સત્યની શોધમાં/ચોરીનો માલ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← જ્વાળામુખી સત્યની શોધમાં
ચોરીનો માલ
ઝવેરચંદ મેઘાણી
લીલુભાઈ શેઠ →


21
ચોરીનો માલ

રિવલ્લભ અને લીલુભાઈ શેઠની બદમાશીના સાક્ષી-પુરાવા શામળે ધર્મપાલજી સામે ધરી દીધા. ધર્મસંપ્રદાયના શુદ્ધીકરણને સારુ તલસતો એ જુવાન ધર્મપાલના નિર્ણયની રાહ જોતો બેઠો. એને ધારણા હતી કે બસ, હવે સત્ય પુરવાર થયા પછી તો એક ઘડીયે આ ધર્મપુરુષ પાપને રક્ષણ નહીં આપે.

ધર્મપાલની આંખો શામળ સામે ચોડાઈ ગઈ. આંખોમાંથી અગ્ન્યાસ્ત્ર છૂટી શકતાં હોત તો એ શામળને ત્યાં ને ત્યાં સળગાવી નાખવું પસંદ કરત.

“એટલે હવે તારું કહેવું શું છે, શામળ ?” ધર્મપાલે કરડા શબ્દો કાઢ્યા.

“હું શું કહું ? હું કંઈ કહેવા લાયક છું ?”

 “શામળ, આ બધું તું શું ઉખેળી રહ્યો છે, જાણે છે ? હરિવલ્લભ દેસાઈસાહેબ તો મારી સ્ત્રીના પ્રિય ભાઈ છે, ને આપણા સંપ્રદાયની અનેક પ્રવૃત્તિઓના પોષક છે. મંદિરના વ્યવહારનો મારો આધાર એમના પર છે.”

“પરંતુ એમણે સુધરાઈના મેમ્બરોને રુશવતો ખવરાવી લોકોનું બૂરું કર્યું છે.”

“પણ એ વાતનો ભવાડો કરવાથી આપણો સંપ્રદાય ને આપણી પવિત્ર સેવાપ્રવૃત્તિ કેટલાં જોખમમાં આવી પડશે !”

“એ કરતાં વધુ મોટી વિપત્તિ તો અત્યારની છે, સાહેબ ! લોકો બોલી રહ્યા છે કે આવા પાપાચારીઓને તમારો સંપ્રદાય ઓથ આપી રસી રહેલ છે.”

“તું વિચાર કર કે, મારા કુટુંબસંસારમાં આથી કેવો ધ્વંસ બોલી જશે !”

“મારા જીવનમાં પણ એટલો જ મોટો ધ્વંસ બોલવાનો, સાહેબ !”

“શી રીતે ?”

“લીલુભાઈ શેઠને અંગે.”

“તેને ને તારે શું ?”

શામળ બાપડો કહેવા જતો હતો કે ‘એ મારા ભાવી સસરા થાય’. પણ એ ખચકાયો. લાગ્યું કે એ મીઠી જાહેરાત વિનોદને મોંએથી થાય તો જ વધુ સારું. એટલે શામળ વાત પલટાવીને કહ્યું : “સાહેબ, મને તેજુની ચિંતા થાય છે. પછી કંઈ એને ત્યાં ઊભી રહેવા દેશે કોઈ ?”

“પણ ત્યારે હવે તારે શું કહેવાનું છે ? તું શું એમ માને છે કે મારે મારા સગા સાળાને સંપ્રદાયમાંથી કાઢી મૂકીને જગબત્રીસીએ ચડાવવો ?”

“હું તો માનું છું કે એને જેલમાં નખાવવા જોઈએ. પણ મારો એવો જ આગ્રહ નથી. જો એ પશ્ચાત્તાપ કરતા હોય તો આપણે બીજો માર્ગ લેવો. આપણે એને સમજાવી જોવા.”

 “એટલે શું એમનો ભવાડો કરવાનો ડર દેખાડવો ?”

“પંડિતજી !” શામળ ગરવાઈથી બોલ્યો, “હું પણ એ જ વાતનો જોરથી વિચાર કરી રહ્યો છું. કોઈનો ભવાડો કરવાના કે કોઈને શિક્ષા કરવાના મતનો હું નથી. એથી ઊલટાં વૈર ને ધિક્કાર વધે છે – ને આપણાથી કોઈનો તિરસ્કાર તો ન જ થવો ઘટે.”

“હાં – શાબાશ, બંધુ !” ધર્મપાલજીએ શ્વાસ હેઠે મેલ્યો.

પરંતુ શામળે હજુ સમાપ્તિ નહોતી કરી. એ બોલ્યો : “પણ દુષ્ટ કૃત્યુ થયું છે તે જ વાત મુદ્દાની છે. લોકોની એ જે લૂંટણગીરી ચાલી રહી છે તેને રોકવી જોઈએ. પ્રજા પાસેથી ચોરાયેલી લક્ષ્મીનો આ પ્રશ્ન છે. દાખલા તરીકે, આપને ઘેરથી જે આદમી રૂપાનાં વાસણો ચોરી ગયેલો તેને જ હું આજે મળ્યો. મેં એને વચન આપ્યું કે એના દુષ્ટ આચરણની વાત હું ક્યાંય નહીં કહું. જેવું આપને આપના સાળા હરિવલ્લભનું લાગી આવે છે, તેવું જ મને એ ભાઈબંધનું લાગી આવ્યું. હું બેશક એને જેલમાં ન નખાવું. પણ એક વાત તો મારે કરવી જ પડી, કે ભાઈ, પેલી ચોરીનો માલ તો પાછો મૂળ ધણીને સોંપી દો. આપ જ કહો, મેં એ છે વાજબી કર્યું કે નહીં ?”

“તેં એ બરાબર કર્યું, ભાઈ !”

“બસ, તો પછી એ જ ન્યાય હરિવલ્લભ દેસાઈનો ઉતારવો રહ્યો. એણે લોકોને લૂંટ્યા છે, રુશવત આપીને એણે પાણીનો કંટ્રાક્ટ ઊંચા દરે પોતાના હસ્તક કર્યો, મહિને મહિને પ્રજા પાસેથી દસ હજારની ચોરી કરી છે. એ તમામ ચડત રકમ તેણે લોકોને પાછી આપવી અને કંટ્રાક્ટ છોડી દેવો. બસ, તો પછી એની ફજેતી કરવાની જરૂર નથી.”

ધર્મપાલ ચૂપ રહ્યા.

શામળે પૂછ્યું : “મારી વાત આપને સ્પષ્ટ તો થઈને ?”

“હા.”

“તો પછી ?”

“એ વાતમાં કશો સાર નીકળે તેવું નથી.”

“તેઓ ચોરીનો માલ પાછો નહીં આપે ?”

“નહીં જ આપે.”

“એને ફજેતો કરવાનો ડર દેખાડશું તોપણ નહીં આપે ?”

“તોપણ નહીં.”

“જેલમાં મોકલશું તોપણ નહીં ?”

ધર્મપાલે જવાબ ન દીધો. શામળે થોડી રાહ જોયા પછી કહ્યું : “જુઓ સાહેબ, હું એની કનેથી આ ચોરીનાં નાણાં કઢાવ્યે જ રહીશ. મારી એ સ્પષ્ટ ફરજ છે. તેઓએ નાણાં કાઢી આપવાં જ પડશે.”

ફરી વાર મૌન છવાયું.

“ધર્મપાલજી !” જુવાન વેદનાસ્વરે બોલી ઊઠ્યો, “આપ તો મને મદદ કરશો જ ને ?”

“નહીં શામળ, હું નહીં કરી શકું.”

“આપ મને એકલો જ મૂકશો ? રઝળાવશો ?”

ધર્મપાલે જવાબ ન દીધો. શામળ ઉગ્રતાથી બોલી ઊઠ્યો : “શું મારું પગલું બરાબર નથી ? હું શું સત્ય નથી બોલ્યો ?”

“હું એ વાતમાં ન જાણું, શામળ ! એ મારો કાર્યપ્રદેશ નથી.”

“આપનો કાર્યપ્રદેશ નથી ? આપ તો એક મહાન ધર્મસંપ્રદાયના પ્રતિનિધિ છો.”

“હા, તેથી મારે ધર્મ-પ્રવૃત્તિમાં જ ધ્યાન આપવું જોઈએ.”

“પણ લોકો લુંટાય તે બાબત ધર્મની દેખરેખમાં નથી આવતી શું ?”

કશો જવાબ ન મળ્યો.

“તમે દાન, સખાવત ને ધર્માદા તો આપો છો,” શામળે ચીમટો ભર્યો; “તમે ગરીબોને મદદ કરવાનો દંભ તો રાખો છો; ને અહીં હું ગરીબોના રક્ત-શોષણની પુરાવાબંધ વાતો લાવું છું, તો તમે એમાં સહાય કરવાની તમારી ફરજ જોતા નથી. હું તમને લોકોની ગરીબીનાં ખરાં કારણો બતાવું છું; તેઓ લૂંટાઈ રહેલ છે, છુંદાઈ રહેલ છે, તેઓનું રાજશાસન જ છીનવી લેવામાં આવે છે, ને તેઓની જ છેતરપિંડીમાં વાપરવામાં આવે છે ! છતાં તમે તેઓને સહાય કરવાનો અવાજ નહીં ઉઠાવો ?”

“હું કશું નહીં કરી શકું.” ધર્મપાલ ઉગ્ર બન્યા.

“પણ બીજું કશું તો નહીં, એટલું તો કરો – એ લૂંટણગીરીમાંથી તમારો સહકાર તો ખેંચી લેશો ને ?”

“મારો સહકાર ? લૂંટણગીરીમાં ?”

“જી હા, આપ એમને સાથ આપી રહેલ છો. આપ એમને ધર્મમાં રાખો છો ને એથી તેમને લૂંટણગીરીનો સદર પરવાનો મળે છે. આપ એને ઓથ આપો છો, પ્રતિષ્ઠાનું કવચ પહેરાવો છો, એ કવચ ઉપર કોઈ ઘા કરી શકતું નથી. હું જો અત્યારે જગત વચ્ચે જઈને આ લોકોને ઉઘાડા પાડીશ તો કોઈ મારું માનવાના નથી, કેમ કે તમે એ સહુને એવા પ્રતિષ્ઠાવંત બનાવ્યા છે. ધર્મસમાજના એ સ્તંભો છે, ને તમારા મિત્રો છે, સગાઓ છે. એનું નામ આપનો સાથ : લૂંટણગીરીમાં આપનો સહકાર.”

“શામળજી ! બસ –” ધર્મપાલે ભ્રૂકુટિ ચડાવી.

“બસ નહીં કરું, એથી પણ બૂરું તો એ છે સાહેબ, કે તમે એના પૈસા સ્વીકારો છો, ધર્મને અને મંદિરને એના ઉપર નભતા કરી રહ્યા છો ને એના ધર્માદા તમે ગરીબોને આપો છો – એ જ ગરીબોને, કે જેઓને તેઓએ લૂંટી, ખંખેરી લીધા છે; ને આથી લોકો આંધળા બને છે, એ દાનેશ્વરીઓના અહેસાનમાં દબાય છે, ભીતરની હકીકત સમજતા નથી ! આમ લોકોને હાથેપગે બેડીઓ પહેરાવવામાં તમે જ મદદ કરો છો. જોતા નથી, પંડિતજી ! આનો અર્થ તો એ જ ને, કે તમને પણ ઇન્દ્રજાળ પાથરવા સારુ જ તેઓએ ભાડે રાખ્યા છે ?”

“બસ થયું, શામળ !” ધર્મપાલ ઊભા થયા, “સહનશીલતાની હદ આવી રહી. હવે એક શબ્દ પણ વધુ નહીં બોલાય તમારાથી.”

“બસ ! ત્યારે તમે મને એકલો ધકેલી મૂકશો ? મારે એકલે હાથે જ આ સંગ્રામ ચલાવવો પડશે ?”

“ઓહો ! એવડું બધું તમે શું કરવા માગો છો ?”

“પ્રથમ તો હું એ બેઉ જણાને જ મળવા માગું છું, હું તેઓને એમના આ દુરાચાર છોડવાની તક આપીશ.”

“છોકરા !” ધર્મપાલે ચીસ પાડી, “તારું ચસકી ગયું છે. હું તને કહી દઉં છું કે જો તું આ બેવકૂફ પગલું ભરે, તો સાફ કહી દેજે એ ભાઈઓને કે તું મારો મોકલ્યો નથી આવેલો, તેમ તને મારી અનુમતિ પણ નથી.”

શામળ સ્તબ્ધ બેસી રહ્યો. એને થયું કે ધર્મપાલ હિચકારો છે. પછી એણે કહ્યું : “ના જી, આપ હૈયે ધરપત રાખજો. આ આખી વાતની જવાબદારી હું મારા માથા પર જ રાખવાનો છું.”

ઊઠીને એ ચાલ્યો ગયો.