લખાણ પર જાઓ

વ્યાજનો વારસ/સૂનું સુવર્ણપાત્ર

વિકિસ્રોતમાંથી
← મજિયારાં હ્રદયની અશ્રુત્રિવેણી વ્યાજનો વારસ
સૂનું સુવર્ણપાત્ર
ચુનીલાલ મડિયા
ઓશિયાળી અમરત →





[૨૫]


સૂનું સુવર્ણપાત્ર

મરત અસ્વસ્થ છે. એક તરફથી એને સોંપવામાં આવેલું કામ ઝટપટ પતાવાની ચતરભજ તાકીદ કરી રહ્યો છે. બીજી તરફથી વહેમીલી નંદન આભાશાને એક ઘડી પણ રેઢા નથી મૂકતી. ત્રીજી તરફથી વળી કોઈ કોઈ વાર એને ભાઈ પ્રત્યે અનુંકપા પણ ઊપજે છે અને થાય છે, ચાલ, ઘોળેલા અફીણનો વાટકો ઢોળી નાખું !

આવાં ત્રિવિધ બળો વચ્ચે અમરત ત્રિશંકુની યાતનાઓ વેઠી રહી છે.

પોતાના કૃત્યનાં પરિણામો શાં શાં આવશે એની કલ્પના પણ અમરતને અકળાવી મૂકે છે. હું કદાચ પકડાઈ તો નહિ જાઉં ! કોઈને જાણ થઈ જાય તો શું થાય ? આવાં આવાં ચિંતાજનક પરિણામોની યાદ સાથે એને અન્ય આનંદજનક પરિણામો પણ યાદ આવતાં : પેઢીનો આખો હડફો ચતરભજ હાથ કરી લિયે. નવી અને જૂની બેયને જીવાઈ આપીને તગડી મેલે, પેઢીમાં તિજોરીવાળા મોટા મુખદાને અઢેલીને મામાની બેઠક ઉપર દલુ બેસે...

અમરતનું હૃદય ઝણઝણાટી અનુભવી રહ્યું. એણે મક્કમ નિર્ધાર કર્યો કે આજે તો હિંમત કરીને ભાઈ પાસે પહોંચી જ જવું. એમ વાણિયાશાહી પોચટતાથી કોઈ કામ પાર પડવાનાં હતાં ? પોતે કામ પતાવી લિયે એટલી વાર નંદનને દૂર કરવાનો પણ એણે કીમિયો રચી કાઢ્યો.  આભાશાને લાંબા મંદવાડને કારણે ખોરાક ઉપરથી રુચિ ઊઠતી જતી હતી તેથી અમરતે સૂચવ્યું કે ભાઈ માટે તાજા પાપડ વણો. આ સૂચન નંદનને ગમ્યું. પણ એ બહાનેય પોતે પતિની પથારીથી દૂર ખસી નહિ. ઓરડાના ઉંબરા ઉપર બેસીને એણે પાપડ વણ્યા, જેથી એક આંખ સતત આભાશાના ખાટલા ઉપર રહી શકે. પરિણામે અમરતની યોજના ફળીભૂત ન થઈ શકી તેથી એણે દલુને બોલાવીને એક કીમિયો સૂચવ્યો.

છેક ડેલીના બારણા પાસે આથમતા પહોરનો તડકો જઈ પહોંચ્યો હતો, તેથી પાપડ સૂકવવા માટે ખાટલા છેક ડેલી પાસે ઢાળવા પડ્યા હતા.

આભાશા હમણાં હમણાં એટલા તો અશક્ત થઈ ગયા હતા કે બોલવામાં પણ એમને અસહ્ય પરિશ્રમ પડતો. વળી, છેલ્લા થોડા દિવસની માનસિક યાતનાઓને પરિણામે એમને ચિત્તભ્રમ જેવું પણ થયું હતું. એમના બોલવામાં પણ કશો ધડો નહોતો રહ્યો. ઘડીક તેઓ મૃત રિખવને યાદ કરતા અને એ જાણે પોતાની સામે જીવતો બેઠો હોય એમ વાતો કરવા માંડતા. ઘડીક વિમલસૂરીને વ્યાખ્યાન આપતા કલ્પીને પોતે 'જી હા !’ ‘જી.. હા !’ ‘સાચું ગુરૂદેવ!’ એમ હોંકારા ભણ્યા કરતા અને એમની સાથે તત્વચર્ચા પણ કરતા. કોઈ કોઈ વાર સોલો ચડે ત્યારે તેઓ ઉપરાઉ૫૨ દર્શની અને મુદતી હૂંડીઓ લખાવ્યા કરતા, આંગળીના વેઢા ઉપર વ્યાજની ટકાવારી ગણ્યા કરતા. આવે પ્રસંગે તો અડખે પડખે બેઠેલા સહુને બે ઘડી હસવાનું મળતું, પણ જ્યારે જ્યારે તેઓ રિખવ સાથે વાત કરવા માંડતા, ત્યારે સાંભળનારાઓ સહુ રડી પડતા. રિખવનાં સ્મરણો જીરવવાં કઠણ હતાં. ચિત્તભ્રમની દશા જયારે સન્નિપાતે પહોંચી ત્યારે તો આભાશા એટલી ઉત્કટતાથી રિખવ સાથે વાત કરવા મંડી પડતા કે જાણે હવામાંથી હીબકાં સંભળાતાં હોય એવું ગમગીન વાતાવરણ ફેલાઈ જતું. એક વખત તો એવું બન્યું કે સુલેખા એના નિત્યક્રમ પ્રમાણે નિયત સમયે સસરાજીની શુશ્રૂષા માટે આવી ત્યારે જ ચિત્તભ્રમ આભાશાએ રિખવ સાથે વાતચીત માંડી અને એ હીબકતી હવામાં સુલેખા મૂર્ચ્છા ખાઈને ઊભી પછડાટે હેઠી પડી ગઈ. બરોબર એક કલાકે એ હોશમાં આવી.

ત્યાર પછી આભાશાને સતત ઘેનની દવા આપી રાખવામાં આવતી.

નંદન અત્યારે ઉંબરમાં બેઠી બેઠી એક આંખ આભાશા ઉપર અને એક આંખ પાપડ ઉપર માંડી રહી હતી.

‘કેમ છે ભાઈને અત્યારે ?’ કરતીકને અમરત ઓરડામાં આવી. હમણાં હમણાં એના ચહેરા ઉપર એક જાતની ભયપ્રેરક વિકૃતિ ઊપસતી આવતી હતી. એ જોઈને નંદન વધારે સાવચેત બની અને પાપડની ફિકર પડતી મૂકીને પતિ તરફ એણે ધ્યાન ફેરવ્યું.

આડીતેડી વાતોમાં અમરતે ઠીકઠીક સમય પસાર કરી નાખ્યો અને નણંદ અંગેનો નંદનના પેટનો ફટકો પણ થોડો ઓછો કરી નાખ્યો.

સન્નિપાતી બકવાટ ઓછો કરવા માટે યોજાયેલી આભાશાની ઘેનની અવસ્થા બદલ અમરતે વસવસો વ્યક્ત કર્યો અને આંખમાંથી બે ટીપાં પણ પાડી બતાવ્યાં.

નણંદનું આ સમસંવેદન જોઈને નંદન અર્ધી અર્ધી થઈ ગઈ. આવી પ્રેમાળ બહેન જે સગા ભાઈનો વાળ પણ વાંકો ન કરે એ અફીણ તો શેં પાઈ શકે, એ પ્રશ્ન નંદનને પજવી રહ્યો. અને પોતે નણંદને માટે બાંધેલા હલકટ ખ્યાલ બદલ જરા ક્ષોભ પણ અનુભવી રહી. છતાં આભાશાના ખાટલા ઉપરથી એ પોતાની નજર આઘી નહોતી ખેસવતી.

પણ નંદન પોતાની નજર આઘી ન ખેસવે તો અમરત થોડી એમ ને એમ બેસી રહે એવી હતી ? એણે તો એનો વ્યૂહ ક્યારનો ગોઠવી રાખ્યો હતો.

ડેલીનો આગળો ક્યારે ઊઘડી ગયો એ નંદનને ખબર ન પડી. ઓચિંતી દલુની હાક સંભળાણી : ‘એ હે ! હે ! મામી તમે તે પાપડનું ધ્યાન રાખો છે કે માખીઓ મારો છો ! આ ગાય આવીને પાપડમાં મોં ઘાલે છે. એ હો ! હો ! ગાવડી !’

દલુએ એવો તો હો–ગોકીરો કરી મેલ્યો કે નંદન સડાક ઊભી થઈને ડેલી પાસે દોડી ગઈ. જઈને જુએ છે તો ગાય ઊભી ઊભી પાપડ ચાવે છે. દસબાર પાપડમાં એના દાંત બેઠેલા દેખાય છે અને આ શીંગડાં વતી ત્રાંસો થઈ ગયેલો ખાટલો દલુ વધારે ત્રાંસો કરતો દેખાય છે. બધા જ પાપડ ધૂળમાં પડી ગયા અને દલુએ પરસાળની કોર ઉપર પડેલું સાંબેલું ઉપાડીને ગાયની પીઠ ઉપર ઝીંકવા માંડ્યું.

‘જેટલા પાપડ બગાડ્યા છે એટલાં સાંબેલાં ગણીને રાંડને સબોડજો, દલુભાઈ ! ઉશ્કેરાયેલી નંદને દલુને હુકમ કર્યો.

દલુએ ધડોધડ સાંબેલાં મારવા માંડ્યાં. એક સાંબેલું મામીના માથા પર ઝીંકવાનું પણ એને મન થઈ આવ્યું, પણ માંડ માંડ એ ચળને એણે દાબી રાખી.

ફળિયામાં ઘમસાણ જેવું થઈ ગયું.

નંદનનું ધ્યાન દરવાજા મોકળા મૂકીને ખાળે ડૂચા દેવામાં પરોવાયું હતું. આટલી બધી મહેનતે વણેલા પાપડ આમ ધૂળમાં રગદોળાતા જોઈને એનો જીવ કપાઈ ગયો. હજી સદ્‌ભાગ્યે થોડા પાપડ ગાયના મોંમાં જતાં બચી જવા પામ્યા હતા. એવા પાપડ વીણીવીણીને એના ઉપરથી ધૂળ ખંખેરવામાં અને ગાયને ગાળો દેવામાં નંદન ગુલતાન થઈ ગઈ.

‘વાલામૂઈ ! તારો પાળનારો મરે ! મારા મોંઘા પાપડ ચાવી ગઈ. તારા પેટનો ભાડો ફૂંટે, રાંડ ખાઉધરી !’

થોડી વારે જ્યારે દલુને લાગ્યું કે મામી પાસેનું ગાળોનું ભંડોળ હવે ખૂટી રહેવા આવ્યું છે અને હવે તેઓ ઊંચી નજર કરે એવો ભય છે, એટલે એણે હળવેક રહીને એક ખૂણે પડેલી પાણીની કોઠી ઊંધી વાળી નાંખી અને મામી માટે એ કચકાણ સમુંનમું કરવાનું નવું કામ ઊભું કર્યું.

દરમિયાનમાં પાછળથી અમરતે પોતાનું કામ પતાવી લીધું હતું તેથી નવરી પડતાં એ પણ ભોજાઈની મદદે દોડી આવી.

‘રાંડ ગાય પણ ભારે જબરી ! જાતાં જાતાં શીગડું ભરાવીને પાણીની કોઠી ઊંધી વાળતી ગઈ.’ દલુએ ખુલાસો તૈયાર જ રાખ્યો હતો.

‘સારું થયું કોઈને શીંગડે ન લીધાં. પાપડનો કાલ ઊઠીને બીજો લોટ બાંધશું. સંધીય ખોટ ખમાય પણ માણસની ખોટ પડત તો એ ન ખમાત.’

અમરતનો ગુનાહિત અંતરાત્મા જાણે કે કશીક આગમવાણી ઉચ્ચારી રહ્યો હતો.

ગાય આવીને પાપડ ખાઈ જાય છે એવી દલુની બૂમ સાંભળીને નંદન ઉંબરેથી ઊઠી કે તરત અમરતે સાડલાના છેડા તળે સંતાડેલી ચીજ કાઢી અને આભાશાનું મોં ઉઘાડીને એમાં ગરેળો કરવા લાગી હતી. આભાશાનો બકવાટ ઓછો કરવા માટે એમને ઘેનની દવા આપવામાં આવતી, છતાં તેઓ સભાન અવસ્થા છેક ગુમાવી નહોતા બેઠા. એમની સ્વાદેન્દ્રિય તો સતેજ હતી જ. પીણાનો સ્વાદ પરખાતાં એમની સ્મરણશક્તિ પણ જાગ્રત થઈ અને ચતરભજ–અમરતની જોડલીએ રચેલી ત્રાગડાની યાદ પણ તાજી થઈ.

પણ એ તાજી થયેલી યાદ હવે કશા ઉપયોગની નહોતી, બે ઘૂંટડા તો ગટાક ગટાક ગળે ઊતરી ચૂક્યા હતા. પણ ત્રીજો અને છેલ્લો ઘૂંટડો જે હજુ મોંમાં હતો એને આભાશાએ ગળે ઊતરવા ન દીધો અને નંખાઈ ગયેલા શરીરમાં પણ જે રહ્યુંસહ્યું જોમ હતું એ સઘળું એકઠું કરીને એક મહાપ્રયત્ન વડે તેમણે અમરતના હાથને મોં વડે ઝાટકો માર્યો અને મોંમાં વધેલા અફીણનો ઘૂંટડો ભીંત ઉપર થૂંકી નાખ્યો. પણ એમ કરવાથી કશું વળે એમ નહોતું, પેટમાં પ્રવેશી ગયેલું પ્રવાહી આભાશાનો પ્રાણ લેવા માટે પૂરતું હતું.

તે રાતે આભાશાએ કશી લવરી કે બકવાટ ન કર્યો. રિખવ સાથે વાત ન કરી, વિમલસૂરી સાથે તત્ત્વચર્ચા ન આદરી કે વ્યાજના ટકાની ગણતરી પણ ન કરી. વૈદ્યની દવાના અને અમરતના અફીણના બેવડા ઘેનમાં તેઓ ઘોંટી ગયા.

રોજ સવારના પહોરમાં નંદન સોનાની થૂંકદાની અને દાતણ લઈને આભાશાના ખાટલા સામે મૂકતી અને આભાશાને દાતણ કરાવતી. અને એમાં નંદનને પારાવાર તકલીફ અનુભવવી પડતી. પણ આજે જ્યારે એણે થૂંકવાનું સુવર્ણપાત્ર અને દાતણ મૂક્યાં ત્યારે આભાશાને પથારીમાંથી ઊઠવાપણું રહ્યું નહોતું. નંદનની એ તકલીફ હમેશને માટે ટળી ગઈ હતી.

આભાશાની ઝળહળતી દેહલતા ઝાંખી પડવાથી, લાખ લાખ સૂર્યકિરણો વેરતું હોય એવું આ મહામૂલું સુવર્ણપાત્ર એકલવાયું પડતાં જાણે કે ઝાંખુંઝપ લાગવા માંડ્યું.

આ ઘરમાં ચાર ચાર પેઢીથી કામગીરી આપતું આવેલું એ પાત્ર આજે એના ભોગવનારાની ખોટ પડતાં અણોસરું બનીને પોતાની સૂની સહસ્ત્રરશ્મિ શી દીપ્તિ બદલ ભોંઠામણ અનુભવી રહ્યું હતું.

*