વ્યાજનો વારસ/ઉકરડેથી રતન જડ્યું

વિકિસ્રોતમાંથી
← સાકર વહેંચો ! વ્યાજનો વારસ
ઉકરડેથી રતન જડ્યું
ચુનીલાલ મડિયા
લાખિયારની દુઆ  →



[૨]
ઉકરડેથી રતન જડ્યું

ભાશાને ઉઘાડે પગે અને અધ્ધર શ્વાસે ડેલીમાં દાખલ થતા જોઈને, પરસાળમાં બકડિયામાંથી દેવતા લેવા આવેલ અમરતને પણ નવાઈ લાગી.

અમરત આભાશાની મોટી બહેન હતી. વિધવા થયા પછી એ પોતાના એકના એક પુત્ર દલુને લઈને અહીં પિયરમાં જ પડી રહેતી. સદ્‌ભાગ્યે આભાશા વિધવા બહેન પ્રત્યે મમતા રાખતા, અને ઘરમાં એની આમન્યા પાળતા. તેમ જ બીજાઓ પાસે પણ પળાવતા, તેથી ઘર-વહીવટમાં અમરતનું ચલણ વિશેષ હતું.

આભાશાએ પરસાળમાં પગ મૂક્યો ત્યારે અમરતથી પુછાઈ ગયું:

'કેમ ભાઈ, તમને ધમલો સામો નથી મળ્યો? મેં તો તરત જ કેવરાવ્યું 'તું...'

'ધમલો તો સારી વાર થયા દુકાને આવી ગયો...'

'તો ઠીક' અમરતે અર્ધીઅર્ધી થતાં કહ્યું : 'કંદોરાબંધ દીકરો...'

'તમારા મોંમાં સાકર...' આભાશાએ ઉપચાર-વિધિથી જ બહેનને કહી દીધું. પછી જરા રહીને બોલ્યા : 'વિમલસૂરીજીની વાત સાચી જ પડી...! શી રીતે એ જાણી શક્યા હશે?'

'સાધુ-સાધ્વી તો જ્ઞાની જીવ કહેવાય.' અમરતે કહ્યું 'એની વિદ્યાની વાત થાય ? એને ત્રણ કાળનું જ્ઞાન હોય. મિથ્યાત્વી અર્થે એ જ્ઞાન વાપરે નહિ, એટલું જ.'

'છતાં આપણે માટે એમણે એ જ્ઞાન વાપર્યું ખરું. આપણાં એટલાં અહોભાગ્ય...'

'ભાઈ, તમારી પંચ–પરમેષ્ટીની આસ્થા ફળી. પાકી અવસ્થાએ તમારે ઘેરે ઘોડિયું બંધાણું... તમારું ને આપણી સાત પેઢીનું નામલેણું રિયું...'

બહેન આડી વાતે ઊતર્યાં એ વાતનું ભાન થતાં, અને પોતાના આગમનનો ઉદ્દેશ યાદ આવતાં આભાશાએ પૂછ્યું :

'પછી ઓલી વાતનું શું થયું ?'

'કઈ વાત ?'

'કેમ ? એટલી વારમાં ભુલાઈ ગઈ ?'

'હં, હં, ઠીક ! એની ફકર કરશો મા. બધું બરાબર કર્યું છે.'

'વિમલસુરજીએ કીધું 'તું એ પ્રમાણે જ કર્યું છે ને બધુંય ?'

'હા રે ભાઈ હા, એમાં કે'વું ન પડે. આટલા મહિના લગી આવી આકરી કળી પળાવી, ને હવે છેલ્લી ઘડીએ હાથી પૂછડે થોડો અટકશે !'

'દોરો બરાબર બાંધ્યો છે ને ? આભાશાએ અવાજ જરા ધીમો કર્યો.

'એમાં જરાય ફેર ન પડે. તો તો આ અમરતનાં આટલાં વરસ પાણીમાં જ ગયાં...'

'તો ઠીક !' આભાશાએ સંતોષ વ્યક્ત કર્યો : 'તમારું કામ તો બધું ય બેવડે દોરે જ હોય... પણ મારો વલોપાતિયો જીવ હાથ ન રિયો એટલે હું તે ધોડતો જ આવ્યો. મનમાં થયું કે કદાચ તમારું ઓસાણ ઊતરી જાય તો એવી વાત ભુલાઈ જાય...'

'શું કામ વાત ભુલાઈ જાય ભલા ?' ફરી અમરતનો અહમ્ ઘવાયો : 'દીકરો આવ્યો છે ઈ અમને દવલો લાગતો હશે તી એના હિતની વાત અમે ભૂલી જાઈએ ?' 'આ એના હિતની જ નહિ, પણ એની આખી જિંદગીની વાત છે...' આભાશાએ અવાજ વધારે ધીમો કર્યો.

'હું ક્યાં નથી જાણતી ભાઈ? છોકરાની આખી જિંદગાની આમાં જ છે. નાનામાંથી જ મોટા થાય છે ને ? ને આપણા કુટુમ્બી રહ્યાં કસાઈ જેવાં. દુશ્મન દા જોતાં જ ઊભા હોય.'

'સગાંઓ આપણું સારું જોઈને રાજી થાતાં નથી.'

અમરતને હવે ખરો મમરો મૂકવાની અને ભાઈના મર્મસ્થાને સ્પર્શ કરવાની તક મળી. બોલી : 'સગાં તો શૂળીએ ચડાવ્યા જેવાં છે. મારી ભાભીની અઘરણી ટાણે ઓલી રાંડે આવીને છાનોમાનો ઘરચોળાનો છેડો ખીલી લીધો'તો ઈ ભૂલી ગ્યા ? એના ભેગી કૂખ પણ સંધાઈ ગઈ. અઘરણીનું છોકરું તો બગડી ગ્યું, પણ પછી આટલાં વરસ સુધી ફરીથી મહિના જ ન રિયા. તે દીની ઘડી ને આજનો દી. તમારા ધરમને પરતાપે પાછી કૂખ ઊઘડી તો વળી આટલી દોમદોમ સાયબીને ભોગવનારો આવ્યો.'

‘તમ જેવાં મોટેરાંને પુણ્યે ને આશિષે.'

'પુણ્ય ને ધરમ તો તમારો જ ભાઈ ! બાકી આ વ્યાજનો ધંધો તો સર૫ પકડવાના ધંધા જેવા બૂરો છે. વ્યાજખોરનો કોઈ વારસ ન રહે એમ કહેવાય છે, પણ તમે તો સાચક છો, ને ધરમની રીતે વેપાર કરો છો તો વળી વીતરાગ ભગવાને તમારા ઉપર મહેર કરી...

'ધરમ પરતાપે બધું સારું થયું છે.' આભાશાએ કહ્યું.

'તો હવે દીકરા આવવાની ખુશાલીનોય ધરમ કરજો.' અમરતે સૂચન કર્યું.

આભાશા જરા વિચાર કરતા થઈ ગયા. જ્યાં જ્યાં પૈસા ખરચવાની વાત આવે ત્યાં ત્યાં તેમને અસ્વસ્થતા અનુભવવી પડતી. કાંઈ બોલવાનું ન સૂઝતાં ટાલ ઉપર હાથ ફેરવવા માંડ્યો.

'એમ ટાલ ખંજવાળ્યે કામ નહિ ચાલે, સમજ્યા ? પાંચ પૈસાનો ધરમ કરવો પડશે.' અમરતે કાંઈક લાડમાં આગ્રહ ચાલુ રાખ્યો

'ધરમ તો કરવાનો જ છે ને ! વિમલસૂરીજી કહી ગયા છે એટલું તો કરવું જ પડશે. સાધુસાધ્વીનો સંઘ કાઢીને ગિરનાર ઉપર નેમનાથ ભગવાનને હાર ને છતર ચડાવ્યાં વિના છૂટકો છે ? ને સમત-શિખર ને કેસરિયાજી પણ...'

'પણ ઈ તો હજી છોકરો હાથમાં હાર લઈને ભગવાનની ડોકમાં પહેરાવે એવડો ઊંવો થાય ત્યારે ને ? ઈ તો, માનતા પૂરી કરી કહેવાય. ઈ કાંઈ ખુશાલીમાં ન વદે..' પુત્રજન્મની ખુશાલી આભાશા કરતાંય અમરતને વિશેષ હોય એમ લાગતું હતું. 'ખુશાલીનો ધરમ તો અટાણે જ કરો ઈ સાચો.’

'નિશાળનાં છોકરાંને સાકર વહેંચવાનું તો ચતરભજને કહેતો આવ્યો છું.' આભાશાએ કહ્યું.

'સાકર-ટોપરાં તે કાંઈ ધરમમાં વદતાં હશે ભાઈ ? તમે પણ આવડા થયા તોય હજી સાવ—'

તો પછી તમે જ બોલોને બહેન, કે આમ કરો ને તેમ કરો... ઝટ ફેંસલો.'

'હું તો કહું છું કે ગોંદરે ગાયુંને ખડ નીરો. પાંજરાપોળમાં કપાસિયા આપો, કબૂતરને ચણ નાખો. કૂતરાંના રોટલા સારુ બે મણ દાણો મોકલો.' અમરતે ઉત્સાહમાં સૂચનો ચાલુ રાખ્યાં.

આભાશાને બહેનનાં સૂચનો ગમ્યાં. વળી, એ નિમિત્તે ગામમાં પુત્રજન્મની થોડી આપમેળે જાહેરાત થઈ શકતી હતી એ વાત પણ તેમને રૂચિ. તરત તેમણે ધમલાને પેઢી ઉપરથી ઘરે બોલાવી લીધો અને બહેને સૂચવેલ સખાવતની શરૂઆત કરાવી. આભાશા પાંજરાપોળના આગેવાનોમાંના એક હતા, એટલે પાંજરાપોળના મહેતાજીને આજે પેઢીને ખર્ચે ખોડાં ઢોરને ખડ અને કપાસિયા નાખવાનું કહ્યું.

ગોંદરે ઓણ સાલ આખો ઉનાળો ઘાસ વિના ગયો હતો અને  ઢોરમાત્ર ફાટેલાં કાગળિયાં, સડેલાં ચીંથરાં, ગાભા ને કોહી ગયેલાં પાંદડાં જ ચાવતાં, તેની જગ્યાએ લીલાછમ ઘાસના પૂળાના ઢગલા જોઈને લોકોને કુતુહલ થયું. મારકણાં ઢોરને આઘાં હાંકી કાઢવા માટે હાથમાં લાકડી લઈને ઊભેલો ધમલો સૌનું કુતૂહલ ટાળવા માટે આભાશાને ઘેર ઘોડિયું બંધાયું એના શુભ સમાચાર કહેતો જતો હતો. કૂતરાંને બૂમો પાડી પાડીને નખાતા રોટલાઓએ વળી વધારે જાહેરાત કરી. સાંજ સુધીમાં તો જસપરના ચારેયે ઝાંપા સુધી વાત પહોંચી ગઈ કે આભાશાના અઢળક વ્યાજનો વારસ જન્મ્યો છે.

ઘણાં માણસો શેઠને મોંએ હરખ કરવા આવી ગયાં, એમાંના એક આભાશાના પિત્રાઈ અને હરીફ જીવણશા પણ હતા. જીવણશાને પણ વ્યાજવટાવનો જ ધંધો હતો. આ બંને હરીફ પિત્રાઈઓ વચ્ચેની અદાવત આજ ત્રણ પેઢીથી વારસાગત ઊતરતી આવી હતી. જીવણશાને ડેલીમાં દાખલ થતા જોઈને પહેલાં તો આભાશા જરા ચમક્યા. આજના શુભ પ્રસંગે દુશ્મનને ઘરમાં પેસતા જોઈને એમને જરા ભય લાગ્યો. પણ પોતાને ઘેરે આવતા દુશ્મનની પણ આગતાસ્વાગતા કરવી એ આ અમીર કુટુંબની ખાનદાની હતી. તેમણે જીવણશાને કોઈ ચિરપરિચિત સ્વજન જેટલા ઉમળકાથી આસન આપ્યું.

જીવણશાને ઘરમાં પેસતા દેખીને અમરત પરસાળમાં ઊભી ઊભી બળીને ખાખ થઈ જતી હતી. અમરતની સજ્જડ માન્યતા હતી કે માનવંતી ભાભીની કુખ સીવી લેનાર બીજું કોઈ નહિ પણુ કાળમુખા જીવણશાની વહુ રળિયાત જ હતી. આભાશા અને જીવાણશા વચ્ચે બાપ-માર્યાં વેર જેવાં વેર ચાલતાં હતાં અને પિત્રાઈ-પિત્રાઈ વચ્ચેની દુશ્મનાવટ અંગે વાત થતી હોય ત્યાં આ પિતરાઈઓનાં નામ ઝળહળતા ઉદાહરણ રૂપે ટંકાતાં. આવા કુટુમ્બના ઘોરખોદિયા જેવા માણસને મોટાભાઈ અર્ધા અર્ધા થઈને પોતાના પડખામાં બેસાડે છે. એ જોઈને તે અમરતનો જીવ કટકે કટકે કપાઈ રહ્યો.

'બહું સારું થયું ભાઈ, તમારે ઘેર ઘોડિયું બંધાણું...' જીવણશા ખુશાલી વ્યક્ત કરતા હતા.

'તમ જેવા મોટેરાઓના પુણ્યે ને આશીર્વાદે...' આભાશાએ વિવેકથી જવાબ વાળ્યો.

આભાશાનું ગરવાપણું જોઈનેય જીવણશાને ક્ષોભ થયો. તેમનું ડંખતું અંતર બોલી ગયું : 'બાકી તો ધંધો આપણો એક જ જાતનો રિયો, એમાં વેપારને અંગે કોક વાર બે કડવાં-મીઠાં વેણ બોલાઈ પણ જાય.'

'એ તો એમ જ ચાલે ભાઈ....'

'...કોઈ દી એકબીજાનાં મનદુઃખ પણ થઈ ગયાં હોય...'

'સંસાર છે !...' આભાશા વધારે ને વધારે નમ્ર બનતા જતા હતા.

'હવે સમજ્યા, મારા ભાઈ ! એટલે જ, હું તો વધામણી સાંભળીને ધોડતો હરખ કરવા આવી પૂગ્યો.'

'તમ મોટેરાંની એટલી મોટપ છે...'

'મેં મનમાં કીધું, જૂનાં વેર કયા ભવ સારુ સંઘરી રાખવાં છે ? ભેગું શું બાંધી જાવું છે ?...' જીવણશા વૈરાગ્યશતક ઉચ્ચારી રહ્યા હતા.

'ભાઈ તમે તો ધરમમાં સમજુ છો...' આભાશા મોંએ ભાર રાખીને, વિવેક દર્શાવ્યે જતા હતા.

છેવટે જ્યારે જીવાણશા 'ઠીક લ્યો, ત્યારે બોલ્યું-ચાલ્યું માફ કરજો, હું તમને એકસો આઠ વાર ખમાવું છું.' કહીને ઉભા થઈ બહાર નીકળતા હતા ત્યારે તો અમરત ઝીણી આંખ કરીને જીવણશાનું હરેક હલનચલન અવલોકી રહી હતી : કાળમુખો જીવણો ઘરમાં અડદના બાકડા તો નથી વેરતો જાતો ને ? ઘરના બારસાખ ઉપર ક્યાંક મંતરેલા દોરાધાગા તો નથી બાંધી જતો ને ? એ દહેશત  અમરતને સતાવી રહી હતી.

જીવણશા ડેલી બહાર ગયા કે તુરત અમરતે મોટો પટારો ઉઘાડ્યો અને અંદરના ડાબલામાંથી ડાબલો કાઢીને એમાં રહેલી ડાબલી, અને એ ડાબલીમાંથી એક ચીંથરી કાઢીને એમાં છુપાવેલો સાત ગાંઠવાળો દોરો લઈને ઓસરીને બારસાખને ટોડલે બાંધ્યો અને બોલી : ‘હવે નિરભય !’

માંડ કરીને જન્મેલા વ્યાજના વારસની જેટલી ચિંતા બાળકની જનેતા માનવંતીને નહોતી એથી વધારે ચિંતા તો અમરતને હતી. આટલા દિવસ આભાશાને કાંઈ વારસ નહોતો ત્યારે કેટલાક હિતૈષીઓ અમરતને સૂચન કરી જતા કે અમરતે પોતાના એકના એક પુત્ર દલુને મામાનો દત્તક પુત્ર બનાવવો, પણ તરત અમરત તાડૂકી ઊઠતી : ‘મારો ભાઈ વાંઝિયો થાય ત્યારે મારો દલુ એને ખોળે બેસે ને ? ભાઈને વાંઝિયો વાંચ્છું એવી સ્વારથી બેન હું નથી. હું તો કહું છું કે કાલ સવારે મારા ભાઈને ઘેર લીલી આડીવાડી થઈ જાશે. કોઈનો અવસર ચાર દી વહેલો આવે છે, ભાઈને ઘેર ચાર દી મોડો આવશે. એમાં શું બગડી ગ્યું ?’

‘બારસાખને ટોડલે દોરો બાંધી રહ્યા પછી અમરતને બાળકની રક્ષા કરવા માટે બીજો પણ એક નુસખો સૂઝ્યો. માનવંતીને લાંબા સમય પછી પુત્રજન્મ થયો છે, તેથી રખેને એ અભિમાનમાં ફુલાઈ જાય અને એના નસીબમાં પુત્ર ન શમાય એ બીકે અમરતે જરા હાસ્યાસ્પદ લાગે એવી પણ ઘણી ભાવનાસૂચક વિધિ કરી. ફળિયાની ગમાણને એક ખૂણે જરાક ઉકરડા જેવું હતું ત્યાં બાળકને ક્ષણ માટે સુવડાવીને પછી સવા પવાલું જુવાર ત્યાં મૂકીને બદલામાં બાળકને પાછું ઉપાડી લીધું. ‘આ તો અમને ઉકરડેથી રતન જડ્યું છે, બાઈ !’ એમ બોલતી, અમરત હાથમાં બાળકને લઈને માનવંતીના ખોળામાં મૂકી આવી.

*