સત્યની શોધમાં/દિત્તુભાઈ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પ્રોફેસરનું તત્ત્વજ્ઞાન સત્યની શોધમાં
દિત્તુભાઈ
ઝવેરચંદ મેઘાણી
ફૂલોનો બાગ →


7
દિત્તુભાઈ

સ્તે ચાલતાં ચાલતાં શામળના ભેજાનાં ચક્રો જોરથી ગતિ કરી રહ્યાં હતાં. હવે એને આ નવા પ્રાપ્ત કરેલા જ્ઞાનની મુશ્કેલી દેખાવા લાગી : નિર્માલ્યોએ અને બાતલ થયેલાઓએ માનવજાતિના કલ્યાણ માટે થઈને ભીડાભીડ કરવી છોડી દઈ ખતમ થઈ જવું ઘટે છે – એ સુંદર સિદ્ધાંત હું બીજાને શી રીતે શીખવીશ ? જો અન્યને એ બોધ દેવા બેસીશ તો કપટી ગણાઈશ, જો ઘેર જઈ તેજુની માને નકામાં વલખાં ન મારતાં પતી જવાનું સમજાવીશ તો તેનેય અસર નહીં થાય, કેમ કે હું કહેનાર પોતે જ નાલાયકોના ટોળા માંહેલો રહ્યો. જો હું એકલો નદીકિનારે જઈ ગળે પથ્થર બાંધી ડૂબી મરીશ તો તેથી લાખો નાલાયકો-બેકારોને ગમ પડવાની હતી એ ભવ્ય બલિદાનની ! અને એ રીતે મરવું તે તો આપઘાત લેખાય ને ! આત્મહત્યાનું તો ઘોર પાતક ઠરેલ છે - તેનું શું ?

કોઈ વીરત્વની રીતે, કોઈ પ્રચંડ જોખમમાં ઝંપલાવીને, કોઈ મહા આપત્તિમાંથી મનુષ્યોને ઉગારતાં ઉગારતાં મરણને ભેટવાનો અવસર મળે તો કેવું સારું ! મહાયુદ્ધ જાગે, ભયાનક બીમારી ફાટી નીકળે, આગ લાગે, તો તેમાં સૈનિક, નર્સ અથવા બંબાવાળો બનીને દેહ પાડી નાખું. પણ આજ તો તે બધી જ દિશાઓમાં ભીડાભીડ છે. મૃત્યુનો રાહ પણ ટોળાંઓથી ભરચક છે. કેવળ લાંઘણો ખેંચીને પગ ઘસડતાં ઘસડતાં કુત્તાને મોતે મરવા સિવાય અન્ય બારી નથી. દુનિયામાં મારો સમાવેશ નથી – નથી મૃત્યુમાં કે નથી જીવનમાં. જગતમાં ધસી રહેલાં મહાપૂર મને કેવળ કોઈ ઓવાળની માફક, કાંટાના ગળિયાની માફક કાંઠે કાઢી નાખવા માગે છે. મારા અવસાનને ઉજ્જ્વલ બનાવનાર કોઈ મોકો જ મને દુનિયા આપવા માગતી નથી.

સવારનું શામળે ખાધું નહોતું, એટલે હવે નિરાહારે દેહ પાડી નાખવાના એક માત્ર રાહ પર એણે પ્રયાણ આદર્યું. એણે પોતાના ઊંડા ગયેલા ઉદર પર ધોતી કસકસાવી લીધી. એ આગળ ને આગળ ચાલ્યો - પોતાના પંચભૂતની આહુતિના કોઈ અવસરની રાહ જોતો.

અચાનક એણે પોતાની પછવાડે કોઈ ઘોડાના ડાબલાનો ઘોર તડબડાટ સાંભળ્યો. પાછો ફરીને નજર કરે છે તો એ નિર્જન રસ્તા ઉપર એક ડમરી ચડી છે. એ આંધીમાં વીંટળાયેલો એક ઘોડો પૂરપાટ કારમા વેગથી દોડતો આવે છે. ઘોડાની પાછળ એક વાહન સાંકળેલું લાગે છે. વાહનમાં કોઈ માનવી બેઠું દેખાય છે. એક જ મિનિટમાં શામળ પામી ગયો કે નક્કી ઘોડો તોફાને ચડી નાસી છૂટ્યો છે. વાહનના ચૂરેચૂરા થઈ જવાને ઝાઝી વાર નથી. ઘોડો ક્યાં જઈને એ ગાડીને અને અસવારને ફગાવી દેશે એની કલ્પના થતી નથી. અંદર બેઠેલાને માટે તો એ ઘડી બે ઘડીનો જ મામલો છે.

આહા ! જાણે કે શામળના જીવનમાં ચમત્કાર બન્યો. પ્રભુએ જાણે એની પ્રાર્થના સાંભળી. એને આવા કોઈ સળગતા યજ્ઞકુંડમાં જ ઝંપલાવીને ખતમ થવું હતું. એને એક ભવ્ય કુરબાનીનો સમય સાંપડ્યો.

બાંયો ચડાવીને શામળ રસ્તાની વચ્ચોવચ દોડ્યો. પહાડ જેવો તોખાર મોંમાંથી ફીણના લોચા ફેંકતો, પીધેલા કોઈ પલીત જેવો, આંખોમાંથી અંગાર જેવું રક્ત ટપકાવતો, ત્રાસેલો ને ગાંડોતૂર, વંટોળિયાને વેગે વાહનને પ્રાછટતો અને પોતાના કલેવરના છૂંદા કરવા તલસતો, હજારો વીંછીઓના ડંખોની વેદનાએ સળગતો આવી પહોંચ્યો.

શામળે એ મૂર્તિમાન કાળના જડબા ઉપર હાથ નાખ્યો, લગામ ઉપર પંજો દીધો. વીફરેલ ઘોડાએ વાઘની જેમ ડાચિયું કર્યું. હમણાં જ જાણે શામળને હડફેટમાં લઈ છૂંદી નાખશે. એક જ પળનો ફરક પડે તો શામળની આંગળી ઘોડાના દાંતો વચ્ચે ચવાઈ જાય.

શામળ ફર્યો. ઘોડાની હડફેટ અને વડચકું ચુકાવ્યાં, કસકસાવીને લગામ પકડી લીધી. ઘોડાએ ગરદન ઉછાળી. શામળના પંજા લગામ ઝાલીને લટકી જ પડ્યા. ઘોડાએ ઝટકો મારી એને એક બાજુ નાખ્યો. પણ ત્યાં તો એક મદારી કોઈ ભોરિંગનું ભોડું ચાંપી લ્યે એટલી આસાનીથી શામળે ઘોડાનાં નસકોરાં દબાવી દીધાં. આંખો બીડીને બસ એ ચોંટી જ પડ્યો. એ જાણે સાક્ષાત્ મૃત્યુની જ કારમી ચૂડ હતી.

ઘોડો થંભ્યો, કે તત્કાળ એ વાહનમાંથી અસવારે ઠેક દીધી. ઊતરીને એ શામળની સહાયે આવ્યો.

ગોરા ગોરા દેહવાળો એ એક ફૂટડો જુવાન હતો. એના દેહનું કણેકણ કંપી રહ્યું હતું. મોં પરથી લોહી ઊડી ગયું હતું. ઘોડાને શામળની વજ્રપકડમાં થીજી ગયેલો દેખીને આ જુવાને શામળની પીઠ થાબડી : “વાહ ભાઈ ! ગજબ છાતી ! ગજબ તાકાત ! શી રીતે રોક્યો ?”

શામળ હાંફતાં હાંફતાં કહ્યું : “બસ, આંખો મીંચીને પકડી જ રાખ્યો.”

“ભાઈ, તેં તો મારો જાન બચાવ્યો.”

 શામળ નિરુત્તર હતો. એણે હજુ ઘોડાનાં નસકોરાં, ઘોડો આખે શરીરે થરથરી રહ્યો હતો.

“મારી લગામ તૂટી ગઈ એટલે જ આમ બન્યું. જો આ તૂટેલી લગામ,” અસવારે ટુકડો દેખાડ્યો, “હવે ફિકર નહીં.હવે એ બચ્ચાને સીધો સીધો કરીશ.”

“એને બરાબર પકડો. મારાથી ઊભા રહેવાતું નથી અંધારાં આવે છે.” એમ કહી શામળ ઢળી પડ્યો.

“તમને વાગ્યું છે ?”

“ના, પણ હું સવારનો ભૂખ્યો છું. કાંઈ ખાવાનું મળ્યું નથી.”

“હેં ! ખાવાનું મળ્યું નથી !” ગાડીના જુવાન માલેકે અજાયબીની પૂછ્યું, “શા કારણથી ?”

“હું બેકાર છું તેથી”

“બેકાર ! અરે રામ ! ભલા આદમી, તું શું ભૂખે મરે છે ?”

“હાસ્તો. મરવાની શરૂઆત તો કરી ચૂક્યો છું.”

“તું આંહીં રહે છે ?”

“ના, ગામડામાંથી હું નવીનાબાદ જવા નીકળેલો. રસ્તે પૈસા લૂંટાઈ ગયા, આંહીં કશો ધંધો ન મળ્યો, એટલે હવે હું મરવાનું જ પ્રયાણ કરતો હતો.”

“ઓ મારા બાપ !”

“ના, ના, એમાં કંઈ નહીં, મારા દિલમાં એ બાબતનો કશો સંતાપ નથી.” એને પ્રોફેસર ચંદ્રશેખરે આપેલું જ્ઞાન યાદ આવ્યું.

ગાડીનો માલેક ગૂંચવાડાભરી નજરે તાકી રહ્યો. શામળે પણ પોતે કોને બચાવી લીધો છે તે નિહાળવા નજર ઠેરવી. પોતાના કરતાં એક વરસે મોટેરો પાણીદાર તરુણ : મોં પર લાલી રમવા માંડી છે. આવો નમણો જુવાન આજ જગતમાં પહેલી વાર શામળની નજરે પડ્યો. નિખાલસ ઊઘડતી મુખમુદ્રા; મલકતી આંખો; કોઈ કુમારિકાના જેવાં સોનેરી સુંવાળાં જુલફાં; અંગ ઉપર ફલાલીનની સુરવાલ અને રેશમનું લહેરાતું ખમીસ; જાતવંત પાણીદાર ઘોડલો; રૂપેમઢ્યો ઘોડાનો સામાન : અને રબર ટાયરની ચકચકતી ગાડી નીરખીને શામળ સમજી ગયો કે મેં બચાવ્યો તો છે કોઈ શ્રીમંતને – અર્થાત્, જગતના એક ફતેહમંદ, લાયક, સમર્થ, ભાગ્યવંત માનવીને; માનવજાતના એક મહિમાવંત વીરને, જગતના સ્તંભને મેં જીવતો રાખ્યો છે – નિર્માલ્ય, નિરુદ્યમી ને નિરર્થક બોજો વધારતા કોઈ મામણમૂંડા કે અળશિયાને નહીં.

લક્ષ્મીના લાડીલા એ નૌજવાને કહ્યું : “તું જરા પકડી રાખ, તો હું લગામનો સાંધો કરી લઉં. પછી ચાલ મારી સાથે. હું તને પ્રથમ તો જમાડું.”

“ના ભાઈ, મારે સારુ એવી ઉપાધિ શા સારુ ?”

“અરે વાત છે કાંઈ ? હું શું તને – મારા ઉગારનારને – એમ રઝળવા દઈશ ? તારે સારુ કશું નહીં કરું, એમ ?”

"મને તો આશા નહોતી.”

“તો તો થડંથડા કહેવાય ને ! ચાલ ઊઠ, હું તને સરસ ધંધો અપાવીશ.”

ધંધો અપાવીશ ! શામળનું હૈયું થગનની ઊડ્યું. પણ પ્રો. ચંદ્રશેખરનું તત્ત્વજ્ઞાન એના ભેજામાં ઘૂમતું હતું. હું આ માણસ પાસેથી ધંધો કેમ લઈ શકું ? કોઈ બીજાને કાઢીને મને બેસારશે ને ? ફિકર નહીં. મેં મારા પુરુષાર્થ વડે, મારા દૈવત થકી પ્રાપ્ત કર્યું છે ને ! હું ક્યાં ગૂંટાવવા ગયો છું ? દુનિયાના વિજયવંતોમાં મેં મારું સ્થાન મેળવ્યું છે. નિર્માલ્યોએ તો સમર્થોને રસ્તો કરી આપવો જ રહ્યો. વળી હું તેજુની માને પણ ઠેકાણે પાડીશ.

ઘોડાને ફરી વાર કાબૂમાં લઈ બન્ને જણા ગાડીમાં બેસી ચાલ્યા. રસ્તે પેલા લક્ષ્મીના લાડકવાયાએ શામળના નામઠામની પૂછપરછ કરી. પ્રો. ચંદ્રશેખરની પણ વાત નીકળી. તુરત જ એ જુવાને ઉચ્ચાર કાઢ્યા : “ઓહો, પેલો બેવકૂફ બુઢ્ઢો શેખરડો કે ?”

“તમે એને ક્યાંથી ઓળખો ? કૉલેજમાં ભણ્યા છો તમે ?”

“ભણતો – મારા બાપ હયાત હતા ત્યાં સુધી. ભણવા ઉપર તો મને ધિક્કાર છૂટે છે. મોટો મૂરખો છે એ તો. તમને કેવો લાગ્યો ?”

“મને તો એણે મોટાં રહસ્યો બતાવ્યાં.”

“શાં રહસ્યો ?”

“– કે આ બેકારીનું ખરું રહસ્ય શું છે. એણે કહ્યું કે દુનિયામાં લોકો ક્યાંય સમાતા નથી, વધી પડ્યા છે, અને હું જીવનસંગ્રામમાં હારી ગયેલો નાલાયક છું. તેથી મારે જિંદગીમાંથી ઊખડી જવું જ જોઈએ.”

“સાલો ગધાડો ! એવું કહ્યું ?” શ્રીમંતના પુત્રે પ્રોફેસરના નામ પર પુષ્પવૃષ્ટિ કરી. શામળને એવા શબ્દપ્રયોગો ન ગમ્યા, પણ એને લાગ્યું કે એવાં વચનો કાઢવાનો સમૃદ્ધિવંતોને – સમર્થોને અધિકાર હશે.

તેટલામાં તો ગાડી એક દરવાજામાં વળી. દરવાજા પરના પાટિયામાં મોટા અક્ષરો ચળકતા હતા : ‘નંદનવન’. શામળે અચંબો પામી પૂછ્યું : “આપણે ક્યાં જઈએ છીએ ?”

“મારે ઘેર.”

“તમે આંહીં રહો છો ?”

“હા.”

“આંહીં તો હું કામ માગવા આવેલો, ને મને દરવાજેથી જ ધક્કો દઈ બહાર કાઢેલો.”

“સાલા બેવકૂફોએ એવું કરેલું ! ખેર, હવે તમને કોઈ નહીં કાઢી શકે.”

“પણ તમારું નામ શું ?”

“તેં અનુભવથી ન કલ્પી લીધું ?”

“શી રીતે ?”

“કેમ ? આ સ્થળ શું છે તે તું નથી જાણતો ?”

“ના, શું છે ?”

“આ લક્ષ્મીનંદન શેઠનો નિવાસ-મહેલ.”

“લક્ષ્મીનંદન શેઠનો ?” શામળ ચકિત નજરે નિહાળી રહ્યો.

 “હું એનો પુત્ર છું. મારું નામ આદિત્યકુમાર, મને સહુ દિત્તુભાઈ કહી બોલાવે છે.”