સત્યની શોધમાં/વિશ્વબંધુત્વ-સમાજ

વિકિસ્રોતમાંથી
← ધર્મપાલજી સત્યની શોધમાં
વિશ્વબંધુત્વ-સમાજ
ઝવેરચંદ મેઘાણી
વિનોદિનીને ઘેર →


15

વિશ્વબંધુત્વ-સમાજ

“શામળભાઈ આવ્યો ! માડી, શામળભાઈ !” એવા હર્ષની બૂમો પાડતાં ચારે છોકરાં શામળને બાઝી પડ્યાં. એક એને ગળે વળગ્યો, બીજો ખભે ચડ્યો. બે છોકરીઓ એના હાથ ઝાલી ફુદરડી ફરવા લાગી. ફક્ત તેજુ જ દૂર ઊભી ઊભી હેત નિતારતાં નેત્રે નિહાળતી હતી.

તેજુની મા શ્વાસભર્યાં આવ્યાં : “અરે માડી ! તું ત્રણ દીથી ક્યાં હતો ? અમે તો રોજ વાટ જ જોયા કરતાં. રાતે વા’નાં કમાડ ખખડે તોયે તેજુ તો ‘ભાઈ આવ્યો !’ કહેતી ઊંઘમાંથી ઝબકીને કમાડ ઉઘાડતી.”

“હેં તેજુબેન !” શામળે તેજુ તરફ જોયું. તેજુ નીચું જોઈ ગઈ.

“પણ તારું તે શું થયું’તું, માડી ?”

“અરે મા, ત્રણ દિવસમાં તો ત્રણ ભવ થઈ ગયા. જેલમાં પડ્યો, ફાંસીએ જાતો રહી ગયો, મોટા ચોરની ભેળો ચોર થયો, ખાતર દીધું, ને ઊલટાનો ઠેકાણે પડ્યો. કાલ તો હવે નોકરી જડશે મને !”

“સાચેસાચ ? બેસ બેસ, માડી. બધી વાત માંડીને કર.”

ઉંબરમાં જ સહુ બેસી ગયાં. તેજુની મા ઝાંખી આંખે હાથની છાજલી કરીને શામળ પાસે બેઠી. છોકરાં જાણે કોઈ પરીની વાર્તા સાંભળતાં હોય તેમ ડાચાં વકાસી રહ્યાં. થોડે આઘે તેજુ બેઠી. એના બેઉ હાથે લમણાં ટેકવેલા છે. એની આંખમાં કે એના મોં પર કશી લાગણી નથી. મૂર્તિમંત મૂંગી વેદના બેઠી છે એ તો.

એ કુટુંબ-મેળાને શામળે પોતાના પરાક્રમની આખી કથા કહી સંભળાવી.

આશ્ચર્યની દૃષ્ટિએ સહુ જોઈ રહ્યાં. તેજુની મા કહે કે “આય ઠીક એક રોનક થયું છે, માડી ! હદ છે તારી છાતીને !”

છોકરાંને તો ઘરમાં કોઈ એક વાર્તા માંહ્યલો વીરપુરુષ ક્યાંઈકથી ઊતરીને આવ્યો હોય એવું થયા કર્યું.

“તેજુબહેન ક્યાં ગઈ ?” શામળ શોધવા લાગ્યો.

વાત ચાલતી હતી ત્યારે તેજુને વારંવાર ખાંસી આવતી હતી, વાતમાં દરેક વખત વિક્ષેપ પડતો હતો. છોકરાંને અને માને એટલો રસ પડ્યો હતો કે તેજુને ઉધરસ આવે ત્યારે તેઓ કચવાઈને નિહાળી રહેતાં. પછી ખાંસી તેજુની દાબી કેમેય ન રહી ત્યારે નાની બહેન લાડુ બોલી : “બોન તો ભારી, ભૈ! ખોં ખોં કરતી કાન પડ્યું સાંભળવાય ન દિયે.” એથી તેજુ બહાર જઈ ઊભી હતી.

શામળે વાત પૂરી કરીને તેજુને શોધી, બહાર ઊભેલી ત્યાં જઈને એને પૂછયું : “તેજુબેન ! કેવી લાગી આખી વાત ?”

તેજુની પાંપણો વચ્ચેથી આંસુ ડોકાયાં.

“કેમ કોચવાય છે ?”

“કંઈ નહીં, ભાઈ ! મને આજ કશું જ ગમતું નથી. છાતી દુખે છે. આમ હું શી રીતે સંચે ઊભી શકીશ ?”

“તું ફિકર ન કર. તને તો હું પહેલી ઠેકાણે પાડવાનો છું. સાંભળ તેજુબેન ! પંડિત ધર્મપાલજી તો પ્રભુના દૂત જેવા પુરુષ છે. એ તો બાપડા બીજાને મદદ કરવા સારુ તલખે છે. એના દરિદ્ર ઉદ્ધાર-સંઘમાં કંઈક શેઠિયા પડ્યા છે. ક્યાંઈક એ તને ઠેકાણે પાડી દેશે. હું એને કાલે જ મળીશ.”

શામળે ધર્મપાલજીની પરગજુ વૃત્તિની ને નાની વીણાની વાતો કરીને તેજુની સન્મુખ એક કનકમય સૃષ્ટિ ખડી કરી.

 બીજે દિવસે શામળ પં. ધર્મપાલજીને ઘેર પહોંચ્યો કે તુરત જ પંડિતજીએ એને વધામણી આપી કે “શામળ, તારે સારુ અમારા પ્રાર્થનામંદિરમાં જ જગ્યા કરી છે. અમારો અત્યારનો વહીવટકર્તા બુઢ્ઢો થયો છે; તેને કાઢવો નથી, તેથી તને તેના સહાયક તરીકે નીમીએ છીએ.”

શામળ કોઈ મધદરિયે ડૂબતા નાવમાંથી ઊંચકાયેલા નાવિકની પેઠે ગળગળો બની ગયો. પોતાના ઉદ્ધારકને એણે મનથી ઈશ્વરતુલ્ય માન્યા.

પછી એણે તેજુના દુઃખી પરિવારની વાત કહીને કહ્યું : “સાહેબ, આપને સારુ દરિદ્રસેવાની આ તક છે. મારાથી એ કુટુંબનું દુઃખ જોવાતું નથી.”

ધર્મપાલજી હસ્યા : “અરે ગાંડા, એવાં તો અનેક પડ્યાં છે. હું શું કરી શકું ?”

“પણ સાહેબ, તેજુ બાપડી મરી જશે. એ લીલુભાઈ શેઠની મિલમાં સંચો ચલાવે છે. લીલુભાઈ શેઠ તો આપના સંઘની ભુવનેશ્વર-શાખાના સભ્ય છે. આપ ન કહો એમને ?”

“પણ એ શેઠિયા માણસને સેંકડોમાંથી એક મજૂરની ભલામણ શી રીતે કરી શકાશે ?”

“એ ન સાંભળે ?”

“સાંભળે – પણ એને હજાર કામ હોય –” ધર્મપાલજીના મનમાં ગૂંગળામણ સ્પષ્ટ દેખાતી હતી.

નાની વીણા પોતાના ચોરભાઈને નીરખતી અને એની તરવરાટભરી વાતો સાંભળતી, એની ચકચકિત આંખોના ચંચળ હાવભાવ જોતી ત્યાં જ બેઠેલી. એ નજીક આવી, બોલી : “બાપાજી ! આપણે વિનોદબહેનને જ વાત કરીએ તો ?”

“હા, એ બરાબર !” શામળનું કલેજું જાણે એ શબ્દોમાં છલંગ મારી ઊઠ્યું.

 “કાલે રવિવાર છે. સવારે તું ત્યાં આવ. વિનોદબહેનનો મેળાપ ત્યાં આપણા મંદિરમાં થઈ શકશે.”

બીજે દિવસે પ્રભાતે શામળ તેજુની જોડે ભુવનેશ્વર હિલ પરના પ્રાથનામંદિર પર હાજર થયો. તેજુ કંઈક ઉંમરલાયક દેખાય તે માટે માએ એને પરણેલી સ્ત્રીની ઢબમાં છાયલું પહેરાવેલું. એના ટૂંકા વાળના અંબોડાની અંદર એક કાળી ઊનનો ગોટો ઘાલ્યો હતો કે જેથી અંબોડો મોટો લાગે.

લૅન્ડોર, રૉલ્સ રૉઈસ, ટુ-સીટર વગેરે એક પછી એક આવીને ઊભી રહેતી મોટરો વચ્ચે થઈને જ્યારે શામળ અને તેજુ માંડ માંડ મંદિરને પગથિયે ચડ્યાં, ત્યારે દૃષ્ટિ ભૂલી પડી જાય, આંખો અંજાઈ જાય, આભા બની જવાય, અલૌકિકતા ભાળીને મીઠો ગભરાટ છૂટે તેવો મામલો મચ્યો હતો. ઈમારતની બાંધણી અદ્‌ભુત હતી. મોટરોમાંથી ટપોટપ ઊતરતાં સ્ત્રી-પુરુષો પણ કોઈ સ્વર્ગલોકમાંથી જ આવતાં હતાં જાણે. શા પોશાક ! શાં એ લાવણ્ય ! શાં ગરવાં ગોરાં મુખકમળો ! શો મરોડ સહુની ગતિનો ! તેજુને થયું કે ઈશ્વર આંહીં ન આવે તો બીજે ક્યાં જાય ? પ્રભુનાં લાડકવાયાં લોક આવાં ન હોય, તો બીજાં કોણ આવાં હોય ?

ધૂપ, દીપ અને સંગીત થકી તરબોળ બનેલા એ આલેશાન ખંડમાં એક બાજુ પુરુષોની ખુરશીઓ હતી, બીજી બાજુ સ્ત્રીઓની : સામેના સિંહાસન ઉપર શ્રી ધર્મપાલજીના મુખથી જ્ઞાનામૃતની ધારાઓ વહેતી હતી. ‘દેશની ગરીબી અને ધર્મનું અધ:પતન’ ઉપર એ જ્યારે બોલતા હતા, ત્યારે એમનો સોનેરી છેડાવાળો દુપટ્ટો અને રેશમી કફની વીજળી-પંખાના વાયુ-હિલ્લોલ વડે લહેરાતાં હતાં. ને લહેરે લહેરે સાત્ત્વિક કોઈ સેન્ટ-અર્કની બો છૂટતી હતી.

તેજુને શામળે આગળની બેઠક પર બેસારી, ત્યારે એનું મોં ભયભીત હરણી જેવું હતું. પછી જેમ જેમ બીજાં શ્રીમંત બૈરાં આવતાં ગયાં, તેમ તેમ “બાઈ, તું જરા પાછળ બેસજે !” એમ કહી કહી પટાવાળાઓ તેજુને પછવાડે ખસેડતા ગયા.

શામળ ધર્મપાલજીની બાજુમાં હતો. ધર્મપાલજીએ પૂછ્યું : “કોણ - તમે એને તેડી લાવેલ છો ?”

“જી, હા.”

“અંત્યજ તો નથી ને ?”

"જી ના, મેં આપને કહ્યું હતું તે તેજુ છે.”

“પછી લાવવાં હતાં. ઠીક, કંઈ નહીં.”

વિનોદબહેન દાખલ થયાં ત્યારે આખી સભાનાં નેત્રો એના ઉપર ઠર્યાં. ધર્માલયમાં શોભે તેવી ભગવી સાડી; કંઠમાં પણ વૈરાગ્યનો ભાસ કરાવતી રુદ્રાક્ષના ઝીણા પારાની, સોનેરી સાંકળીમાં પરોવેલ માળા; છૂટા જોગણ-શા કેશ; ગંભીર ઢળતી આંખો; સૌદર્ય ઉપર ગમગીનીની આછી આછી છાંટ.

શામળે પોતાની પરમેશ્વરી દીઠી. આ પ્રાર્થનામંદિરમાં ઈશ્વરની નિકટમાં નિકટ વિનોદબહેન વિના બીજું કોણ હોય ?

સભા વિસર્જન થયે શામળ ડરતો ડરતો વિનોદબહેનની પછવાડે એની મોટર પાસે પહોંચ્યો, વંદન કર્યાં.

“ઓહો શામળજી ! તમે અહીં !” ચકિત બનેલાં વિનોદબહેને શૉફરને કહ્યું, “મશીન જરા બંધ કર !”

એ માન વિનોદબહેને કોઈકને જ આપ્યું હશે !

શામળે ટૂંકામાં પોતાની નવી નિમણૂકની તેમ જ તેજુની વાત કહી.

મલકતે મુખે, ગળાની માળાના પારા પર હાથ ફેરવતાં ફેરવતાં ને બન્ને મદીલાં નયનો શામળ પર ઠેરાવી એમણે કહ્યું : “અત્યારે તો મારે બીજે જમવાનું છે. કાલે સવારે એ બાઈને લઈને મારે બંગલે આવો. આવશો ?”

“જી, ભલે.”

“જરૂર, હાં કે ?”

મોટર પાણીના રેલા જેવી શાંત ગતિથી ચાલી ગઈ, પરંતુ શામળ તો હજુ કોઈ સ્વપ્ન જોતો જાણે ઊભો છે. વિનોદબહેનની એ વેધક મીટ મંડાઈ ત્યારે એના ગાલ ઉપર જે લાલ લાલ રુધિર છલંગો દેતું હતું, એના અંગેઅંગમાં જે ધમધમાટ જાગ્યો હતો, તે હજુય નહોતાં વિરમ્યાં. આ તે કઈ જાતની ઊર્મિઓ એના દેહની પ્રત્યેક કરીને સિતારના તારની માફક ધ્રુજાવતી હતી !

શામળ પાછો મંદિરમાં ગયો. તેજુબહેનને ત્યાંથી પરબારી ઘેર મોકલીને પોતે ધર્મપાલજીની સાથે વાતો કરતો એમની સાથે ચાલ્યો. એ સચ્ચાઈથી ભરેલા છોકરાને જાણે કેમ કોઈ જગત-સુધારણાનો ઇલમ હાથ લાગી ગયો હોય તેવી ગાંડાઈથી એણે વાત શરૂ કરી :

“બે જ મિનિટ આપને એક વાત કહેવી છે.”

“પણ મારે જમવા જવું છે.”

“આપને અડચણ ન હોય તો હું આપની સાથે ચાલતો ચાલતો વાત કરું વાત બહુ જરૂરી છે.”

ધર્મપાલજીને આ તો લપ વળગ્યા જેવું લાગ્યું. “ઠીક, ચાલો, શું છે ?”

“મને અધરાતે પથારીમાં પડ્યાં પડ્યાં આ વિચારો આવ્યા છે, સાહેબ ! હું ઊંઘી શક્યો નથી. દિત્તુભાઈ શેઠને આપણે ઠેકાણે ન લાવી શકીએ, હેં પંડિતજી ?”

“શું ? દિત્તુભાઈને ઠેકાણે લાવવાનું ?” ધર્મપાલજી તો ઠરી જ ગયા.

“જી હા ! એ બહુ કુછંદે ચડેલ છે. આપણે એને બચાવી લેવા જ જોઈએ.”

“તારી વાત સાચી છે, શામળ ! પણ એમાં હું લાઈલાજ છું. દિત્તુભાઈ શેઠ વૈષ્ણવ છે. એના ઉપર તો એમના આચાર્યોની જ લાગવગ છે. આપણે એમને આપણા પંથમાં ભળવા ન લલચાવી શકીએ.”

“કેમ ?”

“કેમ કે એ શ્રીમંત છે. એને સદ્‌બોધ આપવા હું જાઉં તો વૈષ્ણવ આચાર્યો રોષે ભરાય. ને અમારે અમારા પંથને કોઈ અન્ય પંથની જોડે ટંટામાં ઉતારવાનું ન પાલવે.”

“પણ એમાં ટંટામાં ઉતારવાનું ક્યાં આવ્યું ? એમાં વૈષ્ણવ આચાર્યોને રોષે ભરાવાનું શું પ્રયોજન ? એમાં શ્રીમંતાઈની શી વાત ?”

“ભાઈ, તું હજુ બાળક છે. તને દુનિયાના વ્યવહારની ખબર નથી. કોઈપણ ધર્મના પંથમાંથી એક શ્રીમંત અનુયાયીને ખેસવવો, એ તે પંથનો થાંભલો તોડવા જેવું થાય.”

“શા સારુ ?”

“કેમ કે દરેક પંથને પૈસાની તો પહેલી જરૂર. દેવાલયો બાંધવાં, ઓછવો કરવા, મૂર્તિઓ પધરાવવી, આચાર્યો-ઉપદેશકોનાં ખર્ચો નભાવવાં, એ તમામ કંઈ પૈસાદારના ફાળા વગર થઈ શકે છે, ભાઈ ? પેટ તો સહુને પડ્યાં છે ને ?”

ધર્મપાલજી એ રીતે વાતને વિનોદમાં ઉડાવવા જતા હતા, પણ શામળને મન એ પરિહાસની વાત નહોતી. એને તો એ જીવનનો ગંભીર ઉગ્ર પ્રશ્ન થઈ પડ્યો, “ત્યારે તો તમારે શું તમારા અનુયાયીઓના ફાળા પર નભવું પડે છે, પંડિતજી ?”

“અં… ના, નહીં.” ધર્મપાલજીએ ત્વરાથી જવાબ વાળ્યો, “મારે તો બીજી સ્વતંત્ર આવક છે.”

“મારી વાત બરાબર સમજો, હો સાહેબ !” શામળે ચલાવ્યું, "દિત્તુભાઈના એકલાના સત્યાનાશની આ વાત નથી. એ તો એની મરજીના ધણી છે. પણ આપ વિચારી તો જુઓ, હર સાલ સાત લાખ રૂપિયા એના હાથે ફના થાય છે. એમાંથી એક દુકાનીય એ રળેલ નથી. એમ તો જુઓ, કે આંહીં હજારો લોકો ‘કામ ! કામ !’ ઝંખતા કામને અભાવે કીડી-મકોડીની પેઠે ચગદાઈ મરે છે. ત્યારે આ બદફેલ જુવાન એકલો સાત લાખનું પાણી કરે છે. આવું ચાલવા દેવાય ?”

“તારી વાત સાચી, પણ શું કરીએ, ભાઈ ? કેટલોક સડો તો વિકાસક્રમના નિયમ મુજબ આપોઆપ જ કાળાંતરે મટશે.”

 “વિકાસક્રમનો નિયમ !” શામળે નવી લપ માંડી. ધર્મપાલજીને શામળનો આ વાર્તાલાપ રૂંવે રૂંવે ચટકા લેતો હતો. છોકરો ગુંદરિયું થઈને ચોંટ્યો હતો. ખામોશી રાખી શાંત ખુલાસા દેવા વગર આબરૂ જળવાય તેમ નહોતું.

“હા ભાઈ હા, તું ન સમજ, પણ વિશ્વમાં કેટલીક અદૃશ્ય શક્તિઓ કામ કરી રહી છે. એ શક્તિઓ મહાન પરિવર્તનો પ્રગટાવશે, પણ એની ગતિ બહુ ધીરી છે.”

“શા માટે ધીરી છે ? કેમ કે લોકો કંઈ કંઈ ગણતરીઓ કરે છે. સાચું કહી શકતા નથી –”

“ભાઈ શામળ !” દિતુ શેઠ જેવા લક્ષ્મીનગરના અગ્રણી પુરુષ વિશેની આ પીંજણ ધર્મપાલજીને ઠીક ન લાગી, એટલે એમણે શામળભાઈની ગાડી બીજે પાટે ચડાવી, “ભાઈ શામળ, તને આવા સામાજિક પ્રશ્નોમાં ખૂબ રસ લાગે છે.”

“જી હા, પણ મારો રસ અનુભવની વેદનાનો છે; મારાથી આ સહ્યું જાતું નથી.”

“તું ખાતરી રાખજે, ભાઈ, કે હું પણ અંદરથી વલોવાઈ રહેલ છું; પરંતુ તારે ધીરજ કેળવવી પડશે –”

“પણ સાહેબ, ભૂખે મરતાં લોકોએ કઈ રીતે ધીરજ કેળવવી ?”

ત્યાં તો ધર્મપાલજીના ઘરનાં પગથિયાં આવી પહોંચ્યાં, “લે ભાઈ, હવે આજ તો આટલું બસ. ફરી આપણે જરૂર ચર્ચા કરીશું. હો કે ?”

એટલું કહેતાં જ ધર્મપાલજી ઘરમાં દાખલ થઈ ગયા. ઉપર ચડીને બારીની ચિરાડમાંથી બહાર નજર કરી : શામળ ધીરે પગલે ચાલ્યો જતો હતો.

“હે પ્રભુ ! માંડ બલા ગઈ.” એટલું કહી, ઊંડો શ્વાસ ખેંચી ધર્મપાલજીએ કપડાં બદલાવ્યાં.