લખાણ પર જાઓ

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧૨. હિંદીઓનો પરિચય

વિકિસ્રોતમાંથી
← ૧૧. ખ્રિસ્તી સંબંધો સત્યના પ્રયોગો અથવા આત્મકથા
હિંદીઓનો પરિચય
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૩. કુલીપણાનો અનુભવ →


૧૨. હિંદીઓનો પરિચય

ખ્રિસ્તી સંબંધો વિષે વધારે લખું તે પહેલાં તે જ કાળના બીજા અનુભવોની નોધ લેવી આવશ્યક છે.

નાતાલમાં જે સ્થાન દાદા અબદુલ્લાનું હતું તે સ્થાન પ્રિટોરિયામાં શેઠ તૈયબ હાજી ખાનમહમદનું હતું. તેમના વિના એક પણ જાહેર પ્રવૃત્તિ ન ચાલી શકે. તેમની ઓળખ મેં પહેલે જ અઠવાડીયે કરી લીધી. પ્રિટોરિયાના દરેક હિંદીના સંબંધમાં આવવાનો મારો વિચાર મેં તેમને જણાવ્યો. હિંદીઓની સ્થિતિનો અભ્યાસ કરવાની મારી ઇચ્છા પ્રગટ કરી ને મેં આ બધા કાર્યમાં તેમની મદદ માગી. તેમણે ખુશીથી મદદ આપવાનું કબૂલ કર્યું.

મારું પ્રથમ પગલું તો બધા હિંદીઓની એક સભા ભરી તેમની આગળ સ્થિતિનો વિતાર મૂકવાનું હતું. શેઠ હાજી મહમદ હાજી જુસબ, જેમની ઉપર મને ભલામણ પત્ર મળ્યો હતો, તેમને ત્યાં આ સભા ભરાઈ. તેમાં મુખ્ય ભાગે મેમણ વેપારીઓ હાજર હતા. થોડા હિંદુ પણ હતા. પ્રિટોરિયામાં હિંદુઓની વસ્તી જ ઘણી થોડી હતી.

આ મારું જિંદગીનું પહેલું ભાષણ ગણાય. મેં તૈયારી ઠીક કરી હતી. મારે સત્ય વિષે બોલવું હતું. વેપારમાં સત્ય ન ચાલે એવું હું વેપારીઓને મોઢેથી સાંભળતો આવ્યો હતો. એ વાત હું ત્યારે નહોતો માનતો. આજ પણ નથી માનતો. વેપારને અને સત્યને ન બને એમ કહેનારા વેપારી મિત્ર આજ પણ પડ્યા છે. તેઓ વેપારને વ્યવહાર કહે છે, સત્યને ધર્મ કહે છે, અને દલીલ કરે છે કે વ્યવહાર એક વસ્તુ છે, ધર્મ બીજી. વ્યવહારમાં શુદ્ધ સત્ય ન જ ચાલે; તેમાં તો યથાશક્તિ જ સત્ય બોલાયચલાય, એવી તેઓની માન્યતા. આ સ્થિતિનો મેં મારા ભાષણમાં સારી પેઠે વિરોધ કર્યો ને વેપારીઓને તેમની બેવડી ફરજનું ભાન કરાવ્યું. પરદેશમાં આવવાથી તેમની જવાબદારી દેશમાં હોય તેના કરતાં વધી, કેમ કે ખોબા જેટલા હિંદીઓની રહેણીકરણી ઉપરથી હિંદના કરોડોનું માપ થતું હતું.

અંગ્રેજોની રહેણીની સરખામણીમાં આપણી રહેણીમાં રહેલી ગંદકી હું જોઈ ગયો હતો તે તરફ પણ ધ્યાન ખેંચ્યું.

હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી, અથવા ગુજરાતી, મદ્રાસી, પંજાબી, સિંધી, કચ્છી, સુરતી વગેરે ભેદો ભૂલી જવા પર ભાર મુક્યો.

ને છેવટમાં, એક મંડળ સ્થાપી હિંદીઓને પડતી હાડમારીઓનો ઇલાજ અમલદારોને મળી અરજીઓ કરીને કરવો જોઈએ એમ સૂચવ્યું, ને તેમાં મને મળે તેટલો વખત વગરવેતને આપવાનું મેં જણાવ્યું.

સભામાં અસર ઠીક થઈ એમ મેં જોયું.

ચર્ચા થઈ. કેટલાકે હકીકતો મારી પાસે મૂકવાનું કહ્યું. મને હિંમત આવી. મેં જોયું કે આ સભામાં અંગ્રેજી જાણનારા થોડા જ હતા. આવા પરમુલકમાં અંગ્રેજી જ્ઞાન હોય તો સારું એમ મને લાગ્યું. તેથી મેં જેને નવરાશ હોય તેને અંગ્રેજી ભણવાની ભલામણ કરી. મોટી ઉંમરે પહોંચ્યા પછી પણ અભ્યાસ કરાય એમ કહી તેવા અભ્યાસ કરનારાંનાં દૃષ્ટાંતો આપ્યાં. મેં પોતે એક વર્ગ નીકળે તો તેને અથવા છૂટાછવાયા ભણનારા નીકળે તો તેમને ભણાવવાનું માથે લીધું. વર્ગ તો ન નીકળો, પણ ત્રણ જણ પોતાની સગવડે ને તેમને ઘેર ભણાવવા જાઉં તો ભણવા તૈયાર થયા. આમાં બે મુસલમાન હતા. તેમાંનો એક હજામ હતો, એક કારકુન હતો. એક હિંદુ નાનકડો દુકાનદાર હતો. બધાને હું અનુકૂળ થયો. મારી શીખવવાની શક્તિ વિષે તો મને મુદ્દલ અવિશ્વાસ હતો જ નહીં. મારા શિષ્યો થાક્યા ગણીએ તો થાક્યા કહેવાય, પણ હું ન થાક્યો. કોઈ વેળા તેમને ત્યાં જાઉં ત્યારે તેઓને નવરાશ ન હોય. મેં ધીરજ ન ખોઈ. આમાંના કોઈને અંગ્રેજીનો ઊંડો અભ્યાસ તો નહોતો જ કરવો. પણ બેએ આઠેક માસમાં સારી પ્રગતિ કરી ગણાય બેને નામું માંદવાનું ને સામાન્ય કાગળો લખવાનું જ્ઞાન મળ્યું. હજામને તો તેના ઘરાકની સાથે બોલવાજોગું જ શીખવ્યું હતું. બે જણ પોતાના અભ્યાસને લીધે ઠીક કમાવાની શક્તિ પણ મેળવી શક્યા.

સભાના પરિણામથી મને સંતોષ થયો. આવી સભા દર માસે કે દર અઠવાડિયે ભરવાનો નિશ્ચય થયો. ઓછીવત્તી નિયમિત રીતે એ સભા ભરાતી ને વિચારોની આપલે થતી. પરિણામે પ્રિટોરિયામાં ભાગ્યે કોઈ હિંદી રહ્યા હશે જેને હું ઓળખતો નહીં થયો હોઉં, અથવા તો જેની સ્થિતિથી હું વાકેફ નહી થયો હોઉં. હિંદીઓની સ્થિતિનું આવું જ્ઞાન મેળવવાનું પરિણામ એ આવ્યું કે, મને પ્રિટોરિયામાં રહેતા બ્રિટિશ એજન્ટની ઓળખાણ કરવાની ઈચ્છા થઈ. હું મિ. જેકોબ્સ ડિ-વેટને મળ્યો. તેમની લાગણી હિંદીઓ તરફ હતી. તેમની વગ ઓછી હતી, પણ તેમણે બનતી મદદ કરવા અને જ્યારે મળવું હોય ત્યારે મળવા મને કહ્યું. રેલવે સત્તાવાળાઓ સાથે પત્રવ્યવહાર ચલાવ્યો ને તેમના જ કાયદા પ્રમાણે હિંદીને મનાઈ ન થઈ શકે એમ મેં સૂચવ્યું. પરિણામે, સારાં કપડાં પહેરેલા હોય તેવા હિંદીને ઉપલા વર્ગની રેલવે ટિકિટ દેવામાં આવશે એવો કાગળ મળ્યો. એથી પૂરી સગવડ તો ન મળી. સારાં કપડાં કોણે પહેર્યાં ગણાય એ તો સ્ટેશન-માસ્તર જ ઠરાવે ના!

બ્રિટિશ એજંટે મને તેની વચ્ચે થયેલા પત્રવ્યવહાર વિષે કેટલાંક કાગળિયાં વાંચવા આપ્યાં. તૈયબ શેઠે પણ આપ્યાં હતાં. તેમાંથી ઑરેન્જ ફ્રી સ્ટેટમાંથી હિંદીનો પગ કેવી નિર્દયતાથી કાઢી નાખવામાં આવ્યો હતો તે મેં જાણ્યું. ટૂંકામાં, ટ્રાન્સવાલના ને ફ્રી સ્ટેટના હિંદીઓની આર્થિક, સામાજિક અને રાજ્યપ્રકરણી સ્થિતિનો ઊંડો અભ્યાસ હું પ્રિટોરિયામાં કરી શક્યો. આ અભ્યાસનો પાછળ જતાં મને પૂરો ઉપયોગ થવાનો છે એની મને મુદ્દલ ખબર નહોતી. મારે તો એક વર્ષને અંતે અથવા કેસ વહેલો પૂરો થાય તો તે પહેલાં દેશ જતું રહેવું હતું.

પણ ઈશ્વરે બીજું જ ધાર્યું હતું.