લખાણ પર જાઓ

વેવિશાળ/૩૦. 'સાહેબજી!'

વિકિસ્રોતમાંથી
← ૨૯. પત્નીની જમાદારી વેવિશાળ
૩૦. 'સાહેબજી!'
ઝવેરચંદ મેઘાણી
૩૧. દિયર અને ભોજાઈ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


30

'સાહેબજી!'


તે પછી મોટા શેઠ, નાના ભાઇની વહુએ લાજ કાઢીને પીરસેલી ગરમાગરમ રોટલીઓ જમી કરીને દાંત ખોતરતા ખોતરતા અને ઓડકાર ખાતા ખાતા બોલતા હતા કે "તમારેય વઢવું પડ્યું ના એ બેવકૂફને ! માળો પલીત છે, પલીત ! પડખે એવડો ભાઈ ઊભો હોય તો કેવું જોર રહે કાંડામાં ! - પણ આ પલીતની અક્કલનો કાંઇ વિશ્વાસ રખાય છે ?"

એવું બોલતા બોલતા જેઠજી દીવાનખાનામાં પગ મૂકે ત્યાં તો 'સાહેબજી!' એવું સંબોધન કાને પડતાં ચમકી ઊઠ્યા. બાજુએ જોયું તો વિજયચંદ્રનું નખશિખ ઠાવકું, ફૂટડું, સ્વચ્છ, સ્ફૂર્તિમય, એક લટ અસ્તવ્યસ્ત નહીં, એવું રૂપ નિહાળ્યું.

"સારી એવી વાર થઇ. આપ આજ કાંઇક વિશેષ રુચિથી જમ્યા લાગો છો !"

"હા, આજે મને ઠીક વાર લાગી." પોતે જમતો જમતો ને જમી રહ્યો તે પછી નાના ભાઇની પત્નીને સંભળાવવા જે શબ્દો બોલતો તેનો શ્રોતા કદાચ વિજયચંદ્ર બન્યો હશે, એવું કલ્પવું બેશક અનિવાર્ય હતું, ને અતિશય લજ્જાસ્પદ હતું.

"ઠીક થયું. આપ વખતસર આવી પહોંચ્યા."

"અરે, કાલે પહોંચવું'તું પણ મોટરનો અકસ્માત થયો. લાચાર બની ગયો. તમારો કેસ ચાલી ગયો ને ?"

"ના જી, આજની જ મુદ્ત પડી છે. આપને તેડવા જ આવેલ છું."

"પણ આમાં હું શી રીતે તમને બચાવી શકીશ ?" શેઠની આંખો ઊંચી ચડી ગઇ.

"શું કહું. મારે આપની પાસે એક શબ્દ ખોટો બોલાવવો નથી, તરકટ કરાવવું નથી. ફક્ત આપ બોલો એટલી જ વાર છે."

"શું બોલું ?"

"કે સુશીલાબે'ન સાથે આપે મારું હિંદુ વિધિસર વેવિશાળ કરાવી આપેલ છે, ને આપની મદદથી તો મારે વિલાયત ભણવા જવાનું હતું."

ચંપક શેઠે વાતને ઉડાવવા ફાંફા માર્યાં : "પણ મારા સાહેબ ! તમે તે કાંઇ રાજા છો? કોર્ટને તે અક્કલ હોય કે નહીં ? મને પૂછે કે તમે આબરૂદાર માણસે ઊઠીને આવું ઉતાવળિયું ને ખાનગી જેવું વેવિશાળ શા માટે કરી નાખ્યું !"

"તો આપણી પાસે જવાબ હાજર છે," વિજયચંદ્ર ઠંડીગાર વકીલની તટસ્થતા ધરીને બોલ્યો : "જૂનું વેવિશાળ અમુક કારણસર તોડવું પડેલું. એ કારણો ગુપ્ત હતાં, સામા પક્ષને નુકસાન પહોંચાડે તેવાં હતાં. એટલે એ સામા પક્ષની ફજેતી ટાળવા માટે અમારે તેવું સગપણ છૂપું કરી લેવું પડ્યું, નહીંતર ન્યાતમાં પંચાતિયા નિરર્થક હોહો કરી ઊઠે. આ તો બધું જ હું વકીલને પૂછી કરીને આવેલ છું - આપ ન ગભરાવ !"

બળેલી દીવાસળી લઇને દાંત ખોતરતે ખોતરતે મોટા શેઠે ફરી પાછું મૌન પાળ્યું.

"હું આપની એકેએક મૂંઝવણનો માર્ગ વિચારીને આવેલ છું," એમ કહી વિજયચંદ્રે સામા માણસને ગાળી નાખે તેવા ગદ્ગદ્પણાની મીંડ પોતાના કંઠમાંથી ખેંચતે ખેંચતે કહ્યું : "આજે હું આપને છ મહિના પહેલાં મળ્યો તેવા ઉજ્જવળ મોંએ મળવા નથી આવ્યો. આજે હું વિજયનો નહીં, પૂર્ણિમાનો નહીં, પણ પરાજયનો - અમાસનો ચંદ્ર છું. મારા જીવનમાં મેં જબ્બર ઠોકર ખાધી છે. મારો પગ ભૂલમાં પડી ગયો છે. મારે આપની પુત્રીનું અકલ્યાણ કરવું નથી. એની વેરે લગ્ન કરવાનો અધિકાર લઇને તો હું થોડો જ આપની સમક્ષ આવેલો છું ! હું એ નિર્દોષના જીવનમાં આંગળીચીંધણું રહે તેવું કરવા ઇચ્છું નહીં. આજે તો આપની મદદથી મારો ઉગાર જ શોધું છું. સામા પક્ષની મોટી આબરૂને કારણે આ મુકદ્‌માની તપાસ જજની ચેમ્બરના બંધ બારણે જ થવાની છે. આપની આબરૂ સલામત છે. કહો તો હું આપને લખી આપું કે મારે આપની કન્યા ન જોઇએ. આપ કહેતા હો તો જેવું સર્ટિફિકેટ સુખલાલને માટે દાક્તરે લખી આપ્યું છે, તેવું હું આપને સ્વહસ્તાક્ષરે જ લખીને અત્યારથી આપી દઉં. ને કદાચ જાહેરની માન્યતા મારું સગપણ થયાની હોય તો હું આપણી ન્યાતની પાસે હાજર થઇને એકરાર કરવા તૈયાર રહીશ, કે મારું જીવન કોઇ પણ સ્ત્રી સાથે લગ્નને લાયક નથી, હું કોઇના જીવતર પર છીણી મારવા નથી ચાહતો..."

એટલું કહેતાં કહેતાં વિજયચંદ્રે પોતાની આંખોમાંથી દડ દડ દડ પાણી વહાવ્યાં. એ પાણીની ધારા એનાં ચશ્માંની આરપાર વધુ સુંદર લાગી. અમુક પ્રકારના સૌંદર્યનો આ નિયમ હોય છે : એની શોભા સીધા દર્શનમાં જેટલી પમાય છે, તે કરતાં કોઇક કાચ જેવા પદાર્થની મારફત વિશેષ પામી શકાય છે.

વિજયચંદ્રના ગોરા ગોરા ગાલ પરથી દડતાં આંસુ દેખી એનું પાપકૃત્ય નજરે જોનારો માણસ પણ પોતાને ભ્રમિત માનવા લલચાય; એ પાપાચારી આ નહીં હોય, આપણી જ નજરની ભ્રમણા હશે, એવું કંઇક આપણું દિલ બોલવા લાગે.

"હું આંહીં રહેવાનો પણ નથી. હું મારું કલંકિત મોં આપની પાસેથી છુપાવીને સિલોન, બ્રહ્મદેશ, સુદાન અથવા એડન એટલે દૂર ચાલ્યો જઇશ. હું આ બધો જ એકરાર આપની પાસે લખીને લાવેલ છું. આ લ્યો, મારું માથું આપના હાથમાં મૂકું છું."

એમ કહેતે કહેતે એણે એક સીલબંધ લિફાફો મોટા શેઠની સન્મુખ ધરી દીધો. તેની ઉપર લખ્યું હતું :

'એક આત્માની કથા.'

ચંપક શેઠના મોં પર પોતાની વાણીની અસર થતી દેખીને એણે ચલાવ્યે રાખ્યું :

"મેં તો મારા બે પિછાનવાળા ભણેલા જુવાન જ્ઞાતિભાઇઓને પણ આપનાં પુત્રીને માટે નિરધારી રાખેલ છે. હું તે દિવસ એમની સાથે ટ્રેનમાં દાદર સુધી ગયેલો ત્યારે પણ એ જ મારો હેતુ હતો. મને આપની પુત્રીનો પણ ગેરલાભ લેવાનો ભયંકર વિચાર થઇ આવેલો. હું ઇશ્વરસાક્ષીએ પાપછૂટી વાત કરું છું. એમણે મને જે લખેલું તે હું વટાવવા નીકળું તેટલી નીચતાની હદે ચાલ્યો જાત, પરંતુ પ્રભુએ મને વખતસર ઉગારી લીધો. આપની પુત્રીનું એ લખાણ પણ આ કવરમાં જ છે. સુખલાલ તરફ એમનું દિલ હતું તે પણ ખોટું અનુમાન છે. એમને સુખલાલ પાસે જવાનું કારણ જુદું જ હતું; અગાઉ જે પત્રવ્યવહાર થયો હશે, તેના કાગળો પાછા મેળવવાનું હતું. એ બધું એમના જ હસ્તાક્ષરોમાં આપ આ કવરની અંદર વાંચશો. જોકે હું તો હવે એ કન્યાની લાગણીનો કે આપના છ મહિના સુધીના સદ્ભાવનો લાભ લેવા માગતો જ નથી. હું નાલાયક છું. મેં ઇશ્વરને દૂભવેલ છ," એમ બોલતો બોલતો એ ફરી વાર રડ્યો. "એક વાતે તો આપ ચાલ્યા ગયા તે સારું કર્યું."

"કેમ ?"

"આપનું ખૂન તો નહીં, પણ આપને માથે મરણતોલ માર પડવાની તૈયારી હતી."

"કોના તરફથી ?"

"નામ લેવાની હવે જરૂર નથી."

"તમને કોણે કહેલું ?"

"આપનાં પુત્રીએ."

"ક્યારે ?"

"એમની જોડે હું દાદર સુધી ગયો ત્યારે."

"સુશીલાને ક્યાંથી ખબર ?"

"આગલી રાત્રે ખુશાલભાઇ અને સુખલાલ આવેલા હશે. તેમની કાંઇક બોલચાલ પરથી તેમણે અનુમાન બાંધેલું, ને મારી તે રાતની તપાસમાંથી મને પણ જાણવા મળેલું."

ચંપક શેઠને થરથરાટી વછૂટી ગઇ.

"હવે તો લીલાલે'ર કરો. હવે તો એમને જ પોલીસમાં તેડાવીને કહી દેવામાં આવેલ છે. એટલે હવે તો આપ પોલીસને જૂઠું જૂઠું કહો ને તોય તેમના માથે પડે તેવું છે."

ચંપક શેઠને આ બંદોબસ્ત બહુ સરસ લાગ્યો. "કેસ ક્યારે ચાલશે ?" એમણે પૂછ્યું.

"હમણાં બાર વાગ્યે; એક જ કલાકમાં..."

એ શબ્દો બોલતે બોલતે સામેના ઘડિયાળના કાંટાને એણે પોતાના સત્યાનાશના 'બારના ટકોરા' તરફ કદમો ભરતા દેખ્યા. એની આંખોની મૂંગી આરજૂએ ચંપક શેઠને કપડાં પહેરવા ઊભા કર્યા. શેઠ પણ વિચારતા જતા હતા : જોઉં તો ખરો ત્યાં જઇને - શી સ્થિતિ છે ? કેવા પ્રકારની જુબાની આપવી એ તો મારે તે પછી નક્કી કરવાનું છે ને ! તેલ જોઇને, તેલની ધાર જોઇને, પછી જ મોં ખોલવું છે ને !

"આ કવર," એમ કહી વિજયચંદ્રે ચંપક શેઠને પેલું પરબીડિયું લઇ જવા ને ઠેકાણે મૂકવા કહ્યું. એની અસર ચંપક શેઠના મન પર સચોટ થઇ પડી. એમણે સામે કહ્યું : "અત્યારે તો તમે એ લઇ જાવ - મારે શું કામ છે?"

"તો પછી આપવા શા માટે લાવત ? લઇ જઇને ક્યાં મૂકું ? કોકને હાથ પડે તો મારું તો ઠીક પણ આપની દીકરીનું મોત ઊભું થાય ને ! માટે લ્યો - ને હું ખરું કહું ? થોડાક બીજા કાગળો પણ એના સ્વહસ્તાક્ષરના મારી પાસે પડ્યા છે. સ્વાર્થી બુદ્ધિએ મને હલકટ બનાવ્યો. આપ આટલા ઉદાર બનશો એની મને આશા નહોતી. એટલે આપને ધમકાવવા-દબાવવા એ મેં રાખી મૂક્યા. મારું દિલ ચોરાયું. કોર્ટમાંથી નીકળીને, ચાલો મારા મુકામ પર, હું આપને સુપરદ કરી આપીશ. માણસ સામા માણસની ખાનદાની ઓળખતો નથી એટલે જ આવો હલકટ દિલચોર બને છે. મને આજે આપે માનવીની મહાનુભાવતાનાં દર્શન કરાવ્યાં છે. એ દેખીને મારી અધમતા મને વિશેષ ડંખ મારી રહેલ છે."

અહીં એણે ફરી રુદન કર્યું.