લખાણ પર જાઓ

વ્યાજનો વારસ/મોભી જતાં

વિકિસ્રોતમાંથી
← ગરનાળાને ત્રિભેટે વ્યાજનો વારસ
મોભી જતાં
ચુનીલાલ મડિયા
બે ગોરીનો નાવલિયો →





[૧૮]
મોભી જતાં

રિખવ જતાં આભાશાના ઘરનો મોભ તૂટી પડ્યો. આખી શેરીનું જાણે કે નૂર ઊડી ગયું. ઘરનાં તેમ જ બહારનાં સહુ માણસો ઝાંખાંઝપટ થઈ ગયાં. ગામની રોનક ચાલી ગઈ હોય એવું લાગવા માંડ્યું.

મોભીના મરણાએ આભાશાના ગોકુળિયા જેવા સુખી ઘરનો માળો વીંખી નાખ્યો. અઢળક ઇસ્કામત અને દોમદોમ સાહ્યબીનો ભોગવનારો ચાલ્યો જતો એ બધી જાહોજલાલી કડવી ઝેર જેવી થઈ પડી.

સુલેખા તો તરછોડાઈ ત્યારથી જ એનું જીવન બિનબસૂરું બની ગયું હતું. પણ રિખવ જતાં તો એ બિનનો તાર તૂટી ગયો, જે ફરી સાંધી શકાય તેમ નહોતો. ખોટકાયેલા વાદ્યનો ભંગાર જોઈને જ હવે તો સુલેખાએ જિંદગી પૂરી કરવાની રહી.

અમરત હજીય ભત્રીજાના મૃત્યુ માટે મિશ્ર લાગણીઓ અનુભવી રહી હતી. લોહીની સગાઈ પૂરતો એને અલબત્ત, શોક થતો હતો; પણ આ લાખોની મિલકતના વારસ તરીકે કાલ સવારે રિખવનું સ્થાન દલુ લિયે એવું દૂરદૂરનું દિવાસ્વપ્ન પણ એ અનુભવી રહેતી.

આભાશાના વંશના વારસ માટે હવે વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ હતી. આજ દિવસ સુધી રિખવને આવતી કાલનો રાજા ગણીને અમરતે એને રીઝવ્યો હતો અને સુલેખાને ઉવેખી  હતી. કોણ જાણે કેમ, પણ સુલેખા પ્રત્યે અમરતને શરૂથી જ અણગમો હતો, જે વખત જતાં ઘટવાને બદલે વધવા પામ્યો. હતો. પણ હવે પરિસ્થિતિમાં પલટો આવ્યો. જો કે સુલેખા તો નિઃસ્પૃહી હતી છતાં સત્તાનાં સૂત્રો એના હાથમાં આપમેળે આવવા લાગ્યાં.

કાંઈક રિખવના મૃત્યુનો ઘા ટાઢો પાડવા અને કાંઈક પતિવિજોગણના જીવને ઉલ્લાસમાં રાખવા માટે કુટુંબના સહુ માણસો સુલેખાને અછો અછો વાનાં કરે છે, એને હથેળીમાં થૂંકાવે છે. અને દરેક રીતે એનું મનમોં સાચવે છે. અકાળે વિધવા બનેલી સુલેખાને વૈધવ્ય સહ્ય બનાવવા માટે સાસુસસરા પણ એ પાણી માગે ત્યાં દૂધ લાવીને હાજર કરે છે.

આ સત્તાબદલો અમરતથી જીરવી શકાય એમ નહોતો. સત્તાની સરખામણીમાં સુલેખા પાસે અમરતનું તેજ ઝાંખું લાગવા માંડ્યું; પરિણામે સુલેખા ધીમે ધીમે અમરતને આંખમાં કણાંની જેમ ખટકવા લાગી. સુલેખાની સોગઠીનો તોડ કરવા અમરતે પોતાની સોગઠી પૂર ઝડપે દોડાવવા માંડી.

દરમિયાનમાં એક બીજી ઘટના પણ બની રહી હતી. સુલેખાના ભાઈ ગૌતમની આ ઘરમાં આવ–જા વધવા માંડી હતી. અલબત્ત, એ પાછળ સુલેખાનો કોઈ સ્વાર્થી આશય તો નહોતો જ, છતાં પરગંધીલી અમરતને એમાં શંકા આવવા લાગી. આ ઘરમાં લશ્કરી શેઠના કુટુંબનું ચલણ વધી રહ્યું છે અથવા વધશે એવો અમરતને અંદેશો લાગ્યો. બીજી તરફથી દલુનાં માનપાન દિવસે દિવસે ઘટતાં ચાલ્યાં હતાં. જેના ખાટસવાદિયા તરીકે પોતે કામ કરતો એ રિખવ શેઠ ચાલ્યો જવાથી દલુ પીંછાં વિનાના મોર જેવો થઈ રહ્યો હતો. આ સ્થિતિ પણ અમરતને સાલતી હતી.  રફતે રફતે અમરતને કાને વાતો આવવા માંડી કે અભાશાની સઘળી માલમિલકત લશ્કરી શેઠ હાથ કરવા માગે છે અને એ નેમ બર લાવવા માટે સુલેખા પોતાના ભાઈ ગૌતમના છોકરા શ્રીપાલને દત્તક લેવાના મનસૂબા સેવી રહી છે. અમરત તો આ સાંભળીને ડંખીલી નાગણની જેમ છંછેડાઈ ઊઠી. વળી હમણાં હમણાંનું સુલેખાનું વર્તન પણ અમરતના ઉશ્કેરાટને વધારી રહ્યું હતું. આજ દિવસ સુધી આખા કુટુંબ ઉપર સુલેખાનું સાંસ્કારિક વર્ચસ્વ તો હતું જ. હવે એમાં એનું આર્થિક વર્ચસ્વ ઉમેરાયું. આ બન્ને પ્રકારની સરસાઈનો સુલેખા સિફતપૂર્વક અમલ કરતી હતી. એ બોલતી બહુ ઓછું; પણ એ મૌન જ અજબ અસરકારક બની રહેતું. એ હુકમ પણ ભાગ્યે જ કરતી; પણ એથી જ એની આજ્ઞાના અક્ષરેઅક્ષરનું વજન પડતું અને એ આજ્ઞા ઉઠાવવા માટે સહુ ખડે પગે તૈયાર રહેતા. એ કોઈને ઠપકો તો ક્વચિત જ આપતી; પણ સુલેખાને મોંએથી ઠપકો સાંભળવામાં પણ ઘરનાં તેમ જ પેઢીનાં માણસો સાર્થકતા અનુભવે એવો એનો પ્રભાવ હતો. સુલેખા શાન્ત તેજે ઓપતી સામ્રાજ્ઞીની જેમ આ ઘરમાં વર્તી રહી હતી.

બીજી તરફ અમરત રોમેરોમ ઈર્ષાથી સળગી રહી હતી. એને મન સુલેખા એક ટાળવા યોગ્ય હરીફ હતી. અને એમાં જ્યારે એને જાણવા મળ્યું કે સુલેખા પોતાના ભત્રીજા શ્રીપાલને ખોળે બેસાડીને સામટો દલ્લો હાથ કરી લેવા માગે છે ત્યારે અમરતે એ સમાચારની સત્યાસત્યતાનો વિચાર સરખો કર્યા વિના, સુલેખાના એ મનસૂબાને મહાત કરવા પોતાના પ્રયત્નો આરંભી દીધા.

અમરતની શંકાઓને મજબૂત બનાવનાર બીજું પણ એક કારણ મળી આવ્યું. આભાશાનો દુશ્મન પિત્રાઈ જીવણશા કાંઈ  પણ દેખીતા પ્રયોજન વિના હમણાં, બેત્રણ વાર લશ્કરી શેઠને ત્યાં મહેમાન બની આવ્યો હતો. એની અવરજવરે જ લશ્કરી શેઠના પુત્રોમાં સળવળાટ પ્રેર્યો હોય એમ અમરતને લાગ્યું, દત્તક લેવાનું સુલેખાને સમજાવનાર આ કાળમુખો જીવણશા જ છે એમ આભાશાને પણ અમરતે ઠસાવી દીધું. અને સાથેસાથે અમરતે મોટાભાઈને એ પણ ઠસાવી દીધું કે નખ્ખોદિયા જીવણિચાની કારવાઈઓ આગળ વધે એ પહેલાં જ આભાશાએ એવું પગલું લઈ લેવું કે એ દોણાફોડની બધી જ ચાલબાજીઓ ઊંધી વળે અને સુલેખાના મનસૂબા પણ ધૂળમાં મળે.

એ પગલું કયું, એ સમજવું આભાશા માટે અઘરું નહોતું. આભાશાને ઘેર હજી પણ પુત્રજન્મ થઈ શકે તો ઘીના ઠામમાં ઘી પડી રહે અને સુલેખા અને સહુ દુશ્મનો આંગળાં કરડતાં જ બેસી રહે. પણ એમ બની શકે ખરું ? એમ બનવું કેટલે અંશે શક્ય હતું તે તો અમરત, માનવંતી અને જેઠી સુયાણી ત્રણ જ જાણતા હતાં. જેઠી સુયાણીએ રિખવના જન્મ વખતે ચુકાદો આપ્યો હતો કે માનવંતીની કૂખે હવે પછી બાળક અવતરી શકશે જ નહિ.

પણ આટલા ઉપરથી અમરત કે આભાશા નિરાશ થાય એમ નહોતાં. વસ્તુત: પુત્ર કરતાંય વધારે તો એમને પૈસાની પડી હતી. આટલું અઢળક નાણું પેલી પારકી જણીના પિયરિયાંના હાથમાં જતું અટકાવવાની જ એમની ઈચ્છા હતી. અને એ ઇચ્છા બર લાવવા માટે તેઓ આકાશપાતાળ એક કરી છૂટે એવા સ્વભાવનાં હતાં.

રિખવની હયાતી દરમિયાન પણ ઘણી વાર સ્ત્રી વર્ગમાં વાસણ ખખડી ઉઠતાં પણ એના મૃત્યુ પછી ઘરમાં કલેશકજિયાનું પ્રમાણ વધ્યું હતું. આજ દિવસ સુધી માનવંતી અને સુલેખા વચ્ચે સાસુ–વહુના સંબંધો હતા. હવે એમનો વ્યવહાર સરખા – સમોવાડિયાં જેવો બની ગયો હતો. સુલેખાની ઘણી ટેવો અને રહેણીકરણી માનવંતીને પસંદ નહોતી : દાખલા તરીકે રિખવની  હયાતી દરમિયાન શાસ્ત્રી માધવનંદજી તેમ જ ઉસ્તાદ ઐયૂબખાન પાસેથી સુલેખા સંગીતની તાલીમ લેતી હતી એ પ્રત્યે માનવંતીને અણગમો હતો, પણ રિખવના મૃત્યુ પછી સુલેખાએ સંગીતનું શિક્ષણ લેવાનું ચાલુ રાખ્યું એ સામે તો માનવંતીએ રીતસરની સૂગ જ કેળવવા માંડી હતી. પણ વિધવા પુત્રવધૂને હરેક વાતે રાજી રાખવાના આભાશાના આગ્રહ પાસે માનવંતીના આ વિરોધનું કશું ઊપજતું નહોતું.

વળી, સુલેખા જે શાંત તેજે પ્રકાશીને આખા ઘર ઉપર પ્રભાવ પાડી રહી હતી તેથી પણ માનવંતી દાઝતી હતી. એને થતું હતું કે આ કાલ સવારે ચાલી આવનારી છોકરડી મારું સ્થાન પડાવી રહી છે.

આવી સ્થિતિમાં માનવંતીને લાગ્યું કે સુલેખા જો કોઈને ખોળે બેસાડે તો તો ખોળે બેસનાર જ આ ભર્યાભાદર્યા ઘરનો મોભી બની રહે અને મને તો પછી આ જોરૂકી વહુ એક ફૂંક ભેગી જ ઊડાડી મૂકે.

માનવંતીનું આ દ્વેષભર્યું માનસ અમરતને પોતાની કારવાઈઓમાં બહુ અનુકૂળ આવી ગયું. અમરતે એક દૂરદૂરની નેમને લક્ષમાં રાખીને માનવંતીનું પડખું સેવવા માંડ્યું. દાવ આવ્યે સોગઠી મારવાનું એણે મનશું નક્કી કરી રાખ્યું હતું.

એ સોગઠી મારવાનો દાવ પણ આવી પહોંચ્યો. પોતે બિનવારસ હોવા બદલ માનવંતી એક દિવસ વિમાસણ અનુભવી રહી હતી. આખો દિવસ એણે રોઈરોઈને વિતાવ્યો હતો. છેવટે એણે અમરતનો સહારો શોધ્યો. વારસનો પ્રશ્ન શી રીતે ઉકેલવો એ અંગે માનવંતીએ નણંદની સલાહ માગી.

‘એમાં મને શું જોઈને પૂછતી હોઈશ ? તારામાં દોકડાનીય અક્કલ બળી હોત તો આજ પહેલાં કેદીયનું બધું ગોઠવાઈ ગયું હોત.’ અમરતે વાતને વળમાં ઘાલી.  ‘મારામાં એટલી અક્કલ નથી ત્યારે જ તમને પૂછવું પડે છે ને ? હજીય ક્યાં બહુ મોડું થયું છે ? કંઈક રસ્તો બતાવો તો…’

‘રસ્તો તો દીવા જેવો ચોખ્ખો છે – આંધળાનેય સૂઝે એવો. પણ આંખ જ કોણ ઉઘાડે છે ?’

‘તમને તો સંધીય વાતમાં સૂઝકો પડે છે. મારા જેવીને દિશા સુઝાડો તો……’

‘આ દડઘા જેવો દલિયો હજી તારી નજરમાં નથી આવતો ?’ અમરતે પોતાની ઝીણી આંખને વધારે ઝીણી કરતાં પૂછ્યું.

માનવંતીના પેટમાં પહેલાં તો એક ટાઢો હિમ જેવો શેરડો પડી ગયો. નણંદની સ્વાર્થ બુદ્ધિ પ્રત્યે એને નફરત ઊપજી. પણ ચહેરા ઉપર એ વ્યક્ત કરવાનું એને પોસાય એમ નહોતું. ગોફણમાંથી વછૂટેલ ગિલોલ જેવા નણંદના પ્રશ્નના ઉત્તર રૂપે એ માત્ર એટલું જ બોલી શકી :

‘હા……’

‘હા…!’ અમરતે ભાભીના બોલવાના ચાળા પાડીને કહ્યું : ‘લ્યો બોલ્યા ! જો દલિયા જેવો દલિયો નજરમાં આવ્યો છે તો આટલા દી લગણ શું માખી મારતી તી ?’ ભાભીને તુંકારામાં સંબોધવાનો હક તો અમરતે વર્ષો થયાં મેળવી લીધો હતો.

‘તો હજીય ક્યાં મોડું થયું છે ?’

‘તો પછી એમાં વિચાર શું કરછ ? તમે બેય માણસ દલિયાને ખોળે બેસાડી દિયો. તમે સુખી થતા હો ને તમારી આટલી રધિસધિ સચવાઈ રેતી હોય તો હું એટલું દુઃખ વેઠી લઈશ. તમ સારુ થઈને મારે દીકરો નો જોઈએ; લે હાંઉં ?’ અમરત પોતાનો સાણસો ઉઘાડતી જતી હતી.

માનવંતીનો તો શ્વાસ અદ્ધર થઈ રહ્યો હતો. માત્ર એટલું જ બોલી શકી : ‘તમને એટલાં દુઃખી કરાય ?’

અમરત આનંદી ઊઠી. બોલી : ‘હા, રે બાઈ હા. હું ભલે ને  દુઃખી થાતી, જો મારો માનો જણ્યો ભાઈ સુખી થાતો હોય તો. હુંય તમ થકી જ ઊજળી છું ને ? દલુને તમે આજ દી લગણ દીકરાની જેમ રાખ્યો છે. તો હવે ખોળે બેસાડી લઈને ભલે સાચો દીકરો કરો.’

માનવંતી તો નમાજ પઢવા જતાં કોટે મસીદ વળગી હોય એટલી અકળામણ અનુભવી રહી. અમરતે તો રસ્તો સરળ કરવાને બદલે સામેથી સાલ ઘાલ્યું હતું, એના સૂચનમાં માનવંતીને નર્યા સ્વાર્થની જ ગંધ આવતી હતી. જે અમરત આજે દલુને દત્તક લેવાનું સૂચવે છે એ આવતી કાલે તો આ ઘરમાં શું ને શું નહિ કરે એ ખ્યાલ માત્રથી માનવંતી ધ્રૂજી ઊઠી. નણંદની આ દુર્બુદ્ધિને ઊગતાં જ ડામવી પડશે એવો માનવંતીએ નિર્ણય કર્યો.

માનવંતીએ આભાશાને બધી વાતચીતથી વાકેફ કર્યા અને આભાશાનું ચિતતંત્ર ચગડોળે ચડ્યું. દરમિયાનમાં અમરતની આશાઓ અને આકાંક્ષાઓને ધૂળમાં મેળવવા માટે માનવંતી પણ પ્રયાસ કરી રહી હતી. પોતે જો પ્રયાસ નહિ કરે તો દલુ આવતી કાલે ઘરનો ધણી–રણી બની બેસશે એવી એને ભીતિ હતી. એમ થતું અટકાવવા માટે શાં પગલાં લેવાં એની ચિંતા માનવંતીને રાતદિવસ સતાવ્યા કરતી હતી.

બીજી બાજુ આભાશા પણ અસ્વસ્થ રહ્યા કરતા હતા. જ્યારે જ્યારે તેઓ માનસિક અસ્વસ્થતાથી પીડાય ત્યારે વિમલસૂરીનું શરણું શોધવાનો એમનો શિરસ્તો હતો. હમણાં ને હમણાં ઉપરાઉપરી બે ત્રણ વાર તેઓ આચાર્ય પાસે જઈ આવ્યા હતા, પણ ચિત્તની શાંતિ હજી સુધી સાંપડી શકી નહોતી.

છેવટે જે વ્યક્તિએ આભાશાનું ચિત્ત ચગડોળે ચડાવ્યું હતું એ જ વ્યક્તિએ એને શાંત કર્યું. માનવંતીના મૂઢ જેવા ગણાતા મગજમાં પણ આગિયાની જેમ એક ઉકેલ ઝબકી ગયો. માનવંતીની બે નાની બહેનો નંદન અને ચંપા હજી કુંવારી હતી અને નંદનનું  વેવિશાળ કરવાની વાત ચાલતી હતી. સારો મુરતિયો શેાધી આપવાની વિનંતિ કરતા બેત્રણ પત્રો પણ આભાશા અને માનવંતી ઉપર આવી ગયા હતા. એક દિવસ ઓચિંતો જ માનવંતીને વિચાર આવ્યો કે મારા તો પગ પાસે જ ગંગા વહે છે ને હું આવી ને આવી કાં ભટકું ? આભાશા વેરે નંદનને જ કાં મારી જગ્યાએ ન ગોઠવી દઉં ? સગી બહેનને પેટે જે જણ્યાં અવતરશે એ તો મારાં જ જણ્યાં ગણાયને ? ને આટલી લાખોની લક્ષ્મી પારકે હાથે પડતાં તો બચશે ! અમરતબા તો પરાણે પોતાનાં દલિયાને મારે ખોળે ઠોકી બેસાડવા તૈયાંર બેઠાં છે. ને ચતરભજની પણ અંદરખાનેથી દાનત તો ખોરી ટોપરાં જેવી લાગે છે. રેઢાં તો રાજપાટ પણ લુંટાઈ જાય. તો હજી ક્યાં આભાશા એવડા મોટા થઈ ગયા છે કે પારકાને જ ખોળે લેવાં પડે ? ને એવાં પારકાં જણ્યાં કોને ખબર છે, વંશવેલો ઉજાળે કે ઉખેડે ? પારકાં મેરાયાંના તેજમાં કોઈ ઠર્યા હોય એમ સાંભળ્યું છે ક્યાંય ?… આવી આવી ગણતરીઓ કરીને માનવંતીએ આભાશા સમક્ષ નંદનના વેવિશાળ માટેનો દાણો દાબી દીધો.

આભાશાને પણ આ સૂચન ગમ્યું તો ખરું, પણ એને અમલમાં મૂકવાનું કાર્ય સહેલું નહોતું. એની યોગ્યાયોગ્યતા અંગે નિર્ણય કરવા માટે એમને ફરી વિમલસૂરીનું શરણું શોધવું પડ્યું.

રિખવનાં મૃત્યુ પછી વિમલસૂરી જેવા સમકીતધારી સાધુનું ચિત્તતંત્ર પણ ડહોળાઈ ગયું હતું. રિખવને હજી એક ગ્રહની નડતર હોવા છતાં સુલેખા સાથે એનાં લગ્ન કરવા માટે આભાશાના આગ્રહથી પોતે મભમ અનુમતિ આપી દીધેલ, એ બદલ વિમલસૂરીનો અંતરાત્મા ડંખી રહ્યો હતો. આવી સંતપ્ત મનોદશામાં જ્યારે આભાશા પોતાના પુનર્લગ્ન માટે સૂરીજીની સંમતિ લેવા આવ્યા ત્યારે પહેલાં તો એમને બહુ ઉષ્માભર્યો આવકાર ન મળ્યો. પણ આભાશાએ જ્યારે આજીજીપૂર્વક સૂરીજીની સલાહ માગી ત્યારે  એમણે કહ્યું :

‘આવી બાબતોમાં અમે તો ઉપનિષદકારોના મતને માન્ય ગણીએ છીએ. ધનલક્ષ્મી, સંપત્તિ કે સામ્રાજ્ય એ બધાં ઉપર કોઈ વ્યક્તિનો હક હોઈ જ ન શકે. વ્યક્તિ એ બધું સાચવવામાં સફળ ન થાય. એની સાચી માલિકી તો લોકોની છે… લોકબ્રહ્મની છે. તમે તો નિમિત્ત માત્ર છો શાહ ! લક્ષ્મીને ચંચળ અમસ્તી નહિ કીધી હોય !’

‘પણ જીવતાં જીવોથી પરિગ્રહો છૂટતા નથી. એનું કેમ કરવું ?’

‘સંસારી અને સાધુ વચ્ચે ત્યાં જ ફેર પડે છે ને ! અમે મમત્વના બંધનમાંથી મુક્ત થયા છીએ. તમે એ બંધનમાં વધારે ને વધારે બંધાતા જાઓ છો…’

‘સંસારના ધર્મોનું પાલન કરતે છતે પણ સાધુત્વ કેળવી શકાય છે એમ તો આપ વારંવાર વ્યાખ્યાનમાં કહો છો.’

‘હા, ગૃહસ્થી માટે પણ બાર વ્રતો રાખ્યાં જ છે. માણસ એટલું પાળી શકે તો પણ સહેલાઈથી તરી જાય.’ વિમલસૂરીએ કહ્યું. પછી થોડી વાર મૂગા રહી, વિચાર કરીને ઉમેર્યું : ‘પણ આવી નાજુક બાબતમાં તો મારી પાસે હા કે ના કહેવડાવીને રાવઈ ન બંધાવશો.’

‘એમ તે હોય, ભગવન્ત ? આજ આટઆટલાં વરસથી આપ મારા ગુરુ–સ્થાને બિરાજીને મને ભવાટવિમાં માર્ગ ચીંધતા આવ્યા છો. તો આજે મને માર્ગદર્શન નહિ કરાવો ?’ આભાશા રગીરગીને બોલતા હતા.

‘જુઓ શાહ, ગૃહસ્થીએ એકપત્નીવ્રતનું પાલન કરવું જોઈએ. પણ તમારી પરિસ્થિતિ જુદી છે. તમારે ભોગવિલાસ માટે નહિ પણ પ્રજાતંતુને અવિચ્છિન્ન રાખવા બીજી પત્ની કરવાની જરૂર ઊભી થઈ છે. પિતાની મનકામનાઓ તેમ જ જનકલ્યાણની અધૂરી  રહેતી પ્રવૃત્તિઓ પૂર્ણ કરવા અને એમને ખીલવવા માટે પાછળ પુત્ર હોય એ અત્યંત જરૂરી છે. રિખવ જીવતો રહ્યો હોત તો…’

‘પ્રભુ, મારું નસીબ ફૂટેલું હશે.’ આભાશાએ વચ્ચે કહ્યું.

‘જેવી જિનપ્રભુની મરજી. પણ આજે તો આપના પ્રશ્નના ઉત્તર રૂપે હું હા કે ના કશું નહિ કહું તમારી દરખાસ્તનો હું સ્વીકાર કે અસ્વીકાર કશું નહિ કરું. હું તો હવે માનતો થયો છું કે માયાનું મમત્વ જ મનુષ્યને અનેકવિધિ સંતાપનું કારણ બને છે. આઠેય કર્મમાં મોહની કર્મને ભૂંડો કહ્યો છે. રાગી મનુષ્યને વીતરાગી બનવામાં એ કર્મ જ નડતરરૂપ બને છે. તમે પણ રાગથી પીડાઈ રહ્યા છો. આટલી બધી ઇસ્કામત મારી છે, એ ભાવના જ દુ:ખકારક છે. અમે સાધુઓ તો એમ જ માનીએ છીએ કે અઢળક સંપત્તિની માલિકી એકાદ વ્યક્તિની નહિ પણ સમાજની જ હોવી જોઈએ. જનતા – જનપદ જ એ સંપત્તિ સાચવી શકે. એ સાચવવાની તમારામાં શક્તિ નથી અને અધિકાર પણ નથી.’

‘પ્રભુ, મારી પોતાની મહેનતથી પ્રાપ્ત કરેલી પૂંજી માટે…’

‘શાહ, મહેનત તો ગૌણ વસ્તુ છે. વધારે તો તક અને અકસ્માતનું જ એ પરિણામ હોય છે. છતાં દ્રવ્યની પ્રાપ્તિ તેમ જ સંચયમાં પણ મનુષ્યે જનકલ્યાણની ભાવના નજર સમક્ષ રાખવી જોઈએ. તમે એ ભાવનામાંથી ચ્યુત થયા છો એમ લાગે છે.’

‘ભગવન્ત, મારે માટે આપનો આવો અભિપ્રાય…?’

‘જી હા, હું જસપર તેમ જ મીંગોળાને ઘેરે ઘેર ગોચરીનું બહાનું કાઢીને ફરી આવ્યો છું અને જાણી લીધું છે કે તમારા મુનીમ ચતરભજે ઘૂંટડે ઘૂંટડે લોકોનાં લોહી પીધાં છે.’

‘પ્રભુ, એ મુનીમ મને પણ બદનામ કરે એ સ્વાર્થી છે…’

‘એ મુનીમ તમને માત્ર બદનામ જ નથી કરતો, એ તમારો સર્વનાશ નોતરી રહ્યો છે, જેની શરૂઆત રિખવના અકાળ મૃત્યુથી થઈ ચૂકી છે……’  ‘પ્રભુ, એ આવી રહેલા સર્વનાશમાંથી ઊગરવા માટે જ મેં આ પગલું લેવા ધાર્યું છે.’

‘આવી બાબતોમાં અમારાથી કશું ન કહેવાય. સંસારીઓએ યથામતિ આચરણ કરવું જોઈએ. પણ જે કાંઈ કરો એ જનકલ્યાણની ભાવનાથી જ કરજો. અને એ ન ભૂલશો કે ધનદોલત અને રિદ્ધિસિદ્ધિ ઉપરનો સારો અધિકાર જનપદનો છે. દ્રવ્યોપાર્જન પાછળ ગાંડા બનીને લોકોમાં વસેલા સનાતન બ્રહ્મને ઉવેખવાની ભૂલ કરી બેસશો મા. અઢળક ઇસ્કામત ઉપરનો સાચો વારસાહક લોકબ્રહ્મનો છે – સામાન્ય જનતાનો છે. સંપત્તિની સોંપણી માટે એ રીત જ ઔચિત્યભરી છે.’ વિમલસૂરીએ હસતાં – હસતાં ઉમેર્યું : ‘રસશાસ્ત્રમાં તેમ જ સંપત્તિશાસ્ત્રમાં ઔચિત્યનો સિદ્ધાંત સરખું જ કામ કરે છે ! સમજી ગયા ને ?… ઠીક ત્યારે ધર્મલાભ !’ કહીને રાઈ પડિકમણાનો સમય ભરાઈ ગયો હોવાથી સૂરીજી હાથમાં રજોહરણ લઈને ઊભા થઈ ગયા. મીઠું મધ જેવું હાસ્ય વેરતાં વેરતાં આભાશાને વિદાય આપી અને જીભેથી બોલવાને બદલે આંખની ભાષામાં જ સમજાવ્યું કે ‘યથામતિ જે કાંઈ સૂઝે તે જકકલ્યાણની ભાવનાથી કરવામાં કોઈ બાધ નથી; પછી તો જેવાં નસીબ !’

આટલી મૌન અનુમતિ લઈને આભાશા પુલકિત હૃદયે પાછા ફર્યા.

માનવંતીએ સાથે જઈને આભાશાને પોતાની નાની બહેન નંદન સાથે ચોરીમાં ચાર ફેરા ફેરવી દીધા.

*