વ્યાજનો વારસ/લગ્નોત્સવ
← સ–કલંક મયંક | વ્યાજનો વારસ લગ્નોત્સવ ચુનીલાલ મડિયા |
‘પ્રિયા મુખોચ્છ્વાસ વિકમ્પિતં મધુ’... → |
વખત જતો ગયો તેમ તેમ આભાશા તથા નિહાલ શેઠ બન્નેને લાગતું ગયું કે સુલેખા માટે રિખવ અને રિખવ માટે સુલેખાની જ જોડી વિધાતાએ નક્કી કરી રાખી છે. ત્રાહિતોએ પણ મત આપ્યો કે આ બન્નેનાં લગ્ન થાય તો સોનામાં સુગંધ મળે. જીવણશા તરફથી નેમીદાસ માટે અવારનવાર થતું દબાણ લશ્કરી શેઠે ગણકાર્યું નહિ.
શુભ શુકન જોઈને રિખવ–સુલેખાનું વેવિશાળ નક્કી થયું અને શુભ તિથિનાં લગન લેવાયાં.
જીવણશાના પેટમાં જાણે કે તેલ રેડાયું.
આભાશાએ જગન આદર્યો. સાત પેઢીનું નામ ઉજાળનાર એકના એક પુત્રના લગનની ધામધૂમનું તો પૂછવું જ શું ? ગામમાં ચાર જગ્યાએ તો મોટા મોટા કોઠાર ઉઘાડ્યા છે અને તેમાં ગામોગામથી ગાડાંમોઢે ખાદ્યસામગ્રીઓ આવી આવીને ઠલવાય છે. મહિના મહિના દિવસથી સુખડિયાઓએ તવા માંડ્યા છે અને જાતજાતની ને ભાતેભાતની મીઠાઈ તૈયાર થાય છે. આભાશાએ તિજોરીનાં બારણાં અને કોથળીઓનાં મોં ખુલ્લાં મૂકી દીધાં છે. લગનનિમિત્તે મુનીમ તેમ જ વાણોતરોને મોકળે મને પૈસા વાપરવાની છૂટ મળી છે. ચતરભજને મનચંગા છે. દલુ તેમ જ ઓધિયો આનંદમાં છે અને ચોવીસે કલાક રિખવ શેઠની ખડે પગે ચાકરી કરે છે. રસિક રિખવ શેઠ પોતાના ભાવિ લગ્નજીવનનાં સ્વપ્નાં અનુભવી રહ્યા છે. આભાશાએ લીલી લેખણે દેશાવરમાં કંકોત્રીઓ લખી છે. શરાફી ધંધા અંગે ઊભા થયેલા અનેક ગાઢ સંબંધીઓને નિમંત્રણો પાઠવ્યાં છે. નજીકનાં સગાંસ્નેહીઓને તેડવા માટે ખાસ વણોતરો ગયા છે. બહોળા મહીમહેમાનોના ઉતારા માટે અર્ધા ગામની આલીશાન મહેલાતો વાળીઝૂડીને સાફ કરાવી રાખી છે.
ગામેગામના શરાફ મહાજન અને નગરનગરના નગરશ્રેષ્ઠીઓ મહેમાન બનીને આવ્યા છે. સોનાંરૂપાં ને હીરામાણેકના અલંકારોથી વિભૂષિત એ પ્રતિભાવંત પુરુષો અને પદમણી જેવી રમણીઓ ગામના માર્ગો ઉપર થઈને પસાર થાય છે ત્યારે એ માર્ગો જાણે કે એમને સાંકડા પડે છે. અઢળક લક્ષ્મીના આગમનથી ગામની રોનક હસી ઊઠી છે.
ધોળી બાસ્તા જેવી ખડીથી ધોળાયેલ આભાશાની ડેલી પર લાલ ગેરુના ટોડલા ચિતરાયા છે. બારસાખે અણિયાળા આસોપાલવનાં તોરણ ટિંગાય છે. વીસપુરથી નિહાલ શેઠે લગન લખીને કૂળગોરને મોકલ્યો છે. લગન વધાવીને આભાશાએ ગામલોકોને જણપટ ગોળ અને ખારેકની લહાણ વહેંચી છે. લગ્નોતરી વાંચીને રિખવના મંડપનું આરોપણ થયું છે. ગામના કસબી કમાનગરાએ ત્રણ મજલાવાળો માંડવો ઊભો કર્યો છે. એની બાંધણી અને કારીગીરીમાં સામાન્ય માણસોની અક્કલ કામ કરી શકે તેમ નથી. થાંભલાની ચાર ચાર દિશાએ ગોઠવેલી નમણી પૂતળીઓ જોતાં તો એમ જ લાગે કે જાણે હમણાં એ હસીને ચાલવા માંડશે ! માંડવાને ભોંયતળિયે સોહાગણો મંગળ ગીતો ગાય છે, પહેલે મજલે ઢોલ–શરણાઈ આદિ વાદ્યો વાગે છે અને બીજે મજલે નર્તકીઓ નાટારંભ કરે છે. માત્ર ગામનાં જ નહિ પણ આસપાસની દસવીસ ગાઉની સીમનાં માણસો રિખવ શેઠનો માંડવો જોવા ઊમટી પડ્યાં છે.
પરેવાશે જૂતેલી જાનનાં એંશી ગાડાંની કતાર ગામના પાદરમાં સામતી નથી. સહુની મોખરે વરરાજાનું ગાડું છે. એના બળદ પણ લોંકટા જોઈને પસંદ કરવામાં આવ્યા છે. એમની ભરાઉ ડોકમાં ઘૂઘરમાળ ઘમકે છે. માથે ઝૂલ ઝૂલી રહી છે. પચરંગી હીરભરત અને આભલાંએ ઓપતી શીંગડીઓની અણીઓ ઉપર પોપટપંખી શોભી રહ્યાં છે. ગાડાને ચાર છેડે ખોડેલ વાંસ ઉપર આભાશાને ત્યાં વડવાઓ તરફથી વારસાગત મળતો આવેલો અસલ કિનખાબી જરિયન માફો ઓઢાડવામાં આવ્યો છે. સિગરામનો આ શણગાર આટઆટલા પંથકમાં આભાશાની આગવી મિલકત ગણાય છે અને નાના નાના દરબારો પણ કોઈ કોઈ પ્રસંગે આ રજવાડી શણગારસામગ્રી આભાશા પાસેથી ઉછીની માગી જવામાં ગર્વ સમજે છે.
એક માફા પાછળ બીજો, બીજા પાછળ ત્રીજો એમ કતાર લાગી છે, એ કોઈ દિગ્વિજય કરવાને નીકળેલી સવારીની યાદ આપે છે. એનો ઠાઠ પણ લશ્કરી જ છે. ચાર ચાર ગાડાં છોડીને દર પાંચમે ગાડે એકેક બંદૂક અને કીરચધારી વોળાવિયો ખોંખારા ખાતો આવે છે. એમાંના મકરાણી ને આરબ તો આભાશાને ત્યાં જ જન્મ્યા છે ને મોટા થયા છે. વર્ષો પૂર્વે જ્યારે પેઢીની એક દુકાનેથી બીજી દુકાને સોનૈયા, મહોર, રૂપિયા તેમ જ અન્ય સિક્કાઓની પોઠો ભરીભરીને હેરવણીફેરવાણી થતી ત્યારે આ મકરાણી ને આરબ બચ્ચાઓના વડવાઓએ પોતાનાં લીલાં માથાં વઢાવ્યાં હતાં. એ નેકી અને નિમકહલાલીનું યત્કિંચિત્ ઋણ ચૂકવવા માટે એ ભડવીરોના વારસદારોને આભાશા હજીય પોષ્યે જતા હતા. અત્યારે આખે રસ્તે એ સિંહબચ્ચાઓ તેમના રગડકસૂંબા વાટ્યે જતા હતા. અને વચ્ચે વચ્ચે ગેલમાં આવે ત્યારે માદરઝબાંમાં એકાદ–બે શેર ગગડાવી કાઢતા અથવા મોજ ખાતર હવામાં બંદૂકનો અવાજ કરીને જાનના પડને જાગતું રાખતા હતા.
મધ્યયુગમાં જ્યારે ધિંગાણાં અને દંગા સામાન્ય હતાં ત્યારના વખતની દારૂગોળા ભરવા માટે વપરાતી જંગી કોઠીઓમાં ઠાંસોઠાંસ લાડવા તેમ જ અન્ય મીઠાઈઓ ભરી લીધી હતી. ત્રણ ત્રણ કલાકે છાંયડો તેમ જ પિયાવો જોઈને જાન આખી ટીમણ કરવા બેસે છે. ખાતાં ખાતાં વાતો અને મશ્કરીના ઝીંકોટા બોલે છે. પાનસોપારીનાં બીડાં ચવાય છે; અને ફરી આખો કાફલો વીસપુરને માર્ગે રવાના થાય છે.
વીસપુરની સીમમાં જઈને વોળાવિયાએ બંદૂકમાં ભરેલો દારૂ ફોડી નાખ્યો. એના અવાજોએ ગામને જાણ કરી કે ‘રિખવ શેઠ વનરાજે સીમડી ઘેરી…… માણારાજ……’ સામટાં ગાડાં પાદરમાં પહોંચ્યાં ત્યારે તો ખરેખર સીમાડાને કોઈએ ઘેરો ઘાલ્યો હોય એવું લાગ્યું.
નિહાલ શેઠ તરફથી થતી જાનની આગતાસ્વાગતામાં જરીયે કમીના નથી. લશ્કરી કુટુંબની જુનવટ અને અમીરાતને છાજે એવી એમની સરભરાની રીતરસમ છે. ગામથી બે ગાઉ આગળને એક વિસામે લશ્કરી શેઠના માણસો દૂધિયાં અને શરબતની ઠંડાઈના દેગડા લઈ લઈને સામા ગયા છે. પાદરમાં પાણીની તાંદમાં કોથળા મોડે ખાંડ ઠાલવીને જાનૈયાઓને ગળ્યાં પાણી પાયાં છે. રોંઢો નમ્યે વાજતેગાજતે જાનનાં સામૈયાં થયાં છે. રૂપાના શણગારે લચી પડતી ઘૂઘરવેલમાં રિખવ શેઠ બેઠા ત્યારનો દેખાવ તો ભલભલા રાજામહારાજાઓની સાયબીનેય શરમાવે એવો હતો : મોખરે સાજનમાજન, વચ્ચે વરરાજા અને છેડે રંગબેરંગી પટકૂળોમાં વિભૂષિત થયેલું સ્ત્રીવૃંદ. સામૈયું ગામમાં પ્રવેશ્યું ત્યારે જાણે કોઈ પ્રતાપી મહાનરના આવવાથી આખા ગામમાં જીવ આવ્યો.
સાંજે રિખવ પોંખાયા પછી અંતરપટની આડશે આવીને સુલેખા જે તાંબૂલ છાંટી ગઈ એ પ્રવાહીમાં પોતાને પ્રિય એવી ચિત્રકલાના જ નહિં સમસ્ત જીવનકલાના જુદા જુદા રંગોને જાણે કે એકરંગી બનાવ્યા હોય એમ લાગતું હતું.
નિહાલ શેઠે પોતાના ખોરડાની વટ પ્રમાણે પાંચ પાંચ દિવસ સુધી જાનને રોકી છે. પાંચેય દિવસ જાનૈયાઓ ફરતી ફરતી મીઠાઈઓ ખાય છે. લશ્કરી શેઠે દૂર દૂરથી મીઠાઈઓના કરંડિયા મંગાવ્યા છે. રોજ બપોરે ને રાતે બારોટ લોકો આવે છે અને બન્ને કુટુંબોની જ્વલંત ભૂતકાલીન જાહોજલાલીની બિરદાવલિઓ સંભળાવે છે. કાનમાં આંગળી ખોસીને દુહા ગાનાર ગઢવીઓ આવી ગયા, પક્ષીઓની બોલીની આબેહૂબ નકલ કરી જાણનાર ભરવાડ આવી ગયો, અવનવી વેશભૂષાઓ સજનાર બહુરૂપી આવી ગયો. સા આગંતુકો વરરાજા તરફથી મોં–માગી બક્ષિસો મેળવી ગયા.
વસિષ્ઠ–અરુંધતીના સૌભાગ્યના આશીર્વાદ પામીને રિખવ અને સુલેખા જસપર તરફ વળ્યાં.
*