સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા,
નથી મફતમાં મળતા રે એના મૂલ ચૂકવવા પડતાં.
સંતને સંતપણા રે...

ભરી બજારે કોઈ વેચાણા. કોઈ તેલ કડામાં બળતા (૨)
કાયા કાપી કાંટે તોળી કોઈ હેમાળો ગળતા.
સંતને સંતપણા રે...

કરવત મેલી માથા વેર્યાને કાળજા કાપીને ધરતા (૨)
ઝેર પીધાં ને જેલું ભોગવી સાધુડા સુળીએ ચડતા.
સંતને સંતપણા રે...

પ્યારા પુત્રનું મસ્તક ખાંડીને ભોગ સાધુને ધરતા (૨)
ઘરની નારી દાનમાં દેતાં, જેના દિલ જરી નવ ડરતા.
સંતને સંતપણા રે...

પર દુઃખેરે જેનો આતમ દુઃખીયો રુદિયો જેના રડતાં (૨)
માન મોહને મમતા ત્યાગી જઈને બ્રહ્મમાં ભળતા.
સંતને સંતપણા રે...

ગુરુ પ્રતાપે ભણે પુરુષોતમ જેના ચોપડે નામ ચડતા (૨)
એવા સંતને ભજતા જીવડાં ભવના બંધન ટળતા.

સંતને સંતપણા રે...