લખાણ પર જાઓ

વ્યાજનો વારસ/અમરતની આકાંક્ષાઓ

વિકિસ્રોતમાંથી
← ‘પ્રિયા મુખોચ્છ્‌વાસ વિકમ્પિતં મધુ’... વ્યાજનો વારસ
અમરતની આકાંક્ષાઓ
ચુનીલાલ મડિયા
એ જામ, એ લબ, એ બોસા ! →





[૧૨]


અમરતની આકાંક્ષાઓ

સુલેખાને પાદપ્રહાર કર્યા પછી રિખવ શેઠના સ્વૈરવિહાર માટે માર્ગ મોકળો બન્યો છે. એ સ્વૈરવિહારોમાં દલુ અને ઓધિયાની સહાય છે. અને ઉસ્તાદ ઐયૂબખાનની પ્રેરણા અને માર્ગદર્શન મળે છે. ઐયૂબખાન દેશાવર આખાના ભોમિયા છે. ગામેગામના ગવૈયા ને બજવૈયાથી તેઓ પરિચિત છે. ભલભલી ગાયિકાઓ ઐયુબખાનને ચરણે બેસીને તાલીમ લેવામાં ગર્વ અનુભવે છે. નર્તકીઓ પોતાના નૃત્યવિધાનમાં ઐયૂબખાન પાસેથી પગના ઠેકાના જુદા જુદા તાલના બોલ માગે છે. ઉસ્તાદજી જીવનભરના ફરતલ આદમી છે. મોટાં મોટાં શહેરોની ગણિકાઓનો એક પણ આવાસ એમનાથી અજાણ્યો નથી. આવા અનુભવી ગુરુએ રિખવ શેઠને આંગળીએ ઝાલીને ફેરવવા માંડ્યા.

અમરતે આશા રાખી હતી કે રિખવનો સોનૈયો વટાવાઈ ચૂક્યા પછી દલુને વટાવવામાં તો ઘડીનીય વાર નહિ લાગે; એના વેવિશાળ માટે ઉપરાઉપર શ્રીફળો આભાશાને ઉંબરે અથડાવા માંડશે. પણ અમરતની એ માન્યતા ખોટી પડી. છેક, બાળપણથી ઓધિયાએ પોતાના ભાઈબંધ દલુની જે શાખ બંધાવી હતી તેથી તેમ જ દેશાવરમાં અમરતની જે જાતની નામખ્યાતિ થઈ હતી તેથી સહુ પુત્રીપિતાઓ એટલા તો ભડકતા કે ભૂલેચૂકેય કોઈ દલુ માટે પોતાની પુત્રીનું કહેણ મોકલે તેમ નહોતા.  દલુએ રિખવભાઈના ખાટસવાદિયા તરીકે પાઠ ભજવવા માંડ્યો.

રિખવને આજ દિવસ સુધી સંગીત અને નૃત્યનો માત્ર શોખ હતો. હવે એને એ બાબતનો ચસકો લાગ્યો. સાથે સાથે રૂપદર્શનની પ્યાસ પણ વધતી ચાલી. ‘વસંતવિલાસ’માંનું પેલું ‘સ–કલંક મયંક’વાળું મોં જોવાને એ અધીરો બની રહ્યો. ગાલ ઉપર તલવાળા મુખારવિંદની એને રઢ લાગી. છેક નાનપણથી પૂજેલ એમીના મુખડાના એ હવે દિવાસ્વપ્નો અનુભવી રહ્યો.

દિવસો જતા ગયા તેમ તેમ રિખવનું મદ્યપાન પણ વધતું ચાલ્યું. દલુ અને ઓધિયાની તો કામગીરી જ રિખવ શેઠ માટે જૂનામાં જૂનો શરાબ અને નવામાં નવી સુંદરીઓ શોધવાની થઈ પડી. ચતરભજે સમયસર સમજી જઈને નાણાંની કોથળીઓનાં મોં મોકળાં મૂકી દીધાં. દલુ અને ઓધિયો એમાંથી ઉદાર હાથે વાવરવા લાગ્યા.

ઉત્તરાવસ્થાને કારણે આભાશાએ પેઢીની કામગીરીમાંથી ધીમેધીમે નિવૃત્તિ લેવા માંડી, પણ રિખવ શેઠ હજી એ કામગીરી સંભાળી લેવાને પ્રવૃત્ત થયા નહોતા. આ નાના શેઠ તો લગ્ન પહેલાં પેઢીના કામકાજમાં જે રસ લેતા એય લગ્ન પછી ઓછો કરી નાખ્યો.

દલુ, ઓધિયા ને ઉસ્તાદજીનો રસાલો લઈને રિખવ મહિનાના પંદર દિવસ તો બહારગામમાં જ ગાળે છે. જે થોડા દિવસ નછૂટકે ઘર–આંગણે ગાળવા પડે છે તે દરમિયાન પણ રોજ રિખવને જાણે કે કીડીઓ ચડ્યા કરે છે. ઘરમાં ક્યાંય ચેન પડતું નથી. જે સુલેખા પાછળ પોતે આટલા દિવસ ગાંડો બન્યો હતો એ સુલેખાનું મોં જોવું એ પણ રિખવને આકરું લાગે છે. લગ્ન પછીના પ્રથમ મિલનપ્રસંગે જ સુલેખાએ સંભળાવેલાં કડવાં સત્યોથી અપમાનિત થઈને રિખવ વિફર્યો હતો, એમાં એના  અહમ્‌ભાવ, વિલાસિતા અને વિકૃતિઓએ મળીને એ વિફરાટને ઝનૂની બનાવ્યો હતો. અત્યારનું રિખવનું વર્તન ‘કામાત્ક્રોધાભિજાયતે’ના ગીતાવચનની યાદ આપતું હતું.

દરમિયાનમાં સુલેખાનું વર્તન અજબ આશ્ચર્ય ઉપજાવે એવું થઈ રહ્યું છે. રિખવે પોતાને તરછોડી છે એ હકીક્તનો સુલેખાએ કોઈને અણસાર કર્યો નથી; એટલું જ નહિ, એ બનાવની કોઈને ગંધ સરખી જવા દીધી નથી, કે નથી પોતાના વર્તનમાં કે દિનચર્યામાં લગીરે ફેર પડવા દીધો. પોતાના હૃદયની યાતનાઓ એ મૂંગી મૂંગી પોતાની ચિત્રકલામાં વ્યક્ત કરી રહી છે.

ઘરમાં સહુ માણસો સાથે એને ગોઠી ગયું છે. એક માત્ર અમરત ફઈ સાથે એને નથી ફાવતું. જોકે સાચી વાત તો એમ કહી શકાય કે અમરત ફઈને જ આ ભત્રીજા–વહુ સાથે નથી ફાવતું. કોણ જાણે કેમ, પણ સ્વાર્થના પૂતળા જેવી અમરતને સમજાઈ ચૂક્યું છે કે નિઃસ્વાર્થતા અને ઔદાર્યની મૂર્તિ સમી સુલેખા સાથે પોતાના કૃપણ ને કપટી જીવનનો મેળ જ નહિ મળે.

આજ દિવસ સુધી આ ઘરમાં માનવંતીનું નહિ પણ અમરતનું અનિયંત્રિત રાજ્ય ચાલતું. માનવંતી તો વિચારી વિલાયતના રાજા જેવી હતી. મોભો ઊંચો પણ હાથમાં હકૂમત જરાય ન મળે. અમરત એના વડા પ્રધાનની કામગીરી બજાવતી. સત્તાનાં સઘળાં સૂત્રો અમરતના હાથમાં હતાં. પાંચમાં પુછાતા, દેહોદ જેવા આભાશાને પણ આ વિધવા બહેને ઘરવહીવટમાં સાવ મિયાંની મીંદડી જેવા બનાવી મૂક્યા હતા. ઘરની ધારધણી અમરત હતી. અમરતનો પડ્યો બોલ ઝિલાતો. એની આજ્ઞા ઉથાપવાની કોઈની મગદૂર નહોતી. પણ સુલેખાના આગમન પછી અમરતને લાગવા માંડ્યું કે પોતાના કરતાં અનેકગણી પ્રતાપી, પ્રતિભાશાળી અને શીલવંતી વ્યક્તિ આ ઘરમાં પ્રવેશી છે. એની જાજરમાન પ્રતિભા સામે ઘર તેમ જ પેઢીના સહુ માણસો  અંજાઈ જાય છે. સહુ એની તાબેદારી ઉપાડવામાં ગર્વ સમજતા લાગે છે અને એને મોંએથી થતા હુકમનું પાલન કરવામાં જીવનની ધન્યતા અનુભવાય છે. ભયંકર અભિમાની અમરતથી આ જોયું જતું નથી. પોતાની સત્તાના ગઢમાં સુલેખાએ આવીને ગાબડાં પાડ્યાં હોય એમ એ અનુભવી રહી. એ ગાબડાં પડ્યાં છતાં હજી ગઢ વંકો ઊભો હોવાને કારણે અમરત નિરાશ થાય એમ નહોતી. એણે તાબડતોબ એ ગઢમાં મરામતો માંડી દીધી. રક્ષણ હરોળમાં જ્યાં જ્યાં કચાશ દેખાઈ ત્યાં ત્યાં એણે પાકો બંદોબસ્ત કરી દીધો અને પોતાની હરીફ સુલેખા સામે મજબૂત મોરચો ખડો કરી દીધો.

સમય જતાં વસ્તુસ્થિતિ એવી બની રહી કે સુલેખા એ અમરતની ભત્રીજાવહુ હોવાને બદલે જાણે કે સરખી–સમોવડી નાનેરી દેરાણી હોય એમ અમરતનાં વર્તન ઉપરથી લાગવા માંડ્યું. સત્તાની સોંપણીમાં સુલેખા અમરતને મન એક ડાંભવા અને ટાળવા યોગ્ય હરીફ લાગવા માંડી. અને એ નેમ સિદ્ધ કરવા માટે એણે સમયસર કારવાઈઓ પણ આરંભી દીધી.

અમરતની વ્યૂહરચનામાં ભારે દૂરંદેશી હતી. એણે જોઈ લીધું હતું કે આજ નહિં તો પાંચ વર્ષે, પચીસ વર્ષે પણ આ ઘરનો ખરો ધણી, લાખોની ઇસ્કામતનો, અઢળક વ્યાજનો સાચો તે હકદાર વારસ તો રિખવ જ છે. આભાશા તો હવે પાકું પાન. એ તો આજ છે ને કાલ નથી. એ આથમતા સૂરજને કોણ પૂજે ? માનવંતી તો અમરતની મુઠ્ઠીમાં જ હતી. આભાશા પરણીને આવ્યા કે બીજે જ દિવસે અમરતે માનવંતીભાભીને પારખી કાઢીને ‘સાવ હીરાઢઢી છે’ એવો અભિપ્રાય આપી દીધો હતો. અને એ ઇલકાબનો ઉપયોગ અમરત આજ દિવસ સુધી કરતી આવી હતી. ભાભીને સંબોધવામાં પણ ઘણી વાર અમરત એ ઇલકાબ વાપરતી હતી. પારેવડી જેવી ગભરુ માનવંતી આ મારકણી  નણંદની શેહમાં દબાઈ ગઈ હતી. એનામાં જે થોડુંઘણું દૈવત હતું એય નણંદે હણી નાખ્યું હતું. પરિણામે અમરતને મન ભાભી તો ત્રણ – તેરની કોઈ ગણતરીમાં જ નહોતી. તે પછી સુલેખા જેવી હજી કાલ સવારે ચાલી આવનારી છોકરડીને તો અમરત દાદ પણ શેની દિયે ? એ નખ જેવડી વહુવારુ તે વળી કોણ કે એની કદમબોશી કરવી પડે? કદમબોસી ખિદમતગીરી, ખુશામતખોરી એ સઘળાને માટે અમરતની નજરમાં એક જ માણસ લાયક પુરવાર થયો હતો : રિખવ. એ બાળાશેઠ જ આવતી કાલનો સાચો શેઠ થવા સર્જાયો છે. દુનિયા તો આદિકાળથી ઊગતાને પૂજતી આવી છે. યેનકેન પ્રકારેણ રિખવને રાજી રાખો, તો જતે દિવસે એ જવાબ દેશે. બાકીનું બધું તો ફિફાં ખાંડવા બરાબર છે. રેતીમાંથી તેલ નીકળ્યું સાંભળ્યું છે ક્યાંય ? આંબાને પાણી પાવ તો કોક દિવસ મહોર આવશે. બાવળને ઉજેર્યે શું ફાયદો ?

અમરતે આંબો ઉજેરવા માંડ્યો. રિખવ માટે એ ઓછી ઓછી થવા લાગી. ભત્રીજાનો કૃપાટુકડો મેળવવા એ સઘળું કરી છૂટતી. એને ખાતરી હતી કે આવતી કાલે પોતાના દલુને વરાવવો–પરણાવવો એ રિખવના હાથમાં છે. જોકે, અમરતની નેમ તો એ કરતાંય ઘણી ઊંચી હતી. જે દલુને આજ દિવસ સુધી મામાની પેઢીમાં ધમલા ઝાડુવાળા જેટલુંય સ્થાન નથી મળી શક્યું, એ પેઢીમાં રિખવનું રાજ્ય ચાલે ત્યારે દલુને ભાગીદાર બનાવી દેવો એવી અમરતની આકાંક્ષા હતી.

મનમાં ઊંડે ઊંડે તો અમરતે એથીય મોટું સપનું સેવી રાખ્યું હતું. રિખવ કફેની જાગ્યો છે તેથી રખેને જતે દહાડે પેઢીનું ઉઠમણું થાય તો દલુ એનો કબજો લઈને ધણી બની બેસે… અને આટઆટલા વ્યાજનો વારસ બની શકે…

અમરતના મનના મણકા આગળ વધે છે… રિખવ, બસ રિખવને જ રાજી રાખું. બીજું આ ઘરમાં ને પેઢીમાં છે પણ  કોણ ?… એક ચતરભજ છે ખરો ! આ નામ યાદ આવતાં અમરતના પેટમાં એક સુમધુર ધ્રુજારી પસાર થઈ ગઈ. એ ચતરભજ ! છેક કુમારવયથી પોતાને આ મુનીમ સાથે મૈત્રી બંધાઈ હતી. વખત જતાં એ મૈત્રીએ સ્નેહનું સ્વરૂપ લીધું… એ ચતરભજ !… પોતા ઉપર એના કેટકેટલા ઉપકાર ચડ્યા છે !

અમરતના શરીરમાંથી ફરી એક વખત ધ્રુજારી પસાર થઈ ગઈ, પણ આ વખતની ધ્રુજારી ઘડી વાર પહેલાં અનુભવેલી ધ્રુજારીના જેવી સુમધુર નહોતી પણ જીરવી ન શકાય એવી ભયપ્રેરક હતી. કોઈ નબળી ક્ષણે ભાન ભૂલીને આચરેલા કોઈક અઘટિત કૃત્યની યાદ દેનારી. ધરતીના ધણેણાટ રસમયી એ ધ્રુજારી હતી. એણે અમરતના ગુનાહિત પેટને ફફડાવી મૂક્યું. આખે ડીલે પરસેવો નિતારી દીધો.

ખુલ્લી આંખે જોવી પડતી જીવનની વાસ્તવિકતા ન ખમાતાં અમરતે આંખો મીચી દીધી.

*