લખાણ પર જાઓ

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૨૦. ધાર્મિક પરિચયો

વિકિસ્રોતમાંથી
← ૧૯. અસત્યરૂપી ઝેર સત્યના પ્રયોગો અથવા આત્મકથા
૨૦. ધાર્મિક પરિચયો
મોહનદાસ કરમચંદ ગાંધી
૨૧. निर्बल के बल राम →


૨૦. ધાર્મિક પરિચયો

વિલાયતમાં રહેતાં વર્ષેક થયું હશે તેવામાં બે થિયોસૉફિસ્ટ મિત્રોની ઓળખાણ થઈ. બંને સગા ભાઇ હતા ને અવિવાહિત હતા. તેઓએ મારી પાસે ગીતાજીની વાત કરી. તેઓ એડવિન આર્નલ્ડનો ગીતાજીનો અનુવાદ વાંચતા હતા, પણ મને તેઓએ તે તેમની સાથે સંસ્કૃતમાં વાંચવા નોતર્યો. હું શરમાયો, કેમ કે મેં તો ગીતા સંસ્કૃતમાં કે પ્રાકૃતમાં વાંચી જ નહોતી! મારે તેમને કહેવું પડ્યું કે મેં ગીતાજી વાંચેલ જ નથી, પણ તમારી સાથે હું તે વાંચવા તૈયાર છું. મારો સંસ્કૃતનો અભ્યાસ પણ નહીં જેવો જ છે. હું તે એટલે સુધી સમજી શકીશ કે તરજુમામાં અવળો અર્થ હશે તો સુધારી શકાશે. આમ આ ભાઇઓની સાથે મેં ગીતા વાંચવાનો આરંભ કર્યો. બીજા અધ્યાયના છેલ્લા શ્લોકમાંના

ध्यायतो विषयान् पुंसः सङ्गस् तेषूपजायते ।
सङ़्गात् संञ्जायते कामः कामात क्रोधोऽभिजायते ॥
क्रोधाद् भवति सम्मोहः संमोहात् स्मृतिविभ्रमः ।
स्मृति−भ्रंशाद बुद्धि−नाशो बुद्धिनाशात् प्रणश्यति ॥ []

–એ શ્લોકોની મારા મન ઉપર ઊંડી અસર પડી. તેના ભણકારા મારા કાનમાં વાગ્યાં જ કરે. ભગવદ્ગીતા અમૂલ્ય ગ્રંથ છે એમ મને તે વેળા ભાસ્યું. તે માન્યતા ઘીમે ધીમે વધતી ગઈ અને આજે તત્ત્વજ્ઞાનને સારુ તેને હું સર્વોત્તમ ગ્રંથ ગણું છું. મારા નિરાશાના સમયે તે ગ્રંથે મને અમૂલ્ય સહાય કરી છે. તેના અંગ્રેજી તરજુમા લગભગ બધા વાંચી ગયો છું. પણ એડવિન આર્નલ્ડનો અનુવાદ મને શ્રેષ્ઠ લાગે છે. મૂળ ગ્રંથના ભાવને જાળવ્યો છે, છતાં તે ગ્રંથના તરજૂમા જેવો નથી જણાતો. મેં ભગવદ્ગીતાનો આ વેળા અભ્યાસ કર્યો તો ન જ કહેવાય. તે મારા હંમેશના વાંચનનો ગ્રંથતો કેટલાંક વર્ષો પછી થયો.

આ જ ભાઇઓએ મને આર્નલ્ડનું બુદ્ધિચરિત્ર વાંચવા ભલામણ કરી. અત્યાર સુધી તો સર એડવિન આર્નલ્ડના ગીતાના અનુવાદની જ મને ખબર હતી. બુદ્ધિચરિત્ર મેં ભગવદ્ગીતા કરતાં પણ વધારે રસથી વાંચ્યું. પુસ્તક હાથમાં લીધા પછી તે પૂરું કર્યે જ છોડી શક્યો.

આ ભાઇઓ મને એક વખત બ્લૅવૅટ્સ્કી લૉજમાં પણ લઈ ગયા. ત્યાં મને મૅડમ બ્લૅવૅટ્સ્કીનાં દર્શન કરાવ્યાં ને મિસિસ બેસંટનાં. મિસિસ બેસંટ તે વખતે તાજાં જ થિયોસૉફિકલ સોસાયટીમાં દાખલ થયાં હતાં, એટલે તે વિષેની ચર્ચા અખબારોમાં ચાલતી તે હું રસપૂર્વક વાંચતો. આ ભાઇઓએ મને સોસાયટીમાં દાખલ થવા પણ સૂચવ્યું. મેં વિનયપૂર્વક ના પાડી ને કહ્યું, 'મારું ધર્મજ્ઞાન કંઇ જ નથી, તેથી હું કોઇ પણ પંથમાં ભળી જવા નથી ઇચ્છતો.' મને એવો ખ્યાલ છે કે તે જ ભાઇઓના કહેવાથી મેં મૅડમ બ્લૅવૅટ્સ્કીનું પુસ્તક 'કી ટુ થિયોસોફી' વાંચ્યું. તે ઉપરથી હિંદુ ધર્મનાં પુસ્તકો વાંચવાની ઇચ્છા થઈ અને હિંદુ ધર્મ વહેમોથી જ ભર્યો છે એવો અભિપ્રાય પાદરીઓના મુખેથી સાંભળતો તે મનમાંથી ગયો.

આ જ અરસામાં એક અન્નાહારી વસતિગૃહમાં મને માંચેસ્ટરના એક ભલા ખ્રિસ્તી મળ્યા. તેમણે મારી જોડે ખ્રિસ્તી ધર્મની વાત કાઢી. મેં તેમની પાસે મારું રાજકોટનું સ્મરણ વર્ણવ્યું. સાંભળીને તે દુઃખી થયા. તેમણે કહ્યું, 'હું પોતે અન્નાહારી છું. મદ્યપાન પણ નથી કરતો. ઘણા ખ્રિસ્તીઓ માંસાહાર કરે છે, મદ્યપાન કરે છે, એ સાચું પણ બેમાંથી એકે વસ્તુ લેવાની એ ધર્મમાં ફરજ નથી. તમે બાઇબલ વાંચો એવી ભલામણ કરું છું.' મેં એ સલાહ માની. બાઇબલ તેમણે જ ખરીદી આપ્યું. મને કઈંક એવો આભાસ છે કે આ ભાઇ પોતે જ બાઈબલ વેચતા. તેમણે નક્શાઓ, અનુક્રમણિકા વગેરેવાળું બાઇબલ મને વેચ્યું. મેં તે શરૂ કર્યું. પણ હું 'જૂનો કરાર' વાંચી જ ન શક્યો. 'જેનેસિસ'-સૃષ્ટિમંડાણ-ના પ્રકરણ પછી તો વાંચું એટલે ઊંઘ જ આવે. 'વાંચ્યું' એમ કહી શકાય તે ખાતર, રસ વિના ને સમજ્યા વિના, મેં બીજા પ્રકરણો બહુ કષ્ટપૂર્વક વાંચ્યાં એમ સ્મરણ છે. 'નંબર્સ' નામનું પ્રકરણ વાંચતાં મને અણગમો થયો.

જ્યારે 'નવા કરાર' ઉપર આવ્યો ત્યારે જુદી જ અસર થઈ. ઈશુના ગિરિપ્રવચનની અસર બહુ સારી પડી. તે હ્રદયમાં ઊતર્યું. બુદ્ધિએ ગીતાજીની સાથે સરખામણી કરી. 'તારું પહેરણ માગે તેને અંગરખું આપજે,' 'તને જમણે ગાલે તમાચો મારે તેની આગળ ડાબો ધરજે,' એ વાંચીને મને અપાર આનંદ થયો. શામળભટ્ટનો છપ્પો યાદ આવ્યો. મારા બાળક મને ગીતા, આર્નલ્ડકૃત બુદ્ધચરિત, અને ઈશુનાં વચનોનું એકીકરણ કર્યું. ત્યાગમાં ધર્મ છે એ વાત મનને ગમી.

આ વાચનથી બીજા ધર્માચાર્યોનાં જીવન વાંચવાનું મન થયું. કાર્લાઇલનું 'વિભૂતિઓ અને વિભૂતિપૂજા' વાંચવાની કોઇ મિત્રે ભલામણ કરી. તેમાંથી પેગંબર વિષે વાંચી ગયો ને તેમની મહત્તાનો વીરતાનો ને તેમની તપશ્ચર્યાનો ખ્યાલ આવ્યો.

આટલા પરિચયથી હું આગળ ન વધી શક્યો. મારાં પરીક્ષાનાં પુસ્તકો ઉપરાંત બીજું વાંચવાની નવરાશ હું ન મેળવી શક્યો, પણ મારે ધર્મ-પુસ્તકો વાંચવા જોઇએ અને બધા મુખ્ય ધર્મોનો યોગ્ય પરિચય મેળવી લેવો જોઇએ એવી મારા મને નોંધ કરી.

નાસ્તિકતા વિષે પણ કાઈંક જાણ્યા વિના કેમ ચાલે? બ્રૅડલોનું નામ બધા હિંદી જાણે જ. બ્રૅડલો નાસ્તિક ગણાય. તેથી તેમને વિષેનું કઈંક પુસ્તક વાંચ્યું. નામનું મને સ્મરણ નથી રહ્યું. તેની મારા પર કઈં છાપ ન પડી. નાસ્તિકતારૂપી સહરાનું રણ હું ઓળંગી ગયો હતો. મિસિસ બેસંટની કીર્તિ તો તે વેળા પણ ખૂબ હતી જ. તે નાસ્તિક મટી આસ્તિક થાયં છે એ વાતે પણ નાસ્તિકવાદ તરફ મને ઉદાસીન બનાવ્યો. 'હું થિયૉસૉફિસ્ટ કેમ બની?' એ મિસિસ બેસંટનું ચોપાનિયું મેં વાંચી લીધું હતું. બ્રૅડલોનો દેહાંત આ અરસામાં જ થયો. વોકિંગમાં તેમની અંતક્રિયા કરવામાં આવી હતી. હું પણ તેમાં હાજર રહેલો. મને લાગે છે કે હિંદી તો એકપણ બાકી નહીં રહેલ હોય. તેમને માન આપવાને સારુ કેટલાક પાદરી પણ આવ્યા હતા. પાછા ફરતાં એક જગ્યાએ અમે બધા ટ્રેનની રાહ જોતા હતા. ત્યાં આ ટોળાંમાંના કોઇ પહેલવાન નાસ્તિકવાદીએ પાદરીઓમાંના એકની ઊલટતપાસ શરૂ કરી:

'કેમ સાહેબ, તમે કહો છો ના કે ઈશ્વર છે?'

પેલા ભલા માણસે ધીમા સાદે જવાબ આપ્યો: 'હા, હું કહું છું ખરો.'

પેલો હસ્યો ને કેમ જાણે પોતે પાદરીને માત કરતો હોય તેમ કહ્યું: 'વારુ, પૃથ્વીનો પરિઘ ૨૮,૦૦૦ માઈલ છે એ તો કબૂલ કરો છો ને?'

'અવશ્ય'

'ત્યારે કહો જોઇએ ઈશ્વરનું કદ કેવડુંક હશે ને તે ક્યાં હશે?'

'આપણે સમજીએ તો આપણાં બંનેનાં હ્રદયમાં તે વાસ કરે છે.'

'બાળકોને ફોસલાવો બાળકોને,' કહી પેલા યોદ્ધાએ અમે જેઓ આસપાસ ઊભા હતા તેમની સામે વિજયી નજરે જોયું.

પાદરીએ નમ્ર મૌન ધારણ કર્યું.

આ સંવાદે વળી નાસ્તિકવાદ તરફ મારો અણગમો વધાર્યો.

  1. વિષયોનું ચિંતવન કરનારો પ્રથમ તેને વિષે સંગ ઊપજે છે, સંગથી કામના જન્મે છે, કામનાની પાછળ ક્રોધ આવે છે, ક્રોધમાંથી સંમોહમાંથી સ્મૃતિભ્રમ અને સ્મૃતિભ્રમમાંથી બુદ્ધિનાશ થાય છે, ને અંતે તે પુરુષનો પોતાનો નાશ થાય છે.