સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૩. કસોટી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨. તોફાન સત્યના પ્રયોગો અથવા આત્મકથા
૩. કસોટી
મોહનદાસ કરમચંદ ગાંધી
૪. શાંતિ →


૩. કસોટી

આગબોટ ફુરજા ઉપર આવી. ઉતારુઓ ઊતર્યા. પણ મારે માટે મિ. એસ્કંબે કપ્તાનને કહેવડાવ્યું હતું: 'ગાંધીને તથા તેના કુટુંબને સાંજે ઉતારજો. તેની સામે ગોરાઓ બહુ ઉશ્કેરાઈ ગયા છે ને તેનો જાન જોખમમાં છે. ફુરજાના સુપરિન્ટેન્ડેન્ટ ટૅટમ તેને સાંજે તેડી જશે.'

કપ્તાને આ સંદેશાની મને ખબર આપી, મેં તે મુજબ કરવાનું કબૂલ કર્યું. પણ આ સંદેશો મળ્યાને અર્ધો કલાપ પણ નહીં થયો હોય તેવામાં મિ. લૉટન આવ્યા ને કપ્તાનને મળી તેને કહ્યું, 'જો મિ. ગાંધી મારી સાથે આવે તો હું તેમને મારે જોખમે લઈ જવા ઈચ્છું છું. સ્ટીમરના એજન્ટના વકીલ તરીકે હું તમને કહું છું કે , મિ. ગાંધીને લગતો જે સંદેશો તમને મળ્યો છે તે બાબતમાં તમે મુક્ત છો.' કપ્તાનની સાથે આમ વાતચીત કરી પોતે મારી પાસે આવ્યા ને મને કઈંક આ પ્રમાણે કહ્યું : 'જો તમને જિંદગીનો ડર ન હોય તો હું ઈચ્છું છું કે, મિસિસ ગાંધી અને બાળકો ગાડીમાં રુસ્તમજી શેઠને ત્યાં જાય, અને તમે તથા હું સરિયામ રસ્તે થઈને ચાલતા જઈએ. તમે અંધારુ થયે છાનામાના શહેરમાં દાખલ થાઓ એ મને તો મુદ્દલ રુચતું નથી. મને લાગે છે કે તમારો વાળા સરખો વાંકો નથી થવાનો. હવે તો બધું શાંત છે, ગોરાઓ બધા વીખરાઈ ગયા છે. પણ ગમે તેમ હોય તોયે તમારાથી છૂપી રીતે તો પ્રવેશ ન જ થાય એવો મારે અભિપ્રાય છે.'

હું સંમત થયો. મારી ધર્મપત્ની ને બાળકો રુસ્તમજી શેઠને ત્યાં ગાડીમાં ગયાં ને સહીસલામત પહોંચ્યા. હું કપ્તાનની રજા લઈ મિ. લૉટનની સાથે ઊતર્યો; રુસ્તમજી શેઠનું ઘર લગભગ બે માઈલ દૂર હશે.

અમે આગબોટમાંથી ઊતર્યા તેવા જ કેટલાક છોકરાઓએ મને ઓળખી કાઢ્યો, અને 'ગાંધી, ગાંધી' એમ બૂમ પાડી. લાગલા જ બેચાર માણસો એક્ઠા થયા ને બૂમો વધી. મિ. લૉટને જોયું ટોળું વધી જશે, તેથી તેમણે રિક્ષા મંગાવી. મને તો તેમાં બેસવાનું કદી ન ગમતું. આ મારો પહેલો જ અનુભવ થવાનો હતો. પણ છોકરાઓ શાના બેસવા દે? તેમણે રિક્ષાવાળાને ધમકી આપી એટલે તે નાઠો.

અમે આગળ ચાલ્યા. ટોળું પણ વધતું ગયું. સારી પેઠે ભીડ થઈ. સૌ પહેલાં તો ટોળાએ મને મિ. લૉટનથી નોખો પાડ્યો. પછી મારા ઉપર કાંકરાના, સડેલાં ઈંડાના વરસાદ વરસ્યા. મરી પાઘડી કોઈએ ઉડાડી દીધી. લાતો શરૂ થઈ.

મને તમ્મર આવી, મેં પડખેના ઘરની જાળી પકડી શ્વાસ ખાધો. ત્યાં ઊભું રહેવાય એમ તો ન હોતું જ. તમચા પડવા લાગ્યા.

એટલામાં પોલીસના વડાની સ્ત્રી, જે મને ઓળખતી હતી, તે આ રસ્તે થઈને જતી હતી. મને જોતાં જ તે મારે પડખે આવી ઊભી, ને જોકે તડકો નહોતો છતાં પોતાની છત્રી ઉઘાડી. આથી ટોળું કંઈક નમ્યું. હવે ઘા કરે તો મિસિસ અલેક્ઝાંડરબે બચાવીને જ કરવા રહ્યા.

દરમ્યાન કોઈ હિંદી જુવાન મારા ઉપર માર પડતો જોઈ પોલીસ થાણા પર દોડી ગયેલો. સુપરિન્ટેન્ડેન્ટ અલેકઝાંડરે એક ટુકડી મને ઘેરી વળીને બચાવી લેવા મોકલી. તે વેળાસર પહોંચી. મારો રસ્તો પોલીસ થાણા પાસે થઈને જ જતો હતો. સુપરિન્ટેન્ડેન્ટે મને થાણામાં આશ્રય લેવા સૂચવ્યું. મેં ના પાડી, ને કહ્યું, 'જ્યારે લોકો પોતાની ભૂલ જોશે ત્યારે શાંત થશે. મને તેમની ન્યાયબુદ્ધિમાં વિશ્વાસ છે.'

ટુકડીની સાથે રહીને હું સહીસલામત પારસી રુસ્તમજીને ઘેર પહોંચ્યો. મને પીઠ પર મૂઢ ઘા પડ્યા હતા. એક જ જગ્યા એ થોડો છૂંદાયો હતો. સ્ટીમરના દાક્ટર દાદી બરજોર ત્યાં જ હાજર હતા. તેમણે મારી સારવાર સરસ કરી.

આમ અંદર શાંતિ હતી, પણ બહાર તો ગોરાઓએ ઘરને ઘેર્યું. સાંજ પડી ગઈ હતી. અંધારું થયું હતું. હજારો લોકો બહાર કિકિયારીઓ કરતા હતા, ને 'અમને ગાંધી સોંપી દો.' એવી બૂમો ચાલુ રહી. સમય વરતીને સુપરિન્ટેન્ડેન્ટ એલેક્ઝાંડર ત્યાં પહોંચી ગયા હતા ને ટોળાને ધમકીથી નહીં પણ વિનોદથી વશ રાખી રહ્યા હતા.

છતાં તે ચિંતામુક્ત નહોતા. તેમણે મને આવી મતલબનો સંદેશો મોકલ્યો: ' જો તમે તમારા મિત્રના મકાનને તેમ જ માલને તથા તમારા કુટુંબને બચાવવા માગતા હો તો તમારે હું સૂચવું તે રીતે આ ઘરમાંથી છૂપી રીતે ભાગવું જોઈએ.'

એક જ દહાડે મારે એકબીજાથી ઊલટાં બે કામ કરવા વખત આવ્યો. જ્યારે જાનનો ભય માત્ર કાલ્પનિક લાગતો હતો ત્યારે મિ. લૉટને મને ઉઘાડી રીતે બહાર નીકળવાની સલાહ આપી ને મેં તે માની. જ્યારે જોખમ પ્રત્યક્ષ મારી સામે ઊભું થયું, ત્યારે બીજા મિત્રે એથી ઊલટી સલાહ આપી ને તે પણ મેં માન્ય રાખી! કોણ કહી શકે કે, હું મારા જાનના જોખમથી ડર્યો, કે મિત્રના જાનમાલના જોખમથી, કે કુટુંબના , કે ત્રણેના? કોણ નિશ્ચયપૂર્વક કહી શકે કે, મારું સ્ટીમર ઉપરથી હિંમત બતાવી ઉતરવું ને પછી જોખમની પ્રત્યક્ષ હસ્તી વેળાએ છૂપી રીતે ભાગી છૂટવું યોગ્ય હતું? પણ બનેલા બનાવોને વિષે આવી ચર્ચા જ મિથ્યા છે. બનેલાને સમજી લઈએ. તેમાંથી શીખવાનું મળે તેટલું શીખી લઈએ, એટલું જ ઉપયોગી છે. અમુક પ્રસંગે અમુક મનુષ્ય શું કરશે એ નિર્ણયપૂર્વક કહી જ ન શકાય. તેમ જ મનુષ્યના બાહ્યચાર ઉપરથી તેના ગુણની જે પરીક્ષા થાય છે તે અધૂરી હોઈ અનુમાનમાત્ર હોય છે, એમ પણ આપણે જોઈ શકીએ છીએ.

ગમે તેમ હો. ભાગવાના કાર્યમાં ગૂંથાતા મારા જખમોને ભૂલી ગયો. મેં હિંદી સિપાઈનો પહેરવેશ પહેર્યો. માથે કદાચ માર પડે તો તેમાંથી બચવા સારુ એક પિત્તળની તાસક રાખી, તે ઉપર મદ્રાસીનો મોટો ફેંટો લપેટ્યો. સાથે બે ડિટેક્ટિવ હતા, તેમાંના એકે હિંદી વેપારીનો પોશાક પહેર્યો. પોતાનું મોઢું હિંદીના જેવું રંગ્યું. બીજાએ શું પહેર્યું એ હું ભૂલી ગયો છું. અમે પડખેની ગલીમાં થઈને પડોશની એક દુકાનમાં પહોંચ્યા, ને ગોદામમાં ખડકેલી ગૂણોની થપ્પીઓ અંધારામાં ટપીને દુકાનને દરવાજેથી ટોળામાં પસાર થયા. શેરીને નાકે ગાડી ઊભી હતી તેમાં બેસાડી મને પેલા થણામાં, જ્યાં આશ્રય લેવાનું સુપરિન્ટેન્ડેન્ટ અલેકઝાંડરે સૂચવ્યું હતું તે જ થાણામાં, હવે લઈ ગયા. મેં સુપરિન્ટેન્ડેન્ટ અલેકઝાંડરનો તેમજ પોલીસના અમલદારનો ઉપકાર માન્યો.

આમ એક તરફ જ્યારે મને લઈ જતા હતા ત્યારે બીજી તરફ સુપરિન્ટેન્ડેન્ટ અલેકઝાંડર ટોળાને ગીત ગવડાવી રહ્યાં હતા. તે ગીતનો તરજુમો આ છે:

ચાલો આપણે ગાંધીને પેલે
આમલીના ઝાડે ફાંસી લટકાવીએ.

જ્યારે હું સહી સલામત થાણે પહોંચ્યાની બાતમી સુપરિન્ટેન્ડેન્ટ અલેકઝાંડરને મળી ત્યારે તેમણે ટોળાને કહ્યું: 'તમારો શિકાર તો આ દુકાનમાંથી સહીસલામત સટકી ગયેલ છે.' ટોળામાંના કોઈ ગુસ્સે થયા, કોઈ હસ્યા.ઘણાએ આ વાત માનવા ના પાડી.

'ત્યારે તમારામાંથી જેને નીમો તેને હું અંદર લઈ જાઉં, ને તમે તપાસી જુઓ. જો તમે ગાંધીને શોધી કાઢો તો તેને તમારે હવાલે કરું, ન શોધી શકો તો તમારે વેરાઈ જવું. તમે પારસી રુસ્તમજીનું મકાન તો નહીં જ બાળો અને ગાંધીના બૈરાંછોકરાને ઈજા નહીં કરો એ તો મારી ખાતરી જ છે.' આમ સુપરિન્ટેન્ડેન્ટ અલેકઝાંડર બોલ્યા.

ટોળાએ પ્રતિનિધિ નીમ્યા. પ્રતિનિધિઓએ ટોળાને નિરાશાજનક ખબર આપ્યા. સહુ સુપરિન્ટેન્ડેન્ટ અલેકઝાંડરની સમયસૂચકતા ને ચતુરાઈની સ્તુતિ કરતા, પણ કેટલાક ધૂંધવારા વીખરાયા.

મરહૂમ મિ. ચેમ્બરલેને મારા ઉપર હુમલો કરનાર પર કામ ચલાવવાને મને ન્યાય મળે એમ થવા તાર કર્યો. મિ. એસ્કંબે મને પોતાની પાસે બોલાવ્યો. મને ઈજા થઈ તે માટે દિલગીરી બતાવીને કહ્યું, 'તમારો વાળ સરખો વાંકો થાય તેમાં હું રાજી ન જ હોઉં એ તો તમે માનશો જ. મિ. લૉટનની સલાહ માની તમે તુરત ઊતરી જવાનું સાહસ કર્યું. તેમ કરવાનો તમને હક હતો. પણ મારા સંદેશાને માન અપ્યું હોત તો આ દુઃખદ બનાવ ન બનત. હવે જો તમે હુમલો કરનારાને ઓળખી શકો તો તેમને પકડાવવા તથા તેમના ઉપર કામ ચલાવવા હું તૈયાર છું. મિ. ચેમ્બરલેન પણ તેવી માગણી કરે છે.'

મેં જવાબ આપ્યો:'મરે કોઈના ઉપર કામ ચલાવવું નથી. હુમલો કરનારાઓમાંથી એકબેને કદાચ હું ઓળખું, પણ તેમને સજા કરાવવાથી મને શો લાભ? વળી હું હુમલો કરનારાઓને દોષિત પણ નથી ગણતો. તેમને તો એમ કહેવામાં આવ્યું કે, મેં હિંદુસ્તાનમાં અતિશયોક્તિ કરી નાતાલના ગોરાઓને વગોવ્યા. આ વાત તેઓ માને ને ગુસ્સો કરે તેમાં નવાઈ શી? દોષ તો ઉપરીઓનો અને, મને કહેવ દો તો, તમારો ગણાય. તમે લોકોને સીધી રીતે દોરી શકતા હતા. પણ તમે સુદ્ધાં રૉઈટરના તારને માન્યો ને મેં અતિશયોક્તિ કરી હશે એમ કલ્પી લીધું. મારે કોઈના ઉપર કામ ચલાવવું નથી. જ્યારે ખરી હકીકત જાહેર થશે ને લોકો જાણશે ત્યારે તેઓ પસ્તાશે.'

'ત્યારે તમે મને આ વાત લેખિતવાર આપશો? મારે તેવો તાર મિ. ચેમ્બરલેનને મોકલવો પડશે. તમે ઉતાવલે કશું લખી આપો એમ હું નથી માંગતો. તમે મિ.લૉટનને તથા તમારા બીજા મિત્રોને પૂછીને જે યોગ્ય લાગે તે કરો એમ હું ઈચ્છું છું. એટલું કબૂલ કરું છું કે, જો તમે હુમલો કરનારાઓના ઉપર કામ નહીં ચલાવો તો બધું શાંત પાડવામાં મને મદદ બહુ મળશે ને તમારી પ્રતિષ્ઠા તો અવશ્ય વધશે જ.' મેં જવાબ આપ્યો : 'આ બાબતમાં મારા વિચાર ઘડાઈ ગયેલા છે. મારે કોઈના ઉપર કામ નથી ચલાવવું એ નિશ્ચય છે, એટલે હું અહીં જ તમને લખી દેવા ધારું છું.'

આમ કહી મેં ઘટતો કાગળ લખી આપ્યો.