વેણીનાં ફૂલ/ઉભાં રો' રંગવાદળી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
વેણીનાં ફૂલ
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૮

ઊભાં રો! રંગ વાદળી


(ઢાળ – સોના ઈંઢોણી રૂપા બેડલું રે,
નાગર ! ઉભા રો’ રંગ રસિયા)


લીલા છે મોર, કાળી વાદળી રે
એક વાર ઊભાં રો, રંગ વાદળી !

વરસ્યા વિણ શાને વહ્યાં જાવ રે
એક વાર ઊભાં રો, રંગ વાદળી !

ઝૂરે બપૈયા; ઝૂરે ઝાડવાં રે, –એક વાર૦
તરસ્યાં નદીયું તે કેરા તીર રે –એક વાર૦

ઝાઝા દા’ડાના દીધા વાયદા રે –એક વાર૦
બેઠાં આશાએ બાર માસ રે –એક વાર૦

ઊંચા આકાશની અટારીએ રે –એક વાર૦
ઊભાં શાને વિખેરી વેણ્ય રે –એક વાર૦


ઓઢી છે ઈન્દ્ર–ધનુ ઓઢણી રે –એક વાર૦
મેલ્યા બે છેડલા ઢળંત રે –એક વાર૦

આષાઢી બીજની આડ્યો કરી રે –એક વાર૦
તારાની ટીલડી લલાટ રે –એક વાર૦

કાંડે તે વીજ કેરી કાંકણી રે –એક વાર૦
વાદળ–ગંગાનો ગળે હાર રે, –એક વાર૦

લાંબા તે કાળની વિજોગણી રે, –એક વાર૦
કાઢો છો કેને કાજ દોટ રે –એક વાર૦

જળ રે દેવીની તમે દીકરી રે, –એક વાર૦
દાદા રૂડા તે રવિ ભાણ રે –એક વાર૦

જનનીની પ્રીત ક્યમ વીસર્યાં રે –એક વાર૦
દાદાના તાપ શે સે’વાય રે? –એક વાર૦

આવો, આકાશની અધીશ્વરી રે, –એક વાર૦
પૃથ્વીનાં પંખીડાં પોકારે રે, –એક વાર૦

ટાંપી ટાંપીને મોર ટૌકીયા રે –એક વાર૦
આવો અમીની ભરેલ બ્હેન રે –એક વાર૦


🙖