સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૧૪. અહિંસાદેવીનો સાક્ષાત્કાર ?
← ૧૩. બિહારી સરળતા | સત્યના પ્રયોગો અથવા આત્મકથા ૧૪. અહિંસાદેવીનો સાક્ષાત્કાર ? મોહનદાસ કરમચંદ ગાંધી |
૧૫. કેસ ખેંચાયો → |
૧૪. અહિંસાદેવીનો સાક્ષાત્કાર ?
મારે તો ખેડુતોની હાલતની પાસ કરવી હતી. ગળીના માલિકોની સામે જે ફરિયાદો હતીતેમાં કેટલું સત્ય છે તે જોવું આ કામને અંગે હજારો ખેડૂતોને મળવું જોઇએ. પણ તેમની સાથે આમ સંબંધમાં આવ્યા પહેલાં ગળીના માલિકોની વાત સાંભળવાની ને કમિશનરને મળવાની મેં આવશ્યકતા જોઇ. બંનેને ચિઠ્ઠી લખી.
માલીકોના મંત્રીની મુલાકાત વખતે તેણે સાફ જણાવ્યું કે, તમે પરદેશી ગણાઓ, તમારે અમારી અને ખેડૂતોની વચ્ચે નહીં આવવું જોઇએ, છતાં જો તમારે કંઇ કહેવાનું હોય તો મને લખી જણાવજો. મેં મંત્રીને વિવેકપૂર્વક કહ્યું કે, હું મને પોતાને પરદેશી ન ગણું, ને ખેડૂતો ઇચ્છે તો તેમની સ્તિતિની તપાસ કરવાનો મને પૂરો અધિકાર છે. કમિશનર સાહેબને મળ્યો. તેમણે તો ધમકાવવાનું જ શરૂ કર્યુ, ને મને આગળ વધ્યા વિના તિરહુત છોડવાની ભલામણ કરી.
મેં સાથીઓને બધી વાત કરીને કહ્યું કે, તપાસ કરતાં મને સરકાર રોકશે એવો સંભવ છે, ને જેલજાત્રાનો સમય મેં ધાર્યો હતો તેના કરતાં વહેલો પણ આવે. જો પકડાવું જ જોઇએ તો મારે મોતીહારી અને બની શકે તો બેતિયામાં પકડાવું જોઇએ. તેથી બનતી ઉતાવળે ત્યાં પહોચવું જોઇએ.
ચંપારણ તિરહુત વિભાગનો જિલ લો અને મોતીહારી તેનું મુખ્ય શેહેર. બેતીયાની આસપાસ રાજકુમાર શુકલનું મકાન હતું,ને તેની આસપાસની કોઠીઓના ખેડૂતો વધારેમાં વધારે રંક હતા. તેમની હલત બતાવવાનો રાજકુમાર શુકલનો લોભ હતો. ને મને હવે તે જોવાની ઇચ્છા હતી.
તેથી સાથીઓને લઇને હું તે જ દિવસે મોતીહારી જવા ઊપડયો. મોતીહારીમાં ગોરખબાબુએ આશ્રમ આપ્યો ને તેમનું ઘર ધર્મશાળા થઇ પડયું.અમે બધા માંડ માંડ તેમાં સમાઇ શકતા હતા. જે દિવસે પહોંચ્યા તે જ દિવસે સાંભળ્યુ કે મોતીહારીથી પાંચેક માઇલ દૂર એક ખેડૂત રહેતો હતો તેની ઉપર અત્યાચાર થયા હતા. તેને જોવા મારે ધરણીધરપ્રસાદ વકીલને લયને સવારે જવું, આવો નિશ્વય કર્યો. અમે સવારે હાથી ઉપર સવારી કરીને નીકળી પડયા. ચંપારણમાં હાથીનો ઉપયોગ જેમ ગુજરાતમાં ગાસાનો થાય છે એમ લગભગ થાય છે. અધેં રસ્તે પહોંચ્યા ત્યાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટનો માણસ આવી પહોંચ્યો ને મને કહ્યું : 'તમને સુપરિન્ટેન્ડેન્ટ સાહેબ સલામ દેવડાવે છે.' હું સમજ્યો. ધરણીધરબાબુને મેં આગળ જવાનું કહ્યું. હું પેલા જાસૂસની સાથે તેણે ભાડે લીધેલી ગાડીમાં બેઠો. તેણે ચંપારણ છોડવાની નોટિસ મને આપી. મને ઘેર લઇ ગયા ને મારી સહી માગી. મેં જવાબ લખી આપ્યો કે, હું ચંપારણ છોડવા ઇચ્ચતો નથી, ને મારે તો આગળ વધવું છે ને તપાસ કરવી છે. બહિષ્કારના હુકમનો અનાદર કરવા સારુ બીજે જ દિવસે કોર્ટમાં હાજર રહેવાનો સમન મળ્યો.
આખી રાત જાગીને મેં મારે જે કાગળો લખવાના હતા તે લખ્યા, ને જે જે સૂચનાઓ આપવી હતી તે બ્રજકિશોરબાબુને આપી.
સમનની વાત એક ક્ષણમાં બધે ફેલાઇ ગઇ, અને લોકો કહેતા હતા કે કદી નહીં જોયેલું એવું દ્દશ્ય મોતીહારીમાં જોવામાં આવ્યું. ગોરખબાબુનું ઘર અને કચેરી લોકોથી ઊભરાઇ ઊઠયાં. સારે નસીબે મેં મારું બધું કામ રાતના આટોપી લીધું હતું, તેથી આ ભીડને હું પહોચી વળ્યો. સાથીઓની કિમત મને પૂરેપૂરી જણાઇ આવી. તેઓ લોકોને નિયમમાં રાખવામાં ગૂંથાઇ ગયા. કચેરીમાં જયાં જાઉં ત્યા ટોળેટોળાં મારી પાછળ આવે. કલેકટર, મૅજિસ્ટ્રેટ, સુપરિન્ટેન્ડેન્ટ વગેરે અને મારી વચ્ચે પણ એક જાતની ગાંઠ બંધાઇ. સરકારી નોટિસો વગેરેની સામે કાયદેસર વિરોધ કરવો હોત તો હું કરી શકતો હતો. તેને બદલે તેમની બધી નોટિસોના મારા સ્વીકારથી ને અમલદારોની સાથેના જાતિપરિચયમાં વાપરેલી મીઠાશથી તેઓ સમજી ગયા કે, મારે તેમનો વિરોધ નથી કરવો પણ તેમના હુકમનો વિનયી વિરોધ કરવો છે. તેથી તેમને એક પ્રકારની નિર્ભયતા મળી. મારી કનડગત કરવાને બદલે તેમણે લોકોને નિયમમાં રાખવા સારુ મારી ને સાથીઓની મદદનો ખુશીથી ઉપયોગ કર્યો. પણ સાથે તેઓ સમજી ગયા કે તેમની સતા આજથી અલોપ થઇ. લોકો ક્ષણભર દંડનો ભય તજી તેમના નવા મિત્રના પ્રેમની સતાને વશ થયા.
યાદ રાખવાનું છે કે ચંપારણમાં મને કોઇ ઓળખતું નહોતું. ખેડૂતવર્ગ સાવ અભણ હતો. ચંપારણ ગંગાને પેલે પાર છેક હિમાલયની તળેટીએ નેપાળની નજીકનો પ્રદેશ, એટલે નવી દુનિયા. અહીં મહાસભાનું નામ ન મળે. મહાસભાના કોઈ સભ્યો ન મળે. જેમણે નામ સાંભળ્યું હોય તે નામ લેતાં કે તેમાં ભળતાં ડરે. આજે મહાસભાના નામ વિના મહાસભાએ ને મહાસભાના સેવકોએ પ્રવેશ કર્યો, ને મહાસભાની આણ વતીં.
સાથીઓની સાથે મસલત કરી મેં નિશ્વય કર્યો હતો કે મહાસભને નામે કંઇ જ કામ કરવું નથી. નામનું નહીં પણ કામનું કામ છે. ટપટપનું નહીં પણ મમમમનું કામ છે. મહાસભાનું નામ અળખામણું છે. આપ્રદેશમાં મહાસભાનો અર્થ વકીલોની મારામારી, કયદાની બારીઓથી સરકી જવાના પ્રયત્નો. મહાસભા એટલે બૉમ્બગિળા, મહાસભા એટલે કહેણી એક, કરણી બીજી. આવી સમજણ સરકારમાં અને સરકારની સરકાર ગળીના માલીકોમાં હતી. મહાસભા આ નથી, મહાસભા બીજી જ વસ્યુ છે, એમ અમારે સિદ્ધ કરવાનું હતું. તેથી અમે મહાસભાનું નામ જ કયાંયે ન લેવાનો ને લોકોને મહાસભાના ભૌતિક દેહનો પરિચય ન કરાવવાનો નિશ્વય કર્યો હતો. તેઓ તેના અક્ષરને ન જાણતાં તેના આત્માને જાણે ને અનુસરે તો બસ છે, તે જ ખરું છે, એમ અમે વિચારી મૂકયું હતું.
એટલે મહાસભાની વતી કોઇ છૂપા કે જાહેર જાસૂસો મારફત કાંઇ ભૂમિકા તૈયાર કરવામાં આવી નહોતી. રજકુમારશુકલમાં હજારો લોકોમાં પ્રવેશ કરવાની શક્તિ નહોતી. તેમનામાં કોઇએ આજ લગી રાજ્યપ્રકરણી કામ કર્યું જ નહોતું. ચંપારણની બહારની દુનિયાને તેઓ જાણતા નહોતા. છતાં તેઓનો અને મારો મેળાપ જૂના મિત્રો જેવો લાગ્યો. તેથી મેં ઇશ્વરનો, અહિસાનો અને સત્યનો સાક્ષાત્કાર કર્યો, એમ કહેવામાં અતિશયોક્તિ નથી, પણ અક્ષરશ: સત્ય છે. એ સાક્ષાત્કારનો મારો અધિકાર તપાસું છું તો મને લોકો પ્રત્યેના પ્રેમ સિવાય કંઇ જ નથી મળતું. આ પ્રેમ તે પ્રેમ અથવા અહિંસાને વિષે રહેલી મારી અચલિત શ્રધ્દ્રા.
ચંપારણનો આ દિવસ મારા જીવનમાં કદી ન ભુલાય એવો હતો. આ મારે સારુ ને ખેદૂતોને સારુ એક ઉત્સવનો દિવસ હતો. સરકારી કાયદા પ્રમાણે મુકદમો મારી સામે ચાલવાનો હતો. પણ ખરું જોતાં તો મુકદમો સરકારની સામે હતો. કમિશનરે મારી સામે રચેલી જાળમાં તેણે સરકારને ફસાવી.