સત્યની શોધમાં/ચોરભાઈ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← બબલો સત્યની શોધમાં
ચોરભાઈ
ઝવેરચંદ મેઘાણી
ધર્મપાલજી →




13
ચોરભાઈ

“આવ ત્યારે, દોસ્ત, હવે ધંધે વળગીએ.” એમ કહીને બબલાએ એક સળગેલ દીવાસળી લીધી. જમીન ઉપર લીટીઓ દોરવા લાગ્યો. શામળ નજીક જઈ બેઠો. બબલો સમજાવવા લાગ્યો :

“જો, આપણે ફાડવાનું છે તે આ ઘર. આ મોટો રસ્તો. આ ખૂણો, ખૂણા ઉપર એ મકાન છે. આ ગલી છે. આ બાજુનું બારણું છે. મને લાગે છે કે એ હું ઉઘાડી શકીશ. અહીં આગળ ને પાછળ એક એક બારણું છે. મનમાં બરાબર ગોઠવી રાખજે, હો કે ?”

“ગોઠવાઈ ગયું.” શામળે જવાબ દીધો. એના ચિત્તની એકાગ્રતા ને દિલની સચ્ચાઈ તે દિવસે જેટલી પ્રો. ચંદ્રશેખરના તત્ત્વદર્શનમાં પરોવાઈ હતી, તેટલી જ અત્યારે રાતના દસ વાગ્યે લક્ષ્મીનગરના મવાલીઓના દાદા બબલાના નકશા ઉપર ચોંટી પડી હતી.

બબલાએ આગળ ચલાવ્યું : “હવે તારે આંહીંથી અંદર જવું. આંહીં સીડી છે. મારે બીજા માળ ઉપર જઈ રૂપાનાં વાસણો ઉઠાવવાનાં છે. તારે નીચે રહી લાઈબ્રેરીવાળા ઓરડાની બાજુના એક બારણા ઉપર જાપ્તો રાખવાનો છે. એ બારણાની પછવાડેના ખંડમાં કોઈ સૂએ છે. જો કશો જ સંચળ ત્યાં થાય તો તારે એકદમ ઉપર આવીને મને સીટી મારી ખબર દેવાના છે. હું આવીશ. આપણે બેઉ આ પછવાડેની નોકરોને ચડવાની નિસરણીથી નીચે ઊતરી જઈશું; ને એથી ઊલટું જો તું મારી સીટી સાંભળ તો તારે નીચેના આગલા બારણેથી જ રફૂચકર થઈ જવાનું છે. કશો જ દેકારો થાય તો બન્નેએ પોતપોતાનો બચાવ કરી લેવાનો છે.”

“સમજ્યો.” શામળના હાથની આંગળીઓ ધ્રૂજતી હતી, પણ ભાઈબંધ ભાળી ન જાય તે સારુ એણે બન્ને હાથ મસળવા માંડ્યા.

બબલાએ પોતાનાં ઓજારો તપાસ્યાં, પછી એક કબાટના ખાનામાંથી રિવૉલ્વર કાઢીને ગજવામાં મૂકી. શામળને એણે કહ્યું : “શું કરું, યાર ! એ ખૂંટડાઓએ મારી એક ફાંકડી રિવૉલ્વર રાખી લીધી. નીકર તને હું એક આપત.”

“મારે – મારે એ ન જોઈએ.” શામળ ભય પામીને બોલી ઊઠ્યો.

“અરે મારા બાપ !” બબલાએ હસીને કહ્યું, “તું જો તો ખરો, એ પણ તું શીખવાનો. ને જો, હવે છેલ્લી વાત. આપણે ક્યાંય સપડાઈ જઈએ, તો બેમાંથી કોઈએ બીજાનું નામ કે બાતમી દેવાનાં નથી – કાપી નાખે તોપણ નહીં, છે કબૂલ ?”

“કબૂલ.”

“તો દે કોલ” બબલાએ હાથ ધર્યો.

“આ કોલ.” શામળે તાળી દીધી.

“જોજે હો, મરદના કોલ છે.” કોઈ ગહન ધાર્મિક ગાંભીર્ય બબલાના ચહેરા પર છવાઈ ગયું.

“મરદના કોલ !” શામળે એવી જ ગંભીરતા દાખવી. થોડી વાર પછી શામળે પૂછ્યું: “બબલાભાઈ, તમે એ ઘરની આટલી બધી વિગત શી રીતે હાથ કરી ?”

“બાપા ! હું આ શે’રમાં આંખે પાટા બાંધીને નથી રહેતો. ઉઘાડી આંખે કણેકણ જોયા કરું છું. ને અગાઉ બે મહિના મિસ્ત્રીને ત્યાં નોકરી કરેલી ત્યાંથી નકશા દોરતાંયે શીખી લીધું છે.”

“પણ તમને પોલીસ પકડતી નથી ?”

“શી રીતે પકડે ? કસબ કરીને ગામબહાર જતો રહું. પાછો વેશપલટો કરીને આવું. એક વાર દાઢી ઉગાડીને દા’ડે કાચના કારખાનામાં કામ કરતો, ને રાતે આ કસબ કરતો. એક વાર બાયડી બનીને રહ્યો’તો.”

“બાયડી બનીને ?”

“હા, ભાઈ, હા !” હસીને બબલાભાઈએ કહ્યું, “જગતમાં જીવવાની લાયકી બતાવવી હોયને, તો તેના બધા રસ્તા છે.”

 પછી તો એણે પોતાનાં અનેક સાહસોની વાતો કહી. એ વાતોએ ચોરીના કસબનું અદ્ભુત આકર્ષણ ખડું કર્યું. શામળ મંત્રમુગ્ધ બનીને થંભેલ શ્વાસે એ સાહસકથાઓ સાંભળી રહ્યો.

“હવે એક નીંદર ખેંચી કાઢીએ. એક વાગ્યે ઊપડશું.”

બબલો ગાઢ નિદ્રામાં સૂતો. શામળની આંખોમાં તો નિદ્રા શાની હોય ? એ વિચારે ચડ્યો :

મેં કોલ દીધો છે, માટે આજની રાતના કસબમાં શામિલ તો રહીશ, પણ તેજુની બાને પૈસા ચૂકવવાના છે તેથી વધુ એક પાઈ પણ મારા ભાગમાં નહીં લઉં, ને એ પછી કદી ચોરી નહીં કરું.

એકને ટકોરે ઊઠીને બેઉ ચાલ્યા. નદીનો પુલ ઓળંગીને શહેરના વસવાટના લત્તામાં આવ્યા; એક ખૂણે થંભ્યા. બબલાએ કહ્યું : “પેલું જ એ ઘર.” આસપાસ બગીચો હતો. બે માળનું સુંદર મકાન હતું.

બેઉ પેઠા. શામળ ધ્રૂજતો ધ્રૂજતો અંધારે એક ઓથમાં ઊભો રહ્યો. બબલાએ ઓજાર ચલાવ્યાં. જરીકે અવાજ વિના તાળું ઉઘાડી નાખ્યું. અંદર ઘૂસ્યા. ઘરમાં સ્મશાનની શાંતિ હતી. બબલાએ બત્તીની રોશની ફેંકી. એ એક જ ઝબકારમાં શામળે ઘરની સમૃદ્ધિ પારખી. સામે અરીસા, ને જસત તથા રૂપાનાં વાસણોની માંડ્ય એ રોશનીની સામે ઝળળી ઊઠ્યાં.

“પેલું તારે ચોકી કરવાનું બારણું.” એમ કહી બબલાએ શામળને ત્યાં ઉભાડી, માર્ગ સાધ્યો.

શામળ ઊભો રહ્યો. વારંવાર સીડીનાં પગથિયાંનો કિચૂડાટ સંભળાય છે ને અંધકારમાં શામળનું કલેજું ફફડી ઊઠે છે. ચીસ ગળામાં ઘૂમરીઓ ખાય છે. પાછો અવાજ અટકે છે ને બધે નીરવતા પથરાઈ રહે છે.

અક્કેક મિનિટ અક્કેક યુગ જેવી જતી હતી. શામળ ખીલાની માફક ખોડાઈને ઊભેલ છે. બારણું એ જોઈ શકતો નથી. ત્યાં કોણ સૂતું હશે ? આવો ભયંકર કસબ કરીને જીવવું તે કરતાં મરી જવું શું ભૂંડું ? આ તો કાળના મુખમાં ઊભીને થરથરવું, લોહીના કણેકણમાં થીજી જવું – આ જીવન ! બેશક અંતરાત્માના સત્યને ખાતર હું જીવનમાં ચાહે તે જોખમને બરદાસ્ત કરી લઉં. પણ આ – આ તો બૂરું કૃત્ય. આને ખાતર જાનફેશાની કરવાનો ઉલ્લાસ ક્યાંથી આવે ?

શું થયું હશે ? બબલો કેમ રોકાઈ ગયો ? મને ફસાવીને રવાના તો નહીં થઈ ગયો હોય ને ?

ફરી વાર સીડી પર કિચૂડાટ બોલ્યા. બબલો આવતો હશે ? કે બીજું કોઈ હશે ? દેહનું દરેક રૂંવાડું ખડું થઈને રાહ જોઈ રહ્યું. અવાજ નજીક ને નજીક આવતા ગયા. જાણે કોઈ દૈત્ય એ અંધકારમાં એની આસપાસ ભુજપાશ ભીંસતો, ડગલાં દેતો ચાલ્યો આવે છે.

બાજુના ખંડમાં અવાજ થયો. બબલો કેમ બોલતો નથી ? એને શું થઈ ગયું ? કેમ એ –

ત્યાં તો એકાએક એક દીવો ઝળહળ્યો. અજવાળું ઝળાંઝળાં થઈ રહ્યું. શામળ હેબતાઈને પાછો હટ્યો. એની સામે કોઈ માનવી ઊભું હતું. એ પકડાઈ ગયો.

એક મિનિટમાં તો એ ભયથી સો વાર મૃત્યુ પામ્યો હશે. પછી એને ભાન થયું કે સામે ઊભેલ માનવી એક નાની છોકરી હતી.

આ બન્ને એકબીજા સામે તાકી રહ્યાં. દસ જ વર્ષની એ કન્યા હતી. ઝૂલતા એના વાળ હતા. એનો હાથ વીજળીબત્તીની ચાંપ ઉપર હતો.

થોડી વારની ચુપકીદી પછી કન્યા બોલી : “તમે ચોરભાઈ છો ?”

શામળ શબ્દોચ્ચાર ન કરી શક્યો. એણે ફક્ત હકારમાં માથું ધુણાવ્યું.

કન્યાએ કહ્યું : “વાહ વાહ ! તો તો હું બહુ જ રાજી થાઉં છું. સાચે જ હું ચોરભાઈને મળવા ઝંખતી હતી. પણ મને આશા નહોતી રહી.”

“કેમ ?” શામળના મોંમાંથી માંડ આટલો શ્વાસ નીકળ્યો.

“બાએ મને તે દા’ડે વાર્તા કહી હતી. વાર્તામાં એક છોકરીને એક ચોરભાઈ મળેલો. એ વાર્તા મેં સાંભળી તે દિવસથી મને થતું હતું કે મને કોઈક દિવસ ચોરભાઈ મળે તો કેવું સારું ?”

બેઉ ચૂપ રહ્યાં. શામળના ભયભીત હૃદય પર કૌતુક રમવા લાગ્યું.

છોકરીએ ફરીને પૂછ્યું : “સાચે જ શું તમે ચોરભાઈ છો ?”

“મને – મને એમ લાગે છે.” શામળે જવાબ દીધો. થોડી વારે ઉમેર્યું : “હજુ તો મેં શરૂઆત જ કરી છે. આ હું પહેલી જ વાર નીકળ્યો છું.”

“અરેરે !” છોકરીના મોંમાંથી નિરાશાનો ઉદ્‌ગાર નીકળ્યો, “કાંઈ નહીં, તોય તમે ચાલશો. ખરું ને ?”

“શી બાબતમાં ?” શામળ ગભરાયો.

“એટલે એમ કે મારે તમને સારા બનાવવાના છે. પેલી વાર્તામાં એ મારા જેવડી છોકરીઓ પણ ચોરભાઈને સારા કરેલા ખરા ને ! તમેય સારા થશો ને, ચોરભાઈ ?”

“નહીં કેમ – નહીં કેમ થાઉં ? હું ખરેખર સારો થવાની જ ઇચ્છા રાખતો હતો.” શામળે ગળું ખોંખાર્યું.

ઓચિંતો શામળને મેડી પર અવાજ સંભળાયો. એણે ઊંચે જોયું. બબલાનો ચહેરો એની નજરે પડ્યો. ભાઈબંધ કામ પતાવીને એને બોલાવી રહ્યો છે.

“ત્યાં તમે શું જુઓ છો ?”

“મારી જોડે – એક – બીજા ભાઈ –” શામળથી પોતાનો પવિત્ર ‘મરદનો કોલ’ વીસરી જવાયો.

“ઓહો ! બે ચોરભાઈઓ !” છોકરી હર્ષમાં આવી ગઈ. “એનેય શું હું સારા કરી શકીશ ?”

"બહેન ! તું મારાથી એકથી જ શરૂઆત કરને !” “શામળના હૈયામાં હસવું ને હાણ્ય બેઉ જોડે મથી રહ્યાં હતાં.

“તમને લાગે છે કે એ ચોરભાઈ ચાલ્યા જશે ?”

“હા, એ તો ચાલ્યા ગયા.”

“પણ તમે તો નહીં ચાલ્યા જાઓ ને ?” બિચારીએ ચિંતાતુર બની પૂછ્યું. “તમે રોકાઈને મારી સાથે વાતો કરશો ખરા ને ?”

“હા, બહેન, તારી ઇચ્છા હશે તો કરીશ.”

“તમે મારાથી બીતા તો નથી ને ?”

“તારાથી તો નહીં. પણ કોઈ બીજું જાગી ઊઠશે તો ?”

“ના, એ ચિંતા ન કરશો. બા અને દાદીમા તો ઓરડો વાસીને અંદર સૂએ છે, અને બાપાજી ગામ ગયા છે.”

“ત્યાં કોણ સૂએ છે ?” શામળે પેલા બારણા તરફ આંગળી ચીંધાડી.

"એ બાપાજીનો રૂમ છે.”

સાંભળીને શામળનો જીવ હેઠો ઊતર્યો.

“ચાલો હવે, આંહીં આવો, ચોરભાઈ !” કહીને છોકરીએ એક ખુરશી પર બેસી શામળને સામે બેસવા બોલાવ્યો, “હવે મને કહો જોઉં, તમે શી રીતે ચોર બન્યા ?”

“મારી કને પૈસા નહોતા, ને કશો કામધંધો મને ન જડ્યો.”

“ઓ મા ! એવું હતું ? તમારે ઘરનો શો ધંધો હતો ?”

“ખેતીનો. પણ મારા બાપા મરી ગયા, ને હું શહેરમાં જવા નીકળ્યો. રસ્તે લૂંટાયો. શહેરમાં મારે કોઈ ઓળખાણ ન મળે. ને મને કોઈએ કામ ન આપ્યું. હું ભૂખે મરતો’તો !”

“અરેરે ! કેટલું ભયંકર ! તો તમે બાપાજી કને કેમ ન આવ્યા ?”

“તારા બાપાજી કને ? ના, મારે ભીખ માગવી નહોતી.”

“તમારે ભીખ માગવી ન પડત. બાપાજી તો બહુ જ રાજી થઈને તમને મદદ કરત, હો ચોરભાઈ.”

“મને – મને એની કશી ઓળખાણ-પિછાન નહોતી, મને એ શા સારુ મદદ કરે  ?”

“એ તો સહુને મદદ કરે છે. એ તો બાપાજીનું કામ છે.”

“એટલે ?”

“તમને ખબર નથી, બાપાજી કોણ છે ?” છોકરી અચંબો પામી.

“ના, મને ખબર નથી.”

“વાહ, કેટલી નવાઈની વાત ! બાપાજીનું નામ પંડિત ધર્મપાલજી.” છોકરીએ શામળની સામે આશ્ચર્યભરી દૃષ્ટિ ઠેરવી, “તમે એમનું નામ નથી સાંભળ્યું ?”

“કદી નહીં, બહેન.”

“એ તો ધર્મના ઉપદેશક છે.”

“ધર્મના ઉપદેશક !” શામળના અંતરમાં એક ધર્મોપદેશકના ઘરમાં ચોરવા આવવાનો સવિશેષ અફસોસ થયો.

“ને એ તો કેટલા બધા ભલા અને દયાળુ છે !” છોકરીની કાલી મીઠી વાણી વહેવા લાગી, “બાપાજી તો બધાની ઉપર પ્રેમ રાખે છે, ને દરેકને મદદ કરે છે. તમે પણ જો એમની કને આવીને વાત કરી હોત તો તમારે સારુ પણ એ કામ શોધી આપત, હો ચોરભાઈ !”

“પણ બહેન, આંહીં લક્ષ્મીનગરમાં તો હજારો લોકો મારા જેવા કામ વગરના છે.”

“હશે, પણ તેઓ મારા બાપુ કને ક્યાં આવે છે ? તમે તો જરૂર આવજો. મને વચન આપો. આવશો કે ?”

“પણ હું હવે શી રીતે આવું ? તારા બાપાજીને તો હું લૂંટવા આવેલો ને !”

“તેનું કંઈ જ નહીં. તમે બાપાજીને જાણતા નથી, ચોરભાઈ ! તમે જો એને એટલું જ કહો કે તમારાથી પાપ થઈ ગયું છે, ને તમે હવે પસ્તાવો કરો છો, તો બસ – તમે પસ્તાઓ તો છો, ખરું ને ?”

“સાચે જ, હું બહુ પસ્તાઉં છું.”

“બસ, તમે એને એટલું કહેશો ને તો એ તમને ક્ષમા કરશે, ને તમારા માટે મરી પડશે; હું જાણું છું. અને તમને સારા કરવાનો મેં પ્રયત્ન કર્યો છે એ ખબર તેમને પડશે તો તેઓ રાજી રાજી થઈ જવાના. મેં તમને સારા કર્યા છે, ખરું ને ?”

 “ખરું, બહેન.”

“પણ કોણ જાણે શાથી તમે ઝટ ઝટ સારા થઈ ગયા. પેલી વાર્તામાં તો ચોરભાઈને સારા કરવામાં એ છોકરીને કેટલી બધી મહેનત પડેલી ! પણ મને લાગે છે કે તમે બહુ ખરાબ જ નહોતા. તમને તો ભૂખ બહુ લાગતી હશે, તેથી જ લગરીક ખરાબ થવું પડ્યું હશે, ખરું કની ?”

“સાચે જ – તેથી જ.”

“કોઈ ભૂખે મરતું હોય, એવી તો મેં આજ સુધી કદી વાત જ નહીં સાંભળેલી હાં કે ? તમારા જેવાં ઘણાં મનુષ્યો ભૂખે મરતાં હોય તો તો ચોરભાઈઓ ઘણા વધી પડે, ખરું ચોરભાઈ ?”

ચુપકીદી. એ ચુપકીદીમાં સમુદ્ર જેટલું ઊંડાણ હતું. શામળનો નિઃશ્વાસ કોઈ દૂરના કૂવામાં પડતા પથ્થર જેટલો ગંભીર અવાજ કરતો હતો.

“તમારું નામ શું, ચોરભાઈ ?” નાની છોકરીએ પૂછ્યું. “મારું નામ વીણા. ને હવે જુઓ, આપણે એમ કરીએ. બાપાજી અત્યારની ગાડીમાં જ પાછા આવતા હશે. પરોઢિયે તો એ આંહીં આવી પહોંચશે. માટે તમે સવારે ચાનાસ્તા પછી અહીં આવજો. હું બાપાજીને બધી વાત કહીને રોકી રાખીશ. પછી તમે એને તમારું દુઃખ કહેજો. પછી તમારે કશું દુઃખ નહીં રહે. આવશો ને ?”

“બહેન, તારા બાપાજી મારા પર ગુસ્સે નહીં થાય ?”

“નહીં જ થાય.”

“મને પોલીસમાં નહીં સોંપે ને ? મને જેલમાં નહીં પુરાવે ને ?”

“વાહ ! એવું તે કાંઈ હોય ?” વીણાના કંઠમાંથી ઝંકાર ઊઠ્યો. એ જાણે કે દુભાઈ હતી. “બાપાજી તો ઊલટાના જેલમાં જઈને કેદીઓને મળેહળે છે, એનાં સુખદુઃખ સાંભળે છે, ને એને છોડાવવા મહેનત કરે છે !”

“તો હું ચોક્કસ આવીશ.”