સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૧૦. બોઅર યુદ્ધ
← ૯. સાદાઈ | સત્યના પ્રયોગો અથવા આત્મકથા બોઅર યુદ્ધ મોહનદાસ કરમચંદ ગાંધી |
૧૧. શહેરસુધરાઈ-દુકાળફાળો → |
૧૦. બોઅર યુદ્ધ
સને ૧૮૯૭થી '૯૯ દરમ્યાનના જિંદગીના બીજા અનેક અનુભવો છોડીને હવે બોઅર યુદ્ધ ઉપર આવું છું. આ યુદ્ધ જ્યારે થયું ત્યારે મારી પોતાની લાગણી કેવળ બોઅરો તરફ હતી. પણ આવી બાબતમાં વ્યક્તિગત વિચારો મુજબ કામ કરવાનો અધિકાર મને હજુ પ્રાપ્ત નથી થયો એમ હું માનતો હતો. આ બાબતની ગડમથલનું સૂક્ષ્મ નિરીક્ષણ મેં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસમાં કર્યું છે, તેથી અહીં કરવા નથી ઇચ્છતો. જિજ્ઞાસુને તે ઇતિહાસ વાંચી જવા સૂચવુ છું. અહીં તો એટલું જ કહેવું બસ છે કે, બ્રિટિશ રાજ્ય તરફની મારી વફાદારી મને તે યુદ્ધમાં ભાગ લેવા બળાત્કારે ઘસડી ગઇ. મને લાગ્યું કે, જો હું બ્રિટિશ રૈયત તરીકે હકો માગી રહ્યો હતો, તો બ્રિટિશ રૈયત તરીકે બ્રિટિશ રાજ્યના રક્ષણમાં ભાગ આપવાનો મારો ધર્મ હતો. હિંદુસ્તાનની સંપૂર્ણ ઉન્નતિ બ્રિટિશ સામ્રાજ્યમાં થઇ શકે એવો મારો અભિપ્રાય તે કાળે હતો. તેથી, જેટલા સાથીઓ મળ્યા તેટલા મેળવીને અને અનેક મુસબીતો વેઠીને અમે ઘાયલ થયેલાક્ષની શુશ્રૂષા કરનારી એક ટુકડી ઊભી કરી. અત્યાર સુધી સામાન્ય રીતે અહીંના અંગ્રેજોમાં હિંદીઓ જોખમનાં કામ ન ખેડે, સ્વાર્થ ઉપરાંત બીજું કશું તેમને ન સૂઝે, એવી જ માન્યતા હતી. તેથી ઘણા અંગ્રેજ મિત્રોએ મને નિરાશાના જ જવાબો આપ્યા. માત્ર દા. બૂથે ખૂબ ઉત્તેજન આપ્યું. તેમણે અમને ઘાયલ યોદ્ઘાઓની સારવાર કરવાની તાલીમ આપી. અમારી લાયકાતનાં દાક્તરનાં પ્રમાણપત્રો મેળવ્યાં. મિ. લોટન તથા મરહૂમ મિ. એસ્કંબે પણ આ પગલું પસંદ કર્યું. આખરે લડાઇમાં સેવા કરવા દેવાની અમે સરકારને અરજી કરી. જવાબમાં સરકારે ઉપકાર માન્યો. પણ અમારી સેવાની તે વેળા જરૂર નહોતી એમ અમને જણાવવામાં આવ્યું.
પણ મારે એવી 'ના'થી સંતોએ માની બેસવું નહોતું. દા. બૂથની મદદ લઇ તેમની સાથે હું નાતાલના બિશપને મળ્યો. અમારી ટુકડીમાં ઘણા ખ્રિસ્તી હિંદીઓ હતા. બિશપને મારી માગણી બહુ ગમી. તેમણે મદદ કરવાનું વચન આપ્યું. દરમ્યાન, સંજોગો પોતાનું કામ કરી રહ્યા હતા. બોઅરોની તૈયારી, ર્દઢતા, વીરતા, ઈત્યાદી ધાર્યા કરતાં વધારે તેજસ્વી નીવડ્યાં. સરકારને ઘણા રંગરૂટોનો ખપ પડ્યો, અને અંતે અમારી માગણીનો સ્વીકાર થયો.
આ ટુકડીમાં લગભગ ૧,૧૦૦ જણ હતા. તેમાં લગભગ ૪૦ મુખી હતા. બીજા ત્રણસેંક સ્વતંત્ર હિંદીઓ ભરતીમાં દાખલ થયા હતા. બાકીના ગિરમીટિયા હતા. દા. બૂથ પણ અમારી સાથે હતા. ટુકડીએ કામ સરસ કર્યું, જોકે તેને દારૂગોળાની બહાર કામ કરવાનું હતું અને તેને 'રેડ ક્રોસ'[૧] નું રક્ષણ હતું. છતાં ભીડને સમયે દારૂગોળાની હદની અંદર કામ કરવાની તક પણ અમને મળી. આવા જોખમમાં ન ઊતરવાનો કરાર સરકારે પોતાની ઇચ્છાથી અમારી જોડે કર્યો હતો. પણ સ્પિયાંકોપની હાર પછી સ્થિતિ બદલાઇ. તેથી જનરલ બુલરે સંદેશો મોકલાવ્યો કે, જોકે અમે જોખમ વહોરવાને બંધાયેલા નહોતા, છતાં જો અમે તેવું જોખમ વહોરીને ઘાયલ સિપાઇઓને તેમ જ અમલદારોને રક્ષણક્ષેત્રમાંથી ઊંચકી ડોળીઓમાં ખસેડી લઇ જવા તૈયાર થઇશું તો સરકાર ઉપકાર માનશે. અમે તો જોખમ વહોરવા તત્પર જ હતા. એટલે સ્પિયાંકોના યુદ્ધ પછી અમે દારૂગોળાની હદની અંદર કામ કરતા થઇ ગયા.
આ દિવસોમાં બધાને ઘણી વાર દહાડાની વીસપચીસ માઇલની મજલ કરવી પણતી; અને એક વખત તો ઘાયલોને ડોળીમાં ઊંચકીને તેટલા માઇલ ચાલવું પડ્યું હતું. જે ઘાયલ થયેલ યોદ્ધાઓને અમારે આમ ઊંચકીને જવાનુ હતું તેમાં જનરલ વુડગેટ વગેરે પણ હતા.
છ અઠવાડિયાંને અંતે અમારી ટુકડીને વિદાયગીરી આપવામાં આવી. સ્પિયાંકોપ અને વાલક્રાન્ઝની હાર પછી લેડીસ્મિથ વગેરે સ્થળોને બોઅરોના ઘેરામાંથી મહાવેગે મુક્ત કરવાનો વિચાર બ્રિટિશ સેનાપતિએ માંડી વાળ્યો હતો, અને ઈંગ્લેંડથી તથા હિંદુસ્તાનથી બીજા વધારે લશ્કરની રાહ જોવાનો તથા ધીમે કામ લેવાનો નિશ્ચય કર્યો હતો.
અમારા નાનકડા કામની તે વેળા તો બહુ સ્તુતિ થઇ. એથી હિંદીઓની પ્રતિષ્ઠા વધી. 'છેવટે હિંદીઓ સામ્રાજ્યના વારસ તો છે જ' એવાં ગીતો ગવાયાં. જનરલ બુલરે અમારી ટુકડીના કાર્યની ખરીતામાં તારીફ કરી. મુખીઓને લડાઈના ચાંદ પણ મળ્યા.
હિંદી કોમ વધારે સંગઠિત થઇ. હું ગિરમીટિયા હિંદીઓના પ્રસંગમાં ઘણો વધારે આી શક્યો. તેમનામાં વધારે જાગૃતિ આવી. અને હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, મદ્રાસી, ગુજરાતી, સિંધી બધા હિંદી છીએ એ લાગણી વઘારે ર્દઢ થઇ. સહુએ માન્યું કે હવે હિંદીઓ ઉપરનાં દુ:ખ દૂર થવાં જ જોઇએ. ગોરાઓની વર્તણૂકમાં પણ તે વખતે તો ચોખ્ખો ફેરફાર જણાયો.
લડાઇમાં જે ગોરાઓનો પ્રસંગ પડ્યો તે મીઠો હતો. હજારો 'ટોમી'ઓના સહવાસમાં અમે આવ્યા. તેઓ અમારી સાથે મિત્રભાવે વર્તતા ને અમે તેમની સેવા સારુ હતા એ જાણી ઉપકાર માનતા.
મનુષ્યસ્વભાવ દુ:ખને સમયે કેવો પીગળે છે એનું એક મધુર સ્મરણ અહીં નોંધ્યા વિના ન રહી શકાય. અમે ચીવલી છાવણી તરફ જતા હતા. આ એ જ ક્ષેત્ર હતું જ્યાં લોર્ડ રોબર્ટસના પુત્ર લેફ્ટનન્ટ રોબર્ટસને મરણઘા વાગ્યો હતો. લેફ્ટનન્ટ રોબર્ટસના શબને લઇ જવાનું માન અમારી ટુકડી પામી હતી. વળતે દહાડે તાપ સખત હતો. અમે કૂચ કરી રહ્યા હતા. સહુ તરસ્યા હતા. પાણી પીવાને સારુ રસ્તામાં એક નાનકડો ઝરો હતો. કોણ પહેલાં પાણી પીએ ? 'ટોમી'ઓ પી રહ્યા પછી આપણે પીશું એમ મેં ધાર્યું હતું. 'ટોમી'ઓએ અમને જોઇ તુરત અમને પહેલાં પાણી પીવા દેવા આગ્રહ માંડ્યો, ને અમે ઘણી વાર સુધી અમારી વચ્ચે 'તમે પહેલાં, અમે પછી' એવી મીઠી તાણતાણ ચાલી.
- ↑ એટલે લાલ સ્વતિક. યુદ્ધમાં આ ચિહ્નવાળા પટ્ટા શુશ્રષાનાં કામ કરનારને ડાબે હાથે બાંધે છે. શત્રુ પણ તેમને ઇજા ન કરી શકે તેવા નિયમ હોય છે. વધુ વિગત માટે જુઓ 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' ખંડ ૧, પ્ર. ૯