વસુંધરાનાં વહાલાં દવલાં/૮.વિજયગઢની અદાલતમાં

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
←  ૭.રસ્તો નીકળે છે વસુંધરાનાં વહાલાં દવલાં
૮.વિજયગઢની અદાલતમાં
ઝવેરચંદ મેઘાણી
૯.સલામ કર! →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


8

વિજયગઢની અદાલતમાં


વિજયગઢની બજારમાં સોંસરું આ બંદીવાનોનું સરઘસ નીકળ્યું, અને શહેરનો સૂતેલો પ્રાણ જાગી ઊઠ્યો. વિજયગઢની વસ્તી જોરાવર હતી. વિજયગઢના બ્રાહ્મણો સનાતનના અણનમ્યા ઉપાસકો હતા. સમયનાં પૂરને તેમણે પોતાના ઉંબર પરથી પાછાં વાળ્યાં હતાં. સ્ત્રીઓની કેળવણીના એ કટ્ટર શત્રુ હતા, સિવાય જે જ્ઞાતિની કેટલીક રાંડીરાંડો મહેતીજી થઈ પોતાનો ગુજારો મેળવી લેતી તેથી કરીને તેમને માસિક બે રૂપિયાની જિવાઈ આપવાના જુલમાટમાંથી બ્રાહ્મણ સસરાઓ બચી જતા. તે સિવાય વિજયગઢના પાટનગર ઈંદ્રપુરના નિષ્પ્રાણ રાજકારોબારનો કબજો લેવા પ્રપંચો લડતા કેટલાક જે પક્ષો એ ઇંદ્રપુરને મૂએલા ઢોરપર ગીધડાંના ભોજન-સંગ્રામનું લીલાસ્થાન બનાવી મૂક્યું હતું, તે પક્ષોનો વિજયગઢના વિપ્રોને સારો એવો લાભ મળતો. સામા પક્ષના માણસો માટે મૃત્યુના જાપ જપવાનું મોંઘું કામ તેમને મળી રહેતું. તેઓ સંસ્કૃતમાં ગાળો ભાંડી જાણતા, ને મંદિરોમાં ગાંજો પી જાણતા. તેઓ વૈદું પણ કરી જાણતા, ને દાકતરીને જ્ઞાનને ગાળો દેતા દેતા પણ રાજની સ્કોલરશિપો મેળવી પોતાના છોકરાઓને મેડિકલ કૉલેજમાં દેડકાં-અળશિયાં ચીરવા મોકલતા. તેઓને સભા પણ ભરતાં આવડતી હતી - રાજાને આશીર્વાદ આપવા માટે અને ગાંધીને શાપવા માટે. તેઓ ત્રિપુંડો તાણતા હતા - જ્ઞાતિભોજનમાં જમવા જતી વખતે વળી વધુ રૂપાળા દેખાવાને માટે. તેઓ હડતાલ પણ પાડી શકતા - યજમાનોના ઘરના વરા પ્રસંગે બાજી બગાડવાને માટે. તેઓ શહેર સુધરાઈના સભ્યો બનતા - ભંગીઓના પગારવધારા રોકવા માટે, ને પોતાનાં સંડાસો મફત સાફ કરાવવા માટે.તેઓનો સુધારો હૉટલોનાં અને સેંકડે દસેક ટકા પૂરતો પીઠાંનાં પાછલા દ્વાર સુધી પહોંચ્યો હતો. તેઓ સમાજવાદી હતા, મૂએલાં સગાંની મિલ્કતના વારસાની સરખા ભાગે વહેંચણ સાધવા માટે. તેઓ શું શું હતા ને શું શું ન હતા ! બધું જ હતા, કંઈ જ ન હતા.

એ બ્રાહ્મણોના ભક્ત વિજયગઢના વણિકો હતા. તેઓ જીવતી વહુઓને હવા તેમ જ દવા વગર મારતા, ને મરેલી વહુઓ પાછળ ત્રેવડી મિઠાઈનાં ભાગીદાર કારજો કરતા. તેઓ ઉંદરને ખાતર બિલાડાં મારતા, બિલાડાંને ખાતર કૂતરાં મારતા ને કૂતરાંનાં કુરકુરિયાંને ખાતર ગામડિયા ગાડાખેડુઓને ભરબજારે મારતા. તેઓ પ્રભાતે પૂજા કરતા, પહોર દી' ચડ્યે સારાને સળેલા માલની ભેળસેળ કરતા, મધ્યાહ્ને ઊંઘતા ને મધરાતે ઊજાગરા ખેંચી માંકડ વીણતા. માંકડો ઊંઘવા ન દે તો પછી તેઓ બનાવટી ચોપડા લખતા. તેઓની સ્પર્ધા અમલદારોની મહેરબાની મેળવવામાં ખીલતી. તેઓનાં પગતળિયાં કચેરીઓના લાદીના પથ્થરો લીસા કરી ચૂક્યા હતા. ન્યાયમંદિરની દેવડી સામે તેઓ સગા ભાઈનું પણ સગપણ નહોતા રાખતા. તેઓ પોતાના પુત્રોને મુખ્યત્વે વકીલો જ કરતા. શાકપીઠનાં બકરાં કરતાં ઘણી વધુ સિફતથી તેઓ બકાલીનો મૂળો ખેંચી શકતા, ને શાકનો પૈસો માંગનારી કોળણને 'રાંડ ગળે પડછ' કહી શરમિંદી બનાવતા. તેઓ કાઠીઓનો વિશ્વાસ ન કરતા, કોળીઓને 'ચોરટા' કહેતા, ઝાંપડાં-વાઘરીને વેંચાતું ન આપતા, કેમ કે ઝાંપડાનો પૈસો નરકની પેદાશ છે, ને વાઘરીઓ ઝીણા મોટા જીવ ખાઈને જીવે છે. કલાલ, કસાઈ કે વેશ્યાના પૈસાને તેઓ અસ્પૃશ્ય નહોતા ગણતા. તેમ ઝાંપડાં-વાઘરીના દાગીના તો તેઓ મોટું દિલ રાખીને ચોથા ભાગના ભાવે ખંડી લેતા. તેઓ 'ગાંડી માના ડાહ્યા દીકરા' હતા. પોલીસમાં કે કોરટમાં જઈ સાક્ષી આપવી પડે એવા કોઈ મામલામાં ઊભા રહેતા નહિ. તેઓ ડરતા ફક્ત બાવા ફકીરના સોયા અને ચાકાં થકી. એટલે પગમાં પૈસો ફગાવી દેતા.

તેજબાએ અને એના છૂંદાએલા છોકરાએ વિજયગઢ શહેરની એવી હવામાં વાઘરીઓના સરઘસ વચ્ચે પ્રવેશ કર્યો. એના સમાચા એનું સ્વાગત ગોઠવવાને માટે જાણે કે અગાઉથી જ આંહીં આવી પહોંચ્યા હતા. થાણાનો માર્ગ ગામ-બજાર સોંસરો નીકળતો હતો એટલે પ્રચારકામ બિનજરૂરી બન્યું. કેટલીક દુકાનો પરથી મુખીને વાહવાહ મળી.કેટલાક હાટના ઊંચા ઓટા પર સંધ્યાના ઘી-દીવા પેટાવતા પેટાવતા કોઈ કોઈ વેપારી બોલ્યા કે 'બે-પાંચને તો પૂરા કરવા'તા મુખી, બીજાં પચાસ વરસની નિરાંત થઈ જાત ને !'

વિજયગઢની થાણા-કચેરીઓની ઈમારતો ભવ્ય હતી. કેમ કે અંદરની વ્યક્તિઓ ક્ષુદ્ર હતી. ન્યાયાધીશને પૂડલા બહુ ભાવતા, મહાલકારીને પેંડામાં મીઠાશ પડતી, ફોજદાર હરકોઈ સારું રાચરચીલું વસાવવાના શોખીન હતા. પણ સગર્ભા સ્ત્રીઓની પેઠે તેમના બધા "ભાવા" પરાયે ઘેર ગયા સિવાય તૃપ્તિ ન મેળવી શકતા. ભૈરવનાથની ડુંગરાળ જગ્યાએ તેઓને આજે ફુલશંકર વકીલની ત્રીજી વારની લગ્ન-ગોઠનું ઈજન હતું, અને તેઓ ગાડીઓમાં ગોઠવાયા હતા તે જ ક્ષણે હમીરભાઈ પોલીસ-મુખીએ "લપ" લાવીને ઊભી રાખી.

"એટલી બધી ઉતાવળ શી હતી ?" ફોજદાર સાહેબે રોષ દેખાડ્યો

"આખા મહાલયમાં દેકારો બોલ્યો છે સા'બ." મુખીએ ચિત્રમાં ઘાટી કાળાશ ઘૂંટી. "અને આપને ફુરસદ હોય તો બે મિલટમાં વાત કહી દઉં."

ફોજદારને એકાંતે લઈ જઈને મુખીએ અમરચંદ શેઠ અને પ્રતાપરાય આમાં સંડોયાની વાત કરી; "સોનાનાં ઝાડ ખંખેરવાનો સમો અટાણે છે સા'બ. પછી નહિ હોય; બાકી તો આપની મરજી."

"મરજી તો ભગવાનની કહેવાય, ગાંડા !" એમ કહી ફોજદાર સાહેબે ન્યાયાધીશને એકાંતે બોલાવ્યા. પરિણામે ફુલશંકર વકીલની ભૈરવનાથવાળી મહેફિલ તે દિવસ મુલતવી રહી. અમરચંદ શેઠને તેડવા અસવારે ઘોડો દોડાવ્યો.

બીજા દિવસની અદાલતમાં ગયા પહેલાં ન્યાયાધીશે પોતાની પૂજામાં આ કેસનાં કાગળિયાં પણ ઇષ્ટદેવને થાળમાં ધર્યાં, એમને ટપાલ પણ પૂજામાં ધરવાનો ધાર્મિક નિયમ હતો, અને પોતાને સન્મતિ આપવા ઇષ્ટદેવો પાસે એણે કાકલૂદી કરતાં કરતાં પોતાને બેઉ ગાલે થાપડ મારી કહ્યું : " ઘેલો છું, મા! ગાંડો છું, દાદા ! કાયદાનું જ્ઞાન તો પ્રપંચ છે, સાચી તો છે તમારી પ્રેરણા, પિતરૌ !"

ઇષ્ટદેવતા એમની પૂરી વહારે આવ્યા, મરકીનો રોગ ફેલાવવા માટે મંત્રેલા અડદના પૂતળાનું તહોમતનામું કાયદામાં કોઈ રીતે ટકી શકે તેમ નહોતું, પણ નીચ વર્ણનાં મેલાં લોકો વસ્તી પાસેથી પૈસા કઢાવવાની કરામત રૂપે આ ભયાનક કરામત વાપરે છે એને તો કાયદામાં અપરાધ ઠરાવી શકાય છે.

ન્યાયાધીશે બાઈ તેજલીને પૂછી જોયું: "તારે કાંઈ કહેવું છે?"

તેજબાએ નકારમાં મસ્તક ધુણાવ્યું.

એને અને બીજા શામિલ બનેલા કહેવાતાઓને તેમણે છ છ મહિનાની ટીપ આપી.

બાઈને પહેરેગીરો પાટનગર ઇન્દ્રપુરની જેલમાં લઈ ચાલ્યા ત્યારે એને પૂછવામાં આવ્યું : "તારો છોકરો કેટલી ઉંમરનો છે?"

"મને નથી યાદ."

ન્યાયાધીશે ફોજદારને પૂછ્યું :"તમને કેવડોક લાગે છે ? દેખાવે તો જબ્બર છે."

ફોજદારે અમરચંદ શેઠને પૂછ્યું:

"શેઠ ડાયું માણસ છે. એનું ધ્યાન વધુ પહોંચે. કેવડીક ઉંમર, હેં શેઠ ?"

"ચાર વરસ તો દેખાય જ છે. પછેં એક વધુ કે એક ઘટુ, પણ છોકરો છે જબરો - સમજણો બહુ છે."

"હેં બાઈ, છોકરો સમજી શકે છે બધું ?"

તેજુને આ પ્રશ્નોના પાછલા રહસ્યની સમજ નહોતી, છોકરાની તારીફ સાંભળીને તે અટવાઈ ગઈ. એણે કહ્યુંઃ "ઘણો સમજણો છે, સા'બ ! હજી બોલતો નથી બહુ, પણ સમજે છે બધુંય."

"ત્યારે એને જેલમાં લઈ જવાની જરૂર નથી, બસ."

"ક્યાં સોંપું?" ફોજદારે પૂછ્યું.

"એના બાપને." ન્યાયાધીશ જાણીબૂજીને જ બોલ્યા. અમરચંદ શેઠે એના 'પૂડલા'નો કશો જોગ કર્યો નહોતો. એણે જોયું કે અમરચંદ શેઠના ચહેરા પરથી વિભૂતિ ઊડી ગઈ.

"એનો બાપ છે કે ?"

"છે." તેજબાઈના એ ટૂંકા જવાબે અમરચંદ શેઠનું કલેજું લગભગ બહાર ખેંચી કાઢ્યું.

"કોણ ? ક્યાં છે ?" ન્યાયાધીશે એ શેઠના કલેજા પર છૂરી ઉગામી. શેઠે કોઈ ન ભાળે એ રીતે ન્યાયાધીશ પ્રત્યે હાથ જોડ્યા.

"ધરતી એની મા છે,ને આભ એનો બાપ." તેજબાઈના જવાબે ડૂબતા શેઠને કિનારે કાઢ્યા.

"આ નીચ વરણ છે, સાહેબ !" ફોજદારે ખુલાસો કર્યો. "એને છોકરાં આભમાંથી વરસે. એનાં બાળકોને બાપની જરૂર ન હોય. એ લોક મંત્ર જાણે."

"ખરું છે, ફોજદાર સાહેબ, ખરું છે હે-હે-હે !" ન્યાયાધીશે દાંત કાઢયા એટલે અમરચંદ શેઠને મોંએ પણ પાકા જમરૂખ જેવો મલકાટ ઝૂલવા લાગ્યો.

પણ અમરચંદ શેઠની ફાંગી આંખ એ બાઈની આંગળીએ વળગેલા હેબતાઈ ગયેલા છોકરા તરફ હતી. એના અંતરની પળેથી અવાજ ઊઠ્યો, લઈ લે, તારા સાચા વારસદારને સ્વીકારી લે. વાણિયાના પેટે આવો ગોરો, આવો રૂપાળો દૂધમલિયો બાળક નહિ પાકી શકે.

"એને ઇન્દ્રનગરનાં અનાથાશ્રમમાં મુકાવશું. આ બાઈની 'ક્રિમિનલ ટેન્ડન્સીથી' -ગુનાહિત પ્રકૃતિથી - એને બચાવવાની ન્યાયની ફરજ છે." એટલું કહીને ન્યાયાધિકારીએ કચેરીનું વિસર્જન કર્યું. અને આ નાનકડી પૃથ્વીમાંથી સૂર્ય અસ્તાચળે સર્યો ત્યારે એ આલીશાન રાજ્યાલયને પણ ક્ષુદ્ર માનવીઓ ખાલી કરીને પૂડલા, પેંડા અને ચાના પરાયા-પરાણે માગી લીધેલા રસાસ્વાદ તરફ ચાલી નીકળ્યા. ને એ મહેફિલમાં મુખ્ય વાર્તાલાપ આ હતોઃ 'બાઈ પણ ભારે પૅક નીકળી, ભાઈ !"

અમરચંદ શેઠની ઘોડી પાછળ વળી ત્યારે સાઠ વર્ષનું એનું કસાયેલું શરીર પશુને વધુ બોજાદાર લાગ્યું. શેઠ ઘોડીની પીઠ પર ચીભડાંની ફાંટની માફક લદાયા હતા - બેઠા નહોતા.

બ્રાહ્મણો સનાતન ધર્મની વિજય-પતાકા જેવાં ફાળિયાં ફરકાવતા પાછા ફર્યા ને ફોજદાર સાહેબે ઘોડાગાડી લઈ ગામડામાં ફેરો માર્યો.