લખાણ પર જાઓ

સખીને આમંત્રણ

વિકિસ્રોતમાંથી
સખીને આમંત્રણ
મણિશંકર રત્નજી ભટ્ટ-'કાન્ત'
(ઢાળ:મુજ અબળાની મોટી મીરાંત, બાઈ!)



સખીને આમંત્રણ

ચાલોને સહોયર ! ઉન્નત જીવના ઝીલવાને જઇએ રે !
પુણ્યસલિલવગાહનથી, સખિ ! અંતર પાવન થઇએ રે !
ચાલો ને, સહિયર∘

પ્રભુના ગિરિથી અવતરે શાંત સદાશિવ નીર;
શમવે મનકુલ તાપને છાયા તરુવર તીર !

શીતલ સૌમ્ય સુધારસ, સુંદરિ ! રેલી રહ્યો , જઇ લઇએ રે !
ચાલો ને, સહિયર∘

સ્ફટિક વિશદ વરસી રહ્યા સુરસરિતાના ધોધ;
લલિત કરી ક્લાંતાત્માને પ્રેરે પ્રાણ પ્રબોધ!

સાડી સજો, સખિ ! સ્નેહસુરંગી : વારિ પરસ્પર દઇએ રે !
ચાલોને સહોયર ! ઉન્નત જીવના ઝીલવાને જઇએ રે !


🙝