સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૩૫. પંજાબમાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૩૪. ’નવજીવન’ ને ’યંગ ઈંડિયા’ સત્યના પ્રયોગો અથવા આત્મકથા
પંજાબમાં
મોહનદાસ કરમચંદ ગાંધી
૩૬. ખિલાફત બદલે ગોરક્ષા ? →


૩૫. પંજાબમાં

પંજાબમાં જે કંઈ થયું તેને સારુ સર માઈકલ ઓડવાયરે મને ગુનેગાર ઠરાવ્યો હતો, તો ત્યાંના કોઇ નવજવાનો લશ્કરી કાનૂનને સારુ પણ મને ગુનેગાર ઠરાવતાં અચકાતા નહોતા. મેં જો સવિનય કાનૂનભંગ મુલતવી ન રાખ્યો હોત તો જલિયાંવાલા બાગની કતલ કદી ન થાત, લશ્કરી કાયદો કદી ન થાત, એવી દલીલ આવા ક્રોધાવેશમાં આવેલા નવજવાનોની હતી. કોઈએ તો ધમકીઓ પણ આપી હતી કે, પંજાબમાં હું જાઉં તો મને લોકો ઠાર માર્યા વિના ન જ છોડે.

પણ મને લાગતું હતું કે, મારું પગલું એટલું બધું યોગ્ય હતું કે સમજુ માણસોમાં ગેરસમજ થવાનો સંભવ જ નથી. પંજાબમાં જવા હું અધીરો થઇ રહ્યો હતો. મેં પંજાબ કદી જોયું નહોતું. પણ મારી નજરે જે કંઈ જોવાનું મળે તે જોવાની તીવ્ર ઈચ્છા હતી, અને મને બોલાવનારા ડૉ. સત્યપાલ, ડૉ. કિચલુ, પં. રામભજદત્ત ચોધરીને જોવા ઇચ્છતો હતો. તેઓ જેલમાં હતા, પણ મને પૂર્ણ વિશ્વાસ હતો કે, તેમને સરકાર જેલમાં લાંબી મુદત નહીં જ રાખી શકે. મુંબઈમાં જ્યારે જ્યારે જતો ત્યારે મને પુષ્કળ પંજાબીઓ મળી જતા. તેમને હું પ્રોત્સાહન આપતો તે લઈ જઈ તેઓ રાજી થતા. મારો આત્મવિશ્વાસ એ વેળા પુષ્ળક હતો.

પણ મારું જવાનું લંબાયા કરતું હતું. વાઇસરૉય 'હજુ વાર છે' એમ લખાવ્યા કરતા હતા.

દરમ્યાન હંટર કમિટી આવી. તેને લશ્કરી કાયદા દરમ્યાન પંજાબના અમલદારોએ કરેલાં કૃત્યો વિષે તપાસ કરવાની હતી. દિનબંધુ ઍન્ડ્રઝ ત્યાં પહોંચી ગયા હતા. તેમના કાગળોમાં હ્યદયદ્રાવક વર્ણનો હતાં. છાપામાં જે છપાતું તેના કરતાં પણ લશ્કરી કાયદાનો જુલમ વધારે હતો, એવો તેમના કાગળનો ધ્વનિ હતો. મને પંજાબમાં પહોંચવાનો આગ્રહ હતો. બીજી તરફથી માલવીયજીના પણ તાર આવી રહ્યા હતા કે, મારે પંજાબ પહોંચવું જોઈએ. આ ઉપરથી મેં ફરી વાઇસરૉયને તાર કર્યો. જવાબ આવ્યો : ફલાણી તારીખે તમો જઇ શકો છો. મને તારીખ બરાબર યાદ નથી, પણ ઘણું કરીને ૧૭મી ઑકટોબર હતી.

હું લાહોર પહોંચ્યો ત્યારે મેં જે દૃશ્ય જોયું તે કદી ભુલાય તેમ નહોતું. કેમ જાણે ઘણાં વર્ષોના વિયોગ પછી કોઈ પ્રિયજન આવતો હોય ને તેને મળવાને સગાં આવતાં હોય, તેમ સ્ટેશન ઉપર માણસોની મેદની ભરાઈ ગઈ હતી. લોકો હર્ષઘેલા થઈ ગયા હતા.

પંડિત રામભજદત્ત ચોધરીને ત્યાં મારો ઉતારો હતો. શ્રી સરલાદેવી ચોધરાણી જેમને હું પૂર્વે ઓળખતો હતો તેમની ઉપર મને સંઘરવાનો બોજો આવી પડયો હતો. હું 'સંઘરવો' શબ્દ ઈરાદાપૂર્વક વાપરું છું, કેમ કે હાલની જેમ ત્યારે પણ જ્યાં હું ઊતરું ત્યાં ઘરધણીનું ઘર ધર્મશાળા જેવું થઈ પડતું હતું.

પંજાબમાં મેં જોયું કે, ઘણા પંજાબી નેતાઓ જેલમાં હોવાથી મુખ્ય નેતાઓની જગ્યા પંડિત માલવીયજી, પંડિત મોતીલાલજી ને સ્વ. સ્વામી શ્રદ્ધાનંદજીએ લીધી હતી. માલવીયજી અને શ્રદ્ધાનંદજીના પ્રસંગમાં તો હું સારી પેઠે આવી ચુકયો હતો. પણ પંડીત મોતીલાલના નિકટ પ્રસંગમાં તો લાહોરમાં જ આવ્યો. આ નેતાઓ તેમ જ બીજા સ્થાનિક નેતાઓ જેમને જેલનું માન નહોતું મળ્યું તેમણે મને તુરત પોતાનો કરી મૂકયો. હું કયાંયે અજાણ્યા જેવો ન લાગ્યો.

હંટર કમિટીની પાસે પુરાવો ન દેવાનો નિશ્વય અમે બધાએ એકમતે કર્યો. એનાં કારણો બધાં તે વેળા પ્રગટ થયેલાં હતાં, એટલે એમાં અહીં ઊતરતો નથી. એ કારણો સબળ હતાં ને કમિટીનો બહિષ્કાર યોગ્ય હતો એમ આજે પણ મને લાગે છે.

પણ જો કમિટીનો બહિષ્કાર થાય તો લોકો તરફથી એટલે મહાસભા તરફથી એક કમિટી હોવી જોઇએ એમ નિશ્ચય થયો. તેમાં પંડિત મોતીલાલ નેહરુ, સ્વ. ચિત્તરંજન દાસ, શ્રી અબ્બાસ તૈયબજી, શ્રી જયકર અને મને પંડિત માલવીયજીએ આ કમિટી ઉપર નીમ્યા. અમે જુદે જુદે ઠેકાણે તપાસ કરવા વીખરાઈ ગયા. આ કમિટીની વ્યવસ્થાનો બોજો બોજો સહેજે મારી ઉપર આવી પડયો હતો, અને વધારેમાં વધારે ગામોની તપાસ મારે ભાગે આવવાથી, મને પંજાબ અને પંજાબનાં ગામડાં જોવાનો અલભ્ય લાભ મળ્યો.

આ તપાસ દરમ્યાન પંજાબની સ્ત્રીઓને તો જાણે હું યુગોથી ઓળખતો હોઉં તેમ મળ્યો. જયાં જાઉં ત્યાં તેમનાં ટોળાં મળે, અને મારી પાસે પોતે કાંતેલા સૂતરના ઢગલા કરે. પંજાબ ખાદીનું મહાન ક્ષેત્ર થઈ શકે એ હું આ તપાસ દરમ્યાન અનાયાસે જોઈ શકયો. ...p

લોકોની ઉપર થયેલા જુલમની તપાસ કરતાં જેમ જેમ હું ઊંડો ઊતરતો ગયો, તેમ તેમ હું નહોતો ધારતો એટલી સરકારી અરાજકતા, અમલદારોની નાદિરશાહી, તેમની આપખુદીની વાતો સાંભળી આશ્વર્ય થયું ને દુ:ખ પામ્યો. પંજાબ કે જયાંથી સરકારને વધારેમાં વધારે સિપાહીઓ મળે છે ત્યાં લોકો કેમ આટલો બધો જુલમ સહન કરી શકયા, એ મને ત્યારે આશ્વર્ય પમાડનારું લાગ્યું ને આજે પણ લાગે છે.

આ કમિટીનો રિપોટઁ ઘડવાનું કામ પણ મને સોંપવામાં આવ્યું હતું. પંજાબમાં કયા પ્રકારના જુલમ થયા એ જેને જાણવું હોય તેણે એ રિપોર્ટ વાંચવો જ જોઈએ. એ રિપોર્ટને વિષે આટલું કયી શકું છું કે, એમાં ઈરાદાપૂર્વક એક પણ જગ્યાએ અતિશયોક્તિ નથી. જેટલી હકીકત આપી છે તેને સારુ તેમાં જ પુરાવો રજૂ કર્યો છે. એ રિપોર્ટમાં જેટલો પુરાવો આપ્યો છે તેના કરતાં ઘણો વધારે કમિટી પાસે હતો. જેને વિષે જરા પણ શંકા હોય એવી એક પણ હકીકત એ રિપોર્ટમા મૂકવામાં નથી આવી. આમ કેવળ સત્યને જ આગળ ધરીને લખાયેલા રિપોર્ટ ઉપરથી વાંચનાર જોઈ શકશે કે બ્રિટિશ રાજ્ય પોતાની સત્તા કાયમ રાખવાને સરુ કેટલી હદ સુધી જઈ શકે છે, કેવાં અમાનુષી કાર્યો કરી શકે છે. એ રિપોર્ટમાંની એક પણ વાત આજ લગી મારી જાણ પ્રમાણે ખોટી નથી ઠરી.