વેવિશાળ/૧૭. તાલીમ શરૂ થાય છે

વિકિસ્રોતમાંથી
← ૧૬. બોલ્યું ચાલ્યું માફ કરજો વેવિશાળ
૧૭. તાલીમ શરૂ થાય છે
ઝવેરચંદ મેઘાણી
૧૮. નહીં છોડું →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


17

તાલીમ શરૂ થાય છે


ફુઆની ઘણી રાહ જોયા પછી, એ આવે ત્યારે જમાડી લેવાનું પાડોશીને કહી, ખુશાલે સુખલાલને પોતાની સાથે પોતાના ઘરાક-લત્તાની પિછાન કરાવવા ઉપાડ્યો. નાનકડી હાટડી પર જઇ તાળું ખોલતાં પહેલાં ખુશાલે હાટડીના ઉંબરે હાથ લગાડી લગાડી ત્રણ વાર આંખોને અડકાડ્યો ને પછી તાળું ખોલતો ખોલતો એ કહેતો ગયોઃ "સારા પ્રતાપ આ હાટડીના. બાર મહિના સુધી એણે મને સંઘર્યો'તો. ઓરડી રાખવાનું ભાડું કયા ભાઈના ખીસામાં હતુ! ને ભાડું થયું તે દીય કયો ભાઈ ગૃહસ્થીના માળામાં વાંઢાને ઓરડી દેવાનો હતો ! આંહીં જ સૂતો ને આંહીં જ ખાતો.

'આંહીં સૂતો,' એ શબ્દો બોલાયા ત્યારે હાટડી ઊઘડી હતી ને ખુશાલ એક પાટીવાળા (વૈતરા)ના સૂંડલામાં વાસણો મૂકાવતો હતો. સુખલાલે જોયું કે આ હાટડીમાં પહોળાઈ એ લંબાઈએ પાંચ ફૂટનો આદમી સૂવાની સ્થિતિમાં પૂરો સમાય તેટલી જગ્યા નહોતી.

"આંહીં સૂતા?" એણે અજાયબ બનીને પૂછ્યું.

"ટૂંટિયાં વાળીને સૂઇ શકાતું. બે વાર ચોરી થઈ ગઈ. કોઈને ત્યાં સૂઈ જવું પોસાય? ટૂંટિયાં વાળ્યાં હોય એટલે સૂતાંના સૂતાં ને જાગતાના જાગતા! ટૂંટવાઈ જાયેં તો ચાર દોઢિયાં ચોપાટીના વેફરામાં ફગાવી નાખીએ, ભાઈ; ચંપી તો ચીજ છે ચીજ! એકલવાયા આદમીની મા કહેવાય ચંપી મુંબઇમાં તો."

"હવે ચોરી નથી થતી?"

"લે, જવાબ દે આને, ઓ તાત્યા!" કહેતે કહેતે ખુશાલે સુખલાલ સામે આંખનો મિચકારો માર્યો.

પાટીવાળાના મોં પર નાની છોકરીના જેવી શરમની છાયા પડી ગઇ. એણે પોતાની ભાષામાં જે ગોટો વાળ્યો તે પરથી સુખલાલ આટલો ભાવ તો પકડી શક્યો કે 'આની ચીજો ચોરતાં પહેલાં વિઠોબા મને આંધળો ભીંત જ કરે! હું મોટર ખટારામાં ચગદાયેલો તે દિવસે મારી સારવાર આ શેઠે જ કરેલી. મને ભાત ભેળો પણ એ જ કરે છે. એના તો ઘણા ઉપકાર.'

"બસ, ચલા!" કહી ખુશાલે ટોપલો ઊપડાવવા માંડ્યો.

"નહીં શેઠ, હજી વજન નથી થયું. જાસ્તી વાસણ મૂકો." ઘાટીવાળાએ સામેથી વધુ બોજ માગ્યો.

"હવે, મરી રહીશ ઠાલો ! ને આજે તો થોડુંક જ રખડવું છે." કહીને ખુશાલે ટોપલો પાટીવાળાના શિર પર ચડાવ્યો, ઉપર ત્રાજવાં ને તોલાં મૂક્યાં.

ધોળે દિવસે પણ જે લતા બીકાળા લાગે, મુંબઈમાં ને મુંબઈમાં જે લત્તાઓ પાંચસો માઈલ દૂરના પરદેશી પ્રદેશો લાગે, એકાદ ચહેરો પણ જ્યાં પરિચિત રેખાઓવાળો ન મળે, પ્રત્યેક મોં પર જ્યાં વાત વાતમાં હુલ્લડની પ્યાસ ડોકિયાં કરતી લાગે, એવા દેશી લત્તામાં ને પરદેશી લત્તામાં આગળ આગળ ચાલતા ખુશાલભાઈનો કંઠ કોણ જાણે કેવીય જુક્તિ કરીને વિચિત્ર જાતના અવાજો કાઢતો ગયોઃ"ડેગ્ચી! ડે...ગ્ચી! હાં...ડી! હાં...ડી!"

કોઈને 'ચાચા' તો કોઈને 'ખાંસા'બ'કહીને બોલાવતો, કોઇને સલામ આલેકૂમ કહી અદબ કરતો ને કોઈ બીજાને 'ક્યું રે મિયાં ઠેઠણેંઠે' જેવા ઠેકડીના બોલે બોલાવી સામેથી 'મહેરબાન ખુશાલભાઇ! અરે યાર! આતે ભી નૈ!' એવા વિનયભર્યા શબ્દો સાંભળતો ખુશાલ જૂના ઘરાકોની મહોબત કરતો ગયો. વગર ઉઘરાણીએ પણ સામે ચાલી કેટલાક ગ્રાહકો એને શરમિંદા શબ્દોમાં કહેતા હતા કે "લડકેકી કસમ, ખુશાલભાઈ! આતે મહિનેમેં પૈસા ચૂકા દૂંગા! ન ચુકાઉં તો તુમેરે જૂતે ઔર મેરા મું!"

"ફિકર નહીં ફિકર, જનાબ!" ખુશાલનો એ જ જવાબ હોય.

સૌને ખુશાલ સુખલાલની પિછાન દેતો ચાલ્યો" "આ મારો નાનેરો ભાઈ છે. હવે પછીથી એ વેચવા નીકળશે. એ આવે ત્યારે બોણી કરાવવાની છે, સમજ્યા?"

"આ લત્તાઓમાં બેધડક ફરવાની એક ચાવી છે, તે તને હું આપી દઉં, સુખા!" એમ કહીને ખુશાલભાઈએ સુખલાલની નજીકમાં જ ઇ કાનમાં કહ્યું: "બાઈ માણસને જાણે જોતો જ ન હો એવો આંધળોભીંત બની જજે. શંકાની નજર પડશે ને, તોય તું જીવતો પાછો નહીં આવ."

વળતાં ખુશાલે હાફકાસ્ટ ખ્રિસ્તીઓના ને યુરેઝિયનોના લત્તા સોંસરો માર્ગ લીધો ને 'ડેગ્ચી ! સૉસપેન ! ફ્રાઈપેન ! એવા તદ્દન બદલેલ સૂરોમાં ટૌકા કાઢ્યા. સુખલાલને તો કૌતુક જ થઇ ગયું ! ઘોઘરા અવાજના ઘૂઘરા ખખડાવતા આ ધિંગા ગળામાં નોખાનોખા નિમંત્રણ-સ્વરોની બંસીઓ ક્યાંથી ને કોણે ગોઠવી હતી?

"યુટેનસીલ, મેમ સા'બ! બેસ્ટ ક્વૉલિટી," એમ કહેતો ખુશાલ એક મકાનની સીડી પાસે ઊભો રહ્યો. સામેથી યુવાન જેવી ગોરી ઓરત સફેદ કપડે ઉતરતી હતી. તેણે 'નો. આજ નેઈ લેના!" એટલા શબ્દો બોલવાની સાથે જ સુખલાલની સામે નજર તાકી: એ સીડીના પગથિયા પર હતી ત્યાં જ એકદમ સ્તબ્ધ થઇ ગઇ. એના મોંમાંથી ચોંકેલા ઊદ્‍ગારો નીકળ્યાઃ "હૂ'ઝ ધિસ! યે કૌન - સ્માર્ટી?"

સુખલાલ પણ તાકી રહ્યો. આ તો નર્સ લીના હતી.

"યુ લિટલ ડેવીલ! (અરે તું દૈત્ય નાનકડા)!" કહેતી એ એકદમ બબે પગથિયે કદમ ભરી નીચે આવી - જાણે લસરતી આવી.

ખુશાલ ખસિયાણો પડી ગયો. અંગ્રેજી ભાષાના "ડેગચી, સૉસપેન, ફ્રાઈપેન, બેસ્ટ ક્વૉલિટી' વગેરે દસેક શબ્દોથી વધુ જ્ઞાન નહીં ધરાવનારો ખુશાલ ઘડીભર તો ભ્રમણામાં પડ્યોઃ "આ શું? સુખલાલને મારવા ધસે છે ? છોકરાની કંઇ દ્રષ્ટિભૂલ થઇ કે શું?'

"તું આંહીં!" નર્સ લીના હેતનાં ઝળઝળિયાંથી છલકતી આંખો લઇ હસતી ઊભી.

"મને કાંઈ જ નથી હવે, નર્સ બાબા!" લીનાને 'બાબા' શબ્દે બોલાવનારા ઇસ્પિતાલના મહેતરો પાસેથી શીખી લીધેલો, પણ આજે પહેલી જ વાર વાપરેલો એ લાડશબ્દ હતો.

"યુ સ્ટુપિડ!" એમ બોલતી લીના શોકાતુર અને રોષિત ચહેરે ખુશાલ તરફ ફરીને બોલીઃ "આને કોણ બહાર લઇ આવ્યું? તમે કોણ છો? તમારે એ શું થાય? એને મારી નાખવા કેમ ફર્યા છો બધા? કમબખ્ત મારા દાક્તરોનો એ અપરાધ હુંકદાપિ નહીં માફ કરું."

"મેમ સા'બ, એ તો મારો નાનેરો ભાઈ છે."

"આજ સુધી એ મરતો હતો ત્યારે તમે ક્યાં છુપાઈ રહ્યા હતા? આંહીં કેમ કાંધ મારવા કાઢ્યો છે એ બચ્ચાને?

"મેમ સાહેબ!" એમ કહીને સુખલાલે પોતાના પેટ પર હાથ પટક્યોઃ "ઇસકે લિયે."

"શું કરીને?"

"યુટેનસીલ બેચીને. આજ તો આપે એની બોણી કરાવવી જોઇએ."

"કમ ઑન! કમ ઑન! ઉપર આવો," એમ કહેતીને પાછી ફરીને સીડીનાં બબે ત્રણ-ત્રણ પગથિયાંને છલાંગોમાં દબાવતી ઉપર ચડી. પાછળ ખુશાલે શરમાતા સુખલાલની બોચી પકડીને "હવે ઝટ આગળ થા ને, છોકરી! લખમી ચાંદલો કરવા..." એ શબ્દો સાથે એને આગળ કર્યો. પાછળ પાટીવાળો ને છેલ્લે પોતે.

નર્સ લીનાએ પોતાનો ખંડ ખોલ્યો; પહેલું જ કામ અંદર ઝટ ઝટ પ્રવેશી જઇને પોતે મેજ પર ગોઠવેલી એક તસવીર પર પડદો ઢાંકી દેવાનું કર્યું.

એ ઢાંકી દીધેલી તસ્વીર ઉપર છાય કરતી મોટી એક માટીની આકૃતિ બાળગોપાળ ઇસુ ખ્રિસ્તને ખોળામાં લઇને ગમગીન બેઠેલી કુમારિકા મેરી મૈયાની હતી. તેની પાસે એક પિત્તળના ત્રિશૂળાકાર સ્ટેન્ડમાં ગોઠવેલી ત્રણ મીણબત્તીઓ જલતી હતી.

"સ્માર્ટી, ઈધર બૈઠો, તુમ ઈધર બૈઠો," એમ કહીને એણ સુખલાલને બરાબર એ ઢાંકેલી તસ્વીરની નજીક જ ખુરશી આપી. મીણબત્તીના ત્રણે દીવા સુખલાલના લલાટ પર અને આંખોની અંદર, જાણે ભર્યા હોજમાં સ્નાન કરવા પડ્યા હોય ને એવી રીતે પ્રતિબિંબિત બની રહ્યા. સુખલાલનું કલેવર ક્ષીણ, છતાં લગભગ પારદર્શક કાચને મળતી એની ચામડી હતી. વીસેક વર્ષનું એનું વય છતાં હજામતને માટે એનું મોં તૈયાર થયું નહોતું. ઓરડામાં આમતેમ ઘૂમીને બારી બારણાં ખોલતી લીનાના મોં તરફ તાકી રહેલું સુખલાલનું મોં ત્રણ દીપકોના પ્રકાશ ઉપરાંત ચોથી એ માનવિદીપિકાની પ્રભાને ઝીલતું હતું, ને તેથી વધુ ગમે એવું લાગતું હતું. ખુશાલ જરા છેટેની ખુરશી પર બુલડૉગની જેવી ઢબે બેઠો બેઠો સુખલાલને નિહાળતો હતો; સુખલાલ ધડીભર તો ખુશાલને પણ નમણો ને ભાવ-નીતરતો ભાસ્યો. લીનાને પણ એ હજુ વણસમજ્યા ભાવે નીરખતો હતો. દાણાના દલાલો થોકબંધ કોથળામાંથી બંબી મારીને વાનગી જોતા હોય છે તેવી જ જડસુ રીતે ખુશાલ પણ લીનાના શીલની જાતને બુધ્ધિની બંબી મારી તપાસતો હતો.

લીનાએ એક જૂની થઇ ગયેલી નેતરની ખુરસી પર બેસીને પછી પૂછ્યુંઃ "પ્રથમ તો મને સમજાવો, આ બધો શો તમાશો છે? હું તો આશ્ચર્ય પામું છું."

ખુશાલભાઈએ આ પાકી 'સાકરટેટી'ની બની શકે તેટલી દળદાર ડગળી કાઢવા તૈયારી રાખીઃ"મારો સગો નહીં, પણ દૂરનો ભાઈ છે. મારો આ વેપાર છે. એમાં એ વેચાણ કરશે તેનો નફો એને રહેશે. હું તો પરિચય કરાવવા નીકળ્યો છું. મેમ સાહેબ, તમારા જેવાનો વસીલો મળ્યા પછી સુખલાલ ન્યાલ ન થઇ જાય શું? એને તો અમારે ઝટ પરણાવવો છે."

"અછા, લાઇએ ઈધર - સ્માર્ટી કે લિયે - યે દો, યે દો, યે રખો, યે-યે-યે."

“ઔર યે ભી મેમસા'બ, સુપીરિયર ક્વૉલિટી: સુખલાલ કે લિયે." ખુશાલભાઈએ પણ વગર કહ્યે ઠામ ઉમેર્યાં ને વજન કરવા ત્રાજવાં ઉપાડ્યાં.

"વઝન નંઈ મંગતા- વઝન ક્યા! અંદાજ બોલો - યે લો." કહીને દસ રૂપિયાની નોટ કાઢી.

"એટલાં બધાં એને જોતાં નહી હોય - જોયે તેટલાં જ વાસણ આપો -"સુખલાલ ડરતો ડરતો, ને ખુશાલભાઈની જડસુ હિંમતથી ગભરાતો ધીરે સ્વરે કહેતો રહ્યો.

તેના જવાબમાં જીભના તદ્દન ગોટા વાળીને આંકડો તૈયાર કરતે ખુશાલે આ શબ્દો ઉચ્ચાર્યાઃ "ડા'પણ વધાર્ય મા! વેપલો એમ ન થાય! આપણે ક્યાં ઠગાઇ કરીએ છીએ? એની ઉલટથી એ લ્યે છે. ને બક્ષિસ કરવી હોય તો તે પણ સુપાત્રે દાન છે."

આ શબ્દો બોલીને ખુશાલભાઈએ કૅશમેમો ફાડ્યો. નવ રૂપિયા ને બે આના થયા. " ચૌદ આના આપકો પીછે દેતા હું."

"નેઈ, કુછ જરૂર નેઈ; સ્માર્ટીકે લિયે, ઇધર ફેર આના. બહુત લોક હમારાવાલા હૈ. હમ સબકે ઘર ઘર લે જાયેગા તુમકો, સ્માર્ટી.""અમે સવારે જ આપની સલામે હોસ્પિટલે ગયા'તા." ખુશાલભાઈએ કહ્યું.

"દિમાગ અછા નેઈ થા," એટલો જવાબ દઈને એણે જલતી દીપિકા તરફ ને તે પછી સુખલાલ તરફ નજર પાથરી. ને એને આગલા દિનની વાત યાદ આવીઃ "અરે સ્માર્ટી! દૂપેર કો તુમ ચલ ગયા, પિછે વો આઈથી - વો તુમારી કૌન થી - કઝિન થી? કિ સેઠાની થી? ઉસકે સાથમેં એક બડી લેડી ભી થી, મેરા તો દિમાગ ચાટ ગઈ. પૂછ પૂછ કર બેજાર કર દિયા, કિ પેશન્ટ કહાં ગયા? દેશમેં ગયા? કિસકે ઘર ગયા? ઉસકા સરનામા નેઈ રખ ગયા? ઔર વો બડી લેડી - મોસ્ટ બ્યૂટીફૂલ મધર - કિતની ખૂબસૂરત મા થી! - બસ નિકાલને લગી પૈસા! હમકો દેને લગી. કાયકો? માલૂમ? બોલે કિ , નરસ સાહેબ, ઇન્સે સુ-ખ-લા-લ કુ સા -રા કર દિયા, હ-ર-ખ-મેં ખ-ર-ચ-જો હો-હો-હો-હો-હો-".

એવું લાંબુંલચ હાસ્ય લીનાના, ગુજરાતી અક્ષરોને ચીપી ચીપી બોલવાના પ્રયત્નને જોડાઈ ગયું.

કોણ હશે એ બન્ને? એકને તો ઓળખી. સુખલાલના દિલમાં હરણફાળ ભરતી લાગણી ધસી. સુશીલા જ હોય, અન્ય કોઈ ન હોય. એટલી કુમાશથી કોઇ બીજું ક્યાં ગયા તેનો પત્તો ન પૂછે. પણ સાથે બીજું કોણ હતું? એની માતા? નહીં એને તો સુખલાલે જોઇ હતી, જરી જરી જાણી પણ હતી, લીનાએ વર્ણવેલું માતૃત્વભીનું રૂપ - અને ધરમાદો કરવા માટે પૈસા કાઢી આપવાની ઉદારતા - એ સુશીલાની જન્મદાત્રીમાં ન સંભવે. મોટાં સાસુ હોવાં જોઈએ. ભદ્રતાની એ ભરયૌવન મૂર્તિ આ જુવાનનાં નેત્રો સામે તરવરી ઊઠી.

લીનાને ઘેરથી નીકળ્યા પછી સારી એવી વાર સુધી સુખલાલ અબોલ રહ્યો. આવી ઊજળી બોણી થયા છતાં એણે ખુશાલી દેખાડી નહીં, આખરે ખુશાલભાઈએ જે ચુપકીદી તોડી: "શુકન કંકુના થયા, હેં સુખા! વેલાને ચડવાની વાડ મળી ગઇ. હવે તારો ગભરાટ માતર ગયો જાણજે. ફક્ત એક મંત્ર ન ભૂલજેઃ નજર ચોખ્ખી હશે તો જગત જખ મારે છે."

ખુશાલના છેલ્લા બોલમાં એના અંતરનો ભયનો ઓછાયો હતો, વણપરણેલી, ગોરી, જીવતા માણસનાં માંસ-ચામડાં ચૂંથનારી ને મળમૂત્ર ધોનારી એક ઇસ્પિતાલની નર્સ , એ જો જુવાન હોય તો ભય જન્માવનારી બને છે એવી ખુશાલની માન્યતા હતી. છતાં આ જૂના વર્ગનો આદમી જે ફિલસૂફી ધરાવતો હતો તે ફિલસૂફી નીરોગી હતી, એણે સુખલાલને કહ્યું કે, "આપણે આંખ ચોખ્ખી રાખીએ એટલે દુનિયા જખ મારે છે." એણે સામા માણસો તરફથી આવતી લાલચોની વાતો કરી નહીં. સ્ત્રીઓ આવા કે તેવા ફાંસલા બિછાવે છે તે પ્રકારનો વિષય છેડ્યો નહીં.આપણે તો પોતે જ સંભાળીને ચાલવું, એવી એ વિચારસરણીમાં એક મજા હતીઃ ફલાણી, ઢીકણી કે લોંકડી બાઈડીઓને નામે નબળી વાતો એ વિચાર તત્ત્વવાળા લોકોનાં મોંમાંથી નીકળી જ શકતી નથી.

"ઇસ્પિતાલે ઈ કોણ બે જણિયું આવ્યાની વાત હતી, હેં સુખા?" સુખલાલે આ પ્રશ્ન પૂછનારા ખુશાલભાઈની સામે શરમાતે મોંએ જોયું. "તારી વઉનીં?"

"મારા મોટાં સાસુ પણ ભેળાં હશે, એમ લાગે છે."

સુખલાલે એ જવાબ વાળતાં વાળતાં, એક રોમાંચ અનુભવ્યો. દુનિયાની એક છોકરીને જરીકે પ્રાપ્ત કર્યા સિવાય, એને સ્પર્શવા કે પૂરી જોવા પણ પામ્યા સિવાય, વાતોમાં પોતાની 'વહુ' તરીકે ઓળખાવી શકાય છે ને મનમાં માની શકાય છે; એ તો નપાવટમાં નપાવટ છોકરાનેય પૃથ્વીથી એક તસુ અધ્ધર ચાલવાની તાકાત દેનાર વાત છે.

"મંદવાડમાં ઊઠ્યો છો તયેં જ ઇ ને સાસુને પગે તો લાગી આવ! ઈ તને ગોતવા ક્યાં આવવાનાં હતા?" ખુશાલે વિનોદ કર્યો.

સુખલાલે નિરુત્તર રહેવું જ પસંદ કર્યું. સાસરિયામાં પોતાના હડધૂત થવાની વાત બેશક પૂરી જાણીતી હશે, છુપાવવાનો પ્રયત્ન કરવાનો નહોતો, પણ પોતાને મોંએથી પોતાની જ અપમાનકથા ન કહેવામાં જે એક સભ્યતા રહેલી છે તે સુખલાલમાં સ્વાભાવિક હતી. પોતાની પામરતાનું ગાન કોઈ પણ દિલસોજ સ્નેહીને અથવા દિલસોજીનો ડોળ કરનાર વિનોદલક્ષી માણસને સંભળાવીને થોડી સહાનુભૂતિની હૂંફ મેળવવાની સુખલાલની પ્રકૃતિ નહોતી. એ વારસો એનાં ગામડિયા માતા-પિતાના સ્વભાવનો હતો. એ મનોદશા શીખવી શીખાતી નથી, ઘડી ઘડાતી નથી.

"પ્રથમ તો સાંભળેલું,” ખુશાલભાઇએ વાત ચાલુ રાખી: "કે છોકરી તો છેલછકેલી હતી, બૂટ્મોજાં પહેરતી ને હાથમાં મઢમછતરી રાખી ફરતી. હમણે હમણે માણસ વાતું કરે છે કે છોકરી તો સારી નીવડી છે."

"આગાઉનીયે ખોટી વાતો..." એટલું જ બોલીને સુખલાલ અટકી ગયો. જેના પર પોતાનો હજુ કશો જ હક નહોતો તેના વતી પણ પોતે શા માટે બચાવ આગળ કર્યો એ પ્રશ્ન એના મનમાં રમ્યો. ઘડી પછી એને જ નવો વિચાર ઊપડ્યો કે પેલા વિજયચંદ્રની થનારી એ કન્યાની સુકીર્તિની મારે શીદ આટલી રખેવાળી કરવી પડે છે? એ મારી નથી થઇ શકવાની, છતાં મનને કોણ એમ ગોખાવ્યા કરે છે કે એ તારી છે, તારી છે, તારી છે?

"તારા બાપા કેમ કાયર થઇ ગયા છે?"

"કાયર?"

"હા, એ તો વેશવાળ મેલી દેવાની વાત કરે છે."

"મેલ્યાં!"

એ શબ્દ સુખલાલ જ બોલ્યો કે બીજો કોઈ, તેની જાણે કે ખાતરી કરવા ખુશાલે સુખલાલની સામે તાક્યું. સુખલાલ બબડતો હતોઃ "શા માટે મેલું?" સુખલાલના મોં પર ધગેલા રુધિરની લાલશ હતી.

"શાબાશ, ભડ!" એટલું બોલીને ખુશાલ અટકી ગયો. રખેને આ હિંમત હજુ કાચી હોય ને કદાચ વધુ તપાવ્યે તરડાઈ બેસે, એ બીકે અબોલ બનેલા ખુશાલે પોતાની હાટડિ નજીક આવી ત્યારે ફરી પૂછ્યું: "ઈ વિજયચંદ્ર કોણ છે?"

"કોણ જાણે."

"આટલા આંટાફેરા ઇ ત્યાં શું કામ ખાધા કરે છે - તારે સાસરે?"

“એને ખબર."

"ઠોંસાવવો જોવે! કોઈ કોઈ વાર એને જોઉં છું, ત્યારે મારા સમ ખાઈને કહું છું કે, એને ઊભો રાખીને બે તમાચા ખેંચી કાઢવાનું ન થાય છે."

સારું થયું કે સુખલાલને પોતને શેનું મન થતું હતું તે ન બોલ્યો, નીકર ખુશાલભાઈ નિશં:ક ક્યાંક ઓડી બાંધત.

બાકી રહેલાં વાસણો પાછાં હાટડીમાં ગોઠવતે ગોઠવતે ખુશાલે આવા થોડાક કડક શબ્દો કહ્યા કર્યા, ને પછી ગજવામાંથી રૂપિયા કાઢી પાટીવાળાને "ઊઠાવ, ચાલ" કહી એક રૂપિયો આપ્યો, ને આ લે તારી કમાઈના સુખા!" કહી સુખલાલની સામે પાંચ રૂપિયા ધર્યા.

"હમણાં રાખો. બાપાને પૂછીને."

"નહીં, વાંસે લટાકો નહીં, બાપાને પૂછવાનું નથી. આ લે, ને ભડ રહેજે!" ખુશાલભાઈએ સુખલાલના ગજવામાં જોરાવરીથી રૂપિયા નાખી દીધા.

ઓરડી પર પહોંચ્યા ત્યારે સુખલાલના પિતાને બેઠેલા દેખી ખુશાલે લલકાર કર્યોઃ "કાં ફૂઆ, દીકરો તમારી ખાંપણનો વેંત કરીને જ હાલ્યો આવે છે, હોં કે! પહેલે જ ભડાકે તમને મસાણમાં પોંચાડવા જેટલો પાવરધો બની ગયો છે સુખો! સમજ્યા ફુઆ?"

"તો હાઉં, ભાઈ!" સુખલાલના પિતાએ ઉદાર હાસ્ય કર્યુંઃ "આપણું તો ખોળિયું કાગડા-કૂતરા ન ચૂંથે એટલે જગ જીત્યા."

"પણ આમ લૂગડાં પેરી કરીને કેમ બેઠા છો?" નિરાંતવા થાવ."

"હવે નિરાંતવા થાશું રેલગાડીમાં."

"કાં?"

"અટાણે જ દેશમાં ઊપડવુ છે."

"ગાંડા થાવ મા."

"બીજી વાત કરવાની જ નથી, ખુશાલભાઇ! મને હવે આંહીં શરીરે નરવાઈ નથી રે'તી; ઝટ ભાગવું છે."

"ઠીક! ભાગો ત્યારે. હવે તાણ કરવી નથી. તમારો સુખો આજથી રળતો થઇ ચૂક્યો છે. ભે રાખ્યા વગર ભાગો. વાળુ કર્યું?"

"વાળુ માટે પેટમાં જગ્યા નથી, ખુશાલ!" એમણે બુલંદ ઓડકાર ખાધો. આબરૂ- પોતાની તેમ જ સામા માણસની - સાચવવા માટે ધાર્યો ઓડકાર ખાવાની વિદ્યા જૂની છેઃ વગર ઊંઘે બગાસાં ખાઈને લપ્પી મુલાકાતિયાને ઝટપટ ઊભો કરવાની કળા જેવી જ એ એક આબાદ કરામત છે.

"વેવાઈને ઘેર બાપડાએ હાથ પકડી પકડી પીરસ્યું. ને મારે રહી થાળી ધોઈને પીવાની બાધા. ઠાંસવું પડ્યું. ઓ...હિ...યાં!"

"ઠીક, ઈ કામ સોળ વાલ ને એક રતી કર્યું.! વીવા સમજી લીધા લાગે છે. મને તો એમ હતું કે વેવાઈ આડોડાઇ કરશે. ફતે કર્યું, ફુઆ! હાલો તયેં, લ્યો હું ગાડી કરીને આ આવ્યો."

ખુશાલ પાણીના રેલા પેઠે નીચે ઊતરી ગયો. તે પછી પિતાએ એકલા રહેલા પુત્રને પાસે બેસાડ્યો ને કહ્યું: "ચાલ દેશમા."

"નથી આવવું. ધંધે ચડી ગયો છું."

"ધંધામાં ધ્યાન નહીં રીયે, દીકરા, ને હું ઠીક કહું છું, હાલ્ય, દેશમાં ધંધો કરજે."

"પણ શા માટે ધ્યાન નહીં રીયે ધંધામાં?"

"સાંભળ, કઠણ છાતી રાખીને સાંભળ. હું તારો દુશ્મન નથી.તારો બાપ છું. તારું ભલું ચાહું છું. એટલે જ મારે આજે ફારગતી કરી આપવી અડી છે."

"કોને? શેની?"

"શેઠના કુટુંબને, તારા વેશવાળની!"

સુખલાલ સુનમુન થયો. પિતાએ વધુ સ્ફોટ કર્યોઃ

"મેં શાંતિથી નિકાલ કર્યો છે, કેમ કે એની તો ભવાડો કરવાની તૈયારી હતી.તુંને કોઈ દાક્તર પાસે તપાસાવેલો ખરો?"

"ના!" સુખલાલ આભો બન્યો.

"તયેં એણે છેવટ સુધીની બનાવટ કરી મૂકી'તી! તને પુરુષાતન વગરનો ઠરાવનારું દાક્તરી સર્ટિફિકેટ એની પાસે છે. મને બતાવીને કહ્યું કે કાં રાજીખુશીથી ફારગતી કરો, નીકર આ બંદુક હું ન્યાતમાં લઇ જઇને ન્યાતમાં જ ઇને ભડાકો કરીશ. દીકરા! તારા આખા જીવતર માથે છીણી બેસતી'તી એટલે મારે કાંડાં કાપી દેવાં પડ્યાં. મારે એ ઘરનો ઓછાયો લેવાય ઊભા નો'તું રહેવું, તેને બદલે જમવા રોકાવું પડ્યું. મેં ધાનના કોળિયા નહીં પણ ઝેરના અંગારા પેટમાં ઉતાર્યા."

"આંહીં સુધી બોલતે બોલતે પિતા થોડી વાર થંભ્યા. પુત્ર પણ હોઠને પલાળતો પલાળતો ધરતી પર જડાઈ રહ્યો. કલેજાને વળેલી કળ ઊતર્યા પછી પિતાએ કહ્યું: "ઈશ્વરની દયા છે. દેશમાં આપણી પાસે દોલત નથી તો આબરૂ તો છે જ ને! આપણે આપણાથીયે ગરીબ ખોરડું ગોતશુ. બે ઠેકાણાં આપણા વળમાં છે; તું ચાલ, વેશવાળ થતાં વાર નહીં લાગે. તારું ઘર બંધાવ્યા વગર હું થોડો જ જંપવાનો છું?

"ના. હવે તો આવવું જ નથી." સુખલાલ જાણે અગ્નિરસ પીતો પીતો બોલ્યો.

"એમ નહીં, તું કન્યા તો જોઈ લે!"

"એ વાત જ કરશો નહીં."

"તજવીજ તો..."

"બિલકુલ ન કરશો."

"ત્યારે?"

"મારી ત્રેવડ થયા પછી જ વાત હવે તો."

"પણ બેટા, લોકોમાં એક વાર ચેરાઈ ગયા પછી આવું કામ બહુ મુશ્કેલ બની જાય છે."

"ફિકર ન રાખજો. મને મારી ત્રેવડ કરવા દ્યો. મારાં બાવડાનાં બળે મને બધું કરવા દ્યો."

સુખલાલના પંજાએ મક્કમ મૂઠીઓ વાળીને પિતા સામે હલાવી. પિતાએ એ પુત્રસ્વરૂપ પહેલી વાર જ દીઠું.