વેણીનાં ફૂલ (કાવ્ય સંગ્રહ)/દોસ્ત હાલો!

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
વેણીનાં ફૂલ (કાવ્ય સંગ્રહ)
દોસ્ત હાલો!
ઝવેરચંદ મેઘાણી


હાં રે દોસ્ત હાલો દાદાજીના દેશમાં,
એ...પ્રેમસાગર પ્રભુજીના દેશમાં
હાં રે દોસ્ત હાલો દાદાજીના દેશમાં.

મધુર મધુર પવન વાય,
નદી ગીતો કૈં ગાય,
હસી હોડી વહી જાય,
મારા માલિક રાજાજીના દેશમાં, - હાં રે દોસ્ત૦

સાત સાગર વીંધીને વ્હાણ હાલશે,
નાગકન્યાના મ્હેલ રૂડા આવશે,
એની આંખોમાં મોતી ઝરતાં હશે,
હાં રે દોસ્ત હાલો મોતીડાંના દેશમાં, - હાં રે દોસ્ત૦

સાત વાદળ વીંધીને વ્હાણ લૈ જશું,
ત્રીસ કોટિ તારાની સાથ ખેલશું,
ચંદ્ર સૂરજ ખીસામાં ચાર મેલશું,
હાં રે દોસ્ત હાલો ચાંદરડાંના દેશમાં, - હાં રે દોસ્ત૦

સમી સાંજે દાદાને દેશ પ્હોંચશું,
એના પાંખાળા ઘોડા ખેલાવશું,
પછી પરીઓને ખોળે પોઢી જશું,
હાં રે દોસ્ત હાલો પરીઓના એ દેશમાં, - હાં રે દોસ્ત૦

ભલે હોય ઘણું તાણ,
ભલે ઊઠે તોફાન,
આજ બનશું બેભાનમ્
થવા દાખલ દાદાજીના દેશમાં. - હાં રે દોસ્ત૦