વેવિશાળ/૪. વિજયચંદ્રનું વ્યક્તિત્વ
← ૩. પહેલું મિલન | વેવિશાળ ૪. વિજયચંદ્રનું વ્યક્તિત્વ ઝવેરચંદ મેઘાણી |
૫. ઇસ્પિતાલમાં → |
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો. |
4
વિજયચંદ્રનું વ્યક્તિત્વ
પંગત ગોઠવાતી હતી, ત્યારે મોટા શેઠે પ્રાણજીવનને બોલાવી ધીમેથી કહ્યું : "પ્રાણિયા એ રઢિયાળાને મારી સામે બેસવા દઈશ મા!"
"એ હો. ફિકર નહીં."
પછી પ્રાણજીવને જે જુક્તિથી સુખલાલને એક પછી એક ફેરફારો કરીને ખૂણાની જગ્યામાં ખેસવી દીધો, તે જુક્તિ જોઈને મોટા શેઠને ખાતારી થઈ ગઈ કે કોઈક દિવસ આ ગુંડો પ્રાણિયો મારી પેઢીનો ભાગીદાર બનશે. દરમ્યાન પ્રાણજીવને સુખલાલની બાજુમાં બેસીને પડખામાં ઘુસ્તા ચડાવવા માંડ્યા હતા. મારતો મારતો ગણગણ સ્વરે બોલતો હતો : " પરાક્રમ કર્યું લાગે છે ! સોગંદ પાળ્યા નહીં ને ? ઉતાવળે બાફી નાખ્યું ને? હવે લબાચા બાંધો રાજ, અચકો મચકો કારેલી ! "
તે દરમ્યાન તો પેલા માનવંત યુવાન પરોણા વિજયચંદ્રે સૌની આંખોને રોકી લીધી. વિજયચંદ્રે પોતાનો હાફકોટ અને બદામી રેશમી ટોપી આસ્તેથી ઉતારીને પોતાની બેઠક ઉપરની જ ખીંટી પર લટકાવ્યાં. બાકીના તમામે પોતાના કપડાં દીવાનખાનામાં ઉતાર્યાં હતાં. આવા એક નાના કામમાં પણ વિજયચંદ્ર બીજા સૌથી જુદો તરી આવ્યો. એની ટોપી નીચેથી પ્રકટ થયેલું માથું ચીવટ અને સુવ્યવસ્થાનો એક અપૂર્વ નમૂનો હતું. એકેએક વાળ પોતાને સ્વસ્થાને લશ્કરી શિસ્તનું પાલન કરતો હતો. જુલફાં ઊડ ઊડ થતાં રાખવાની વિજયચંદ્રની આદત નહોતી. એનું ખમીસ પણ કોઈ જીવતું સાથી હોય તેવી સાચવણી પામતું, શરીર સાથે પૂર્ણ મહોબ્બતથી મેળ ખાતુ હતું, એના ધોતિયાનો એક પણ સળ ઉતાવળ, બેપરવાઈ અથવા 'ઠીક છે, ચાલશે' એવું ક્ષુદ્ર સંતોષીપણું બતાવતો નહોતો. એક પણ ચરકા કે વાળ વગરની એની હજામત પણ જીવન જીવવાની કળાની સાક્ષી પૂરતી હતી.
એને પોતાની અડોઅડ બેસારીને જમતાં જમતાં મોટા શેઠે ઠીક વાતો જાણી લીધી. પિતામાતા નાનપણથી જ ગુજરી ગયાં છે. પોતે બહેનબનેવીને ઘેર ઊછર્યો હતો. ટ્યૂશનો કરીને અભ્યાસ આગળ ધકેલ્યો છે. "વચ્ચે બે વાર નોકરી કરવી પડેલી તેથી ભણતર છોડી દીધેલું. નહીંતર તો વીસ વર્ષે ગ્રેજ્યુએટ થઈ ગયો હોત. શેઠ મનસુખલાલ બાલાભાઈ તરફથી વિલાયત જનાર છું. તેમના બિઝનેસની એક શાખાની ખિલવણીમાં મારે માટે 'ફ્યુચર પ્રૉસ્પેક્ટ્સ' (ભવિષ્યની આશાઓ) છે."
"વિલાયત કેટલું રહવું પડે તેમ છે?"
"બે'ક વર્ષ."
"પછી તો દેશમાં જ સ્થાયી થવાના ને?"
"હા જી."
વિજયચંદ્ર પણ કાઠિયાવાડના ગામનો જ વતની હતો. એના કુળની સાથે તો ઘણી નજીકની સંબંધ-કડીઓ નીકળી પડી. અને મોટા શેઠને જોકે વિજયચંદ્રના કુળનું સ્થાન પોતાના કુળથી ઊતરતું લાગ્યું, છતાં છોકરાનું કરમીપણું તેમના મન પર સજ્જડ છાપ બેસાડી ચૂક્યું.
"આવો, બંગલો તો જોઈએ," એમ કહી મોટા શેઠે વિજયચંદ્રને જમ્યા બાદ આસપાસ આંટા મારવા માટે સાથે લીધો. વિજયચંદ્રે જેટલા જતન પૂર્વક કોટ અને ટોપી ઊતાર્યાં હતાં તેનાથી વધુ ચીવટ રાખીને પાછાં તે ચડાવી લીધાં. એનાં ડગલાંની બાંય ન જોનારની આંખે પણ ઊડીને વળગે અને અવાજ કરી કરીને જાણે કહેતી લાગે કે 'જુઓ, છે મારા પર એક પણ કરચલી?' એટલી બધી એ અકબંધ રહેતી. છતાં ખૂબીની વાત તો એ હતી કે વિજયચંદ્રની આ સુઘડતા, ટાપટીપ અથવા ઠઠારો, આછલકાઈ અથવા વરણાગિયાવેડા ન લાગે. પ્રયત્નથી માણસ શું નથી કરી શકતો? પરસ્પર વિરોધી જેવી લાગતી છતાં શું એ સાચી વાત નથી કે માણસની સ્વાભાવિક દેખાવાની સફળતા પણ પ્રયત્નોની જ સિદ્ધિ છે? વિજયચંદ્રની બાબતમાં તો પ્રયત્ને અને ઉદ્યમે જ આ ભાગ ભજવ્યો હતો, નહીંતર એના ગજવામાંથી દેખાતો રૂમાલ રેશમી અને ખુશબોદાર હોવાં છતાંય કેમ સભ્યતાનો જરાય ભંગ નહોતો દાખવતો ! જોનારને જરાય અરુચિકર તો ન થાય , પણ ઊલટું એમ જ લાગે કે વિજયચંદ્રના ગજવાનો રૂમાલ બરાબર એટલો જ બહાર દેખાવો જોઈએ ને સુગંધિત પણ એટલો જ હોવો જોઈએ. ન હોય તો તેટલું એનું વિજયચંદ્રપણું - એનું વ્યક્તિત્વ - ખંડિત !
આંટા દેતાં દેતાં, આડીઅવળી કૌટુમ્બિક વાતો કરતાં ' આ બંગલો ખરીદીએ તો તમને કેમ લાગે છે.' એવો અભિપ્રાય પૂછતા મોટા શેઠ એને બૈરાં બેઠાં હતાં તે ખંડમાં તેડી ગયાં,; પોતાની પત્ની સાથે ઓળખાણ પડાવી: "આમનાં ફઈબાને તો તમે સારી પેઠે ઓળાખો : તામારા પિયરના એ તો નજીકના સંબંધી : આપણી ન્યાતમાં તો સામસામાં કેટલાં બધાં સગપણો નીકળી પડે છે ! આ ભાઈ મનસુખલાલ બાલાભાઈ શેઠના ખાતા તરફથી વિલાયત જનાર છે." વગેરે.
મોટાં શેઠાણીએ પોતાનું મોં ઊંચું કરીને વિજયચંદ્રને જોઈ લીધો. જોયા પછી તેની આંખો પતિ તરફ જ રહી, ચકળવકળ ચારે બાજુ આંખો નચાવવાની એને ટેવ નહોતી. નિ:સંતાન હોવાથી એનું નારી રૂપ ચાલીસ વર્ષે પણ ત્રીસથી વધુ કળાવા દેતું નહીં. ગરવું માનવી કેવું હોય એનો કોઈ જીવતો આદર્શ બતાવવા માટે સૈકાઓ સુધી સાચવી રાખવાનું મન થાય, ને મૂઆ પછી મસાલા ભરી પણ એ દેહનું જતન જરૂરી લાગે, એ આ સ્ત્રીને જોનારના મનને સ્વાભાવિક હતું.
"ક્યાં ગઈ સુશીલા?" મોટા શેઠે વાતમાં ને વાતમાં સહજ લાગે તેમ પૂછી લીધું. પણ વિજયચંદ્ર, મોટાં શેઠાણી, લાજ કાઢીને બેઠેલાં નાનાં શેઠાણી, તેમ જ બાજુની ઓસરીમાં ઊભેલી સુશીલા, વગેરે બધાં આ ખબર પૂછ્યાનો ને આ પારકો બંગલો બતાવવા માટે પરોણાને છેકે સ્ત્રીઓની બેઠક સુધી લઈ આવવાનો શેઠનો મનોભાવ સમજી ગયાં હતાં.
"આ રહી." સુશીલા જ્યાં હતી ત્યાંથી બોલી.
"કાં બહેન, ત્યાં કેમ ઊભી છો? આંહી આવ ને ! તું જમી ? કેટલા વાટકા રસ પીધો ? રસ ખાવે તો સાવ નાદાર છે સુશીલા !"
દરમ્યાન સુશીલા જરા પણ શરમિંદી બન્યા વગર ઓરડામાં આવીને ઊભી હતી. એને જોયા પછી મોટા શેઠના મનમાં એટલો તો વસવસો રહી ગયો કે અરધા કલાક પહેલાંના રુદનવાળું મોં સુશીલાએ ધોઈ નાંખ્યું હોત તો ઠીક થાત. બેશક, વિજયચંદ્રની આંખોએ તો ધોયેલા મોં કરતાં આંસુવાળું મોં જ વધુ સોહામણું માન્યું. વિજયચંદ્ર નાની વયમાં પણ એટલું તો સૌંદર્યશાસ્ત્ર સમજી ચૂક્યો હતો કે નારીરૂપને સદાકાળ નવપલ્લવિત રાખવા માટે જ પ્રકૃતિએ એની આંખો પાછળ અખૂટ અશ્રુ-ટાંકાં ઉતાર્યાં છે.
છેક સાંજે ઉજાણી વીખરાઈ ત્યારે વિજયચંદ્રને શેઠે મોટરમાં સાથે લીધો. એ શૉફરની બાજુમાં બેઠો. પોતાની પછવાડે મોટાં શેઠશેઠાણી તથા બેઉ વચ્ચે સુશીલા બેઠી છે. એ પોતે પાછળ જોયા વિના પણ જાણી લીધું. મોટા શેઠે વિજયચંદ્રના ગળામાં આખે રસ્તે વાતોનો ગાળિયો નાખીને પોતાની તરફ જ જોઈ રાખવાની મીઠી ફરજ પાડી હતી. મોટા શેઠ તરફ મંડાયેલી એની આંખોને સુશીલા તરફ નિહાળવા માટે જરા ત્રાંસી પણ થવાની જરૂર નહોતી, તેમ છતાં એ શાણો જુવાન સીધી લીટીથી એક દોરવા પણ દૃષ્ટિને ચાતર્યા વગર આખે માર્ગે એક શેઠની જ સામે જોઈ રહ્યો. કેટલાકને ત્રાટક-વિદ્યા સ્વાભાવિક પણે વરેલી હોય છે.
રસ્તામાં એને સર પી. ને બંગલે જવાનું હતું એમ પોતે કહ્યું હતું એટલે શેઠે ગાડીને મલબાર હિલનો ચકરાવો લેવરાવીને પણ એના કહ્યા મુજબ ઉતારી મૂક્યો. વિદાય લેતાં કહ્યું : "કોઈક વાર રાતને વખતે નિરાંતે આવતા રહેજો, વ્યાપારની વાતો કરીશું."
પછી મોટા શેઠે માર્ગમાં પત્નીને કહ્યું : " આજની મારી ઉજાણી તો કડવી ઝેર થઈ જાત. જો આ માણસ ન આવ્યો હોત તો, કાંઇ જેવો તેવો ગજબ કરી નાખ્યો છે એ કમજાતના પેટનાએ !"
સુશીલા બીજી જ બાજુ જોઈ ગઈ હતી, તેમ ભાભુએ પણ પતિને જવાબ ન આપવામાં જ ઘર સુધીની મુસાફરીની સલામતી માની મૌન સેવ્યું હતું. ધણીને બોલવું હતું તેટલું બધું જ બહાર ન આવી શક્યું ! વાર્તાકાર હોંકારો મળ્યા વગર હતોત્સાહ બની ગયો.
સુશીલાની મોટર જ્યારે ઘેર પહોંચી ગઈ હતી અને વિજયચંદ્રના ખમીસનો કૉલર જ્યારે મલબાર હિલના શીતળ પવનહિલોળામાં પોતાની પાંખો હલાવતો હતો, ત્યારે પ્રાણજીવન વગેરે દુકાન-ગુમાસ્તાઓની મોકળી મશ્કરીઓના માર ખાતો સુખલાલ હજુ ત્યાંનો ત્યાં ઉજાણીનાં ઠામડાં ગણતો, છરી-ચપ્પાંને કોથળામાં નાખતો, વધેલા તેલ-ઘી અને મીઠું -મસાલા પાછાં ભરી લેતો દોડાદોડ કરતો હતો. કેમ કે રસોયાઓ પોતાના કામથી પરવારી ગયા પછી પાનતમાકુ ખાવાનો તેમ જ સૂવાનો હક ભોગવતા હતા. પ્રાણજીવન પોતાની એ પછીની ફરજ સૂતો સૂતો સૂચનાઓ આપવા પૂરતી જ સમજતો હતો. પ્રાણજીવન સિવાયના પણ ઘણાખરાએ એમ જ કહી દીધું કે "આખરે તો આ બધો સ્વારથ સુખલાલ મે'તાનો જ છે; ઠામડાં-ડાબલાંની માલિકી એમની છે, અમારી નથી. એક પવાલું પણ આઘું પાછું થશે ને નાનાં શેઠાણી હાજરી લઇ નાખશે, તો સુખલાલ મે'તા ! અમે તો કહીશું કે તમારા જમાઈને ભળાવ્યું હતું." સાંજે સરંજામ ખટારામાં ભરીને સૌ દુકાનવાળાં મુંબઈ ઉપડી ગયા, તે પછી ત્રીજે જ દિવસે શનિવાર આવ્યો.
એ શનિવારની અધરાતે સુખલાલના મગજનો કૂપો એકાએક ફૂટી ગયો અને બહોળી નાખોરી ફૂટી.
- ને એ હરકિશનદાસ હોસ્પિટલમાં પહોંચતો થયો.