સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨૫. હિંદુસ્તાનમાં
← ૨૪. દેશ ભણી | સત્યના પ્રયોગો અથવા આત્મકથા હિંદુસ્તાનમાં મોહનદાસ કરમચંદ ગાંધી |
૨૬. રાજનિષ્ઠા અને શુશ્રૂષા → |
૨૫. હિંદુસ્તાનમાં
કલકત્તેથી મુંબઈ જતાં પ્રયાગ વચમાં આવતું હતું. ત્યાં ટ્રેન ૪૫ મિનિટ રોકાતી હતી. તે દરમ્યાન મેં શહેરમાં જરા આંટો મારી આવવા ધાર્યું. મારે કેમિસ્ટને ત્યાંથી દવા પણ લેવી હતી. કેમિસ્ટ ઊંઘતો બહાર નીકળ્યો. દવા આપતાં ઠીક વખત લીધો. હું સ્ટેશને પહોંચ્યો તેવી જ ગાડી ચાલતી જોઈ. ભલા સ્ટેશન માસ્તરે ગાડી એક મિનિટ રોકેલી, પણ મને પાછો આવતો ન જોતાં મારો સામાન ઉતારી લેવાની તેણે કાળજી લીધી.
મેં કેલનરની હોટેલમાં ઉતારો રાખ્યો ને અહીંથી જ મારું કામ આદરવાનો નિશ્ચય કર્યો. અહીંના ’પાયોનિયર’ પત્રની ખ્યાતિ મેં સાંભળી હતી. પ્રજાની આકાંક્ષાઓ સામે તેનો વિરોધ હું જાણતો હતો. તે વેળા નાના મિ. ચેઝની અધિપતિ હતા એવો મને ખ્યાલ છે. મારે તો બધા પક્ષને મળી દરેકની મદદ મેળવવી હતી. તેથી મિ.ચેઝનીને મેં મુલાકાત સારુ ચિઠ્ઠી લખી, ટ્રેન ખોયાનું જણાવ્યું, ને વળતે દહાડે મારે પ્રયાગ છોડવાનું હતું એમ લખ્યું. જવાબમાં તેમણે મને તરત મળવા જણાવ્યું. હું રાજી થયો. તેમણે મારી વાત ધ્યાનપૂર્વક સાંભળી. હું કંઈ પણ લખું તો પોતે તેની તુરત નોંધ લેશે એમ કહ્યું, ને ઉમેર્યું :’પણ તમારી બધી માગણીનો હું સ્વીકાર કરી જ શકીશ એમ તમને નથી કહી શકતો. કૉલોનિયલ દૃષ્ટિબિંદુ પણ અમારે તો સમજવું ને જોવું જોઈએ.’
મેં ઉત્તર આપ્યો, ’તમે આ પ્રશ્નનો અભ્યાસ કરશો ને ચર્ચશો એટલું મને બસ છે. હું શુદ્ધ ન્યાય સિવાય બીજું કશું માગતો કે ઇચ્છતો નથી.’
બાકીનો દિવસ પ્રયાગના ભવ્ય ત્રિવેણીસંગમના દર્શનમાં ને મારી પાસે રહેલા કામના વિચારમાં ગાળ્યો.
આ આકસ્મિક મુલાકાતે મારા ઉપર નાતાલમાં થયેલા હુમલાનું બીજ રોપ્યું.
મુંબઈથી વગર રોકતે રાજકોટ ગયો ને એક ચોપાનિયું લખવાની તૈયારી કરી. ચોપાનિયું લખવામાં ને છાપવામાં લગભગ મહિનો થઈ ગયો. એને લીલું પૂઠું કરાવ્યું હતું. તેથી પાછળથી એ ’લીલા ચોપાનિયા’ તરીકે પ્રસિદ્ધિ પામ્યું. તેમાં દક્ષિણ આફ્રિકાના હિંદીઓની સ્થિતિનો ચિતાર મેં ઇરાદાપૂર્વક હળવો કર્યો હતો. નાતાલમાંનાં બે ચોપાનિયાં, જેનો ઇશારો હું આગળ કરી ગયો છું, તેમાં મેં જે ભાષા વાપરી હતી તેનાથી અહીં હળવી વાપરી, કેમ કે હું જાણતો હતો કે નાનું દુઃખ પણ દૂરથી જોતાં મોટું જણાય છે.
લીલા ચોપાનિયાની દસ હજાર નકલ છપાવી હતી, ને તે આખા હિંદુસ્તાનમાં છાપાંઓને અને જાણીતા બધા પક્ષના લોકોને મોકલી. ’પાયોનિયર’માં તેના ઉપર સૌ પહેલો લેખ પ્રગટ થયો. તેનું તારણ વિલાયત ગયું. ને એ તારણનું તારણ પાછું રૉઇટર મારફતે નાતાલ ગયું. એ તાર તો ત્રણ લીટીનો હતો. તેમાં નાતાલમાં હિંદીઓ ઉપર કેવી વર્તણૂક ચાલે છે તેના મેં આપેલા ચિત્રની નાની આવૃત્તિ હતી. તે મારા શબ્દોમાં નહોતી. તેની જે અસર થઈ તે હવે પછી જોઈશું. ધીમે ધીમે બધાં અગત્યનાં છાપાંઓમાં આ પ્રશ્નની બહોળી નોંધ લેવાઈ.
આ ચોપાનિયાંને ટપાલને સારુ તૈયાર કરાવવાં એ મુશ્કેલીનું ને, જો પૈસે કરાવું તો, ખરચાળ કામ હતું. મેં સહેલી યુક્તિ શોધી કાઢી. શેરીનાં બધાં છોકરાંને ભેળાં કર્યા ને તેમના સવારના ભાગના બે ત્રણ કલાક, જેટલા આપી શકે તેટલા, માગ્યા. છોકરાંઓએ ખુશીથી આટલી સેવા કબૂલ કરી. મારા તરફથી મેં તેમને મારી પાસે ભેળી થતી વપરાયેલી ટપાલટિકિટો આપવાનું ને તેમને આશીર્વાદ આપવાનું કબૂલ્યું. છોકરાંઓએ રમતવાતમાં મારું કામ પૂરું કરી દીધું. છેક બાળકોને આમ સ્વયંસેવક બનાવવાનો મારો આ પહેલો અખતરો હતો. આ બાળકોમાંના બે આજે મારા સાથી છે.
આ જ અરસામાં મુંબઈમાં પહેલીવહેલી મરકી ફાટી નીકળી. ચોમેર ગભરાટ ફેલાઈ રહ્યો હતો. રાજકોટમાં પણ મરકી ફેલાવાનો ડર હતો. મને લાગ્યું કે મને આરોગ્યખાતામાં કામ કરતાં આવડે ખરું. મેં મારી સેવા સ્ટેટને આપવાનું લખ્યું. સ્ટેટે કમિટિ નીમી ને તમાં મને દાખલ કર્યો. પાયખાનાની સ્વચ્છતા ઉપર મેં ભાર મૂક્યો ને કમિટિએ શેરીએ શેરીએ જઈને પાયખાનાં તપાસવાનો નિશ્ચય કર્યો. ગરીબ લોકોએ પોતાનાં પાયખાનાં તપાસવા દેવામાં મુદ્દલ આનાકાની ન કરી, એટલું જ નહીં, પણ તેમને સૂચવ્યા તે સુધારા પણ તેમણે કર્યા. પણ જ્યારે અમે મુત્સદ્દીવર્ગનાં ઘરો તપાસવા નીકળ્યા, ત્યારે કેટલીક જગ્યાએ તો અમને પાયખાનાં તપાસવાની પણ પરવાનગી ન મળતી. સુધારાની તો વાત જ શી ? અમારો સામાન્ય અનુભવ એ થયો કે ધનિકવર્ગનાં પાયખાનાં વધારે ગંદાં જોવામાં આવ્યાં. તેમાં અંધારું, બદબો અને પાર વિનાની ગંદકી. બેઠક ઉપર કીડા ખદબદે. જીવતે નરકવાસમાં જ રોજ પ્રવેશ કરવા જેવું એ હતું. અમે સૂચવેલા સુધારા તદ્દન સાદા હતા. મેલું ભોંય ઉપર પડવા દેવાને બદલે કૂંડામાં પડવા દેવું. પાણી પણ જમીનમાં સોસાવાને બદલે કૂંડીમાં જાય તેમ કરવું. બેઠક અને ભંગીને આવવાની જગ્યા વચ્ચે જે દીવાલ રાખવામાં આવતી તે તોડવી કે જેથી બધો ભાગ ભંગી બરાબર સાફ કરી શકે ને પાયખાનાં પ્રમાણમાં મોટાં થઈ તેમાં હવાઅજવાળું દાખલ થાય. મોટા લોકોએ આ સુધારો દાખલ કરવામાં બહુ વાંધા ઉઠાવ્યા ને છેવટે પૂરો તો ન જ કર્યો.
કમિટીને ઢેડવાડામાં પણ જવાનું તો હતું જ. કમિટીના સભ્યોમાંથી મારી સાથે માત્ર એક જ ત્યાં આવવા તૈયાર થયા. ત્યાં જવું ને વળી પાયખાનાં તપાસવાં ? પણ મને તો ઢેડવાડો જોઈને સાનંદાશ્ચર્ય જ થયું. ઢેડવાડાની આ મારી તો જિંદગીમાં પહેલી જ મુલાકાત હતી. ઢેડ ભાઈબહેનો અમને જોઈ આશ્ચર્ય પામ્યાં. એમનાં પાયખાનાં જોવાની મેં માગણી કરી. તેમણે કહ્યું :
’અમારે ત્યાં પાયખાનાં કેવા ? અમારાં પાયખાનાં જંગલમાં. પાયખાનાં તમારે મોટાં માણસને’
’ત્યારે તમારાં ઘર અમને જોવા દેશો ?’ મેં પૂછ્યું.
’આવોની ભાઈસાહેબ. તમારી મરજીમાં આવે ત્યાં જાઓ. અમારાં ઘર એવાં જ તો.’
હું અંદર ગયો ને ઘરની તેમ જ આંગણાની સફાઈ જોઈ ખુશ થઈ ગયો. ઘરની અંદર બધું લીંપેલું જોયું. આંગણું વાળેલું, અને જે જૂજ વાસણો હતાં તે સાફ અને ચકચકિત હતાં.
એક પાયખાનાની નોંધ કર્યા વિના રહેવાય તેમ નથી. દરેક ઘરમાં મોરી તો હોય જ. તેમાં પાણી ઢોળાય ને લઘુશંકા પણ થાય. એટલે ભાગ્યે કોઈ કોટડી બદબો વિનાની હોય. પણ એક ઘરમાં તો સૂવાની કોટડીમાં મોરી અને પાયખાનું બન્ને જોયાં, અને તે બધું મેલું નળી વાટે નીચે ઊતરે. એ કોટડીમાં ઊભ્યું જાય તેમ નહોતું. તેમાં ઘરધણી કેમ સૂઈ શકતા તે તો વાંચનારે વિચારી જોવું.
કમિટીએ હવેલીની પણ મુલાકાત લીધી હતી. હવેલીના મુખિયાજીની સાથે ગાંધી કુટુંબને સારો સંબંધ હતો. મુખિયાજીએ હવેલી જોવા દેવાની અને બની શકે તેટલા સુધારા કરવાની હા પાડી. તેમણે પોતે તે ભાગ કોઈ દિવસ જોયો નહોતો. હવેલીમાં જે એઠવાડ અને પત્રાવળ થાય તે પાછળ રાંઘ ઉપરથી ફેંકી દેવામાં આવતાં, ને તે ભાગ કાગડાસમડીઓનો વાસ થઈ પડ્યો હતો. પાયખાનાં તો ગંદાં હતાં જ. મુખિયાજીએ કેટલો સુધારો કર્યો એ જોવા હું ન પામ્યો. હવેલીની ગંદકી જોઈને દુઃખ તો થયું જ. જે હવેલીને આપણે પવિત્ર સ્થાન સમજીએ ત્યાં તો આરોગ્યના નિયમોનું ખૂબ પાલન થવાની આશા રખાય. સ્મૃતિકારોએ બાહ્યાંતર શૌચ ઉપર ખૂબ ભાર મૂક્યો છે એ મારા ધ્યાન બહાર ત્યારે પણ નહોતું.