શિવ આરતી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

જય દેવ, જય દેવ, જય હરિહરા
ગંગાધર ગિરિજાવર, ઈશ્વર ૐકારા ...ૐ હર હર હર મહાદેવ

વાઘાંબર પિતાંબર, શિવશ્યામે પહેર્યા
કમળનયન કેશવને, શિવને ત્રિનયન...ૐ હર હર હર મહાદેવ

નંદિવાહન ખગવાહન, શિવ ચક્ર ત્રિશુળધારી
ત્રિપુરારી મુરારી, જય કમળાધારી...ૐ હર હર હર મહાદેવ

વૈકુંઠે વસે વિશ્વંભર, શિવજી કૈલાસે
હરિકાળા હર ગોરા, જે તેને ધ્યાને...ૐ હર હર હર મહાદેવ

રામને ખાંધે ધનુષ્ય, શિવ ખાંધે ઝોળી
રામને વાનર-રીંછ, શિવને ભૂત ટોળી...ૐ હર હર હર મહાદેવ

ચંદન ચઢે ત્રિકમને, શિવ હર ભસ્માંગે
રામે હૃદયે રાખ્યા, ઉમિયા અર્ધાંગી...ૐ હર હર હર મહાદેવ

કૌસ્તુભમણી કેશવને, શિવને રૂંઢમાળા
મુક્તાફળ મોહનને, શિવને સર્પકાળા...ૐ હર હર હર મહાદેવ

કેવડો વ્હાલો કેશવને, શિવને ધંતુરો
ત્રિકમને વ્હાલા તુલસી, શિવને બીલીપત્ર...ૐ હર હર હર મહાદેવ

લક્ષ્મીવર ઉમિયાવર, શંકર શામળિયા
હરિવર નટવર સ્વામી, એકાંકે મળીયા...ૐ હર હર હર મહાદેવ

મોહનને મહાદેવ, જો સુંદર ગાશો
હરિહરના ગુણ ગાતા, હરિચરણે જાશો...ૐ હર હર હર મહાદેવ

એ બે એક સ્વરૂપ અંતર નવ ધરશો
ભોળા ભૂધરને ભજતાં, ભવસાગર તરશો... ૐ હર હર હર મહાદેવ

હરિહરની આરતી, જે કોઈ ગાશે
ભણે શિવાનંદ સ્વામી, કૈલાસે જાશે...ૐ હર હર હર મહાદેવ