેલી ભૂલોનું એ આ રીતે ઈશ્વર પાસેથી પ્રાયશ્ચિત મેળવતા.

પણ શેઠનો પુત્ર પ્રતાપ એવા ઢોંગમાં રાજીખુશીથી શામિલ નહોતો થયો. પ્રતાપ આ નાટકનું એક કુશળ છતાં નારાજ પાત્ર હતો. પ્રતાપને ચીંથરે વીંટ્યાં રતનની પિતૃભાવના પસંદ નહોતી. પ્રતાપનો જમાનો હવે કાંડાભરપૂર કરચલિયાળા છ્બગલા અંગરખામાંથી નીકળીને ખમીસ-હાફકોટ પર ચાલ્યો ગયો હતો. પ્રતાપને પિતાજીની ઉપાર્જિત સંપત્તિમાનો માત્ર માલિકી પૂરતો જ સ્વાદ નહોતો. એને એ સોનાની સુગંધ પણ જોઈતી હતી. પિતા એનું દિવસમાં દસ વખત નાક કાપતા હતા છતાં એ નાક પાછું પોતાને અસલ સ્થાને આપોઆપ જ ચોટી જતું. પરણેલ નહિ છતાં પ્રતાપે ધીરે ધીરે પિતાને પોતાના સારુ દિવસ-રાતનો સુવાંગ લાયદો ઓરડો કાઢી આપવાની ફરજ પાડી હતી. પરણવાની સજાવટનાં એક પછી એક સાધનો, સુગંધિત દ્રવ્યો, હીકોની અને અત્તરની શીશીઓ, ક્રીમ-સ્નો વગેરે સુંવાળપ બક્ષનારા કીમિયા, અને પત્નીના કોડ પૂરવા માટેનાં વાર્નિશ કરેલાં કબાટો પણ પ્રતાપ વસાવી રહ્યો હતો.

એવી ભભૂકતી મનોવૃતિઓ વચ્ચે પ્રતાપે તેજુ ત્રાજવા ત્રોફનારીનો સાદ સાંભળ્યો. એ સૂરે એના અર્ધનિદ્રિત યૌવનને જાગ! જાગ! કહ્યું. પ્રતાપે તેજુને શાંતા-સુશીલા જોડે વાતો કરતી પણ સાંભળી. તેજુના દેહ પર છૂંદણાંના વેલ્યબૂટા, પંખીડાં, ને પાંદડીઓ ફાલ્યાં હતાં તે પણ પ્રતાપ તે દિવસ જોયા વિના હાટમાં નહોતો બેઠો રહ્યો. વ્યાપારના વેચાણ, ખરીદી અને ઉઘરાણી માટે પ્રતાપે ઘોડી વસાવી હતી. ઘોડેસવાર પ્રતાપે ખીજડા- તળાવડીની ભૂતિયા કૂઈ પાસે ગીધડાંને કૂતરાં ઠેલવા સ્થળ પર ઊભેલી નાજુક તંબુડી તરફ ઘણી ઘણી વાર ઘોડીને વાળી હતી. ઉઘરાણીએ જવાના હરકોઈ દિશાનાં ગામડાનો કેડો પ્રતાપને એ તંબુડી વળોટ્યા વિના સૂઝતો નહિ. એની રસીકતા આ પ્રકારે વિચાર કરતીઃ 'જે વાણિયણ મારા ઘરમાં આવવાની છે તે આવી જ તો નહિ જ હોય. ક્યાંથી હોય ? કોઈક ફૂવડની જ છોકરી હશે, ફૂવડની. એના મોંમાંથી લહેકા કદી જ નહિ નીકળે. એને સો સો રૂપિયાની જોડ કપડાં પણ આની માફક પહેરતાં નહીં આવડે. એને આવા ગલ ક્યાંથી પડશે?

બજાણિયાં છારાં, ચામઠાં, લુવારાં અને આડોડિયાનાં ચીંથરેહાલ દંગાઓએ પરાપૂર્વથી શહેરો અને ગામડાંઓના એકસુરીલા જીવનની સ્થિરતાને ચલાયમાન કરી મૂકી છે. બાપનાં બીબાંમાં ઢળાતી જતી એકસરખી ઢાળકીઓ જેવી બેટાઓની ઓલાદોની જિંદગીઓ આ રઝળપાટ રમતી માનવ-ટોળીઓને દેખી અનંત અથાક વિશ્વ-ભ્રમણોના આવેગો અનુભવતી રહી છે. વ્યવસ્થિત જીવનનાં ચોકઠાં ભેદીને મોકળાશ મેળવવાના મનોરથો અનેક હૈયાંઓમાં આ ભમતી જાતિઓએ સળવળાવ્યા છે. પ્રતાપ એમાં અપવાદ નહોતો. પ્રતાપ તેજુના પ્રેમમાં પડ્યો. તેજુએ પ્રતાપને કહ્યું - કદી કોઈને નહોતું કહ્યું તે કહ્યું: "મારૂં નામ તેજબા છે, તેજુડી નથી."

પ્રતાપે પ્રેમની પ્રસ્તાવના દિલસોજીથી કરી: "હું મારા બાપનાં પાપ ધોવા આવેલ છું. તારા બાપ પાસે એ ચોરીકર્મ કરાવે છે. તારા બાપના જીવ સાટેના જોખમનો એ નામનો પણ બદલો નથી આપતા. સાચો કસ તો એનો અમે જ કાઢીએ છીએ. મારું અંતર બળે છે. આ લ્યો, આ બાપનાં પાપની દરગુજરી."

એમ અક્કેક ટાણે રૂપિયાની અક્કેક નાની ઢગલી પ્રતાપ તેજબા પાસે જઈને કરી આવતો. બાપ મલકને ચોરતો. બાપ પોલીસ-મુખીને પોતાની દ્રવ્યચોરી છૂપાવવાની લાંચ આપતો, તો દીકરો એને પોતાની પ્રણયચોરી ઢાંકવાનું મહેનતાણું દેતો. તેજબાના બાપને તો અંદેશો જ કદી શી રીતે હોઈ શકે, કે આવો ઊજળાં લૂગડાંવાળો આબરૂદાર જુવાન પોતાની મેલીઘેલી દીકરી પર મુગ્ધ બની રહ્યો હશે ?

પ્રતાપ તરફથી મળતા તમામ રૂપિયા તેજબા બુઢ્ઢાને આપી દેતી, બુઢ્ઢાને ઉકરડા ઉપરથી એક ફાટેલું મોજું જડ્યું હતું, એ મોજું આ તમામ રૂપિયાની કોથળી બન્યું.