લખાણ પર જાઓ

વાર્તાનું શાસ્ત્ર

વિકિસ્રોતમાંથી
વાર્તાનું શાસ્ત્ર
ગિજુભાઈ બધેકા
૧૯૨૫




વાર્તાનું શાસ્ત્ર


(ખંડ પહેલો-બીજો)





ગિજુભાઈ










સંસ્કાર સાહિત્ય મંદિર

પાંજરાપોળ પાસે, પોલિટેકનિક

અમદાવાદ ૩૮૦ ૦૧૫


VARTA-NUN SHASHTRA : by Gijubhai Badheka
First edition 1925, Present edition 2001
Published by Sanskar Sahitya Mandir,
Ahmedabad-15



આવૃત્તિઓ : ૧૯૨૫, ૧૯૩૭, ૧૯૮૫
પુનર્મુદ્રણ : ૨૦૦૧


પૃષ્ઠસંખ્યા : ૧૪+૨૯૦


કિંમત : રૂ. ૧૫૦.૦૦




પ્રકાશક
સંસ્કાર સાહિત્ય મંદિર
પાંજરાપોળ પાસે, પોલિટેકનિક,
અમદાવાદ ૩૮૦ ૦૧૫



મુદ્રક
ભગવતી ઑફસેટ
૧૫/સી, બંસીધર એસ્ટેટ,
બારડોલપુરા,
અમદાવાદ-૩૮૦ ૦૦૪





નિવેદન


ગુજરાત ઉપર સ્વ. ગિજુભાઈ બધેકાનું અમીટ ઋણ છે. વીસમી સદીની ત્રીશીના દાયકા અગાઉના અને એ પછીના શિક્ષણમાં/અધ્યાપનમાં ક્રાંતિકારી પરિવર્તન છે, અને એને માટે વધારેમાં વધારે યશ ગિજુભાઈને ઘટે છે. અગાઉના ‘સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે રમઝમ’ના હિંસક શિક્ષણ સિદ્ધાંતને સ્થાને બાળકને પ્રેમ, સ્નેહ, સમજાવટ, સહાનુભૂતિ, હળવાશ, રસમયતા અને સંવેદનશીલતા સાથે ભણાવવાના આગ્રહો કેળવાયા તેને માટેનો પાયાનો પરિશ્રમ ગિજુભાઈએ કર્યો હતો. એમણે ખૂબ વાંચ્યું, વિચાર્યું, અમલમાં મૂકી જોયું, અને ભણતરની ઉત્તમ તરાહો તારવી આપી. એમણે પોતાના જેવા અન્ય અનેકને તૈયાર કર્યા, કેળવ્યા, હૂંફ આપી અને પોતાના પ્રયોગો સીમિત ન રહેતાં દૂર દૂર સુધી વિસ્તરે એને માટેના પ્રયત્નો કર્યા.

પોતાના આ યુગપરિવર્તનકારી કાર્યને મિષે એમણે ઘણું લખવાનું પણ બન્યું. અને એમણે એ લખ્યું તે સારું જ થયું; કારણ કે એથી એમનાથી સ્થળ-કાળની રીતે દૂર એવાં અનેકોને પણ એમના વિચારોનો લાભ મળ્યો છે તથા મળતો રહેશે. એમનાં પુસ્તકોમાં શિક્ષણચિંતન અને જીવનચિંતન નિરૂપિત છે. એ

સાહિત્ય વધારે ને વધારે વાચકો સુધી પહોંચે એ માટે અમે એના પુનર્મુદ્રણનો આ પ્રયાસ કર્યો છે.

ગિજુભાઈએ જેવા શિક્ષકની અને શિક્ષણની અને શાળાની અને સાહિત્યની ભાવના સેવી હતી એવું સર્વત્ર બનેલું હજુ જોઈ શકાતું નથી. ઘણી ઘણી ઊણપો છે. આ માટે શિક્ષકની નિષ્ઠાને જ નહિ, કદાચ વાતાવરણ, સાધનો, સંચાલનો અને સત્તાનીય ઊણપો જવાબદાર હશે. પરંતુ આપણે પ્રયત્ન જારી રાખવા રહ્યા. આદર્શ શિક્ષણ અને એમાંથી સર્જાતો આદર્શ માનવી – એ લક્ષ્ય સાધવામાં ગિજુભાઈનાં પુસ્તકો શ્રેષ્ઠ ફાળો આપી શકે એમ છે. આવાં ઉત્તમ પુસ્તકો પ્રગટ કરતાં અમે સામાજિક ઋણની અદાયગીનો સંતોષ અનુભવીએ છીએ.

–પ્રકાશક
 






રહસ્ય

ઋષિઓ અને સાધુઓ જનસંપર્કથી દૂર જંગલમાં જઈને વસે છે. ભક્તો એમની પાસે પહોંચી ત્યાં વસ્તી કરે છે. ધીમેધીમે ત્યાં બજા૨ જામે છે અને તે સ્થાન યાત્રાળુઓને સુલભ થઈ જાય છે. નિસર્ગપ્રેમી સાધુઓ તે સ્થાન છોડી ફરી આગળ જાય છે અને નવું જંગલ શોધી ત્યાં વાસ કરે છે. જંગલનો પ્રદેશ આવી રીતે ધીમેધીમે માણસને કબજે આવતો જાય છે.

જ્ઞાનના ક્ષેત્રનું પણ એમ જ છે. પ્રતિભાવાન, ક્રાન્તદર્શી અથવા અગમબુદ્ધિ જ્ઞાનવીરો, અનુભવના, વિચારના અને કલ્પનાના નવા નવા પ્રદેશો અથવા સાધનો શોધી કાઢે છે અને માનવી બુદ્ધિને દિંગ કરી નાખે છે. ધીમેધીમે એમનો શિષ્યસમુદાય प्रणिपातेन, परिप्रश्नेन અને सेवया તેમનું જ્ઞાન શીખી લે છે. ધીમેધીમે તેમાં ચીલા પડે છે, તેના વિભાગ થાય છે અને ધીમેધીમે જે વસ્તુ એક કાળે પ્રતિભા અથવા ઈશ્વરી પ્રસાદ મનાતી હતી તેનું સુવ્યવસ્થિત શાસ્ત્ર બની જાય છે. તેની અપૂર્વતા અને અદ્‌ભુતતા નષ્ટ થાય છે, નિયમનું સામ્રાજ્ય તેના પર વિસ્તરે છે અને છેવટે સાર્વત્રિક અધ્યયનનું તે એક આવશ્યક અંગ બને છે.

આટલું થયા પછી માણસની વિજ્યલોલુપ પ્રતિભા

એથીયે આગળનું ક્ષેત્ર શોધી કાઢે છે અને થોડા દિવસ સુધી આ નવું જ્ઞાન પ્રતિભા – geniusનું ક્ષેત્ર મનાય છે. આવો ક્રમ અનાદિકાળથી ચાલતો જ આવેલો દેખાય છે.

કવિતાનું શાસ્ત્ર થાય જ નહિ એમ એક કાળે મનાતું. સૌંદર્યશાસ્ત્ર અને કલાની ખૂબીઓ સહૃદય માણસ આપોઆપ સમજી શકે છે, એમાં બીજાને કંઈ શીખવવાનું હોય જ નહિ, એમ પણ મનાતું. અરે, રસોઈનું પણ શાસ્ત્ર થાય નહિ ! નાનપણમાં એક વાર્તાના મંગલાચરણ તરીકે મેં નીચેનું વચન સાંભળ્યું હતું :

“रागी बागी पागी पारखी और न्याव ।
इन पंचनको गुरु है पर उपजत अंगस्वभाव ॥”

વાર્તાકારનો ભાવ એ હતો કે ગાયન, બાગાયત, ઘોડઉછેર, રત્નની પારખ અને ન્યાય એ પાંચ ધંધામાં ગુરુ પાસેથી કંઈક શીખી તો શકાય છે, પણ આખરે તો માણસની અંદર જ એવું કંઈક હોય છે જે અપાય પણ નહિ અને લેવાય પણ નહિ. બિચારા વાર્તાકારને આમ બોલતી વખતે ખ્યાલ સરખો પણ નહિ આવ્યો હોય કે સરસ્વતીનું વરદાન ગણાતા એના વાર્તાકથનના ધંધાનું પણ એક કાઠિયાવાડી અધ્યાપક શાસ્ત્ર બનાવી દેવાના હશે !

શિક્ષકની કળા સાચું જોતાં ‘उपजत अंगस्वभाव’ છે ખરી, છતાં તેના એક એક અંગનું કરતાં આખી શિક્ષણકળાનું શાસ્ત્ર થઈ ગયું છે. સ્વચ્છંદ-વિહારિણી વાર્તા એક વિચિત્ર મુહૂર્તે કેળવણીની મદદમાં ગઈ એટલે શિક્ષકના હાથમાં સપડાઈ, અને તેનું પણ શાસ્ત્ર બની ગયું.

આ ‘વાર્તાનું શાસ્ત્ર’ એકલા શિક્ષકોને જ ઉપયોગી નથી. ગ્રંથકારો, સાહિત્યાચાર્યો, ભાટચારણો, હિરદાસપુરાણીઓ અને નાટકકારો સૌને હવે પછી આ ‘વાર્તાનું શાસ્ત્ર’ વાંચ્યા વગર છૂટકો નથી. વાર્તાકથનપટુ માણભટો અને બારોટો, શિક્ષકો અને ઉપદેશકો, મુસાફરો અને બાવાઓ બધા જ એમાં પોતાની ખૂબીઓ સ્પષ્ટ શબ્દોમાં, સૌ સમજી શકે એવા રૂપમાં વર્ણવેલી જોઈ રહસ્યસ્ફોટ (Trade-secret) ઉઘાડું પાડ્યા માટે શાસ્ત્રકાર પર ચિડાશે. પણ સાથે સાથે નવી નવી કીમતી સૂચનાઓ આપવા માટે મનમાં તેમનો પાડ પણ માનશે.

વાર્તાના શાસ્ત્ર ઉપર અંગ્રેજીમાં કેટલીક સારી ચોપડીઓ છે. ગિજુભાઈ જો તેનો ખાલી તરજૂમો કરત તો મને નથી લાગતું કે ગુજરાતી ભાષા અથવા તેમના પ્રિય શાસ્ત્રની કાંઈ પણ સેવા થાત. ‘उपजत अंगस्वभाव’ને ઓપ ચઢાવી તેઓ પોતે વાર્તાપ્રવીણ થયા; અનેક સાહિત્યોનું અવગાહન કરી પોતે વાર્તાવારિધિ બન્યા, અને પછી જ તેઓ આ ‘વાર્તાનું શાસ્ત્ર’ લખવા બેઠા છે. આ સ્વતંત્ર પ્રયત્ન હોઈ સ્વતંત્રતાનાં સર્વ લક્ષણો એમાં દેખા દે છે. શરૂઆતનાં પ્રકરણોમાં શાસ્ત્રીય પદ્ધતિની કંઈક જડતા જડી આવે છે. પણ વિવરણ જેમ આગળ જાય છે તેમ તેમ પ્રપાતની પેઠે તેનો વેગ વધતો જાય છે. વાર્તાશાસ્ત્રનાં બધાં અંગઉપાંગોનાં પ્રદેશોમાંથી પસાર થતાં લેખકની ભાષાશૈલી એવી તો ખીલે છે કે આપણે ખરેખાત વ્યાખ્યાન જ સાંભળતા હોઈએ એવું લાગે છે.

આ ગ્રંથની મુખ્ય ખૂબી તો તેના ઉત્સાહમાં છે. ગુજરાતી સાહિત્યના સુંદર નમૂના તરીકે શોભે એવી

કેટલીયે કંડિકાઓ (પૅરેગ્રાફ) આમાં જડે છે. તે બધાનો અહીં ઉલ્લેખ કરવા જતાં દ્વિરુક્તિ થાય એ બીકથી જ તેમ કરતાં અટકવું પડે છે. વાર્તાનું શાસ્ત્ર શીખવાની ઇચ્છા ન હોય એવા સામાન્ય વાચકને પણ આ ગ્રંથ વાંચતાં ખૂબ રસ પડે એમ છે. શાસ્ત્ર શબ્દથી જ ભડકી ઊઠીને, આમાં તો નીરસ ડાચાકૂટ હશે એમ જો કોઈ ધારે તો તેનું દુર્દૈવ જ ગણાવું જોઈએ.

ગિજુભાઈની લગભગ દરેક કૃતિની મેં પ્રસ્તાવના લખી છે. તે ઉપરથી ગિજુભાઈ પ્રત્યેનો મારો પક્ષપાત તો સિદ્ધ છે જ. પક્ષપાતના ટકા બાદ કર્યા પછી પણ હું નિઃશંકપણે કહી શકું કે ‘વાર્તાનું શાસ્ત્ર’ રચવામાં ગિજુભાઈ સફ્ળ નીવડ્યા છે અને શિક્ષણશાસ્ત્રના સાહિત્યમાં તેમણે કીમતી ઉમેરો કર્યો છે. માણસ શિક્ષક થયો એટલે કેટલી દૃષ્ટિએ તેણે વિચાર કરવો જોઈએ એનો પણ સરસ ખ્યાલ આ ચોપડીમાંથી અધ્યાપકોને મળશે.

દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
 






“પળે પળે નાનાં બાળકોમાં વસતા મોટા આત્માનું હું દર્શન કરું છું. એ દર્શન મારામાં એ પ્રેરણા ઉપજાવી રહ્યું છે કે બાળકોના અધિકારોની સ્થાપના કરવાને જ હું જીવતો રહું અને એ કામ કરતાં જ હું મરી ખૂટું.”

– ગિજુભાઈ
 




બે બોલ

લગભગ એક મહિને આજે હું આ પુસ્તક પૂરેપૂરું લખી રહ્યો.

આ પુસ્તકમાં મેં મારો વાર્તાકથનનો છેલ્લાં દસ વર્ષનો અનુભવ અને વાર્તાશાસ્ત્ર ઉ૫૨ મારા વાંચવામાં જે આવ્યું છે તેનો સાર યથાશક્તિ યથામતિ આપવા પ્રયત્ન કરેલ છે.

એક ગ્રંથકાર લખે છે કે, “હર કોઈ પુસ્તક બહાર પાડ્યા પછી પાંચ જ મિનિટે જૂનું થઈ જાય છે.” અત્યારે આ પુસ્તક સંપૂર્ણ છે એમ લખવાની ધૃષ્ટતા કરું તોપણ આવતી કાલે તેમાં ઉમેરવાનું ઘણું નીકળશે એમ હું માનું છું. પણ એનું જ નામ શાસ્ત્ર અને એથી જ આ પુસ્તક અપૂર્ણ રહ્યું હોય તોપણ મને સંતોષ છે.

પ્રત્યેક શિક્ષક, માબાપ અને વાર્તા કહેનાર આ પુસ્તક એક છેડેથી બીજા છેડા સુધી ધ્યાનપૂર્વક વાંચી જશે તો તેમણે લીધેલો શ્રમ નિષ્ફળ નહિ જાય એવી આશાથી હું વિરમું છું.


શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિર
ગિજુભાઈ
 
ભાવનગર, ઈ.સ.૨૦-૧૧-૧૯૨૩
 


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૫ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1965 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.