લખાણ પર જાઓ

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૩૧. ઉપવાસ

વિકિસ્રોતમાંથી
← ૩૦. સંયમ પ્રતિ સત્યના પ્રયોગો અથવા આત્મકથા
ઉપવાસ
મોહનદાસ કરમચંદ ગાંધી
૩૨. મહેતાજી →


૩૧. ઉપવાસ

દૂધ અને અનાજ છોડી ફળાહારનો પ્રયોગ શરૂ કર્યો, તે જ અરસામાં સંયમના હેતુથી ઉપવાસો પણ શરૂ કર્યા. આમાં પણ મિ. કેલનબેંક ભળ્યા. પૂર્વે ઉપવાસો કરતો તે કેવળ આરોગ્યની દ્રષ્ટિએ. દેહદમનને સારુ ઉપવાસ કરવાની આવશ્યકતા છે તે એક મિત્રની પ્રેરણાથી સમજ્યો. વૈષ્ણવ કુટુંબમાં જન્મ હોવાથી ને માતા કઠિન વ્રતોનું પાલન કરનારી હોવાથી એકાદશી વગેરે વ્રતો દેશમાં રાખેલાં, પણ તે દેખાદેખીએ અથવા માતાપિતાને રીઝવવાના હેતુથી. તેવાં વ્રતોથી કશો લાભ થાય છે એમ ત્યારે નહોતો સમજ્યો, માનતો પણ નહોતો. પણ મજકૂર મિત્રના પાલન ઉપરથી અને મારા બ્રહ્મચર્યના વ્રતને ટેકો આપવા સારુ મેં તેનું અનુકરણ શરૂ કર્યુ અને એકાદશીને દિવસે ઉપવાસ કરવાનું ઠરાવ્યું.. સામાન્ય રીતે લોકો એકાદશીના દિવસે દૂધ અને ફળ લઈને એકાદશી રાખી ગણે છે. પણ ફ્ળાહારનો ઉપવાસ તો હવે હું હમેશાં પાળતો થઈ ગયો હતો. એટલે મેં પાણીની છૂટ રાખીને પૂરા ઉપવાસ શરૂ કર્યા.

ઉપવાસના પ્રયોગોના આરંભને સમયે શ્રાવણ માસ આવતો હતો. તે વર્ષે રમજાન અને શ્રાવણ માસ સાથે હતા. ગાંધી કુટુંબમાં વૈષ્ણવ વ્રતોની સાથે શૈવ વ્રતો પણ પળાતાં. કુટુંબીઓ જેમ વૈષ્ણવ દેવાલયોમાં જતાં તેમ શિવાલયોમાં પણ જતાં. શ્રાવણ માસના પ્રદોષ કુટુંબમાં કોઈક તો દર વર્ષે રાખતું જ. તેથી આ શ્રાવણ માસ રાખવાની મેં ઈચ્છા કરી.

આ મહત્વના પ્રયોગનો આરંભ ટોલ્સ્ટોય આશ્રમમાં થયો. ત્યાં સત્યાગ્રહી કેદીઓનાં કુટુંબો સાચવીને કેલનબેંક અને હું રહેતા. આમાં બાળકો અને નવયુવકો પણ હતા. તેમને અર્થે નિશાળ ચાલતી. આ જુવાનિયાઓમાં ચારપાંચ મુસલમાન હતા. તેમને ઈસ્લામના નિયમો પાળવામાં હું મદદ કરતો ને ઉત્તેજન આપતો. નિમાજ વગેરેની સગવડ કરી આપતો. આશ્રમમાં પારસીઓ અને ખ્રિસ્તીઓ પણ હતા. આ બધાને પોતપોતાના ધર્મ પ્રમાણે ચાલવાનું પ્રોત્સાહન આપવાનો નિયમ હતો. એટલે આ મુસલમાન નવયુવકોને રોજા રાખવામાં મેં ઉત્તેજન આપ્યું. મારે તો પ્રદોષ રાખવા જ હતા. પણ હિંદુઓ, પારસીઓ અને ખ્રિસ્તીઓને પણ મુસલમાન યુવકોને સાથ આપવાની મેં ભલામણ કરી. સંયમમાં સાથ બધાને આપવો એ સ્તુત્ય છે એમ તેમને મેં સમજાવ્યું. ઘણા આશ્રમવાસીઓએ મારી વાત ઝીલી લીધી. હિંદુઓ અને પારસીઓ મુસલમાન સાથીઓનું છેક અનુકરણ નહોતા કરતા, કરવાની આવશ્યકતા નહોતી. મુસલમાન સૂરજ ડૂબવાની રાહ જોતા ત્યારે બીજા તે પહેલાં જમી લેતા, કે જેથી મુસલમાનોને તેઓ પીરસે ને તેઓને સારુ ખાસ વસ્તુઓ તૈયાર કરે. વળી મુસલમાનો સરગી કરે તેમાં બીજાઓને ભાગ લેવાપણું નહોતું. અને મુસલમાનો દિવસના પાણી પણ ન પીએ, બીજાઓ પાણી છૂટથી પીતા.

આ પ્રયોગનું એક પરિણામ એ આવ્યું કે ઉપવાસ અને એકટાણાનું મહત્વ સહુ સમજ્વા લાગ્યા. એકબીજા પ્રત્યે ઉદારતા અને પ્રેમભાવ વધ્યાં. આશ્રમમાં અન્નાહારનો નિયમ હતો. આ નિયમનો સ્વીકાર મારી લાગણીને લીધે થયો હતો એમ મારે આ સ્થાને આભારપૂર્વક કબૂલ કરવું જોઈએ. રોજાને સમયે મુસલમાનોને માંસનો ત્યાગ વસમો લાગ્યો હશે, પણ નવયુવકોમાંથી કોઈએ મને તેવું જણાવા નહોતું દીધું. તેઓ અન્નાહાર આનંદ અને સ્વાદપૂર્વક કરતા. હિંદુ બાળકો આશ્રમમાં અશોભતી ન લાગે એવી સ્વાદિષ્ટ રસોઈ પણ તેમને સારુ કરતા.

મારા ઉપવાસનું વર્ણન કરતાં આ વિષયાંતર મેં ઈરાદાપૂર્વક કર્યુ છે, કેમ કે એ મધુર પ્રસંગ બીજે સ્થળે હું ન વર્ણવી શકત. અને તે વિષયાંતર કરીને મારી એક ટેવનું વર્ણન પણ મેં કરી નાખ્યું છે. જે સારી વસ્તુ હું કરું છું એમ મને લાગે તેમાં હું મારી સાથે રહેનારને હંમેશાં ભેળવવાનો પ્રયત્ન કરું. આ ઉપવાસ અને એકટાણાના પ્રયોગા નવી વસ્તુ હતી, પણ પ્રદોષ અને રમજાનને મિષે મેં બધને તેમાં સંડોવ્યા.

આમ આશ્રમમાં સંયમી વાતાવરણ સહેજે વધ્યું. બીજા ઉપવાસો અને એકટાણામાં પણ આશ્રમમાં રહેનારા ભળવા લાગ્યા. અને એનું પરિણામ શુભ આવ્યું એમ હું માનું છું. સંયમની અસર બધાના હ્દય ઉપર કેટલી થઈ, બધાના વિષયોને રોકવામાં કેટલો ભાગ ઉપવાસાદિએ લીધો, એ હું નિશ્ચયપૂર્વક નથી કહી શક્તો. પણ મારી ઉપર તો આરોગ્ય અને વિષયની દ્રષ્ટિએ ઘણી સરસ અસર થઈ એમ મારો અનુભવ છે. છતાં ઉપવાસાદિની એવી અસર બધા ઉપર થાય જ એવો અનિવાર્ય નિયમ નથી એ હું જાણું છું. ઈન્દ્રિયદમનના હેતુથી થયેલા ઉપવાસની જ વિષયોને રોકવારૂપ અસર થાય. કેટલાક મિત્રોનો અનુભવ એવો પણ છે કે, ઉપવાસને અંતે વિષયેચ્છા અને સ્વાદો તીવ્ર થાય છે. એટલે કે, ઉપવાસ દરમ્યાન વિષય રોકવાની ને સ્વાદને જીતવાની સતત ભાવના હોય તો જ તેનું શુભ ફળ આવે. વિના, મન વિના થયેલા શારીરિક ઉપવાસનું સ્વતંત્ર પરિણામ વિષય રોકવામાં નીપજ્શે એમ માનવું કેવળ ભૂલભરેલું છે. ગીતાજીના બીજા અધ્યાયનો શ્લોક આ સ્થળે બહુ વિચારવા યોગ્ય છે:

विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः ।
रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट़्वा निवर्तते ।।

ઉપવાસીના વિષયો (ઉપવાસ દરમ્યાન) શમે છે; તેનો રસ નથી જતો. રસ તો ઈશ્વરદર્શનથી જ-ઈશ્વરપ્રસાદથી જ શમે.

એટલે કે, ઉપવાસાદિ સંયમીના માર્ગમાં એક સાધનરૂપે આવશ્યક છે. પણ તે જ બધું નથી. અને જો શરીરના ઉપવાસની સાથે મનનો ઉપવાસ ન હોય, તો તે દંભમાં પરિણમે અને નુકસાનકારક નીવડે.