લખાણ પર જાઓ

વ્યાજનો વારસ/અન્નદેવની ઉપાસના

વિકિસ્રોતમાંથી
← એનું પેટ પહોંચ્યું વ્યાજનો વારસ
અન્નદેવની ઉપાસના
ચુનીલાલ મડિયા
વછોયાં →






[ ૩૬ ]


અન્નદેવની ઉપાસના

હાથમાં વહીવટ આવ્યા પછી સુલેખાએ પહેલું કામ તો પરસાળ વચ્ચે ચણેલી દીવાલ, જે એકબીજા માણસના હૃદયના ઐક્યની આડે આવી રહી હતી એને પાડી નાખવાનું કર્યું.

ઓરડામાં પુરાયેલી ગાંડી અમરત જ્યારે જાળિયામાંથી આ પરસાળની દીવાલને જમીનદોસ્ત થતી જોતી ત્યારે પોતાના જીવનકાર્યનો – સર્જનનો સંહાર થતો અનુભવતી. અને જાણે એ સંહારનો આનંદ વ્યક્ત કરતી હોય એમ બારીમાં ઊભી ઊભી બેફામ હસ્યા કરતી.

હવે આ મકાનની પરસાળમાં કે પ્રેમમાં કોઈની મજિયારી માલિકી જેવું રહ્યું જ નહોતું. બધું જ સુલેખાની સુવાંગ માલિકીનું હતું. એ સુવાંગ માલિકીના પહેલા પ્રયોગ તરીકે સુલેખાએ દલુની સહાય લઈને રિખવના સ્મારક માટે અન્નક્ષેત્ર સ્થાપવાની યોજના ઘડી કાઢી.

ચતરભજના વહીવટ-કાળ દરમિયાન લાખિયારની બાજુના ચારેક ખોરડાં ઉપર તહોમતનામાં બજાવીને એને ખંડી લેવામાં આવ્યાં હતાં. એ ખોરડાંની જગ્યાનો, અન્નક્ષેત્ર કરતાં વધારે સારો ઉપયોગ બીજો નહિ થઈ શકે એમ વિચારીને સુલેખાએ એ બધાં મકાનો પાડીને એની જગ્યાએ એક વિશાળ ખંડ બાંધ્યો. ફરતું મોટું ફળિયું ખુલ્લું રખાવ્યું. ફળિયાની વચ્ચે એક કૂવો ખોદાવ્યો અને આજુબાજુ નાનકડા બગીચા જેવું બનાવ્યું.

થોડા સમયમાં, રિખવ શેઠના સ્મારકની ગામેગામ જાણ થઈ  ગઈ અને અભ્યાગતો એ અન્નક્ષેત્રનો લાભ લેવા લાગ્યા.

ફરી ગામલોકોને ટીકા કરવાની સામગ્રી સાંપડી રહી. આભાશાની વિધવા પુત્રવધૂ અન્નક્ષેત્ર ચલાવે છે એટલું જ નહિ પણ લૂલાં–લગડાં તેમ જ રગતપીતિયાં સુધ્ધાંને હાથોહાથ ભોજન પણ પીરસે છે એ જાણીને લોકોની જીભ સળવળી ઊઠી.

‘કુટુમ્બની પડતી દશા બેસે ત્યારે આવા જ ધંધા સૂઝે.’

‘ખોળિયું ઉચ્ચ વરણનું જડ્યું છે, પણ એના સંસ્કાર તો જુઓ ! બાવાસાધુને અડીને અભડાવે છે !’

‘એમાં એનો વાંક નથી. એના ઘરનું નાણું જ એવા હલકા વરણનું છે, એનો ઉપયોગ પણ એ જ થાય ને ?’

પણ આવી નિંદા કે કુથલીની લગીરે પરવા કર્યા વિના સુલેખા તો પોતાના જીવનકાર્યને આગળ ધપાવી રહી છે. એમાં એને રઘી બહુ મદદકર્તા થઈ પડી. હવે રઘીને અમરતના ચાબુકની બીક જતી રહેવાને કારણે સુલેખા સાથે એ વધારે ને વધારે આત્મીય બનતી જતી હતી. બન્ને જણીઓ કેમ જાણે સગી બહેનો હોય અને સમાન જીવન–કાર્ય માટે નિર્માઈ ચૂકી હોય એમ એ સમદુઃખિયારીઓ વરતી રહી હતી.

છતાં એક મુશ્કેલી હતી. અન્નક્ષેત્રની રોજિંદી વ્યવસ્થા ઉપાડી લે એવી કોઈ સેવાભાવી વ્યક્તિ મળી શકતી નહોતી, સ્વૈચ્છિક સાધુત્વ સ્વીકાર્યું હોય એવા કોઈ પરગજુ પરિવ્રાજકની ખોજ સુલેખા કરી રહી હતી, આજ દિવસ સુધીમાં અહીં આવી ગયેલા અનેક સાધુ–સંતોને આ અન્નક્ષેત્રમાં કાયમી નિવાસ કરીને ગામની સેવા કરવા માટે સમજાવી જોયા હતા. પણ હજી સુધી કોઈ લાયક માણસ તૈયાર થયું નહોતું. અને જે થોડાઓએ કાયમી નિવાસ માટે સંમતિ દર્શાવી હતી તેમનામાં આ સેવાકાર્ય માટે જરૂરી તપશ્ચર્યા નહોતી.

દરમિયાન સુલેખા અને રઘી અન્નક્ષેત્રના સંચાલનમાં શક્ય  તેટલી તનતોડ મહેનત કરે છે. દાળિયાનું સદાવ્રત ચલાવે છે. જમવા ટાણે ગોળ–ચોખાનાં જમણ પીરસે છે, વારતહેવારે લાડવા વહેંચે છે.

અન્નક્ષેત્રના પગી તરીકે એક માણસની આવશ્કયતા જણાવાથી દલુએ થોડી તપાસને અંતે વૃદ્ધ લાખિયારને શોધી કાઢ્યો. લાખિયાર હવે તો પાછલી જિંદગીના સૂસવતા વાયરા ખમીખમીને સાવ ખખડી ગયો હતો પણ પગી તરીકે એ ઠીક કામગીરી આપી શકશે એમ વિચારીને દલુએ એને રાખી લીધો.

લાખિયાર ચોવીસે કલાક અન્નક્ષેત્રની ડેલી ઉપર બેસે છે. એની આંખો હવે ઊંડી ગઈ હોવા છતાં ડેલીનો ઉંબરો ઓળંગતી હરેક વ્યક્તિ સામે આ ડોસો પોતાના હાથનું છાજું કરી એની તપાસ કરી જુએ છે – સવારસાંજ મોટો સાવરણો લઈને ફળિયાના પહોળા પટમાંથી કચરો કાઢે છે; સમય મળે ત્યારે કૂવેથી પાણી સીંચીને ફૂલ–ઝાડની ક્યારીઓમાં રેડે છે.

રિખવ શેઠના જીવન્ત સ્મારક સરખું આ અન્નક્ષેત્ર પણ સુલેખાના વ્યાપક પ્રેમ–જળના સતત સિંચન વડે થોડા જ સમયમાં ફળિયાના બગીચાની જેમ જ ફૂલતુંફાલતું ગયું.

લાખિયારના આગમન પછી સુલેખા અને રઘીને માથેથી ઘણી ઉપાધિઓ ઓછી થઈ જવા પામી. પરિણામે નવરાશને સમયે રઘી લાખિયાર પાસે જઈને બેસતી અને કલાકો સુધી વાતોના સેલારા માર્યા કરતી.

પોતાની રહેણાક નિંજરી ગુમાવ્યા પછી લાખિયારે પત્ની પણ ગુમાવી હતી અને જુન્નુ પણ મોટો થતાં એક નવી તકરારમાં લાખિચારને લાફો મારીને શહેરમાં નાસી ગયો હતો, જ્યાં એ જતે દહાડે સામાન્ય પોલીસમાંથી ફોજદાર સુધીને હોદ્દે પહોંચ્યો હતો એમ લાખિયારે સાંભળ્યું હતું. પણ વૃદ્ધ બાપની સંભાળ લેવાનું જુન્નુને  મુનાસિબ લાગ્યું નહોતું. લાખિયારની આવી નિરાધાર દશા જોઈને જ દલુએ એને પગીપણાની નોકરી દ્વારા પોષવાની પોતાની ફરજ ગણી હતી.

જીવનના આવા ઝંઝાવાતો ખમી ખમીને રીઢો થયેલો લાખિયાર પણ ઉત્તરાવસ્થામાં માનવ–સહવાસ માટે તલસતો હતો; અને આ પગીપણું જાણે કે એને આશીર્વાદ સમાન થઈ પડ્યું. એક્કેએક આગંતુક અભ્યાગત સાથે લાખિયાર થોડા પરિચયમાં જ આત્મીયતા સાધી લેતો. સામા માણસના જીવનની રજેરજ હકીકત એ અજબ ઉત્સાહ અને ઊંડા રસપૂર્વક પૂછતો. આગંતુકોનાં જીવનની કડવી-મીઠી વાત એ સાંભળતો એટલું જ નહિ પણ સાથે સાથે સંવેદન પણ અનુભવતો.

‘ભાઈ, તમે મૂળથી જ સાધુ હતા, કે પછીથી ભેખ લીધો ?’

‘ભાઈ, તમને આવડી ઉંમરમાં એવાં તે શાં દુઃખ પડ્યાં કે સંસાર છોડી દીધો ?’

‘ભાઈ, તમને સંસાર ઉપર વૈરાગ્ય કેમ આવ્યો, એ કહેશો ?’

‘ભાઈ તમારી જિંદગીના તડકા–છાયા મને સંભળાવશો ?’

લાખિયાર ભારે સાહજિકતાથી આવા આવા પ્રશ્નોની પરંપરા ચલાવતો અને કિસમ કિસમના માણસોને મોંએ જે કિસમ કિસમના ઉત્તર મળતા, જીવનની નિરાશાઓ, નિષ્ફળતાઓ વગેરેના જે ઊના ઊના નિસાસા સંભળાતા, એમાં લાખિયાર પોતાની નિસાસાવરાળ ઉમેરીને હૃદયાગ્નિને હળવો અને સહ્ય બનાવતો. સામા માણસના જીવનની વિફળતાઓ સાથે એ પોતાની વિફળતાઓ સરખાવતો, અને ‘મારા જેવાં દુ:ખિયાં પણ બીજે છે ખરાં !’ એવો વિચિત્ર સંતોષ અનુભવતો.

જીવનની આવી સંતપ્ત સ્થિતિમાં લાખિયારને રઘીનો સહવાસ ઠીક શાતાકારી બની રહ્યો. રઘીને હવે પહેલાંના કરતાં વધારે નવરાશ મળતી તેથી એ હાલતાં ને ચાલતાં લાખિયારને ખાટલે  જઈને બેસતી અને એકબીજાનાં સુખદુઃખની ગોઠડી આડે સમયનું ભાન પણ ગુમાવી બેસતી. લાખિયાર અજબ મમતાથી રઘીનું બયાન સાંભળતો. રઘીનું આ વર્તન સુલેખાને જરા વિચિત્ર તો લાગ્યું, ખૂંચ્યું પણ ખરું; રઘી પ્રત્યે સુલેખાને એટલાં તો મમત્વ અને પ્રેમ હતાં કે પગી સાથેની આનંદ–ગોઠડીઓમાં વિઘ્ન ઊભું કરવાનું સુલેખાને ઉચિત ન લાગ્યું. ઊલટાનું, હમણાં હમણાં રઘી બહુ જ આનંદિત અને ઉત્સાહી રહેતી હતી અને સુલેખા સાથેના એના વર્તનમાં પણ એ આનંદોત્સાહ વ્યક્ત થતો હતો, એથી સુલેખાનો રઘી પ્રત્યે નો રાગ વિશેષ તીવ્ર બન્યો હતો. રાતે કથાવાર્તા કહેતી વેળા પણ રઘીના અવાજમાં એ આનંદોત્સાહ અછતો રહી શકતો નહિ.

જીવનભરની એકાકીની સુલેખાના શુષ્ક જીવનમાં રઘી એક મીઠી વીરડી બની રહી હતી.

અન્નદેવની ઉપાસના દ્વારા સહુ પોતપોતાના જીવનની વિફળતાને ઓછીવત્તી સફળતામાં પલટાવી રહ્યાં હતાં.

*